Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વેદના-સંવેદના - મૃગેશ વૈષ્ણવ

પ્રેમ આગ્રહ કરે છે માંગણી નહી

જ્યારે તમે માંગણી કરો છો ત્યારે સરમુખત્યાર બની જાવ છો. સામેની વ્યક્તિ ગુંગળામણ અનુભવે છે

તમે આગ્રહ કરો છો ત્યારે સામેની વ્યક્તિની યોગ્યતાઓને, એના સ્વાભિમાનને સકારાત્મક બની ટેકો આપો છો. એની પ્રશંસા કરતાં એવું કરો છો કે એનામાં એવું કંઈક છે જે તમારા માટે મહત્ત્વ ધરાવે છે

''તારું આજકાલ રસોઈ બનાવવામાં ધ્યાન હોય છે કે નહીં?'' પિંકેશભાઈએ કટાક્ષમય રીતે સહેજ ગુસ્સામાં પલકબેનને પૂછ્યું.

''કેમ?... સમયસર રસોઈ તો કરું છું. તમને શું ભાવે છે અને શું નહીં તેનો ખ્યાલ પણ રાખું છું.'' પલકબેન જવાબમાં બોલ્યાં.

''મને એવું લાગતું નથી... જો આ વરસાદની સીઝન આટલી જતી રહી. પણ તને હજી ભજીયાં બનાવવાનું સૂઝ્યું છે? જ્યારથી બાબો આવ્યો છે ત્યારથી તારું રસોઈમાં કોઈ ધ્યાન નથી. ભજીયાંની તો વાત જ જવા દો... આવનારા દિવસોમાં બે ટાઈમ સમયસર ખાવાનું મળે તો પણ સારું...'' પિંકેશભાઈ પગ પછાડીને ડાઈનીંગ ટેબલ પર હાથની મૂઠ્ઠી પટકી બોલ્યા.

''ઘણાં રેસ્ટોરન્ટ છે. હવેથી બહારથી જ જમીને આવતા જાવ. ખોટી ફરીયાદ બંધ કરો.'' - પલકબેને છણકો કરી સામે જવાબ આપ્યો.

હવે બીજો દાખલો જોઈએ.

''જો તમે આ અઠવાડીયામાં મને શોપીંગ માટે નહીં લઈ જાવ તો આપણા ઘરમાં બધી વસ્તુઓ બાજુવાળાને ત્યાંથી માંગીને લાવવી પડશે.'' જાન્હવીબેને ગુસ્સામાં જયદીપભાઈને કહ્યું.

''મને એમાં કંઈ વાંધો નથી. બાજુવાળાને ત્યાંથી જરૃર પડે વસ્તુ માંગવામાં કંઈ શરમ નથી આવતી પણ આટલા વર્ષોમાં મેં તો ઘર માટે કોઈ વસ્તુ ખરીદી જ નથી ને!!''

જયદીપભાઈએ ઠંડા કલેજે જાન્હવી બેનના શોપીંગના પ્લાનિંગ પર ઠંડું પાણી રેડી દીધું.

ઉપર આપ્યા  છે તેવાં પ્રસંગો રોજબરોજ ઘર-ઘરમાં પતિ-પત્ની વચ્ચે બને છે. જેના કારણે બન્ને વચ્ચે આત્મીયતા ઘટતી જાય છે અને સંદેશા વ્યવહાર ખોરવાતો જાય છે. અહીં ખોટા કે ખામીયુક્ત સંદેશા વ્યવહાર શું થયો તે તપાસીએ.

પિંકેશભાઈએ પલકબેન સમક્ષ ભજીયા બનાવવાની માંગણી કરી. જ્યારે જાન્હવીબેને જયદીપભાઈ સમક્ષ શોપીંગ પર જવાની માંગણી મૂકી.

