Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગોચર-અગોચર - દેવેશ મહેતા

વીજળી પડવાની ઘટનાએ એડવિન રોબિન્સનનો અંધાપો અને બહેરાશ દૂર કરી દીધા !

જેમ ઈલેક્ટ્રિક શૉક આપીને રોગમાં ફાયદો મેળવવામાં આવે છે તેમ કુદરતી વીજળી શરીરતંત્રમાં એવા અકલ્પ્ય ફેરફારો કરતી હશે તેથી આવા લાભ થતા હોવા જોઇએ

જગત અનેક રહસ્યોથી ભરેલું છે. બુદ્ધિજીવી માનવી એને ઉકેલવાના પ્રયત્નો કરે છે પણ એમાં ભાગ્યે જ સફળ થાય છે. જગતના એક ભાગરૃપે માનવીના જીવનમાં પણ ક્યારેક એવી રહસ્યમય ઘટનાઓ બને છે જે જોઇને વિસ્મય ઉદ્ભવે છે.

કવિ કલાપી 'એક આગિયાને' કાવ્યમાં લખે છે - 'અમ એ જ જીવિત, એ જ મૃત્યુ, એ જ અશ્રુ ને અમી, જે પોષતું તે મારતું શુ ંએ નથી ક્રમ કુદરતી ?' જે જીવન આપનાર છે, પોષણ કરનાર છે એ જ ક્યારેક એના મરણનું કારણ બની જાય છે એવું જોવામાં આવે છે. જો કે સિક્કાની બીજી બાજુ પણ હોય છે એમ કેટલીક વાર આનાથી ઊલટું પણ બને છે !

કવિ કલાપીની કાવ્ય પંક્તિના શબ્દોમાં ઊલટફેર કરીને કહું તો આવું પણ બને - જે મારતું તે પોષતું એવું પણ અહીં કદી બને કુદરતી ! કુદરત ક્યારેક એવું પણ કરે છે કે સામાન્ય રીતે જે બીજાને મોત આપે છે તે કોઇકને જીવન આપી જાય ! જેનાથી બીજાને હાનિ થાય છે તે કોઇકને લાભ કરાવી જાય !

હિન્દી ભાષાના એક કવિની ખૂબ જ અદ્ભુત પંક્તિ છે - 'અગર સહારા ન દેતી મૌજે તુફાન, ડૂબો હી દિયા થા હમેં મલ્લાહને । તોફાનથી બચાવનાર જે નાવિક છે એણે તો અમને દરિયામાં ડુબાડી જ દીધા હતા, પણ બધાને ડુબાડનાર તોફાનની લહેરોએ અમને સહારો આપી કિનારે ધકેલીને બચાવી લીધા !' સંસ્કૃત ભાષાના કવિ ભર્તુહરિ એમના એક શ્લોકમાં કહે છે - 'ન જાને સંસારે કિં અમૃતમય: કિં વિષમય: આ જગતમાં શું અમૃત ભરેલું અને શું ઝેર ભરેલું તે હું જાણતો નથી !'

અત્યારે ચોમાસું બરાબર જામ્યું છે. આકાશમાં વાદળોના ગડગડાટ અને વીજળીઓના ચમકારા થઇ રહ્યા છે. ઘણી જગ્યાએ આકાશમાંથી જોરદાર કડાકા સાથે વીજળી પડવાની ઘટનાઓ પણ બની છે ! વીજળી જ્યાં પડે ત્યાં તારાજી કરે. એનાથી કોઇવાર માનવી તો કોઇવાર પશુ-પક્ષીઓ મરે કે ભયંકર દાઝી જાય. આકાશમાંથી વીજળી પડયા પછી કેવું પરિણામ લાવશે એ કહેવું ક્યારેક મુશ્કેલ બને છે. વીજળી પડવાથી નુકસાન થવાની ઘટનાઓ તો આપણે જોઇ-જાણી છે પણ એનાથી લાભ થવાની ઘટનાઓ વિશે બહુ ઓછાને ખબર છે. તો ચાલો આપણે આવી ઘટનાઓ વિશે જાણીએ.

અમેરિકાના એડવિન રોબિન્સન નામના માનવીના જીવનમાં બનેલી આ ઘટના છે. તે ટ્રક ચલાવવાનું કામ કરતો અને તેમાં સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડતો. તે ત્રેપન વર્ષનો થયો ત્યારે એક દિવસ એક રોડ એક્સિડન્ટમાં તેની આંખની દ્રષ્ટિ અને કાનની શ્રવણશક્તિ ગુમાવી બેઠો. તેની શારીરિક તપાસ કરીને આંખના વિશેષજ્ઞાોએ કહ્યું કે તે હવે કદી જોઇ શકે એમ નથી. કાનથી પણ તે લગભગ બહેરા જેવો થઇ ગયો હતો પણ શ્રવણયંત્ર (હિઅરિંગ એઈડ)નો ઉપયોગ કરી થોડું સાંભળી શકતો. આ દુર્ઘટના બન્યા પછી અંધ રોબિન્સનને જીવન ભારરૃપ લાગતું અને જેમ તેમ ઢસરડો કરીને જીવતો.

૧૯૮૦ની સાલની ચોમાસાની ઋતુ ચાલતી હતી. રોબિન્સન મેનના ફોલમાઉથમાં આવેલા એક મકાનમાં રહેતો હતો. મકાનના ગેરેજ પાસે એણે પાળેલી મરઘીના બચ્ચા દાણા ચણી રહ્યા હતા. રોબિન્સન એમને શોધવા એલ્યુમિનિયમની લાકડીના સહારે ગેરેજની નજીક ચાલી રહ્યો હતો. ચાલતાં ચાલતાં તે એક વૃક્ષ પાસે આવ્યો. આકાશમાં મેઘગર્જનાઓ અને વીજળીના ચમકારા થતા હતા. અચાનક ભારે કડાકા સાથે એ વૃક્ષ પર રોબિન્સનની એકદમ નજીક વીજળી પડી.

રોબિન્સન બેભાન થઇ ગયો. નજીકમાં રહેતા લોકો દોડી આવ્યા અને એને નજીકના ગેરેજમાં લઇ ભાનમાં લાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા . ૨૦ મિનિટ પછી તેને ભાન આવ્યું. ભાન આવતાની સાથે જ તેના મુખેથી હર્ષથી ભરેલા ઉદ્ગારો નીકળી ગયા, 'અરે ! હું તમને બધાને જોઇ શકું છું. મને ફરી દ્રષ્ટિ પ્રાપ્ત થઇ ગઇ છે !'' બે-ચાર પળો બાદ વધારે વિસ્મયજનક, આનંદસભર અવાજે બોલી ઊઠયો - મને એકદમ સ્પષ્ટ પહેલાં જેવું સંભળાવા પણ લાગ્યું છે.

એનું શ્રવણયંત્ર બળીને નષ્ટ થઇ ગયું હતું અને બેહોશ થઇ ગયો ત્યારે ઝાડ પાસેથી જ પડી ગયું હતું. તે શ્રવણયંત્ર વિના સાંભળી શકતો હતો. માર્ગ અકસ્માતમાં રોબિન્સને દ્રષ્ટિ અને શ્રવણશક્તિ ગુમાવી એના નવ વર્ષ પછી નજીકમાં વીજળી પડવાની ઘટનાએ એને ફરી દેખતો અને સાંભળતો કરી દીધો. આ ઉપરાંત એક બીજો ચમત્કાર પણ સર્જાયો.

રોબિન્સનને છેલ્લા ૩૫ વર્ષથી માથે તાલ પડી હતી. ડૉકટરોએ કહ્યું હતું કે તે આનુવંશિકતાથી પડેલી હતી એટલે ફરી વાળ ઉગાડી શકાય એમ નહોતું. પણ વીજળી પડવાની ઘટનાના એક મહિના પછી એના તાલિયા માથામાં ગાઢ, કાળા રંગના વાળ ઊગવા લાગ્યા હતા. આમ, નજીકમાં પડેલી વીજળીએ રોબિન્સનને ત્રિવિધ લાભ કરાવ્યા.

એના નેત્રવિશેષજ્ઞા ડૉ. આલ્બર્ટ મોલ્ટન તો એને દ્રષ્ટિ પાછી આવવાથી આભા જ બની ગયા હતા. વીજળી પડવાથી કેટલાક બોબડા બોલતા થઇ ગયા હોવાના અને લકવાગ્રસ્ત લોકોના અંગો ફરી કામ કરતા થઇ ગયા હોવાના કિસ્સાઓ પણ નોંધાયા છે. માત્ર એટલું જ નહીં, કેટલાક અસાધ્ય મનોરોગીઓના માનસિક રોગો પણ દૂર થઇ ગયા હોવાની ઘટનાઓ બની છે.

નિષ્ણાતો એવું માને છે કે જેમ કેટલાક રોગોમાં યંત્રથી ઈલેક્ટ્રિક શૉક આપીને રોગમાં ફાયદો મેળવવામાં આવે છે તેમ આ કુદરતી રીતે પડતી વીજળી શરીરતંત્રમાં એવા અકલ્પ્ય ફેરફારો કરતી હશે તેથી આવા લાભ થતા હોવા જોઇએ.

શું કોઇ માનવી પર વીજળી પડે તો તે જીવી શકે ? તો જવાબ મળશે - 'ના. ભાગ્યે જ કોઇ જીવી શકે. જીવે તો પણ દાઝે કે અપંગ તો થઇ જ જાય.' તો ચાલો આપણે વાત કરીએ રૉય ક્લીવલેન્ડ સુલીવાન નામના માનવીની. તેના પર સાત વાર વીજળી પડી હતી છતાં તે બચી ગયો હતો ! ૧૯૪૨માં તેના પર પહેલીવાર વીજળી પડી ત્યારે માત્ર અંગૂઠાના નખને નુકસાન થયું હતું.

૧૯૬૯માં બીજીવાર વીજળી પડી ત્યારે એની આંખની ભ્રમરના થોડા વાળ બળવા સિવાય બીજું કંઇ ન થયું. પછી ૧૯૭૦માં ત્રીજીવાર વીજળી પડી તેના ખભાને લસરકો કરીને જમીનમાં સમાઇ ગઇ. ૧૯૭૨માં ચોથી વાર વીજળી પડી તે તેની હેટની આરપાર ઊતરી ગઇ. એનાથી એના થોડા વાળ બળી ગયા પણ માથાને કોઇ હાનિ ન થઇ ! પાંચમી વાર વીજળી પડી તે પણ હેટ પર જ પડી.

એનાથી માથાના બાકીના વાળ બળી ગયા પણ એને બીજું કંઇ નુકસાન ન થયું. તે વખતે તે મોટરકાર ચલાવતો હતો. તે દસ ફૂટ દૂર ફેંકાઇ ગયો હતો. વીજળી હેટ પર પડી, તેને બહાર ફેંકી તેના બે પગ વચ્ચેથી નીકળી ગઇ હતી. ૧૯૭૬માં તેના પર છઠ્ઠી વાર વીજળી પડી હતી. તે વખતે તેના ઘૂંટણને થોડી ઈજા થઇ હતી. ૧૯૭૭માં તેના પર સાતમી વાર વીજળી પડી ત્યારે તે પેટ અને છાતીના ભાગે થોડો દાઝ્યો હતો.

પણ એથી વિશેષ કોઇ નુકસાન થયું નહોતું. સુલીવાન કહેતો હતો કે જ્યારે પણ વીજળી પડતી ત્યારે તેને એવું પ્રતીત થતું કે એ વીજળી એના તરફ જ આવી રહી છે ! આકાશમાં વીજળીનો ચમકારો થતો અને ઘડીના છઠ્ઠા ભાગમાં વીજળી બીજે ક્યાંય નહીં એના પર જ આવીને પડતી. આટલી વાર વીજળી પડવા છતાં તે મરણ ન પામ્યો એ એક અચરજ કહેવાય ને ! એક મહિલા સ્વેટર ગૂંથતી હતી અને વીજળી પડી.

એનો સ્વેટર ગૂંથવાનો સોયો બળી ગયો પણ એને કંઇ ન થયું ! એક વ્યક્તિ પથારીમાં સૂતી હતી અને ત્યાં વીજળી પડી. તે વ્યક્તિ પથારીમાંથી બહાર ફેંકાઇ ગઇ અને બચી ગઇ. એની પથારી સળગીને રાખ થઇ ગઇ ! આ ઘટનાઓ સાબિત કરે છે કે ઈશ્વર જેની રક્ષા કરે એને કોઇ મારી શકતું નથી. સાચું જ કહેવાયું છે - 'જા કો રાખે સાંઇયા, મારી શકે ના કોય.' 'રામ રાખે તેને કોણ ચાખે ?'
 

Post Comments