Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિવિધા - ભવેન કચ્છી

વિવેકાનંદનું વિઝન

૧૨મી જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદનો જન્મદિન વિવેકાનંદ ૨૧મી સદીમાં વધુ પ્રસ્તુત

પંડિત રવીન્દ્રનાથ ટાગોર તેમના તત્ત્વજ્ઞાાની વિદેશી મિત્રોને કહેતા કે, 'તમારે ભારતને જાણવું હોય તો વિવેકાનંદને વાંચો.'

- મારે મોક્ષ નથીજોઇતો... ઇશ્વર મને જ્યાં મૂકે ત્યાં જવા તૈયાર છું. એક જ શરત...પ્રેમ કરતો રહું તેવી દ્રષ્ટિ આપો

- શિક્ષણ માત્ર ભૌતિક રીતે સમૃધ્ધ બનાવે તેવું ના હોવું જોઇએ

-પાપ એટલે શું ? જો તમે એમ માનો કે તમે નબળા છો... તો તે પાપ છે

- આ દુનિયાજ ઘડતર માટેનું જીમ્નેશ્યિમ છે

પંડિત રવીન્દ્રનાથ ટાગોર તેમના તત્ત્વજ્ઞાાની વિદેશી મિત્રોને કહેતા કે, 'તમારે ભારતને જાણવું હોય તો વિવેકાનંદને વાંચો.' મહાત્મા ગાંધી, વિવેકાનંદને વ્યક્તિગત રીતે ક્યારેય મળ્યા નથી પણ તેઓ કહેતા કે મારામાં ભારત દેશ પ્રત્યેનું ગૌરવ અને અનુકંપાભરી જીવનદ્રષ્ટિ વિવેકાનંદના વિચારો વાંચીને વિકસી છે. ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ વિવેકાનંદે શિકાગોમાં વિશ્વધર્મ પરિષદમાં જે સંબોધન કરેલું તે તો ગૌરવપૂર્ણ ઇતિહાસ બની રહ્યો છે.

અહિંસક આઝાદીના લડવૈયાઓ જ નહીં પણ સુભાષચંદ્ર બોઝ જેવા હજારો ક્રાંતિકારીઓ વિવેકાનંદની પ્રેરણા લઇને આધુનિક ભારતનું સ્વપ્ન સેવવા માંડયા હતાં.

માત્ર ૩૯ વર્ષની આવરદા ધરાવનાર વિવેકાનંદ (૧૨ જાન્યુઆરી, ૧૮૬૩-૪ જુલાઈ ૧૯૦૨) માત્ર હિંદુ ધર્મના લેજન્ડરી દ્રષ્ટા કે જીનિયસ સાધુ નહોતા. પણ હિંદુ ધર્મને સનાતન કે વિશ્વધર્મ તરીકે પ્રસ્થાપિત કરી શકાય તે રીતે તેમણે વેદો-ઉપનિષદો અને પુરાણમાંથી સંસ્કૃતિ, પરંપરા, તમામ શાસ્ત્રો, રાજનીતિ અને વિજ્ઞાનના રહસ્યોની સમજૂતી આપી હતી.

તે અરસામાં તો આપણી પ્રજા સાવ ગરીબ, અભણ, ગુલામ અને લઘુતાગ્રંથિ હેઠળ પોતાની જાતને પશુ કરતા બદતર માનતી હતી. વિવેકાનંદે તેવા સંજોગોમાં પ્રજામાં ખુમારી, આત્મવિશ્વાસ, ધર્મ અને રાષ્ટ્રપ્રેમ જેવા ગુણો વિકસાવી લોહીને ફરતું કર્યું. ગરમ કર્યું. પ્રાણ પૂર્યા હતાં.

એક તરફ પ્રજાને ઢંઢોળી તો બીજી તરફ ઢોંગી-પાખંડીઓ અને શોષણખોરોને ચાબખા પણ લગાવ્યા. પશ્ચિમના ખાન સાહેબ જેવા ઘમંડીઓના શાસ્ત્રાર્થ થકી કાન પકડાવ્યા હતા.

સ્વામી વિવેકાનંદના તત્ત્વજ્ઞાાનના કેન્દ્રસ્થાને 'જ્યાં છો ત્યાંથી ઊંચાજવાનું ધ્યેય' છે. વિશ્વના નાગરિકોમાં વિવિધતા છતાં વૈશ્વિકબંધુ જેવો સદ્ભાવ ખીલે અને જેમની પાસે કંઇક છે તે થોડું જરૃરિયાતમંદને આપે તે જ હતું.

