Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સંવેદનાના સૂર - નસીર ઈસમાઈલી

એવી કેવી તમે પીડા વાવી? જે આંખોમાં પાણી લાવી...

રોજ સવાર પડે છે અને તમારા આઠ વર્ષના બાળુડા ભોળુડા મનમાં અનેક સવાલોના ફૂલ ખીલવા માંડે છે અલ્પિતા, જેમાંના મોટા ભાગના ઉત્તર મળ્યા વિના જ મુરઝાઈ જાય છે. પણ તમારા નાનકડા મગજને એટલી ખબર છે કે પહેલાં આવું નહોતું થતું. ત્યારે તો રૃપાળી રૃપાળી મમ્મી અને મીઠું મીઠું હસતાં પપ્પા બે તમારા સવાલોની સુગંધને બકીઓ ભરી ભરીને સીંચ્યા કરતાં મમ્મી રોજ રાત્રે પરીઓની વાર્તા કહેતી ને તમે વચ્ચે પૂછી લેતાં અલ્પિતા,

''મમ્મી પરી રૃપાળી હોય તે રૃપાળી કેવી? અને પપ્પા ચોપડીમાંથી માથું ઊંચકી કહેતાં ''તારી મમ્મી જેવી.'' મમ્મી વહાલભર્યું છણકતી ને તમે પરીઓના સ્વપ્નપ્રદેશમાં સરી જતાં અલ્પિતા.

પણ જ્યારથી હેત ઘરમાં આવ્યો છે, ત્યારથી બધું બદલાઈ ગયું છે. નાનાં નાનાં કુણા કુણા હેતને મમ્મી દવાખાનેથી લઈ આવી ત્યારે તો આ નાનકડું નવું રમકડું જોઈને તમે ખુશ ખુશ થઈ ગયેલાં અલ્પિતા. મમ્મીએ કહેલું ''જો અલ્પુ આ તારો નાનો ભાઈ છે.'' અને તમે નિર્દોષતાથી પુછેલું, ''ક્યાંથી લાવી મમ્મી?'' ''દવાખાનેથી.'' મમ્મીએ કહેલું. અને તમે આગળ પુછેલું, ''દવાખાનામાં ક્યાંથી આવ્યો એ?'' અને પપ્પા પહેલીવાર છણકેલા, ''બસ હવે! બહુ બોલ્યા વિના હિંચોળ એને. મોટી થાય છે એમ તારી જીભ લાંબી થતી જાય છે.''

તમે ત્યારથી ધીમે ધીમે સમજતા ગયેલા અલ્પિતા કે ઘરમાં હવે તમારી જગ્યા બીજા નંબરની છે પહેલો નંબર હેતનો છે. મમ્મી આખો દિવસ એને જ વહાલ કર્યા કરતી ને પપ્પા પણ ઑફિસેથી આવીને 'મારા રાજ્જા બેટા!' કહી એને જ ઝુલાવવા લાગી જતા. આ જોઈને તમે ચુપચાપ ખુણામાં લેસન કરવા બેસી જતાં અને વિચાર્યા કરતાં, ''આ હેતમાં એવું શું છે, કે મમ્મી-પપ્પા એને વહાલ કરવામાં મને સાવ ભુલી જ જાય છે?''

આમ તો ખિલ ખિલ હસતો હેત તમને ય ગમતો, પણ એકવાર એના તોફાનથી ખિજાઈને તમે એને પછાડેલો અને મમ્મી તમારા પર વરસી પડેલી, ''આવડી મોટી ઢાંઢી થઈને નાના ભાઈનું ધ્યાન નથી રાખતી?...''

જેમ જેમ હેત મોટો થતો જતો હતો તેમ તેમ એના તોફાન અને તોડફોડ વધતા જતા હતાં અને તમને ''આવડી મોટી ઢાંઢી થઈ''ના શબ્દો સાથે મળતા ઠપકા અને ધોલધપાટ પણ. અને તે દિવસે તો....

તે દિવસે સાંજે મમ્મીએ તમને ધમકાવેલાં અલ્પિતા, ને તમે હીબકતાં હીબકતાં વહેલાં સૂઈ ગયેલાં. તમારી આંખ ખુલી ત્યારે ડીમ લાઈટના ઝાંખા ઉજાસમાં પપ્પા મમ્મીને બકી કરતાં હતાં. તમારું નાનકડું મને એ જોઈને પ્રસન્ન થઈ ગયું તમે કહ્યું, ''પપ્પા! મનેય બકી કરો ને!'' અને બાપ રે! પપ્પા જે રીતે ભયંકર ગુસ્સે થયા એ જોઈને તમારું કુમળું મન હેબતાઈ જ ગયું.

''હવે અલ્પુ મોટી થઈ ગઈ છે. કાલથી એને અલગ પેલા રૃમમાં સુવડાવજે!'' પપ્પાએ મમ્મીને આદેશ આપ્યો ને તમે ''આ બધાં મળીને તમને જુદાં કાઢવા માંગે છે'' એવું વિચારતાં વિચારતાં સૂઈ ગયા અલ્પિતા.

પપ્પા કે મમ્મી તમને ભણાવવા બેસતાં અને એ બહાને તમારી સાથે વાતો કરતાં એ તમને ખુબ ગમતું અલ્પિતા.

ટગર ટગર તાકી રહેલા ખિલ ખિલ હસતા ત્રણ વરસના હેતને ત્યારે તમે મનોમન ટીકો બતાવતા 'લે લેતો જા! તું ક્યાં ભણે છે કે આમાં મારી જોડે પપ્પા-મમ્મીમાંથી ભાગ પડાવવાનો?'

ઑફિસેથી આવ્યા પછી પપ્પા રોજ પુછતા, ''અલ્પુ બેટા કંઈ ન આવડતું હોય તો તો પુછજે હોં!'' અને બધું આવડતું હોવા છતાં કંઈક ને કંઈક પુછીને તમે પપ્પાના મીઠા અસ્ખલિત વાણીપ્રવાહને મુગ્ધમને માણ્યા કરતા તે દિવસે પણ પપ્પાએ એ જ રીતે પુછેલું ને તમે લાડથી કહેલું ''પપ્પા મારે 'બાલદિન'ની નિબંધ હરીફાઈમાં વિજ્ઞાાનની શોધખોળો વિષે નિબંધ લખવાનો છે. મને શીખવાડશો?''

''જરૃર શીખવાડું હોં બેટા!'' કહેતાં પપ્પાએ 'વિજ્ઞાાનની શોધખોળો' વિષે તમને માહિતી આપવી શરૃ કરી. વિદ્વાન પિતાના મુખમાંથી ફૂટી રહેલા શબ્દ ઝરણામાંથી ભાગ્યે જ અડધાપડધા તમને સમજાતા હતાં અલ્પિતા. પણ તમારે મન તો પપ્પા આ બહાને તમારી સાથે બોલતાં રહે એ જ અગત્યનું હતું.

નિબંધનું સમાપન કરતા પપ્પા બોલતા હતાં, ''...આમ વિજ્ઞાાને ઘણી શોધખોળો કરીને પૃથ્વી પરના માનવજીવનમાં ક્રાંતિ આણી છે. જાતજાતના અને ભાતભાતના મશીનો, વરાળયંત્ર, એરોપ્લેન, વીજળીથી ચાલતા મશીનો, ગણતરી કરતાં મશીનો, જુદી જુદી વસ્તુઓનું ઉત્પાદન કરતા મશીનો, ટી.વી., ટેલિફોન, કોમ્પ્યુટર્સ, મોબાઈલ ફોન વગેરે. દુનિયામાં ભાગ્યે જ કોઈ ચીજ એવી હશે કે જેના માટે વિજ્ઞાાને મશીન ન શોધેલું હોય.''

''પપ્પા! વિજ્ઞાાને બધી જ જાતના મશીનો બનાવેલાં છે દુનિયામાં?'' તમે પપ્પાને અધવચ અટકાવીને પુછ્યું અલ્પિતા. તમને રસપૂર્વક પ્રશ્ન પૂછતાં જોઈ પપ્પા ઉત્સાહમાં આવી ગયા ''હા બેટા! લગભગ દરેક મશીનો વિજ્ઞાાને બનાવ્યા છે. તારે કયા મશીન વિષે જાણવું છે?''

''પપ્પા નાનાં થવાનું મશીન હોય? આ હેત જેવડાં નાનાં થઈ જવાનું મશીન!'' તમે આતુર માસુમિયતથી ભીની આંખે પૂછ્યું અલ્પિતા ને પપ્પા એ સાંભળી ખડખડાટ હસી પડયા.

કાશ! એમને ખબર હોત કે આ સવાલ તમે કેમ પૂછ્યો અલ્પિતા તો કદાચ એ હસી શક્યા ન હોત...

(શીર્ષક સંવેદના : રવીન્દ્ર પારેખ - સુરત)
 

Post Comments