Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શબ્દસંહિતા - પરેશ વ્યાસ

કાઇનેસ્થેટિક એમ્પેથીઃ નૃત્યાનુભૂતિ વાત

બહારથી લાગે કે પ્રેક્ષકો પોતાની ખુરશીમાં સ્થિર બેસીને માત્ર ડાન્સ પરફોર્મન્સ જોઈ જ રહ્યા છે પણ અંદરથી એમની એક એક માંસપેશી એ ડાન્સની સાથે તદ્પ થઇ જતી હોય છે

આપને યાદ કરાવી દઉં. 'એમ્પેથી' શબ્દ વિષે અમે લખી ચૂક્યા છીએ. યાદ છે સોનુ નિગમનો એ વિડીયો જેમાં સોનુ અંધ ભિખારીનાં સ્વાંગમાં મુંબઈની ફૂટપાથ પર ગીત ગાય છે. લોકોને ખબર નથી કે આ મશહૂર ગાયક સોનુ નિગમ પોતે છે. એને જોઇને કેટલાંક ઇનડિફરન્ટ વર્તે છે. એવા છે જેમને કોઈ પડી નથી. પણ કેટલાંકને સિમ્પથી છે.  સિમ્પથી એટલે સહાનુભૂતિ. અને કેટલાંક એવાં છે જેમને એમ્પેથી છે. એમ્પેથી એટલે સિમ્પથીથી કાંઈક વધારે. સામાવાળાની પીડા ખુદ પોતે જાતે અનુભવવી તે. પણ આજે તાજેતરમાં રીલીઝ   થયેલાં એક વિવાદિત વાઈરલ વિડીયો પરથી મળેલાં મજેદાર શબ્દ કાઈનેસ્થેટિક એમ્પેથી (Kinesthetic Empathy)ની  વાત કરવી છે.

વિડીયોનું નામ છે 'ધીસ ઈઝ અમેરિકા'. એનાં મુખ્ય કલાકાર ડોનાલ્ડ ગ્લોવર એનાં ઓનસ્ક્રીન કેરેક્ટર  ચિલ્ડીસ ગમ્બિનો તરીકે ગાઈ રહ્યાં છે, નાચી રહ્યાં છે અને સાથે સાથે સાંપ્રત અમેરિકાની સ્થિતિ બખૂબી બયાન કરી રહ્યાં છે. ગમ્બિનો અશ્વેત છે. એની છાતી ઉઘાડી છે. એક ખૂબ મોટી વખારમાં આખું ગીત વિડીયોગ્રાફ થયેલું છે.

ધીસ ઈઝ અમેરિકા રેપ સોંગ છે. તમે એને ગાયેલું નહીં પણ બોલાયેલું ગીત કહી શકો. શબ્દો છે ધીઝ ઈઝ અમેરિકા, ડોન્ટ કેચ યૂ સ્લિપિંગ અપ, લૂક વ્હોટ આઈ વ્હીપિંગ અપ. એટલે કે ભૂલમાં ય ભૂલ કરતા નહીં. જુઓ હું તમને જાગ્રત કરી રહ્યો છું, ઉશ્કેરી રહ્યો છું. પછી ગમ્બિનો નાચતો જાય છે, ગાતો જાય છે, પાછળ બેકગ્રાઉન્ડમાં ક્યારેક સ્કૂલ યુનિફોર્મ પહેરેલાં અશ્વેત વિદ્યાર્થીઓ છે તો ક્યારેક અશ્વેત ધર્મગુરુઓ. અને પછી પોતે બંદૂક લઈને બેધડક અને બિંદાસ ગોળીબાર કરીને અનેક લોકોને મારતો જાય છે.

અને પછી જાણે કાંઈ થયું જ નથી એ રીતે ફરીથી ડાન્સ કરતો જાય છે. આ વિડીયોનાં વાયોલન્સની ટીકા થઇ રહી છે. તો એનાં બચાવમાં ઘણાં લોકો એવું પણ કહે છે કે આવું જ છે ભાઈ... કારણ કે અમેરિકામાં લાગણીનાં લપેડામાં આવ્યા વિના અનેક નિર્દોષોને ભડાકે દેવાની ઘટના તો બનતી જ રહે છે. આ આખો વિડીયો ડાન્સ સાથે ગન વાયોલન્સથી ખીચોખીચ ભરેલો છે. શ્વેત પાલીસનાં અશ્વેત લોકો પરનો જુલમ પણ દર્શાવાયો છે. શું ડાન્સની અસર કાંઈ અનોખી છે? અને અમને શબ્દ મળે છે કાઈનેસ્થેટિક એમ્પેથી.

કાઈનેસ્થેટિકમાં બે શબ્દો છે. એક છે કાઈનેઇન (Kinein) અને બીજો શબ્દ ઈસ્થેસિસ (aisthesis).  ગ્રીક મૂળનો ઇંગ્લિશ શબ્દ 'કાઈનેઇન'  એટલે હલવું, ગતિમાં આવવું. એનાં પરથી આવેલો શબ્દ 'કાઈનેટિક' એટલે ગતિજન્ય. એ જ રીતે 'ઈસ્થેસિસ' એટલે સંવેદન ક્ષમતા અથવા ભાવના બોધ. એનો વિરોધાર્થી શબ્દ 'એન્સેથેસિયા' આપણે જાણીએ છીએ. શીશી સુંઘાડવી કે બેભાન કરવા વપરાતું રસાયણ. એનાથી સંવેદન બિલકુલ જતું રહે અને પછી ડોક્ટર વાઢકાપ કરી શકે. ટૂંકમાં કાઈનેસ્થેટિક એટલે શરીરની, શરીરની માંસપેશીની, માંસપેશીનાં જોડાણની ગતિ કે હલનચલનની સંવેદના. 'એમ્પેથી' તો અગાઉ કહ્યું એમ, પરકાયા પ્રવેશ.

અન્યને જે લાગણી થાય છે, જે સંવેદના થાય છે એ પોતે અનુભવવી અને એ પ્રમાણે વર્તવું તે. જ્યારે આપણે કોઈને સન્મુખ સાંભળીએ છીએ ત્યારે આપણે માત્ર એનો અવાજ જ નથી સાંભળતા પણ એની શારીરિક હેરફેરને પણ અનુભવીએ છીએ. એટલે નરેન્દ્ર મોદી પોતાનાં હાથ આડાટેડા કરે કે રાહુલ ગાંધી વારેવારે બાંયું ચઢાવે, એ હલનચલનને પણ મનમાં ને મનમાં આપણે પ્રોસેસ કરીએ છીએ. એને પણ સમજીએ છીએ.

આપણા પર એની પણ અસર થાય છે. ડાન્સ એક એવું ફોર્મ છે કે જેમાં શરીરની વિવિધ કલાત્મક હલનચલન હોય છે. જાણીતા ડાન્સ ક્રિટિક જ્હોન માટન લખે છે કે પ્રેક્ષકો ઉપર ડાન્સની અસર ચેપી હોય છે. એટલે બહારથી લાગે કે પ્રેક્ષકો પોતાની ખુરશીમાં સ્થિર બેસીને માત્ર ડાન્સ પરફોર્મન્સ જોઈ જ રહ્યા છે પણ અંદરથી એમની એક એક માંસપેશી એ ડાન્સની સાથે તદ્પ થઇ જતી હોય છે.

મન પછી નાચે છે, મોર બની થનગાટ કરે છે. ૧૯૯૦નાં દાયકામાં થયેલી રીસર્ચ મનનાં મિરર ન્યુરોનની વાત કહે છે. મન માંકડું છે. નકલચી બંદર જેવું. કાંઈ જુએ તો એની નકલ કરે. એક ડાન્સરનાં પરફોર્મન્સ મારફત કાઈનેસ્થેટિક એમ્પેથી એ જ રીતે આપણે  અનુભવીએ છીએ. એની પીડા, એની વેદના આપણે અનુભવી શકીએ છીએ.  ટૂંકમાં કહેવાનું એ કે કોઈ પોતાની વાત નૃત્યનાં માધ્યમથી કહે તો એની અસર સૌથી વધારે અને સચોટ થાય છે.

કહે છે કે બોલાયેલાં શબ્દો સાથે ગવાયેલા શબ્દો હોય તો એની અસર વધારે પડે છે. બાપૂઓ કથા કરે ત્યારે ગીત, સંગીત કે ધૂન એમનો સાથ પૂરે છે. આ માત્ર ખાલી જગ્યા પૂરવાની ચેષ્ટા નથી. ગીત સંગીતથી ભક્તજનો ગુરુઓની સંવેદના સ્વયં અનુભવે છે. એની સાથે જો નૃત્ય હોય તો સુગંધમાં સોનું ભળે. પછી તો ભક્તજનો એમનાં સ્થાપિત ગુરુ સાથે એકાકાર થઇ જાય. એવા ગુરુઓની શારીરિક ચેષ્ટા ભક્તજનોનાં મન ઉપર સ્થપાઈ જાય.

પછી ગુરુ નાચે એટલે ભક્ત પણ અંદરખાને તાતાથૈયા કરે જ. એની અસર સૌથી વધારે પડે છે. ભક્તો આસાભૂત, સોરી, વશીભૂત થઈ જાય છે. અમને તો નવાઈ લાગે છે. શા માટે આપણા રાજકીય નેતાઓ જાહેર ચૂંટણી સભામાં નૃત્ય નથી કરતાં? તેઓ જો નાચવા લાગે તો લોકો ગોપીભાવથી તેમને પૂર્ણતઃ વશ થઇ જ જાય. પછી મત મતાંતરની કોઈ ગુંજાઈશ ક્યાં રહે? પછી તો તેઓ ઈચ્છો તે જ બટન લોકો દબાવે. ઈવીએમ ગોટાળા જેવું કાંઈ નથી સાહેબ, આ તો કાઈનેસ્થેટિક એમ્પેથીની અસર છે. જસ્ટ જોકિંગ યાર!

સોશિયલ મીડિયામાં પણ વિડીયો મારફત વાત કહેવાય છે. એની અસર ગાઢ છે. બનાસકાંઠાનાં શિક્ષક  પોતાની શાળાનાં બાળકોને અભિનય ગીતથી સમાજશા ભણાવે છે. એની અસર એ થઇ છે કે બાળકો શાળામાં આવીને રડતાં નથી. વિદ્યાર્થીઓની સંખ્યા પણ ૨૦૦માંથી વધીને ૩૭૬ થઇ ગઈ છે. આ કાઈનેસ્થેટિક એમ્પેથી છે. નૃત્યથી પરકાયા પ્રવેશ સુગમ બને છે. આદિકવિ નરસિંહ મહેતા કહી ગયા છે કે મેહુલો ગાજે ને માધવ નાચે. અને માધવ નાચે ત્યારે આખી દુનિયા નાચે છે. આ કાઈનેસ્થેટિક એમ્પેથી છે. આ નૃત્યાનુભૂતિ છે. આ નૃત્ય સંવેદના છે. માટે વાત કહેવી હોય તો નાચગાનથી કહો..

શબ્દ શેષ

'નૃત્ય એ આત્માની છૂપી ભાષા છે.' -મહાન ડાન્સર, કોરિયોગ્રાફર માર્થા ગ્રેહામ (૧૮૯૪-૧૯૯૧)


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 


 

Post Comments