પતિ અથવા પત્ની જીવનસાથી પાસેથી કંઈક જીદ કરીને, હઠાગ્રહ કરીને, પગ પછાડીને કે દુરાગ્રહપૂર્વક રજુઆત કરી કંઈક માંગે છે ત્યારે સામેની વ્યક્તિને તેની જરૃરિયાત સમજાવી શકતી નથી. આવી રીતે માંગણી કરવાથી સામેની વ્યક્તિને એમ લાગે છે કે તમે એને દબાવીને તમારું ધાર્યું કરાવવા માંગો છો. યાદ રાખો દબાણ સામે કોઈ ક્યારેય ઝૂકતું નથી.

દામ્પત્ય સંબંધોમાં મીઠાશ કે પ્રેમ જીવંત રાખવો હોય તો માંગણી ન કરો. કારણ પ્રેમ આગ્રહ કરે છે હઠાગ્રહ નહીં, માંગણી નહીં.

તમે જ્યારે તમારા જીવનસાથી પાસેથી કંઈક જીદ કરી માંગો છો ત્યારે તમે બાળક બની જાવ છો અને સામેની વ્યક્તિ વાલી. અને વાલી બની ગયેલું તમારું જીવનસાથી નાના બાળકને દુનિયાદારીની સમજ ન હોય અને શીખવવાનું હોય તેવો વ્યવહાર કરે છે.

દામ્પત્ય જીવનમાં જરૃરી એ છે કે બન્ને જણા એકબીજાની ઈચ્છાઓ અને અપેક્ષાઓને સારી રીતે જાણી લે અને સમજી લે. દામ્પત્ય જીવનમાં પ્રેમ ધબકતો રહે તેવું ઈચ્છનાર સહુ કોઈએ સામેની વ્યક્તિ આપણા પાસેથી શું ઈચ્છે છે તે જાણવું જરૃરી છે.

પ્રત્યેક વ્યક્તિને ઈચ્છાઓ અને અપેક્ષાઓ રાખવાનો અધિકાર છે. સાથે સાથે પોતાના જીવનસાથી સમક્ષ આ ઈચ્છાઓને વ્યક્ત કરવાની પધ્ધતિ શીખવી જરૃરી છે. જો આપણી ઈચ્છા આપણે માંગણી સ્વરૃપે રજુ કરતા રહીશું તો બે જણ વચ્ચેની નિકટતાની શક્યતાઓ ઘટતી જશે. અને તમારું જીવનસાથી તમારાથી દૂર ધકેલાતું જશે.

આના બદલે આપણે આપણી ઈચ્છાઓ અને અપેક્ષાઓને આગ્રહ સ્વરૃપે વ્યક્ત કરતાં શીખી લઈએ તો તેમાં ધમકી કે ચેતવણીનો સૂર રહેતો નથી પણ સામેની વ્યક્તિને કંઈક કરવા માટે દિશા બતાડીએ છીએ તેવું લાગે છે, જેનો સામેની વ્યક્તિ સ્વીકાર કરે અને તમારી ઈચ્છાપૂર્તિ થાય તેવી સંભાવના રહેલી હોય છે.

દા.ત. પિંકેશભાઈ વાત કંઈક આ રીતે કરી શક્યા હોત. ''વરસાદની સીઝન તારા હાથના ભજીયાં વગર જામતી નથી. દર વખતની જેમ આ વખતે પણ તું સરસ ભજીયાં બનાવને, તારા હાથના ભજીયાં મને બહુ ભાવે છે.'' તો પલકબેન હોંશથી ભજીયા બનાવીને ખવડાવે. અર્થાત્ પતિ-પત્ની વચ્ચે બે પુખ્ત અને સમજદાર વ્યક્તિ જેનો સંવાદ થાય જેનું પરિણામ હકારાત્મક આવે. બન્ને જણાં ખુશ થાય.

જ્યારે ''આ વરસાદની સીઝન આટલી જતી રહી તને ભજીયાં બનાવવાનું સૂઝ્યું છે? તારું ધ્યાન રસોઈમાં નથી.'' આ વાક્યમાં ભજીયા બનાવવાની હઠ બાળકની જેમ પિંકેશભાઈ કરે છે જેથી પલકબેન પણ તેમની સાથે બાળક જેવો વ્યવહાર કરે છે. જેના કારણે બન્ને વચ્ચે નિકટતા ઉભી થતી નથી પણ કડવાશ ઊભી થાય છે. એટલે જ પલકબેન કહે છે, ''ઘણા રેસ્ટોરન્ટ છે. હવેથી બહાર જમીને આવતા જાવ.''

