Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટોપ્સીટર્વી - અજિત પોપટ

વૃક્ષોનું નિકંદન- વિનાશક પૂર

છેલ્લાં દોઢ બે હજાર વર્ષમાં કદી નહોતાં આવ્યાં એવાં વિનાશકારી ૨૦૧૩ના ચોમાસામાં કેદારનાથમાં આવેલા. ૨૦૦૪ની સુનામીને ભૂલાવી દે એવાં વિનાશકારી એ પૂરમાં સરકારી આંકડા મુજબ ૫,૭૦૦ (ખાનગી આંકડા મુજબ પચીસ હજારથી વધુ) લોકોનાં મરણ થયાં હતાં અને દોઢ બે લાખથી વધુ યાત્રાળુઓ અટવાયાં હતાં.

૨૦૧૭ના જુલાઇમાં ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠામાં પણ ખરા અર્થમાં વિનાશકારી પૂર આવ્યાં. કેટલાક લોકો કહે છે કે ઋતુચક્ર બદલાઇ ગયું છે. પર્યાવરણવાદીઓ કહે છે કે દેશના વિવિધ ભાગોમાં આવેલાં ગીચ જંગલો કાપી નખાતાં આવું થયું છે. જમીનમાં ઊંડે સુધી પોતાનાં મૂળ ફેલાવતાં વૃક્ષો પાણીના બેફામ વેગને ઘટાડે છે અને જમીનના કાંપને તણાઇ-ઘસડાઇ જતો અટકાવે છે.  

સૌથી રસપ્રદ વાત એ છે કે કેન્દ્ર સરકાર પાસે યા કોઇ રાજ્યની સરકાર પાસે કયા વિસ્તારમાં કેટલું ગીચ જંગલ છે અને દર કિલોમીટરે કેટલાં વૃક્ષો છે એનો કોઇ રેકર્ડ નથી. અંદાજિત આંકડા આપવામાં આવે છે કે દર કિલોમીટરે પચાસ હજારથી એક લાખ વૃક્ષો હોય છે. એની સાથે પર્યાવરણવાદીઓ એવા આંકડા આપે છે કે કાગળ બનાવવાના બહાને દર મિનિટે-વાંચો ફરીથી, દર મિનિટે એકસો વૃક્ષો કાપી નાખવામાં આવે છે. કેદારનાથ જેવાં યાત્રાધામોમાં આડેધડ ધર્મશાળાઓ અને હૉટલો ઊભી કરવા માટે અવિચારીપણે 'જંગલ સાફ' કરી નાખવામાં આવે છે.

આવું માત્ર કેદારનાથમાં બને છે એેવું નહીં માનતા. અલાહાબાદમાં દર બાર વરસે પૂર્ણ કુંભ મેળો યોજાવાનો હોય ત્યારે મહિનાઓ અગાઉથી આ રીતે 'જંગલ સાફ' કરી નાખવાનું અભિયાન રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર રીતે હાથ ધરવામાં આવે છે. બનાસકાંઠાના લોકોએ જાતે નક્કી કરવું જોઇએ કે અમારા વિસ્તારમાં સિમેન્ટ-કોંક્રિટનાં જંગલો ઊભાં કરવા કેટલાં વૃક્ષો પર શારડી ફેરવી દેવામાં આવી હતી ?

ઋતુ ચક્ર બદલાયું છે એ વાત કબૂલ છે.પરંતુ દર વરસે ઋતુઓ તો મુખ્યત્વે ત્રણ જ આવે છે ને ? ઉનાળો, ચોમાસું અને શિયાળો. એમાં તો કોઇ ફરક પડતો નથી. તો આપણે સૌ દરેક ઋતુમાં સર્જાતા હવામાન અને પરિસ્થિતિને પહોંચી વળવાની આગોતરી તૈયારી કેમ નથી કરતા ?

જેમ ઉત્તરાયણના મહિનાઓ પહેલાં પતંગ અને દોરો, બળેવના મહિનાઓ પહેલાં રાખડી, દિવાળીના મહિનાઓ પહેલાં ફટાકડા, કેલેન્ડર્સ અને ડાયરીઓ બનાવવાનાં કારખાનાં ધમધમી ઊઠે છે એ રીતે તોળાઇ રહેલા ચોમાસાને વધાવી લેવા આપણે પૂર્વ તૈયારી ન કરવી જોઇએ ? પગ તળે રેલો આવે ત્યારે જાગવાનો કે મરી ગ્યા મરી ગ્યાની ચીસો પાડવાનો કોઇ અર્થ ખરો ? સુપ્રીમ કોર્ટે તાજેતરમાં કોંગ્રેસ પક્ષને એવોજ ટોણો મારેલો કે પગ તળે રેલો આવે ત્યારે તમને નોટા કેમ યાદ આવે છે ?

સુંદરલાલ બહુગુણાએ શરૃ કરેલું ચીપકો આંદોલન લાખ્ખો વૃક્ષોનાં અકાળ મરણને અટકાવવામાં સફળ થયું છે. પરંતુ એ પૂરતું નથી. યુદ્ધના ધોરણે એ કામ સતત થતું રહેવું જોઇએ. ક્યાંક રોડ પહોળો કરવાને બહાને વૃક્ષો કાપી નખાય છે તો ક્યાંક મેટ્રો રેલવે પ્લાન્ટના નામે આવી ક્રૂરતા આચરવામાં આવે છે.

ક્યાંક નવી ટાઉનશીપ ઊભી કરવાને બહાને જંગલ કાપી નખાય છે તો ક્યાંક નવો ઉદ્યોગ સ્થાપવાને બહાને આવું કરાય છે. બીજી બાજુ લગભગ દરેક રાજ્યની મ્યુનિસિપાલિટીને ચોમાસા પૂર્વે ગટરો સાફ કરવામાં રસ હોતો નથી એટલે ધારણા કરતાં થોડો વધુ વરસાદ ત્રાટકે તો ઠેકઠેકાણે પાણી ભરાય છે જે દિવસો સુધી ભરેલાં રહીને રોગચાળો ફેલાવવામાં નિમિત્ત બને છે.

સડકો પર મોટ્ટા ખાડા પડે છે જે ટ્રાફિકને અવરોધતા થઇ જાય છે પરિણામે હજ્જારો માનવ કલાકો વેડફાય છે. બીજો પણ એક મુદ્દો સમજવા જેવો છે.કોઇ પણ વૃક્ષને પૂર્ણપણે વિકસતાં વીસથી પચીસ વર્ષ લાગે છે જ્યારે ઇલેક્ટ્રિક શારડીથી માત્ર અડધા કલાકમાં એને ધરાશાયી કરી દઇ શકાય છે.

આ સમસ્યા આજની નથી. દાયકાઓથી આવું થતું રહ્યું છે. શિક્ષિત અને સમજદાર લોકેાએ આ મુદ્દો ધ્યાનમાં લઇને ચીપકો જેવું કોઇ બારે માસ વિના અવરોધે ચાલતું રહે એવું આંદોલન શરૃ કરવું જોઇએ. વૃક્ષ માત્ર છાંયડો નથી આપતું, જીવસૃષ્ટિને પૂરથી પણ ઊગારે છે, આપણને વિવિધ ફળોની અને આયુર્વેદ સાથે સંકળાયેલાં વૃક્ષો તો આપણને તંદુરસ્તીની ભેટ પણ આપે છે. બીજા શબ્દોમાં એમ કહી શકીએ કે વૃક્ષો માણસ જાતના મૂગા અને અમૂલ્ય દોસ્ત છે. સમજાય તો સારું, નહીંતર નસીબ પૂરગ્રસ્તોનાં.
 

Post Comments