Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સંવેદનાના સૂર - નસીર ઈસમાઈલી

તને વિચાર એ ચોક્કસ ખુદા આવ્યો હશે ક્યારેક,
જઠર નાહક બનાવીને વિના કારણ તું મુખ દેતો !


''માણસ માત્ર સામાજિક યા કૌટુંબીક પ્રાણી જ નથી ઈવા. એ એક સંજોગાત્મક પ્રાણી પણ છે. શાયદ સંજોગાત્મક સૌથી વધુ.'' એમ કહી પહેલી વાર જ્યારે બાર્થાએ મને એ વાત કહી ત્યારે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટાવર્સ સાથે પ્રચંડ વેગથી અથડાયેલા એરક્રાફ્ટ જેવો એક ભયંકર કડાકો મારા અસ્તિત્ત્વમાં થઈ આવ્યો હતો.

હજાર હજાર વોલ્ટનો ઈલેક્ટ્રીક કરંટ બાર્થાએ આપ્યો હોય એવી એક ભયાનક ધૂ્રજારી મારા કુંવારા કસુંબલ સત્તાવીસી યુવા બદનમાંથી પસાર થઈ ગઈ. દિમાગ સુન્ન થઈ ગયું હતું. અને...

... અને ''યુ સ્ટોપ ધીસ નોન્સેન્સ'' કહી બાર્થાને ઓફિસ-કેન્ટીનના ટેબલ પર બેઠેલી જ મૂકી દઈને હું ત્યાંથી ઊભી થઈ સડસડાટ મારા ટાઈપિંગ ટેબલ પર ચાલી ગઈ હતી. અલબત્ત હું એ જાણતી હતી કે મારા એમ ઊભા થઈ જવાથી મારી ઊભેલી સમસ્યાઓ બેસી જવાની નહોતી. અમારી ગંદી અર્ધ-અંધારી ઓફિસના પચ્ચીસ-ત્રીસ કર્મચારીઓમાં હું અને બાર્થા બે જ મહિલા કર્મચારીઓ છીએ. લિમીટેડ કંપનીની લિમીટેડ પગારવાળી નોકરીમાં આખો દિવસ ટપ-ટપ ટાઇપ કરતી મારી આંગળીઓ દુ:ખી જાય એટલું અનલિમીટેડ કામ રહે છે.

છેલ્લા કેટલાય દિવસથી ચતુર બાર્થા એ નોંધતી હતી કે હું ખોવાયેલી ખોવાયેલી અને ચિંતાતુર રહું છું. બાર્થા મારા કરતાં દસેક વર્ષ મોટી છે અને દયાળુ, ઠરેલ, બુદ્ધિમાન, પરણેલી અને સુખી પણ અને મારી એક માત્ર ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ. દરરોજની જેમ તે દિવસે પણ હું અને બાર્થા અમારી કેન્ટીનમાં લંચબોક્સ ખોલીને બેઠાં હતાં ત્યારે બાર્થાએ હેતથી મને પૂછ્યું હતું, ''ઈવા ડિયર શું વાત છે ? મુંઝાયેલી કેમ લાગે છે છેલ્લા કેટલાક દિવસોથી ?''

''બાર્થા, મારે થોડાક પૈસા ઊછીના જોઈએ છે. એકાદ હજાર રૃપિયા...'' મેં નીચું જોઈને કહ્યું ને મારી નીચી નજર સમક્ષ, બસ્તીની ઝુંપડપટ્ટીના કાટમાળિયા તૂટેલા ખાટલા પર પડેલો પેરેલિસીસગ્રસ્ત બાપ, બે ભણતાં નાનાં ભાઈ-બહેન અને હાડપિંજર જેવી માના સુકાયેલા ચહેરા તરી ગયા.

''સમજી ગઈ. ભાઈ-બહેનની ફી માટે યા બાપની દવા માટે કે માની ખાંસી માટે બરાબર ને ? પણ તું એકલી આમ ઉધાર-ઉછીને ક્યાં સુધી ચલાવતી રહીશ ? મારા પહેલાંના પાંચસો રૃપિયા હું યાદ નથી કરાવતી. આ હજાર રૃપિયા પણ કદાચ આપીશ. પણ પછી ?'' તંગ ફ્રોકમાં ઝુલતા ભરાવદાર સીનામાં શ્વાસ ભરી મારી આંખોમાં નજર નોંધી બાર્થાએ પ્રેમથી પુછેલું ને ઉત્તરમાં હું ચુપ રહેલી.

''એમ ચુપ રહે નહીં ચાલે ઈવા. પૈસાની ખેંચ એ તારી કાયમી સમસ્યા છે, અને 'માણસ સંજોગાત્મક પ્રાણી છે.' એમ કહી પૈસાની સતત ખેંચની મારી સમસ્યા હલ કરવાના બાર્થાએ બતાવેલા રસ્તાએ મારી આંખે અંધારા લાવી દીધાં હતાં. એણે કહ્યું હતું, 'જો ઈવા કશા ય પૂર્વગ્રહ વિના સમજદારીથી મારી વાત સાંભળજે. મારે ઘણા કોન્ટેકટ્સ છે. તારે મહિનામાં એકાદ-બે દિવસ અડધી રજા લેવી પડે યા સાંજે થોડાં મોડા ઘેર જવું પડે.

' તને હજાર-બે હજાર રૃપિયા તો આરામથી મળી જાય એવો ફાઈન ચહેરો અને કમાની ફિગર છે તારાં. હું જેમને ઓળખું છું એ બધાં પુરુષો પૈસાદાર હોવા છતાં ખાનદાન, શાંત અને સલામત છે. અને સરકારના ફેમિલી-પ્લાનિંગના સાધનોએ તો બધું એકદમ સરળ બનાવી મૂક્યું છે.'' અને મારી સળગતી નજર જોઈ એણે પ્યારથી મારો હાથ સહલાવતાં ઉમેર્યું હતું,

''જો ઈવા ! આપણું ગરીબ માણસોનું તકદીર પણ મુફલિસ હોય છે, જેમાં નીતિ-ધર્મના વૈભવને સ્થાન નથી. અને તારે ક્યાં 'આ' કાયમ કરવું છે ? માર્ટિન સાથે પરણી ગયા પછી મેં એ બધું છોડી જ દીધું છે ને ! બસ ટકી રહેવા માટે થોડો સમય સમજદારીપૂર્વક જાતને છેતરી લેવાની હિંમત કેળવવાની છે... !''

... અને તે દિવસે બાર્થાને 'સ્ટોપ ધીસ નોન્સેન્સ' કહેનારી હું આજે અડધી રજા લઈને બાર્થા સાથે જૂહુ રોડ પર આવેલા એક આલિશાન બંગલાની આગોશમાં આવી ગઈ. બંગલાનું નામ 'નીડ' વાંચતા મને સહેજ હસવું આવી ગયું. એ બંગલાના માલિકે બંગલાનું નામ 'નીડ' શાયદ માળાના અર્થમાં રાખ્યું હશે પણ મારા માટે એ જરૃરિયાતના અર્થમાં 'નીડ' હતું.

એ માણસ જુવાન હતો. સસલા જેવો સફેદ, પોચો અને શરીફ. પતિ બનાવવો ગમે એવો. બાર્થાને જોઈને એણે સોનેરી ફ્રેમના ચશ્માંની આરપારથી મને લોલૂપ નજરમાં લપેટી લીધી, અને મને આદતવશ સંકોચપૂર્વક દુપટ્ટા વડે સીનો ઢાંકતી જોઈ એની લોલૂપ નજર શિયાળ જેવું લૂચ્ચું હસી પડી. બાર્થા એની સાથે વાત કરી શાંતિથી બાલ્કનીમાં ચેર નાંખીને બેઠી, ને ધૂ્રજતી ધડકતી મને એ પ્યારથી હાથ વડે સાહીને અંદર બેડરૃમમાં લઈ ગયો. અને પછીની ક્ષણોમાં 'નીડ'નો સસલો 'વરૃ' બની ગયો અને હું...

હાથ-મોં ધોઈ, વસ્ત્રો સંવારી હું બાર્થાની સાથે 'નીડ'ની બહાર આવી ત્યારે અંગેઅંગ છુટૂં પડી ગયું હોય એમ શરીર કળતું હતું અને આંખો બળતી હતી. મને લાગ્યું કે 'વર્લ્ડ ટ્રેડ સેન્ટર'ની જેમ મારું 'સેન્ટર' ધરાશાયી થઈ ચુક્યું છે અને એનો ધુમાડો મારી આંખોમાં ઓગળી રહ્યો છે.

''ગીલ્ટ ન અનુભવતી ઈવા ! થોડા સમયમાં ટેવાઈ જઈશ. હું પણ પહેલા પ્રસંગે આવું જ 'ફીલ' કરતી હતી. એણે આપેલા હજાર રૃપિયા મેં તારા પર્સમાં જ મૂક્યા છે'' છૂટા પડતી વેળા બાર્થાએ પ્યારથી મારી પસીનાભીની પીઠ પસવારીને કહ્યું.

હું બસ્તીના નાકે પહોંચી ત્યારે સમયસર જ હતી. બધું રાબેતા મુજબ હતું અને બેખબર ! સ્ટ્રીટ લાઈટો જલી ઊઠી હતી અને બસ્તીના નાકે બેસતાં ચીંથરેહાલ અંધ ફકીરબાબા હંમેશની જેમ જ હાથ ફેલાવીને બેઠા હતા.

હું ફકીરબાબા પાસે આવીને અટકી ને ઘેર પહોંચતા પહેલાં મારી આંખોમાં રહેલા 'ગિલ્ટ'ને પુણ્યના પોતાથી ભૂંસી નાંખવું હોય એમ પર્સ ખોલીને મેં દસ રૃપિયાની નોટ કાઢીને ફકીરબાબાના ફેલાયેલા હાથમાં મૂકી.

''જીતે રહો બેટા ! અલ્લાહ તુમ્હે કમાઈમેં બરકત દે !'' ફકીર બાબાએ દિલથી દુઆ (!) આપી અને હું ફાટેલી ધૂમાડી આંખે ફકીર બાબાની સફેદ કોડી જેવી આંખોના આકાશમાં ચુપચાપ તાકી રહી... ક્યાંય સુધી...

(શીર્ષક : પ્રતાપસિંહ ડાભી 'હાકલ')
 

Post Comments