વિવેકાનંદે જ જમશેદજી તાતાને મંદિરની જગ્યાએ ઔદ્યોગિક એકમ સ્થાપીને પ્રદાન કરવાની હિમાયત કરી હતી. વિવેકાનંદે લખેલા પત્રો, પ્રવચનો કે તેમના દ્વારા જે પણ સર્જન થયું તેમાંથી કેટલીક રત્નકણિકાઓ લઇને જીવનમાં ઉતારવા જેવી છે. આ એવા વિચારો છે જે માનવજગત અને ભારતના સંદર્ભમાં પણ હવે વધુ ઉપયોગી અને પ્રસ્તુત બનશે. અહીં આપેલા તેમના વિચારો અક્ષરશઃ નથી. તેમને સરળતાથી સમજી શકાય તે માટે મર્મને અકબંધ રાખીને થોડી છણાવટ કરીને રજૂ કર્યા છે.

વર્તમાન  પ્રત્યે  સજાગ રહો

વિવેકાનંદજી કહેતા કે કોઈ એક સારો વિચાર પસંદ કરો. જીવનભર તે વિચાર કે ધ્યેય માટે ચિંતન કરતા રહો, તેના જ સ્વપ્નમાં ગળાડૂબ રહો, મસ્તિષ્ક, સ્નાયુઓ, જ્ઞાાનતંતુ, શરીરના એકએક અંગને તે ધ્યેયસિદ્ધિ માટેના વિચારોથી ભરી દો. બીજા તમામ વિચારો-ધ્યેયને તમારામાં પ્રવેશવા ન દો. આમ કરવાથી સફળતા તમારા કદમોમાં હશે. આ રીતે મહામાનવોનું સર્જન થતું હોય છે.

તેમણે એમ પણ કહ્યું છે કે આપણે જ આપણાં શિલ્પી છીએ. આજે આપણે જેવા પણ છીએ તેના માટે આપણા કાર્યો અને ઇચ્છાશક્તિ જ જવાબદાર છે. ભૂતકાળમાં આપણે જે રીતે વર્ત્યા તેવા આપણે આજે છીએ. આજે વર્તમાનમાં જે પ્રમાણે કરીશું તેવા આપણે ભવિષ્યમાં બનીશું. આથી જ આપણે આપણા વર્તમાન જીવન અને કાર્ય પ્રત્યે ભારે સજાગ અને જાગૃત રહેવાનું છે.

પાપ એટલે શું ?

જો કોઈ એક પાપ હોય તો તે તમે નબળા છો તેમ માનવું તે છે. બીજો નબળા છે તેમ માનવું પણ એટલું જ પાપ છે. આપણા માટે કંઇ અશક્ય નથી.

'સ્વ' જ શિક્ષક

તમારે જ તમારી જાતને સુધારવી પડશે. તમારામાં કોઈ પરિવર્તન નહીં લાવી શકે. તમારા 'સ્વ' કે આત્માથી વધુ તમારો સારો શિક્ષક કોઈ બની જ ન શકે.

જ્ઞાન બહારથી નથી આવતું

માનવજગતનો મુખ્ય ધ્યેય જ્યાં છે ત્યાંથી ઉપર તરફ ઉઠવાનો હોવો જોઇએ. જ્ઞાાનથી જ આ શક્ય બને છે. દુનિયાનું કોઈ જ્ઞાન બહારથી નથી આવતું. તે આપણી અંદરથી જ પ્રગટી શકે.

આપણે કંઇ શોધતા નથી

આપણે ખરેખર તો કંઇ શોધતા નથી હોતા. જે અત્યાર સુધી આપણી જાણ બહાર હતું તેને શોધી કાઢતા હોઈએ છીએ. 'ઇન્વેન્શન' કરતાં 'ડિસ્કવર' વધુ સારો શબ્દ છે. તેવી જ રીતે આપણામાં પણ અખૂટ વિચારો, સંસ્કારો, શક્તિ મોજૂદ છે. તેના પરથી આવરણો હટાવી તેને શોધી કાઢવાના છે.

