Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સંવેદનાના સૂર - નસીર ઈસમાઈલી

તુઝકો આંખોમેં બસાયે હુવે ફિરતા વહી હૈ
તુને જિસ શખ્સકો નઝરોંસે ગિરાયા હુવા હૈ


હજી અંધારું થયું નહોતું, પણ હોટલ 'લવ-સાઈન'ના રેસ્ટોરન્ટની બ્લ્યુ-રેડ નિઓન લાઇટ્સ ઝગમગી ઊઠી હતી. તમને બપોરે ફોન કરીને એ રહસ્યમય અજનબી કોણ હશે એનો વિચાર કરતાં 'શિવાઝ' કારને લોક કરી તમે રેસ્ટોરન્ટના પગથિયા પર આવી ગયા ચૌલા. રેસ્ટોરન્ટના પોર્ચમાં આવેલા મીરર-જડિત પિલ્લર્સમાં ગુલાબી સલવાર-કમીઝમાં સજ્જ તમારા ખુબસુરત પ્રતિબિંબને જોઈને તમારા હોઠ પર આત્મવિશ્વાસની એક આછી મુસ્કાન આવી ગઈ,

ને તમે પર્સ પર હાથ ફેરવી રિવોલ્વર ત્યાં હોવાની ખાતરી કરી લીધો ચૌલા. એ અજનબી કોઈ ગજબનો આદમી હતો. એ તમારા વિષે, તમારા પતિદેવ વૈભવ વિષે, બાળકો વિષે, અરે તમારી સ્માર્ટ સર્વન્ટ માયા વિષે પણ રજેરજની માહિતી ધરાવતો હતો. અને પાછું એણે જ તમને તમારા જ હિતની વાત માટે અહીં એકલાં બોલાવ્યા હતાં ચૌલા.

રેસ્ટોરન્ટનું ફુલગ્લાસ ફ્લશ-ડોર 'પુશ' કરી તમે અંદર પ્રવેશ કર્યો ચૌલા, ને એ.સી.ની શીતલહર તમારા ગુલાબી સ્કાર્ફને સહેજ થર્રાવી ગઈ રેસ્ટોરન્ટ હૉલમાં પંદર-વીસ સ્ત્રી-પુરુષો છુટાં છવાયા ટેબલો પર બેઠાં હતાં. અને હૉલમાં નજર દોડાવી એક ટેબલ પર એકલાં બેઠેલા એક વ્હાઈટ પેન્ટ-જર્સી ગોગલ્સધારીની દિશામાં તમે બિન્ધાસ્ત કદમે આગળ વધ્યા. પણ...

...પણ તમે નજીક આવતાં એ અજનબીએ ચહેરા પરથી ગોગલ્સ ઊતાર્યા, ને એ ચહેરાની ઓળખ કરતાં તમારા હોઠમાંથી 'બદમાશ! સારંગ જુહાર'ની એક હળવી ચીસ નીકળી ગઈ ચૌલા, ને તમે પાછા ફરવા માટે ઝડપભેર કદમ ઘુમાવ્યા. પણ તમારા પાછા ફરવાની એ ચેષ્ટા નિહાળી એ અજનબીએ એની ચેર પરથી વીજળીક ઝડપે ઊઠી આવીને તમારું કાંડુ સખ્તાઈપૂર્વક પકડી લીધું, ને કરડા અવાજે બોલ્યો,

''આટલા માટે જ મેં ફોન પર મારી ઓળખ તને નહોતી આપી ચૌલા. પણ એક દસ મિનિટ મને સાંભળી લે ચૌલા. પછી તું ચાલી જજે, નહીંતર જીવનભર પસ્તાવાનો વારો આવશે. કમ ઓન! બી એ ગૂડ બ્રેવ લેડી!''
અને એ અજનબીના હિપ્નોટીક અવાજના જાદૂથી જાણે પરાણે ખેંચાતા હોવ તેમ તમે એની સાથે દોરાયા ચૌલા ને એની સામેની ચેર પર યંત્રવત્ ગોઠવાઈ જઈ ભયત્રસ્ત હરણીની જેમ એની સામે તાકી રહ્યાં...

... આ સ્માર્ટ ચહેરો ધરાવતા બદમાશ સારંગ જુહારને તમે કોલેજકાળથી પિછાણતા હતાં ચૌલા. એક લોફર ગૂંડાનુમા વિદ્યાર્થી-નેતા તરીકે કોલેજ-કેમ્પસમાં એની ધાક હતી. પ્રોફેસરો અને પ્રિન્સીપાલ સુધ્ધાં એનાથી ડરતાં. એની હિપ્નોટીક પૌરુષેય પર્સનાલિટી અને સ્પોર્ટમેનની ઈમેજથી કોલેજની છોકરીઓ એની ઈર્દગિર્દ ઘુમતી રહેતી. અલબત્ત એક ઉચ્ચ ધનિક ખાનદાની રજપુત છોકરી તરીકે તમે હમેશાં સારંગને નફરતભરી નિગાહે જોતાં. પણ એક દિવસ...

એક વેલેન્ટાઈન-ડે-એ તમે કોલેજ છૂટયા પછી કંપાઉન્ડની બહાર નીકળતાં હતાં, ને સારંગે અચાનક પાછળથી આવીને ફૂલ સાથે 'આઈ લવ યુ ચૌલા!' કહીને તમારું કાંડુ પકડી લીધેલું ચૌલા. એને એમ હતું કે તમે પણ શાયદ અન્ય છોકરીઓની જેમ એને સરન્ડર થઈ જશો યા ગભરાઈને રડી પડશો. પણ એના બદલે કોલેજ એન.સી.સી.ના કેપ્ટનને છાજે તેમ તમે એક ઝટકા સાથે કાંડુ છોડાવી લઈ સારંગના મર્દાના ચહેરા પર એક થપ્પડ રસીદ કરી દીધેલી, અને પછી અચાનક આવી પડેલી થપ્પડથી હક્કા-બક્કા થઈ ગયેલા સારંગને નિર્ભીક તિરસ્કારભર્યા સ્વરે તમે કહેલું ચૌલા,

''શરીફ છોકરીને 'આઈ લવ યુ' કહેતાં પહેલાં શરાફત શીખીને આવ સારંગ! મર્દાનગીની તારી આ પારાશીશી જોઈને મને તારા પર ગુસ્સો નહીં દયા આવે છે કે હિંમત અને આત્મવિશ્વાસ જેવી તને મળેલી આવડી મોટી અસ્કયામતને તું કેવી ખોટી દિશામાં વેડફી રહ્યો છે, જે અગર સાચી દિશામાં વપરાય તો તને આસમાની ઊંચાઈયો સુધી પહોંચાડી શકે તેમ છે. આઈ રીયલી પીટી ફોર યુ!'' અને બેઈજ્જત થઈને નીચી મૂંડીએ ત્યાંથી ચાલી ગયેલો સારંગ ફરી કોલેજમાં ક્યારેય દેખાયો નહોતો. અને તે પછી આજે...

''શું વિચાર કરે છે ચૌલા? તને જોઈને તારી થપ્પડની તમતમાટી મારા ગાલ પર તાજી થઈ આવી છે'' સારંગે સહેજ હળવા સ્વરે કહ્યું.

''ફાલતુ વાતો અને ફાલતુ માણસો માટે મારી પાસે સમય નથી સારંગ. બોલ મને કેમ બોલાવી છે અહીં?'' અંદરથી ગભરાતા, પણ બહારથી કડક સ્વરે તમે કહ્યું ચૌલા..

''મને ખબર છે એ ચૌલા! અને આજે હું તને જો છેડું તો વાત થપ્પડથી પણ આગળ વધી જઈ શકે તેમ છે, એમ તારી પર્સમાંથી ઉપસતો રિવોલ્વરનો આકાર મને કહી રહ્યો છે.''

તમે સારંગના શાર્પ ઓબ્ઝર્વેશનથી સહેજ સહમી ગયા ચૌલા અને પર્સ ટેબલ પરથી ખોળામાં લઈ લીધી. ઝુકીને ઊભેલા બેરરને સારંગે બે સોફ્ટ ડ્રિંક્સનો ઓર્ડર આપ્યો ને ધીમા ઘુંટાયેલા સ્વરે બોલ્યો,

''ચૌલા! તું પર્સમાંથી રિવોલ્વર કાઢે તે પહેલાં જ જે કારણે મેં તને અહીં બોલાવી છે એ કહી જ દઉં. તું એ તો નથી જ માનવાની કે કોલેજમાં મેં જ્યારે તારું કાડું પકડીને 'આઈ લવ યુ' કહ્યું ત્યારે એ એક આવારા જુવાનની ક્ષણિક દિલ્લગી નહોતી પણ મારા દિલની વાત હતી, જે હજી આજેય એમને એમ જ મારા દિલમાં અકબંધ જળવાઈ રહેલી છે. પણ મારી આ બીજી વાત જે અત્યારે કહેવા જઈ રહ્યો છું તેના પર અવિશ્વાસ ન કરતી.''

''કઈ વાત?'' તમે સપાટ સ્વરે પૂછ્યું ચૌલા.

''ચૌલા! ઊંચા ધનિક ખાનદાનનો શરીફ નબીરો માની તેં જેની સાથે લગ્ન કર્યા છે, એ તારો પતિ વૈભવ બદમાશ સ્મગ્લર છે, અને ડ્રગ્ઝની હેરાફેરી એ એનું મુખ્ય કામ છે. હીરા-ઝવેરાતનો એક્ષપોર્ટ-ઈમ્પોર્ટનો ધંધો એ તો એક મુખૌટો છે. તારી સ્માર્ટ સર્વન્ટ માયા પણ એની 'કેરિયર' છે, ને ડ્રગ્ઝનો ઘણો બધો માલ તારા બંગલાના સર્વન્ટ-ક્વાર્ટરમાં એકલી રહેતી માયાના ક્વાર્ટરના એક ભોંયરામાં રાખવામાં આવેલો છે.

વૈભવ અને માયા વચ્ચે તારા લગ્ન પહેલાંથી જ 'પતિ-પત્ની' જેવો સંબંધ છે અને માયાનો હિસ્સો હોંગકોંગની એક બેંકમાં આવેલા માયાના ખાતામાં જમા થાય છે. પુલિસ આ આખાય 'રેકેટ'ને જાણી ચુકી છે, અને ગમે તે ક્ષણે એનો પર્દાફાશ થતાં વૈભવ જેલના સળિયા પાછળ ધકેલાઈ જશે.

આવું ન થાય એ માટે વૈભવ કાલે હોંગકોંગથી આવે કે તરત એને રહ્યો સહ્યો માલ દરિયામાં પધરાવી દઈ, આ 'ધંધા'ઓમાંથી બહાર નીકળી જવાનું, અને માયાને તાત્કાલિક બંગલામાંથી કાયમી વિદાય આપી દેવાનું કહી દેજે. નહીં તો તારા સુખી ઘરનો માળો ક્ષણમાં વિંખાઈ જશે ચૌલા.''

આ સાંભળી હતપ્રભ થઈ ગયેલા તમે ફાટી આંખે સારંગની સામે જોઈ રહ્યા ચૌલા. પરંતુ...

...પરંતુ આ પણ, સારંગની જુનું વેર લેવાની કોઈ નવી સાઝિશ હશે એમ માની થડકતા સાશંક સ્વરે તમે એને પૂછ્યું ચૌલા,

''પણ મને તું આ શા માટે કહી રહ્યો છે? અને તને શી રીતે ખબર પડી આ બધાની? કે પછી તું ય આ ધંધામાં જ છે, ને આટલાં વર્ષે મારી અને વૈભવની વચ્ચે તિરાડ પડાવવા આ 'વાર્તા' કરી રહ્યો છે?''

''ચૌલા, આ વાર્તા નથી. પેલી તારી થપ્પડનો અને તારા એ શબ્દોનો જવાબ માત્ર છે, જેણે મારી જિંદગી બદલી નાંખી. એ થપ્પડ પછી મેં કોલેજ અને શહેર બદલી નાંખ્યા. સારી રીતે ગ્રેજ્યુએટ થયો અને મારા સ્પોર્ટસ રેકોર્ડે મને પુલિસ સબ-ઈન્સ્પેક્ટરની નોકરી અપાવી દીધી. આજે હું સી.બી.આઈ.માં પી.આઈ.ની કેડરમાં છું, અને વૈભવની ફાઈલ મને સોંપવામાં આવેલી છે.

એ પહેલાં કે મારા હાથ વૈભવના ગિરેબાન સુધી પહોંચે, એને કાઢ આ 'ધંધા'ઓમાંથી! હું આજે ય તને ચાહું છું ચૌલા, એટલે તને દુ:ખી થતી નહીં જોઈ શકું. પરંતુ એકાદ અઠવાડિયાથી વધુ હું પુલિસ 'રેઈડ'ને રોકી પણ નહીં શકું. મારી વાતનો વિશ્વાસ ન આવતો હોય તો જો આ મારું આઈડેન્ટીટી કાર્ડ!'' કહી સારંગે એના 'હીપ-પોકેટ'માંથી એના પુલિસી યુનિફોર્મવાળું દમામદાર કાર્ડ કાઢી તમારી સામે ધર્યું ચૌલા.

અને બેરરે લાવેલો સોફ્ટ-ડ્રિંકનો ગ્લાસ એકીશ્વાસે ગટગટાવી જઈ બીલ-ડિશમાં પાંચસો રૃપિયાની નોટ મૂકી ઊભો થઈ ગયેલો સારંગ ''ગૂડ નાઈટ એન્ડ બેસ્ટલક ચૌલા!'' કહી એનું સરનામું-મોબાઈલ નંબર આપ્યા વિના, તમારી આઘાતી આશ્ચર્યથી ફાટેલી પણ પ્યાર ઊમડતી આંખોની સામે પણ જોયા વિના સડસડાટ હોટલ 'લવ-સાઈન'ના રેસ્ટોરન્ટના હૉલની બહાર નીકળી ગયો... જ્યારે વેલેન્ટાઈન-ડે હતો!

(શીર્ષક સંવેદના : રાશિદ જમાલ ફારૃકી)
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments