Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિવિધા - ભવેન કચ્છી

પાકિસ્તાનમાં ચાણક્યની ઉપેક્ષા કેમ ?

'હાલનું પાકિસ્તાન તેના સ્થાપકોના સ્વપ્નનું નથી' : ઐતાઝ અહેસાન

પાકિસ્તાનના ઇતિહાસવિદ્ અને પત્રકાર સૈફ તાહિરે ત્યાંના અખબાર 'ડૉન'માં નિડર લેખ લખ્યો છે
 

પાકિસ્તાનમાં જેના અવશેષો છે તે ૨૬૦૦ વર્ષ જૂની તક્ષશિલાનો દબદબો હતો : ચાણક્ય, ચરક, જીવાક, પાણિની અને વિષ્ણુ શર્મા જેવા જીનિયસો તક્ષશિલાના આચાર્ય હતા

પાકિસ્તાનના સિનિયર પત્રકાર સૈફ તાહિરે રાવલપીંડીથી ૩૫ કિલોમીટર દૂર આવેલી તક્ષશિલા વિદ્યાપીઠની પુરાતત્વ સાઇડની મુલાકાત લઇને તેની સલામતીની પરવા કર્યા વગર ત્યાંના અગ્રણી દૈનિક 'ડૉન'માં તસવીરસહ વિસ્તૃત લેખ લખ્યો છે જેનું શિર્ષક છે ''વ્હાય ઈઝ ગ્રેટ ફિલોસોફર કૌટિલ્ય નોટ પાર્ટ ઓફ પાકિસ્તાન્સ હિસ્ટોરિકલ કોન્સિયસનેસ ?'' સીધી સાદી ભાષામાં કહીએ તો ''પાકિસ્તાનમાં ઈતિહાસકારો કૌટિલ્ય જેવા પ્રખર તત્વજ્ઞાાનીની ઉપેક્ષા કેમ કરે છે.''

સૈફ તાહિરે પાકિસ્તાનની સરકાર, ઈતિહાસકારો, શિક્ષણવિદ્દો અને નાગરિકોને પ્રશ્ન છેડયો છે કે તક્ષશિલા જેવી પ્રાચિન વિદ્યાપીઠના અવશેષો ભાગલા પછીના પાકિસ્તાનમાંથી મળી આવ્યા છે. તેમાં મહદ્અંશે હિન્દુ અને બૌધ્ધ ધર્મ - સંસ્કૃતિની તાકાતનો પ્રભાવ હતો. જે પણ તે અરસાના જુદા જુદા વિષયોના વૈશ્વિક જીનિયસો પેદા થયેલા તેમાંના મોટાભાગના હિન્દુ અને બૌધ્ધ ધર્મી જ હતા. શું આ જ કારણે પાકિસ્તાનને તક્ષશિલા વિદ્યાપીઠ કે તેના લેજન્ડ સાક્ષરોની તેમના આર્કાઇવ્ઝ, અભ્યાસ કે ઈતિહાસમાં નોંધ લેવી પસંદ નથી ?

સૈફ તાહિરે ૨૭૦૦ વર્ષ પહેલા માત્ર ભારતમાં જ નહીં વિશ્વભરમાં વિદ્યાપીઠની રીતે જેનો ડંકો વાગતો હતો અને જેમાં પ્રવેશ મેળવવો, શિક્ષકગણમાં સ્થાન મેળવવું તે સિધ્ધી ગણવામાં આવતી તેવી તક્ષશિલા વિદ્યાપીઠ સંકુલના જે 'યુનેસ્કો' સંવર્ધિત અવશેષો છે તેની ઝલક પાકિસ્તાન અને વિશ્વ સમક્ષ મૂકી છે.

આ વિસ્તાર મોહરા મોરાડુ તરીકે ઓળખાતો. તક્ષશિલા વિદ્યાપીઠ ૧૮ મઠોનું સંકુલ હતું. જોલિયન, ધર્મરાજિકા, સર્કપ, પિપલાન જેવા નામ મઠ ધરાવતા હતા. તક્ષશિલામાં વેદ, જ્યોતિષ, અવકાશ વિજ્ઞાાન, તત્વજ્ઞાાન, અર્થશાસ્ત્ર, રાજનીતિ, વાણિજ્ય, હિસાબ, યુધ્ધ કળા, અગમ નિગમ, સંગીત, નૃત્ય, ચિત્રકામ, તબીબી, સર્જરી જેવા ૬૮ વિષયોમાં ૧૬ વર્ષથી વધુ વયના ૧૦,૫૦૦ વિદ્યાર્થીઓ ત્યાં જ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હતા.

માત્ર ભારતના જ નહીં બેબીલોન, ગ્રીસ, સિરિયા, અરેબિયા, ફોનેસિયા અને ચીનથી આવતા વિદ્યાર્થીઓ વચ્ચે પ્રવેશ માટે સ્પર્ધા થતી.

સૈફ તાહિર લખે છે કે ''અર્થશાસ્ત્ર''ના સિધ્ધાંતોના સર્જક અને કુશાગ્ર બુધ્ધિના માલિક રાજનીતિજ્ઞા - સલાહકાર કૌટિલ્ય (ચાણક્ય), સંસ્કૃત ભાષાનું વ્યાકરણ, શબ્દોના અર્થ અને તેનો કોષ બનાવનાર પાણીની, તબીબી વિજ્ઞાાનના તે અરસાના પ્રણેતા જીવાક, આયુર્વેદના પ્રખર જ્ઞાાતા ચરક, તેમજ પંચતંત્રની વાતોના સર્જક વિષ્ણુ શર્મા જેવા બહોળી સંખ્યાના જુદા જુદા વિષયોના જીનિયસ તક્ષશિલાના શિક્ષકગણમાં સ્થાન પામતા હતા. દેશ-દેશાવર રાજકુંવરો તક્ષશિલામાં અભ્યાસ કરીને આગળ જતા  રાજા કે રાજાના સલાહકારો બન્યા હતા.

એલેકઝાંડર પંજાબમાં આવ્યો તે પછી તેની રાજકીય મહત્વાકાંક્ષા સંતોષીને ગ્રીસ પરત ગયો ત્યારે તેના દેશના બહુમુખી વિકાસ માટે તક્ષશિલાથી ચૂનંદા સ્નાતકોને તેની સાથે લઇ ગયો હતો.

તત્કાલિન ભારતની ઉત્તર-પશ્ચિમ સરહદે તક્ષશિલા હોઇ તક્ષશિલાને ખતમ કરવું ચઢાઇ કરનારાઓ માટે આસાન બન્યું હતું. પર્સિયન, ગ્રીક, પાર્થીયન્સ, શક, કુશાન અને આખરે હૂણ (જેઓએ રોમન સામ્રાજ્યનો પણ ખાતમો બોલાવેલો) સૈન્યે તક્ષશિલાને ધ્વંશ કરી હતી. ચીનના પ્રવાસી હુએન-ત્સંગે છઠ્ઠી સદીમાં તક્ષશિલાની સાઇટની જગા માટે નામશેષ અને ખંડહેર તેવું પ્રયોજન કર્યું હતું.

મહાભારતની પ્રથમ વખત વિસ્તૃત કથા તક્ષશિલામાં અભ્યાસક્રમના ભાગરૃપે થઇ હતી. બૌધ્ધોની જાતક કથાઓમાં પણ તક્ષશિલાનો મહિમા વર્ણવાયો છે. ગાંધાર પ્રદેશ અને તક્ષશિલાના વિકાસ એકબીજાના પૂરક કહી શકાય.

સૈફ તાહિર કૌટિલ્યને સર્પોપરિ વૈશ્વિક જીનિયસ માને છે. ઈટાલીના તત્વજ્ઞાાની મેકિઆવેલી કરતા ચાણક્ય કમ ન હતો. મેકિઆવેલીના પુસ્તક 'પ્રિન્સ' અને ચાણક્યના 'અર્થશાસ્ત્ર' બરાબરની કક્ષાના કહી શકાય તેમ અમેરિકાના  રાજનીતિજ્ઞા હેનરી કિસીન્જર પણ ઓન રેકોર્ડ કહી ચૂક્યા છે.

ચંદ્રગુપ્ત મૌર્યના શાસનના વ્યાપ, યશ, પ્રભાવ, કિર્તી અને સમૃધ્ધિ પાછળ ચાણક્ય જેવા તેના સલાહકારનું પ્રદાન હતું. મૌર્ય સામ્રાજ્ય તે અરસામાં સમગ્ર ભારતીય ઉપખંડમાં ફેલાયેલું હતું. ભૌગોલિક રીતે મુગલ સામ્રાજ્ય કરતા પણ વિસ્તૃત અને ભારતના ઈતિહાસમાં મૌર્ય અને તેના વંશજો ચાણક્યના સિધ્ધાંતોને અનુસરીને૧૫૦ વર્ષ શાસન કરી શક્યા જે રેકોર્ડ છે. ચાણક્ય તક્ષશિલાના વિદ્યાર્થી હતા અને આગળ જતા આચાર્ય પણ બન્યા હતા.

તેમના પુસ્તક અર્થશાસ્ત્રમાં શાસકના કર્તવ્ય, નિર્ણય શક્તિની કૂનેહ, શામ-દામ-દંડ-ભેદની કૂટનીતિ, યુધ્ધ કળા, વાટાઘાટો, કરમાળખુ, પાલિકા, વાણિજ્ય, કાયદા, કૃષિ, આરોગ્ય, શિક્ષણ, કળા-સર્જકો તેમજ સામાજિક રીતરિવાજ-રૃઢિની તલસ્પ્શી ચાવીઓ અને છણાવટ આપવામાં આવી છે. તેમની તમામ નીતિઓના કેન્દ્રસ્થાને નાગરિકોનો ઉત્કર્ષ, તેની અને દેશની સુરક્ષા  જ રહેલી છે.

'અર્થશાસ્ત્ર'માં મૌર્ય શાસનના સૈન્યનું વિરાટ સંખ્યાબળ બતાવીને તે સાથે જ ફૂટનોટની જેમ ચાણક્ય લખે છે કે ''માત્ર સંખ્યાની ખાસ નિર્ણાયક મહત્તા નથી હોતી. જો શિસ્ત અને યોગ્ય નેતૃત્વ ના હોય તો ઉલટું આ  સંખ્યાબળ બોજરૃપ બને છે.''

સૈફ તાહિરને એ વાતની વેદના છે કે તક્ષશિલા અને ચાણક્ય જેવા ધૂરંધરો વર્તમાન પાકિસ્તાનની પુરાતત્વ સાઈટ છે છતાં તેઓનાં નામથી પણ પાકિસ્તાનનો નાગરિક અજાણ છે. પાકિસ્તાન હિન્દુ કાઉન્સિલના પેેટ્રન ડૉ. રમેશકુમાર વાકવાનીએ તક્ષશિલા યુનિવર્સિટી સ્થાપવાની કે કોઈ એક પાકિસ્તાનની યુનિવર્સિટીને તક્ષશિલા નામ આપવા માટે પાકિસ્તાનની સરકાર સમક્ષ જોરશોરથી પ્રસ્તાવ મૂક્યો હતો પણ પાકિસ્તાનમાંથી કોઈ વિદ્વાનો, બુદ્ધિજીવી, ઈતિહાસકારો અને શિક્ષણવિદ્દો આગળ જ ના આવ્યા. પાકિસ્તાનના શાળા-કોલેજોના અભ્યાસક્રમમાં તક્ષશિલા કે ચાણક્ય સમાવિષ્ટ નથી.

તક્ષશિલા જ્યાં હતી તે ગામ મોહરા મુરાડુ નયનરમ્ય પર્વતીય અને હરિયાણા મેદાનો વચ્ચે આવેલું હેરિટેજ ગામ છે જ્યાં તક્ષશિલાના અમુક મઠો, બૌદ્ધ સ્તૂપોને 'યુનેસ્કો'નું લેબલ લાગ્યું હોઈ તે સચવાયા છે. બાકી તાલિબાન પ્રભાવિત કટ્ટરપંથીઓએ જેમ અફઘાનિસ્તાનની બૌદ્ધ ગુફાઓને બોંબથી ઉડાવી દીધી હતી તેમ આવા અવશેષો પર ભય તો ખરો જ. પાકિસ્તાન સરકારને કે ત્યાંના નાગરિકોને રસ જ નથી પછી જાળવણીની અપેક્ષા તો ક્યાંથી હોય.

મોહરા મુરાડુ ગામ અને આ અવશેષો પ્રત્યે અહીં વસતાં ૨૦૦ કુટુંબોને જ લગાવ છે. અનિસ ઉર રહેમાન નામનો યુવાન શહેરની યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને તેના આ ગામમાં જ સ્થાયી થઈને શાળા ચલાવે છે. તેને એ વાતનું ગૌરવ છે કે વિશ્વની સૌ પ્રથમ અને વિખ્યાત વિદ્યાપીઠની જગાની હૂંફમાં તે જીવન અને શિક્ષણ પ્રસાર વ્યતીત કરે છે.

આ ગામમાં તક્ષશિલા હતું અને અમે તેઓના વંશજો હોઈ શકીએ તેવી શ્રધ્ધા અને ગૌરવ સાથે વિદ્યાર્થીઓ રાવલપીંડી, કરાચી, ઈસ્લામાબાદ, લાહોરથી યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને પીએચડી થયા છે. અનિસ ઉર રહેમાન મોહરા મુરાડુ ગામમાં જે શાળા ચલાવે છે તેની લાઈબ્રેરીનું નામ તેણે 'ચાણક્ય' આપ્યું છે. તે કહે છે કે 'મેં ચાણક્ય વિશે સંશોધન કરીને તેના વિશે ઘણી જાણકારી મેળવી છે. અમને એ વાતનું ગૌરવ છે કે અમે વિશ્વને ચાણક્ય અને તેના જેવા ધૂરંધરો ભેટ આપ્યા છે.'

સૈફ તાહિર નિડરતાથી લખે છે કે ચાણક્યને પાકિસ્તાન દેશે અછૂત ગણ્યા છે તેનું એક કારણ એ હોઈ શકે કે તેઓ બ્રાહ્મણ મનોભૂમિકા અને હિન્દુ સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતા હતા.

'ધ ઈન્ડ્સ સાગા'માં પાકિસ્તાનના ઈતિહાસકાર ઐતાઝ અહેસાન વેદના સાથે પ્રસ્તાવનામાં લખે છે કે ''પાકિસ્તાન તેની રાષ્ટ્રીય ઓળખની જ સદંતર ઉપેક્ષા કરતું રહ્યું છે તે જ દેશ માટે સૌથી મોટી કમનસીબી છે. જુઠ્ઠા પ્રચાર અને મનઘડત દંતકથાઓને ઈતિહાસમાં ખપાવીને દેશ પોતે જ તેની બેડીમાં જકડાઈ જતો હોય છે. આપણે અત્યારે જે પાકિસ્તાન જોઈ રહ્યા છીએ તે પાકિસ્તાનના સ્થાપકોના સ્વપ્નનું નથી. પાકિસ્તાનની તમામ સમસ્યાઓનું મૂળ જ તેની ખોટી ઉભી કરાયેલી ઓળખ છે.''

આ ક્વોટ બાદ સૈફ તાહિર છેલ્લે ઉમેરે છે કે જો પાકિસ્તાને તેની વૈશ્વિક ઓળખની કટોકટીમાંથી બહાર આવવું હશે તો તેમની ભૂમિ પર એક જમાનામાં પાંગરેલા બિન મુસ્લીમ ઈતિહાસને પણ સ્વીકારીને તેનો પ્રસાર કરવો પડશે. ચાણક્ય જેવી હસ્તીનો નાગરિકે અને નવી પેઢીને પરિચય કરાવીને નવનિર્માણની આ લાંબી પ્રક્રિયાની શરૃઆત કરવી પડશે.

હડપ્પા, મોહેંજો દોરો, તક્ષશિલા, સિંધુ સંસ્કૃતિ જેવા અવશેષો પાકિસ્તાનમાં છે. જેમાં ભારત, હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ ધર્મના દુર્લભ સ્થાપત્યો, સિધ્ધીઓનો ખજાનો છુપાયેલો છે. આ અવશેષો પાકિસ્તાનમાં છે અને સૈફ તાહિરના અંગૂલ નિર્દેશ પ્રમાણે પાકિસ્તાનમાં તેની ભારોભાર ઉપેક્ષા થાય છે. તેમની સલામતિ સામે પણ ખતરો છે... વર્તમાન કેન્દ્ર સરકારે ભારત માટે દુર્લભ અને અમૂલ્ય એવા આ અવશેષો સન્માન પૂર્વક જળવાઈ રહે તે માટે 'યુનેસ્કો'ને ભારતના પ્રતિનિધિને મુકીને જણાવવાની જરૃર છે.

નાગર જ્ઞાાતિ માટેના સંશોધનાત્મક પુસ્તકોમાં એવો સંદર્ભ છે કે, નાગરોના પૂર્વજો ગ્રીકથી આવેલા. નાગરોની સાક્ષરતા, વહીવટી કુશળતા, નિષ્ઠા, મહદઅંશની પ્રમાણિકતા તેમજ જીવનના વિવિધ રસો અને કળા- સર્જનમાં પારંગતા વિશિષ્ઠ છે તે જ રીતે તેમના નાક-નકશી, વાન, ચહેરાના ફીચર્સ પણ આગવા છે.

તક્ષશિલા અંગેના સંશોધન દરમિયાન ઇતિહાસકારોને એવું પણ જાણવા મળ્યું છે કે, એલેકઝાંડર તક્ષશિલાથી પરત જતા તેના દેશ ગ્રીસને આબાદી અને સમૃદ્ધિની સાથે સભ્ય, સુસંસ્કૃત અને ઐશ્વર્યથી ભરપુર બનાવવા માટે મોટી સંખ્યામાં તક્ષશિલાના ચુનંદા ભારતીય સ્નાતકોને લઈ ગયો હતો. ગ્રીસમાં સ્થાયી થયેલી આ ભારતીય પ્રજા ભારત તેમના પરિવાર સાથે પરત આવી અને તેમના જ વંશજો નાગર હોઈ શકે કે કેમ તે સંશોધન કરવા જેવું ખરું.
 

Post Comments