તેવી જ રીતે જાન્હવીબેનની ઈચ્છા જયદીપભાઈ તેમને શોપીંગમાં લઈ જાય તેમ હતી તો તેમને આગ્રહપૂર્વક એવું કહેવાની જરૃર હતી કે ''આ અઠવાડીયામાં તમે શોપિંગ માટે સમય કાઢશો? તમારે હમણાં બહુ કામ રહે છે પણ થોડોક સમય મને ફાળવશો તો મને ગમશે. તમે કેટલું બધું કામ કરો છો?''

જાન્હવીબેનની આ પ્રેમપૂર્વક માંગણીનો પ્રતિભાવ જયદીપભાઈ કંઈક આવો આપશે, ''તારા માટે ગમે ત્યારે સમય કાઢવાનો જ હોય ને? તારે મને હુકમ કરવાનો હોય વિનંતિ નહીં.'' આ વાર્તાલાપ બે પરિપકવ વ્યક્તિ વચ્ચેનો થયો.

તેના બદલે ''તમે આ અઠવાડીયામાં મને શોપીંગ માટે નહીં લઈ જાવ તો આપણા ઘરમાં બધી વસ્તુ બાજુવાળાને ત્યાંથી માંગીને લાવવી પડશે.'' તેવી ધમકી ભરી માંગણી જાન્હવીબેન એક ઉદ્ધત બાળકીની જેમ જીદના રૃપે કરશે તો જયદીપભાઈ કડક પિતા બની કહેશે ''બાજુવાળાને ત્યાંથી બધું માંગીને જ લાવો, મને એમાં કોઈ શરમ નથી...'' બસ આમાંથી વાત વધે અને વાતનું વતેસર થઈ શકે. આના કરતાં સામેની વ્યક્તિને તમારા સંજોગો અને જરૃરિયાત સમજાવી તમારી ઈચ્છા અને અપેક્ષા મુજબ વર્તન કરવાનો આગ્રહ કરવો વધારે યોગ્ય છે.

આગ્રહ અને માંગણીમાં તફાવત છે. પ્રેમ નમ્રતાપૂર્વક આગ્રહ કરે છે, તોછડાઈ પૂર્વક માંગણી નહીં.

જ્યારે તમે આગ્રહ કરો છો ત્યારે તમે સામેની વ્યક્તિની યોગ્યતાઓને, એના સ્વાભિમાનને સકારાત્મક બની ટેકો આપો છો. તમે એની પ્રશંસા કરતાં એવું કહો છો કે તેની પાસે એવી કોઈ આવડત, કળા કે વિશેષતા છે અથવા તે તમારા માટે એવું કંઈક કરી શકે છે જે તમારા માટે ઘણું મહત્ત્વ ધરાવે છે. તમારી ઈચ્છાની આવી પ્રેમાળ અભિવ્યક્તિ તમારા જીવનસાથીને પણ તમારી ઈચ્છાપૂર્તિ માટે પ્રેરણા આપે છે. તમારો આગ્રહ સામેના પાત્ર દ્વારા પ્રેમની અભિવ્યક્તિની સંભાવનાને જગાડી શકે છે. અર્થાત્ તમારા આગ્રહને હકારાત્મક પ્રતિસાદ મળવાની સંભાવના વધી જાય છે.

પરંતુ જ્યારે તમે માંગણી કરો છો ત્યારે તમે એક સરમુખત્યાર બની જાવ છો. અને સરમુખત્યારના શાસન હેઠળ કોઈપણ સ્વતંત્રતાથી જીવી શકતું નથી પણ ગુંગળામણ અનુભવે છે. હઠાગ્રહથી કે માંગણીથી મેળવેલી વસ્તુમાં ક્યારેય ભાવનાત્મક પ્રેમ મળતો નથી. સામેની વ્યક્તિ તમારી માંગણી પૂરી કરશે તો ડર કે અપરાધભાવને કારણે પૂરી કરશે. તેમાં પ્રેમ ક્યારેય નહીં હોય.

પલકબેનને જો શબ્દો દ્વારા એવો અહેસાસ થાય કે એમના પતિને એમની રસોઈની કદર છે. એમના હાથે બનાવેલાં ભજીયાં બહુ ભાવે છે તો તેમાં તેમની પ્રશંસા છે, સન્માન છે અને એવો સંદેશો છે કે ''હું તને ચાહું છું'' લગ્ન પછી પતિ-પત્નીએ રોજ 'આઈ લવ યુ' કહેવાની જરૃર નથી પણ ''હું તને ચાહું છું'નો આડકતરો ઉલ્લેખ અન્ય રીતે વર્તન અને વાણીમાં આવે છે જેથી પરસ્પર પ્રેમનો અહેસાસ થાય છે. આ પ્રકારનો આગ્રહ પલકબેનને પિંકેશભાઈ માટે બાળઉછેરના કપરા કામ સાથે પણ કંઈપણ કષ્ટ ઉઠાવવા નવું જોશ અને ઉત્સાહ આપનારું બની રહે.

તેવી જ રીતે જયદીપભાઈને જાન્હવીબેનના શબ્દો દ્વારા એવો અહેસાસ થાય કે તેઓ ખુબ કામ કરે છે એ વાત જાન્હવીબેન જાણે છે, સ્વીકારે છે અને તેમના આ કામની કદર કરે છે તે બદલ તેમના પ્રત્યે સન્માનની લાગણી ધરાવે છે. શબ્દોની આ પૂર્વભૂમિકા ''હું તને ચાહું છું''નો આડકતરો સંકેત આપે છે.

જયદીપભાઈને પ્રેમનો અહેસાસ થાય પછી જાન્હવીબેન તરફથી આગ્રહ કરાય કે ''શું તું મારા માટે થોડો સમય કાઢી મને શોપીંગ માટે આ અઠવાડીયે ન લઈ જઈ શકે?'' તો એ આગ્રહનો પ્રતિસાદ હકારાત્મક જ હોવાનો. આમ જાન્હવીબેનનું કામ પણ સારી રીતે પતી જવાનું અને બન્ને વચ્ચે પ્રેમ-સંબંધ પણ સારો ટકવાનો.

તમારા જીવનસાથીને તમે આગ્રહ કરો છો ત્યારે એમાં એને ખુલ્લાપણાનો અનુભવ થાય છે કારણ આગ્રહમાં પસંદગીનો અવકાશ હોય છે જે સામેની વ્યક્તિને ગુંગળાવતું નથી. આગ્રહમાં પ્રેમ છે, સન્માન છે, ચિંતા છે, કદર છે, પ્રશંસા છે આત્મીયતા છે. માંગણીમાં પ્રેમ નથી અધિકાર છે, ડર છે, અસલામતી છે. સંબંધોમાં ઈચ્છિત વસ્તુ મેળવવા માટે આગ્રહ કરો માંગણી નહીં.

અને છેલ્લે તમે કોઈપણ ક્ષેત્રમાં સફળ થાવ તો તમારી સફળતા પાછળ તમારા જીવનસાથીના યોગદાનની વાત ચોક્કસ કરો... કારણ ક્યારેક તો એણે તમારો સમય સાચવ્યો જ હશે. તમને સીધી કે આડકતરી રીતે મદદ તો કરી જ હશે. એટલે જ એણે શું નથી કર્યું એ યાદ કરાવવાને બદલે એણે શું કર્યું છે એ યાદ કરી એના વખાણ કરો. તમારા આવા લાગણીભર્યા પ્રશંસાના શબ્દો તેને ફરીથી સારી રીતે વર્તન કરવાની પ્રેરણા આપશે.

ન્યુરોગ્રાફ

તમારી કોઈ વિશેષ સિધ્ધિ માટે સન્માન મળે તો ત્યારે તમે ભૂલ્યા વગર એ સન્માન તમારા જીવનસાથી સાથે વહેંચો અને એનો જાહેરમાં આભાર માનો.
 

Post Comments