Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિવિધા - ભવેન કચ્છી

આચારસંહિતાનો આભાસ

સોશ્યિલ નેટવર્કના જમાનામાં પ્રચાર પર રોક લગાવવી ....ના મૂમકિન હૈ

સંગીતની જેમ ટેકનોલોજીને પણ સરહદો નથી હોતી
 

જ્યારે રેડિયો પણ લકઝરી મનાતો હતો ત્યારે ૧૯૬૧માં આચારસંહિતા અંગેની કલમો ઉમેરાઇ હતી

ચૂંટણી પંચ સામાન્ય રીતે આચારસંહિતાનો ભંગ કરતી 'યુ-ટયૂબ' અને અન્ય સોશ્યિલ નેટવર્કિંગ સાઇટ્સને નેટવર્કમાંથી ઉઠાવી લેવા 'લૉક' કરી દેવા જણાવતી હોય છે પણ ઇલેકશન કમિશનની સૂચનાનો અમલ કરવા વૈશ્વિક પ્લૅટફોર્મ ધરાવતી આ સોશ્યિલ નેટવર્ક કંપનીઓ બંધાયેલી નથી. તેઓએ આવી સૂચનાની નોંધ લે પણ ખરી કે ના પણ લે.

ઇલેકશન કમિશન આચારસંહિતાના નામે જે પણ સ્પીચ, કોમેન્ટ, પ્રચાર કન્ટેન્ટ પર એફ.આઈ.આર. કાર્યવાહી કરાવતી હોય કે ઠપકો આપે છે તેને 'યુ-ટયૂબ' કે અન્ય નેટવર્કિંગ મીડિયામાં વિશ્વ આખું નિહાળી શકે છે. જે તે પક્ષ કે ઉમેદવાર મતદાન અગાઉના ૪૮ કલાક અગાઉથી આચારસંહિતાના ભાગ રૃપે ન કરી શકે તેને સોશ્યિલ મીડિયા પર કઇ રીતે અટકાવી શકાય ? જેમ સંગીતને સરહદ નથી હોતી તેમ સોશ્યિલ નેટવર્ક પણ વિશ્વવિહારી છે.

પ્રચારના પડઘમ ૪૮ કલાક પહેલાં શાંત પાડી દેવાના રહે છે તેવો કાયદો ઇલેકશન કમિશને કેમ બનાવ્યો છે તે જાણો છો ?

મતદાર બાપડો ચૂંટણી જાહેર થઈ હોય ત્યારથી મતદાનની તારીખ નજીક આવે ત્યાં સુધી જુદા જુદા પક્ષોના ભૂરકી ભભરાવતા વાયદા-ઢંઢેરા, તન-બદનમાં કોઈ એક પક્ષ કે નેતાની વિરુદ્ધ ગરમ ખૂન દોડતું કરી દે કે લાગણી પ્રવાહમાં ઢસડાઇ જાય છે. મતદારબૌદ્ધિકો અને વિશ્લેષકોના મંતવ્યોમાં ભરમાઇને લોલકની જેમ મતમતાંતરની અવઢવ અનુભવે છે.

ચૂંટણીની જાહેરાત થાય છે ત્યારથી આવા પ્રચારનો મારો ચાલતો હોય છે. ચૂંટણી પંચ માને છે કે પ્રત્યેક મતદાર કમસે કમ ૪૮ કલાક કોઇ પણ પ્રચારથી પ્રભાવિત થયા વિના શાંતચિત્તે પોતે કોને મત આપવા માંગે છે તે વિચારી શકે. મજાની વાત એ છે કે દેશના માંડ ૧૦ ટકા મતદારો જ આચારસંહિતાના આવા મૂળ આશયથી વાકેફ છે.

ભાવિ ચૂંટણીઓમાં ચૂંટણી કમિશને આચારસંહિતામાં વધુ ઉદાહરતા બતાવવી પડશે, કેમ કે અત્યારે આચારસંહિતાની જે કલમો છે તે ૧૯૫૧ અને તે પછી છેલ્લે ૧૯૬૧માં થોડા સુધારા સાથે ઘડવામાં આવી હતી. તે વખતે રેડિયો પણ હજુ 'લકઝરી' મનાતો હતો.

તેનો વ્યાપ ઘણો જ મર્યાદિત હતો. ૧૯૮૨ થી ૧૯૯૨ દરમિયાન ટીવીનો પ્રવેશ થયો. દૂરદર્શન જેવું સરકારી વાજું અનેક નિયંત્રણો સાથે પ્રસર્યું. ૧૯૯૨માં સિનિયર જ્યોર્જ બુશે અખાતી યુદ્ધ છેડયું તે અરસામાં ટેડ ટર્નરના સીએનએનને ભારતમાં પ્રવેશ કર્યો. ડિશ એન્ટેનાની થાળીમાં વિશ્વભરના ન્યૂઝ અને મનોરંજનની વાનગીઓ ઠલવાતી ગઇ.