શબ્દોનો વૈભવ ગૌણ

શબ્દોનો વૈભવ ગૌણ બાબત છે. આપણે વિચારોથી જીવીએ છીએ. શબ્દો નહીં વિચારો યાત્રા કરે છે અને કરાવે છે.

ભગવાન ક્યાં ?

જો આપણે આપણામાં અને બીજામાં ભગવાનને નહીં જોઈ શકીએ તો ભગવાન બીજે ક્યાંય નહીં મળે. 'તમે પ્રફુલ્લિત, આનંદિત અને સ્ફૂર્તિમય હો તે ધાર્મિક હોવાની પ્રથમ નિશાની છે.'

જિન્મેશિયમ

આ દુનિયામાં જ ઘડતર માટેનો અખાડો (જિમ્નેશિયમ) છે. તેમાંથી જ તમારે મજબૂત (શારિરીક અને માનસિક રીતે) બનતા શીખવાનું છે. જેટલું આપણે બીજાના ભલા માટે કરીશું તેટલો આપણને સુખ અને આનંદનો અહેસાસ વધુ થતો જશે.

મદદ થાય ?

આંખો પર હાથ ઢાંકીને પછી આપણે રડીએ કે સર્વત્ર અંધારું અને નિરાશા છે તો તમને કોણ મદદ કરી શકે ?

મોક્ષનું શું કામ

મારે મોક્ષ નથી જોઇતો. જો માનવજગતનો ઉદ્ધાર થતો હોય તો જન્મોજન્મ નરકમાં જવાનું પસંદ કરીશ. આપણે જેવું વિચારીએ, ઇચ્છાશક્તિ રાખીએ તેવો જ બીજો જન્મ થાય ને. તમે જાણો છો... મારે ફરી પૃથ્વી પર જન્મ લેવો જ પડશે, કેમ કે હું માનવજગતના પ્રેમમાં પડી ગયો છું.

પ્રેમ કરતો રહું

હું બધાને પ્રેમ કરતો રહું. હું ઇશ્વર પાસે બીજું કંઇ નથી માગતો. ઈશ્વર મને જ્યાં મૂકે ત્યાં જવા તૈયાર છું. એક જ શરત, પ્રેમ કરતો રહું તેવી દ્રષ્ટિ આપે.

ઇચ્છાશક્તિ

કોઈપણ ઇચ્છા મફતમાં નથી ફળતી. તેના કારણો અને પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડે જ છે. ઇચ્છાથી મુક્તિ ન મળે. મુક્તિની દુનિયા ઇચ્છાથી પર છે.

ધર્મનું કાર્ય

ધર્મનું કાર્ય માણસમાં અંદર જ ધરબાયેલી અજ્ઞાાનતા અને વિકૃતિને શમન કરીને તેની દિવ્યતાને બહાર લાવવાનું જ હોઈ શકે.

ઉભરો

જે બહાર આવે છે કે દેખાય છે તે ઉભરો હોય છે. અંદર કેવું હશે તેની આ ઉભરા પરથી કલ્પના કરો.

પાવર ટુ ગીવ

આપવાનું અભિમાન કરવા કરતાં તમને આપવાની તક, ક્ષમતા અને સંસ્કાર મળ્યા છે તે બદલ ઈશ્વરનો આભાર માનો. તમારી શુદ્ધિના દ્વાર ખુલી રહ્યાં છે.

માફ કરજો

જો તમે કોઇને કંઇ આપી શક્તા ન હો તો તેના તરફ ધિક્કારભરી દ્રષ્ટિ કરવા કરતાં તમે તેને કંઇ આપી શક્તા નથી તેમ કહી બે હાથ જોડો. તેને આવી સ્થિતિમાંથી મુક્તિ મળે તેમ મનોમન પ્રાર્થના કરીને આગળ ધપો.
 

શિક્ષણ એટલે શું ?

શિક્ષણ તમને માત્ર ભૌતિક રીતે જ સમૃદ્ધ બનાવે તેવું ન હોવું જોઇએ.

તમારામાં માનવજગત અને તેના ઉત્થાન માટેની ભાવના જગાવે તેની અનિવાર્યતા છે. મને યુવાનો પાસે નવનિર્માણની આશા છે. મને એવા યુવાનો આપો જે બુદ્ધિથી તેજ અને હૃદયથી ધબકતા હોય.

દરિદ્રનારાયણ

ભૂખ્યાજનોની તૃપ્તિ સંતોષ્યા સિવાય તેને જ્ઞાાન અને ભક્તિના માર્ગે કેમ વાળી શકાય ? પ્રત્યેક જરૃરિયાતમંદમાં શિવનાં દર્શન કરો. મૂર્તિને ભજવાથી શિવ નહીં મળે.

નદીઓનો માર્ગ

નાત-જાત-ધર્મ ઈશ્વરને સમજવા માટેના માર્ગના સંદર્ભમાં અલગ હોઈ શકે, પણ બધાને એ જ જ્ઞાાન મળવું જોઇએ કે ઇશ્વર કે સર્વોપરી સંચાલક સત્તા એક જ છે. ધર્મ પ્રત્યે ગૌરવ હોવું ખોટું નથી. પણ મારો જ ધર્મ સર્વશ્રેષ્ઠ અને બીજાના ઉતરતા તે અજ્ઞાાન જ ભાવિ વિશ્વ અને સમાજમાં અરાજકતા-પછાતપણા માટે નિમિત્ત બની શકશે. બધા ધર્મો અને ધર્મગ્રંથોનો તમે નિખાલસતાથી અભ્યાસ કરો. તમને સ્પષ્ટ જોવા મળશે કે તેઓ પણ માનવ કલ્યાણ, ઉત્થાન અને વિશ્વની સુખાકારીનો જ ધ્યેય ધરાવે છે. જુદી જુદી નદીઓ, જુદા જુદા માર્ગોથી દરિયામાં ભળી જાય છે તેમ.

ભારત જ વિશ્વ ઉદ્ધારક

વિશ્વમાં જ્યારે પણ વૈમનસ્ય, સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક કટોકટી સર્જાશે, અધઃપતન અને પડતીનો માહોલ જોવા મળશે ત્યારે ભારત દેશ જ તેઓને ઉગારશે. તમે જોજો, ભારતની પ્રજા, તેઓની જીવનપધ્ધતિ, સમાજ વ્યવસ્થા, ધર્મનો પ્રભાવ, વેદોના આધારે કોઈપણ સમય કે સદીમાં વ્યવહારુ લાગે તેવું અપાતું સનાતન પ્રત્યક્ષ કે પરોક્ષ રીતનું જ્ઞાન, તહેવારોનો મર્મ, પરંપરા વિશ્વને સ્પર્શશે. સાચા દિવ્ય સુખનો અહેસાસ ભૌતિકવાદી નથી તેનો પ્રચાર પ્રસાર ભારત દેશથી જ થશે. વસુધૈવ કુટુંબકમ્ની જે ભાવના આપણા પૂર્વજોએ સદીઓ પહેલાં આપી છે તે ભવિષ્યમાં વૈશ્વિક નાગરિકના ખ્યાલ તરીકે બહાર આવશે. વિશ્વને દિવ્યતા અને માનવતા હોવાનો અહેસાસ કરાવવા ભારત સામે જોવું જ પડશે.

રાષ્ટ્રગૌરવ

આપણે ત્યાં જેની કદર થાય તેવી વિશ્વપ્રતિભા છે. પણ કમનસીબે જે સંસ્કૃતિ-પરંપરાને વિદેશમાં થઇને ભારત પરત આવે આપણે તેને હોંશભેર વધાવીએ એટલું જ નહીં, તેમાં ગૌરવ અનુભવીએ તે કેવી આઘાતજનક બાબત છે. પશ્ચિમનું આંધળું અનુકરણ કરો તો શિક્ષિત અને સભ્યસમાજના ગણવા તેવી દ્રષ્ટિ નમાલાપણું લાવે છે. ભારતીયતાનું ગૌરવ પ્રત્યેક નાગરિકમાં હોવું જોઇએ. બીજા દેશો જુઓ, તેઓને રાષ્ટ્રનું ગૌરવ છે. હંમેશા તેમાં તેવું નથી હોતું છતાં પણ તેવી ભાવના ધરાવે છે.

પર્યાવરણની સમતુલા

આપણી જીવનશૈલી, અસ્તિત્વ અને સુખાકારી કુદરત-પ્રકૃતિ અને અન્ય જીવોના સહ-અસ્તિત્વ સાથે જોડાયેલું છે. આમાંથી કોઇની પણ સમતુલા ખોરવાય તો છેલ્લે તો પ્રકૃતિ અને અન્યજીવોની સાથે આપણે હજી સહન કરવું જ પડશે. પૃથ્વીનું નિર્માણ જ તે રીતે થયું છે. પૃથ્વી માનવીઓ માટે જ નથી. અરસપરસ આધારિત અને શૃંખલા જેવી રચના છે. તમે કુદરતને, પર્યાવરણને લૂંટીને, સમતુલા ખોરવીને માનવજગતને સધ્ધર નહીં કરી શકો. જો કુદરતના લય અને ક્રમ તોડશો તો ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહેજો.

રાજનેતાનો ધર્મ

ધર્મને હિંદુ, મુસ્લિમ ખ્રિસ્તી જેમ વર્ગીકૃત કરીને જ માત્ર ન જુઓ. પ્રત્યેક વ્યક્તિ, સમાજ, પ્રવૃત્તિ કે વ્યવસાયનો ધર્મ હોય છે. નેતાઓએ રાજકારણીનો ધર્મ નિભાવવાનો છે અને શિક્ષકે શિક્ષકનો. માનવધર્મ સર્વોપરી છે.

'ઓમ'ના મંદિર બનાવો

બધા તેમની શ્રધ્ધા પ્રમાણે જુદા જુદા ભગવાનોના મંદિરોમાં પૂજા-અર્ચના કરે છે તે પણ ખોટું નથી. જો કે તેને લીધે ભેદ અને ચડસાચડસી પણ જોવા મળે છે. આપણામાં એકતા નહીં હોવાને કારણે એક રાષ્ટ્ર કે ધર્મની પ્રજા તરીકેનું ખમીર જન્મ નથી લઇ શક્તું. તેના કરતાં ભારતમાં કોઈ ઇષ્ટદેવ-દેવીના કે ધર્મોના સ્થાનકો કરતાં 'ઓમ'નું જ મંદિર હોવું જોઇએ.

ઓમ (ॐ)ને કોઈ નકારી શકે તેમ નથી. ઓમ માનવમાત્રને તેના પરમ મૂળ કે ઊંડાણમાં લઇ જાય છે. 'ઓમ'નો ધર્મ અને વિજ્ઞાાન પણ છે. ધર્મ અને વિજ્ઞાાન અલગ બાબત નથી. અર્થઘટન ખોટું થયું હોય તેવું લાગે છે. વેદો-ઉપનિષદો કે ધર્મગ્રંથોમાં વિજ્ઞાાન જ છે. રહસ્યોનું સમાધાન છે. પુરાણના સહારે જીવો કે વેદોના અંતે તો માનવ અને વિકાસની જ વાતો છે. સત્યનો જ વિજય બતાવાયો છે.

પરંપરાની યથાર્થતા

શિક્ષણના તમામ વિષયો, અભ્યાસક્રમ એવા હોવા જોઇએ જે આપણી પરંપરા, ઋષિઓએ કરેલા સંશોધનો, જ્ઞાાનને યથાર્થ પુરવાર કરે. તમે નહીં કરો તો વખત જતા તેવું આપોઆપ થવાનું જ છે. આપણું શિક્ષણ સૃષ્ટિના સર્જનહાર પ્રત્યે સદ્ભાવ વધે તેવું હોવું જોઇએ. બૌદ્ધિકો અને નાસ્તિકો સર્જવા માટેનું શિક્ષણ ન જ હોઈ શકે.

નાસ્તિક છો ?

તમે ભલે એમ કહો કે નાસ્તિક છું કે પછી બુદ્ધિશાળી છું. તમારા કહેવાથી કોઈ ફર્ક નથી પડતો. તમે કુદરતે જ બનાવેલા વાતાવરણ, પ્રકૃતિ કે તમારી અંદર ચાલતી સૂક્ષ્મ-સ્થૂળ શરીરની દુનિયાથી બચીને ક્યાં જશો. હા, એટલી ખાતરી આપી શકાય કે તમે નાસ્તિક બનશો તો ખરા હૃદયનો આનંદ કે ઉમળકો નહીં જ અનુભવી શકો, કેમ કે તમેજ ઘર્ષણ અને સંઘર્ષ સર્જ્યો છે. આપણા સૌમાં રહેલું ધર્મ અને સંસ્કૃતિનું વંશીય લોહી આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ, આપણને આસ્તિક રાખતું હોય છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments