Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સંવેદનાના સૂર - નસીર ઈસમાઈલી

ભટકકર રાસ્તા જો ખો ચુકા હૈ, મૈં ઐસે કારવાઁકા આદમી હું...

હા અન્વય ! રોનકે ગઈકાલે એક સામાન્ય વાત કરીને તમને એવા હચમચાવી મૂક્યા છે કે, એ વાત તમારા માટે અસામાન્ય બની ગઈ છે. કેમકે રોનક તો તમારા વિષે એ બધું જ જાણે છે, જેટલું તમે પોતે તમારા વિષે જાણો છો અન્વય. અલબત્ત એ વાત જુદી છે કે, આપણી જાતની આપણી એક સમયની જાણકારી બીજા સમયે આપણને જ આપણી બેવકૂફી લાગતી હોય છે !

રોનક તમને એ સમયથી જાણે છે અન્વય, જ્યારે તમે મિસીસ ઉર્વશી યાવરના પરિચયમાં પણ નહોતા આવેલા. તમે અને ઉર્વશી એકબીજાની સામાજિક પરિસ્થિતિઓ વિષે કંઈ વિચારતા પહેલાં જ એકબીજાના પ્રેમમાં પડી ગયેલાં, ત્યારે એ વાત સૌ પ્રથમ તમે અંતરંગ દોસ્ત રોનકને જ જણાવેલી અને એણે નારાજગી ભરેલા સ્વરે તમને કહેલું,

''આવા એફેર્સની કોઈ મંઝિલ નથી હોતી અન્વય. મિસીસ યાવર ગમે તેટલી ખુબસુરત હોવા છતાં, એ બે બાળકોની માતા એવી તારાથી પાંચ વર્ષ મોટી એવી પરિણીત યુવતી છે, અને તું છે કાચો કુંવારો હણહણતો સ્માર્ટ યુવાન. તારી ઉજ્જ્વળ કારકિર્દીમાં આ એફેર્સ એક ડાઘ બની જશે અન્વય. સાવધાન !''
અલબત્ત એ વખતે તો તમે ઉર્વશીના રૃપના માદક કેફમાં એવા ખોવાયેલા હતા અન્વય કે, રોનકના એ શબ્દો તમને સ્પર્શ્યા વિના જ હવામાં વહી ગયા હતાં. અને એમ ને એમ જ ઉર્વશી સાથેના નામ વગરના સંબંધના તમારા વીસ વર્ષીય કાળા વાળને સફેદ કરવા સુધી આજે વહી ગયાં છે અન્વય.

બદનામીથી બચવા આજે તમે આ શહેરથી દૂર વસો છો અન્વય અને ઉર્વશીને ય હવે તો એની ઓફિસના સરનામે લખાતાં પત્રો દ્વારા જ મળવાનું તમારે બને છે, યા ફોનથી. પણ હમણાં આ વખતે તમે આ શહેરમાં આવ્યા ત્યારે તો,

''અનુ ! હવે હું તને આ રીતે નહીં મળી શકું'' ઉર્વશીએ કહેલું.

''કેમ કેમ પણ ? તને 'નિરાંતે' મળી શકાય એટલા માટે તો અમદાવાદનો આ ફલેટ મેં વેચ્યો નથી ડાર્લિંગ... !''

''એ વાત સાચી છે અનુ. પણ હવે મારા સંતાનો મોટાં થયા છે, અને એ મિ. યાવર જેવાં ઉદાર નથી. એમના પ્રત્યે પણ મારી જવાબદારી છે.'' ''અને મારા પ્રત્યે ?'' તમે પૂછેલું અન્વય.

''તારા પ્રત્યે ? ખોટું ના લગાડીશ અનુ, પણ આટલાં વર્ષ જુનાં હોવા છતાં આપણાં એફેર્સએ એક પાર્ટ-ટાઇમ ચીજ છે, જ્યારે સામાજિક-કૌટુંબિક જવાબદારીઓ એ ફૂલટાઇમ બંધન છે ડિયર !''

''તો એમ કહેને ઉરુ કે જેને મેં મારી જિંદગીની એકમાત્ર મંઝિલ માની લીધી છે, એ આપણાં એફેર્સ તારા માટે સિર્ફ એક પાર્ટ ટાઇમ- 'પાસ ટાઇમ' ચીજ હતી.'' તમે કડવાશથી કહ્યું અન્વય અને ઉર્વશી સાથે ઝઘડીને હંમેશ માટે છુટાં પડયા પછી ખરાબ થઈ ગયેલા દિમાગે જ તમે રોનકની ઓફિસે પહોંચ્યા હતાં. શાયદ એમ વિચારીને કે રોનકનો ઓફિસેથી છૂટવાનો સમય થઈ ગયો છે તો એની સાથે થોડીવાર ક્યાંક બેસીને મન હલકું કરી લેવાશે. પણ એ તો છૂટીને ક્યાંક જવાની ઊતાવળમાં હોય તેમ લાગતું હતું.

''ક્યાંક જવાની ઉતાવળમાં છે શું તું ?'' રોનકની ઉતાવળી 'વેલકમ' ટી પતી જતાં તમે પુછેલું અન્વય.

''હા યાર ! નાના બાબાના હાયર-સેકન્ડરીમાં એડમિશન માટે એક જણને મળવા જવાનું છે. તારી જેમ થોડું છે ? વગર જવાબદારીની જલસા ભરેલી ફૂરસદે-બહાર બે-ફિકર જિંદગી !''

''રોનક ! તું શું ખરેખર એમ માને છે કે, મારી જિંદગી વગર જવાબદારીની જ્લસાભરી એક સુખી જિંદગી છે ?'' તમે ગંભીર સ્વરે પુછેલું અન્વય, અને રોનકે એ જ મિજાજે એનો ઉત્તર આપેલો,

''ઑફ કોર્સ વળી ! હું તો શું લોકો ય તારી ઈર્ષ્યા કરે છે અનુ ! ન બૈરી-છોકરાંની જંજાળ, ન જવાબદારીઓની ઝંઝટ ! અને જ્યારે ઈચ્છો ત્યારે ઉર્વશી નામની અપ્સરા 'સેવા'માં હાજર !''

બસ પછી તમે ચુપચાપ રોનક પાસેથી ઊઠીને ચાલી આવ્યા છો રોનક. લોકો ઉર્વશી સાથેના તમારા સંબંધની ઈર્ષ્યા કરે છે - રોનક સુધ્ધાં, અને ઉર્વશી માટે એ એક પાર્ટ ટાઈમ - પાસ ટાઈમ ચીજ હતી ! એકલતાથી ભડકે બળતા તમારા ફલેટની બાલ્કનીમાં સિગરેટી ધુઆઁમાં ચકરાતાં આ ધુઆઁ ધુઆઁ સાંજે તમે વિચારી રહ્યા છો અન્વય... પત્ની-બાળકોથી વિટંળાઈને કિલ્લોલ કરતા તમારા હમઉમ્ર મિત્રોને તમે જુઓ છો અન્વય, ત્યારે જે ખાલી પણાની-એકલતાની લાગણી તમે અનુભવો છો એ કોઈ નથી જોઈ શકતું. ઉર્વશી સાથેના સંબંધના કારણે નારાજ થયેલાં તમારા મા-બાપ, મિત્રો, સંબંધીઓ તમામ તમને છોડી ગયાં છે.

અને તમામ સંબંધોના ગામથી દૂર, તમે ગઈકાલ સુધી ઉર્વશી સાથેના એફેર્સના ટાપુ પર, 'આ જ મારી જિંદગીની સંવેદનાનું આખરી સત્ય છે' એમ માની એકલાં-અટૂલાં મગરૃરીથી ઊભા હતાં અન્વય. એ 'ટાપુ' આજે જિંદગીના દરિયામાં એકાએક ગરક થઈ ગયો છે.

પણ સામાજિક-કૌટુંબિક સંબંધોના ગામમાં પાછા ફરવાની ઉંમર અને સમય બંને તમે ગુમાવી ચુક્યા છો. એક ઉંમરે જે જિંદગીનું અંતિમ અને એક માત્ર સત્ય લાગે છે એ 'પ્રેમ' સિર્ફ અહમજન્ય કેફથી વિશેષ કંઈ નહોતો, એ તમારી પ્રૌઢ આંખોને આજે સમજાયું છે અન્વય, જ્યારે પાછા ફરવા માટે ખુબ મોડું થઈ ચુક્યું છે.

લોકો તમારી આ સ્થિતિની ઈર્ષ્યા કરે છે અન્વય, જ્યારે તમારી આંખો સામે ઘુઘવી રહ્યાં છે,

ઉંમરની અફાટ એકલતાના કાળા દરિયા, જેને કોઈ કિનારો નથી. અને આગળ રાહ જોતી ઊભેલી છે, કોઈપણ જાતની હૂંફ વિહોણી બિહામણી વૃદ્ધાવસ્થાની નઠોર વાસ્તવિકતા...

... પ્રેમના ફરેબી સિક્કાની કદાચ આ જ બે વાસ્તવિક બાજુઓ છે અન્વય ! લોકોની ભ્રમજન્ય ઈર્ષ્યા અને પ્રેમના ભ્રમનું નિરસન થતાં પ્રેમમાં પડનારને પ્રાપ્ત થતી અસહ્ય એકલપણાની કાળી વેદનાના કાંટા !
કાશ અન્વય, તમારા સંદર્ભમાં તમારા અંતરંગ દોસ્ત રોનકને સલીમ 'અશ્ક'ના આ ઉર્દૂ શેરની જાણ હોત તો 'એટલીસ્ટ' એણે તમારી ઈર્ષ્યા કરવાના બદલે, તમારા પ્રત્યે એક દોસ્તાના હમદર્દી ચોક્કસ બતાવી હોત કે,

ઈસ બાતસે ના-વાકિફ શાયદ હૈ ચમનવાલે,
કુછ ફૂલ ભી હોતે હૈં, કાંટો સી ચુભનવાલે !
 (શીર્ષક સંવેદના : ડૉ. મુનવ્વર કુંડે)

 

Post Comments