હા, તે અગાઉ ઘણા ચાહકો સેટેલાઇટ ક્રાંતિનો સહારો લઇને ખાસ દિશામાં એન્ટેના ગોઠવીને બેન્શન હેજીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઑસ્ટ્રેલિયાની ચેનલ-૯ પરનું કવરેજ ઝીલતા હતા. દૂરદર્શન પણ તેના માધ્યમથી વિમ્બલડન, ક્રિકેટનું વિદેશી ચેનલનું પ્રસારણ બતાવતું હતું. પણ ભારતની ખાનગી ચેનલો ૧૯૯૨થી ક્રમશઃ બિલાડીના ટોપની જેમ ફૂટવા લાગી. દૂરદર્શન આ બધામાં સ્પર્ધાત્મક રીતે ટકી રહે તે હેતુથી દૂરદર્શન અને આકાશવાણીને કેન્દ્રના માહિતી પ્રસારણની પકડમાંથી મુકિત અપાવતો અને સ્વાયત્ત બનાવતો કાયદો ૧૯૯૭માં ઘડીને 'પ્રસાર ભારતી બોર્ડ' નિર્માણ પામ્યા.

ન્યૂઝ ચેનલોને ચૂંટણી નેતાઓના ઇન્ટરવ્યૂ, રાજકારણનું રિપોર્ટિંગ અને તેમાં નવનવા એંગલો ઊભા કરવાની હજુ દ્રષ્ટિ નહોતી સાંપડી.

એન્કરોનો નવો ફાલ, ટેકનોલોજી અને આઉટડોર બ્રોડકાસ્ટિંગ મીડિયા યુગમાં નવા પ્રકરણને જન્મ આપ્યો. આવું જ પ્રિન્ટ મીડિયામાં જોવા મળ્યું. દેશના નાગરિકોની સાક્ષરતા અને જાગૃતિમાં પ્રસારણ માધ્યમની ક્રાંતિને લીધે ઉછાળો જોવા મળ્યો. બીજી તરફ ઘેરઘેર લેન્ડ લાઇન ફોન અને તે પછી મોબાઇલ અને હવે સ્માર્ટ ફોન થકી તો દુનિયા જાણે હથેળીમાં આવી ગઈ.

આંગળીના ટેરવે કોમ્પ્યુટર હોઇ તેમાં જ વિશ્વ સમાઈ ગયું. બ્રોડબેન્ડ, વાઇફાઇ, ટુ-જી, થ્રી-જી, પિક્સલ, જીબી, બેન્ડ વિડથનું ધસમસતું લોહી વર્ચ્યુલ વિશ્વના વિરાટ દેહમાં દોડવા લાગ્યું.

ફેસબુક, વ્હૉટ્સએપ, ટ્વિટર, યુ-ટયૂબ અને અન્ય સોશિયલ નેટવર્ક સાઇટ્સ, એપ્લિકેશન્સનો પ્રભાવ આજના યુગમાં કણેકણમાં વ્યાપેલો જોઈ શકાય છે. અપલોડ, ડાઉનલોડ અને 'સેન્ડ'ની બાળકને અક્ષરજ્ઞાાન પહેલાં ફાવટ આવી જતી લાગે. બધા વાલીઓને તેમના સંતાનો 'જન્મજાત ટેકનોક્રેટ' જ લાગે છે.

આવા વાતવરણમાં ૪૮ કલાક અગાઉ પ્રચાર બંધ કે પછી ચૂંટણીના પ્રચાર દરમ્યાન વાણી પર સંયમ રાખવા જેવા નિયંત્રણો અવ્યવહારુ બનતા જાય છે. આચારસંહિતાનો અમલ ચાલુ હોય ત્યારે દેશભરના નેટિઝન્સ (નેટથી માહિતી- મનોરંજનની આપ-લે કરતા નાગરિકો) તેમના સેલફોન પર તેમના મનગમતા ઉમેદવાર કે પક્ષને મત આપવાની અપીલ કરતા કે પ્રભાવ પાડતા ગમ્મત-ગંભીરતાના મિશ્રણ સમાન મૅસેજ, કાર્ટૂન, મૂવી, ભાષણના અંશોની આપ-લે કરતા જ હોય છે.

જુદા જુદા પક્ષોને અને ઉમેદવારોએ પણ ખાસ સ્ટાફ રોકીને ઓનલાઇન મૅસેજિંગ સર્વિસને ધમધમતી રાખી હતી. ૧૯૬૧માં આચારસંહિતાના નિયમો ઘડવામાં આવ્યા ત્યારે આમાંનું કંઈ નહોતું. છેલ્લા ૨૫ વર્ષમાં જે પરિવર્તન ન આવ્યા તે પાંચ વર્ષમાં જોવા મળ્યા છે.

ન્યૂઝ ચેનલો પણ આ મતદાન અગાઉના ૪૮ કલાક દરમ્યાન ચૂંટણીને નજરમાં રાખીને નિર્માણ પામેલા કાર્યક્રમોમાં નેતાઓના પ્રચારથી ધમધમતા કેન્દ્રો, નેતાઓના ભાષણોના ક્લિપિંગ્સ, મતદારોના અભિપ્રાય, તમામ પક્ષોના પ્રવકતાઓ, રાજકીય વિશ્લેષકોને સ્ટુડિયોમાં આમંત્રીને મતદાર પર પ્રભાવ પડે તેવી ચર્ચા, કાર્યક્રમો યોજે જ છે.

સોશ્યિલ નેટવર્ક અને ન્યૂઝ ચેનલો કે અખબારી વિશ્લેષણો, જુદા જુદા ક્ષેત્રોની વિશિષ્ટ વ્યક્તિઓની કોમેન્ટ - ક્વોટ- ટ્વિટ પણ ચૂંટણી, પક્ષ કે નેતાલક્ષી હોવાના જ. સ્થૂળ રીતે ચૂંટણી પંચને એમ લાગે છે કે મતદાન થવાનું છે ત્યાં પ્રચાર થંભાવી દીધો છે.

પણ ખરેખર એવું હવે માહિતી- પ્રસારણ વિસ્ફોટ યુગમાં શક્ય નથી. તમારા મત અને માનસ પર મતદાનની પળે પણ તમારા સ્માર્ટ ફોન પર મૅસેજનો મારો ઠલવાતો જ હોય છે. ક્લિપિંગ્સ, પોસ્ટરને વિશ્વભરમાં 'શેર' કરવામાં આવે છે. ઉમેદવાર પરદા પાછળ રહીને પણ આવા ગતકડા કરાવે. હવે ઉમેદવાર પ્રચાર ન કરે તોપણ મતદાર તો કોઇ ને કોઇ રીતે પ્રચારમાં સામેલ થઇ જ જાય છે.

મતદાન અગાઉની આચારસંહિતા અન્વયે ઉમેદવાર મતદારોને વ્યકિતગત સંપર્ક કરી શકતો નથી. પ્રચાર સરઘસ, કેન્વાસિંગ પણ ન કરી શકે. પણ, આમ જોવા જોઇએ તો પ્રચારના દિવસોમાં પણ ઉમેદવારો લોકસંપર્ક કરતાં હોય છે. વધુમાં વધુ એકાદ વખત ખુલ્લી જીપમાં દેખાડો પૂરતું એકાદ નમસ્તેની મુદ્રામાં રાઉન્ડ લગાવી દેતા હોય છે.

ઇલેકશન કમિશનના પ્રચાર નિયંત્રણો આ માહિતી ટેકનોલોજીના યુગમાં તેમના પ્રભાવ અંગે પ્રશ્નાર્થ છેડે છે.

હા, કોઈ નેતા કે વ્યકિત કોમી કે ધાર્મિક લાગણી ઉશ્કેરે તેવી કોમેન્ટ કરે તો તેને ઇલેકશન કમિશને આકરી સજા ફટકરાવી જોઇએ, પણ ઇલેકશન કમિશન પાસે તેવી કોઇ સત્તા નથી. તેઓ વધુમાં વધુ એક એફ.આઈ.આર. નોંધવા જે તે ઘટનાક્ષેત્રને તાકીદ કરી શકે.

આ જ કારણે બહુ તો ઠપકો મળશે તેવો મિજાજ અપનાવતા નેતાઓ જે કહેવું-કરવું હોય તે નિર્લજ્જતાથી વહેતું કરે છે. બીજા એક ભેજાબાજ વ્યૂહના ભાગરૃપે જે નેતાઓ ચૂંટણીમાં ઊભા ન હોય તેઓ દ્વારા પણ હલકા સ્તરે 'તૂ તૂ મૈં મૈં' કરાવાય છે. 'ટ્વિટર' આ માટેનું શ્રેષ્ઠ માધ્યમ છે. નેતાઓ તેમની વોટ બેન્કને નજરમાં રાખીને અગાઉથી વકીલોની સલાહ લઇને જ કોઇ પણ વિવાદાસ્પદ કૃત્ય આચરતા હોય છે.

કોઈ પણ પ્રસારણ માધ્યમ કોઈ સમાચાર કે ઇન્ટરવ્યૂને એડિટ કે સેન્સર કરે તો પણ બીજા માધ્યમો તો તે સમાચાર, અહેવાલ કે ઇન્ટરવ્યૂ પ્રસારિત કરી જ દે છે.

જ્યારથી ચૂંટણીની જાહેરાત થાય ત્યારથી લગભગ દોઢેક મહિના સુધી જરૃરી નીતિ વિષય નિર્ણયો શાસકપક્ષનો પ્રચાર થઇ જાય તેવું કારણ આપીને ઇલેકશન કમિશન લેવા ન દે તે પણ ચર્ચા માંગી લે છે.
જ્યારે ભારતના નાગરિકો વિશ્વભરની ચેનલો, અખબારો ઓનલાઇન અને તેના પડદા પર ડ્રોઇંગરૃમમાં બેસીને જોતા થયા છે, ત્યારે ઇલેકશન કમિશન, દૂરદર્શન, આકાશવાણી હજુ ૧૯૭૦ના દાયકાના દાયરામાં જ વિહરે છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments