Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફ્રેન્કલી સ્પીકિંગ - વિશાલ શાહ

ચેતન આનંદ: ઇતિહાસના શિક્ષકથી ફિલ્મસર્જક સુધી

આજકાલ મીડિયામાં કાન ફિલ્મ ફેસ્ટિવલ છવાયેલો છે પણ મોટા ભાગના સમાચારોમાં વર્લ્ડ બેસ્ટ ફિલ્મોની વાતો ઓછી કે નહીં બરાબર હોય છે. આ અત્યંત ગંભીર પ્રકારના ફિલ્મ ફેસ્ટિવલનું મહત્તમ મીડિયા કવરેજ ડિઝાઈનર ડ્રેસ પહેરીને રેડ કાર્પેટ પર ફોટોશૂટ કરાવતી અભિનેત્રીઓની રંગીન તસવીરો પૂરતું મર્યાદિત હોય છે.

હકીકતમાં ફિલ્મ કળા અને ઈતિહાસની દૃષ્ટિએ કાન ફિલ્મ ફેસ્ટિવલ ઓસ્કરથી પણ વધુ મહત્ત્વનો છે, પરંતુ 'ગોસિપ જર્નાલિઝમ'ના ભોગે ત્યાં રજૂ થતી વિવિધ ભાષાની ફિલ્મો, દાયકાઓ પહેલા રજૂ થયેલી ક્લાસિક ફિલ્મોની ભૂલાયેલી વાતો તેમજ વિશ્વભરના નવોદિત ફિલ્મકારોની માહિતી આપતા વિગતવાર અહેવાલોનો ભોગ લેવાઇ જાય છે.

ભારતીય ફિલ્મો કાન ફિલ્મ ફેસ્ટિવલમાં મોકલવાની શરૃઆત ૧૯૪૬માં થઈ હતી. એ જ વર્ષે ફિલ્મ ક્ષેત્રે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવાસવા આવેલા એક યુવાનની પહેલી જ ફિલ્મે કાનનો સર્વોચ્ચ 'ગ્રાન્ડ પ્રિક્સ' એવોર્ડ જીતીને મેદાન માર્યું હતું. આજે આ એવોર્ડ 'ગોલ્ડન પામ' તરીકે ઓળખાય છે. એ ફિલ્મ એટલે 'નીચા નગર' અને પેલો નવોસવો યુવક એટલે ચેતન આનંદ.

આજે ભારતીય સિનેમાની યશકલગી સમાન એ ફિલ્મ વિશે વિગતે વાત.  

બિમલ રોય અને સત્યજિત રેની પ્રેરણા

ભારતીય ખેડૂતના જીવનની વાત કહેતી બિમલ રોયની 'દો બીઘા જમીન' (૧૯૫૩) અને સામાન્ય ભારતીયની કશ્મકશનું કાવ્યાત્મક નિરુપણ કરતી સત્યજીત રેની 'પાથેર પાંચાલી' (૧૯૫૫)એ દુનિયાભરના સિનેમા નિષ્ણાતોને જબરદસ્ત પ્રભાવિત કર્યા હતા. 'દો બીઘા જમીન' કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ૧૯૫૪માં રજૂ થઇ હતી.

તેને ઈન્ટરનેશનલ પ્રાઈઝ મળ્યું પણ 'ગોલ્ડન પામ' મળી ના શક્યો. એ પછી ૧૯૫૬માં 'પાથેર પાંચાલી'એ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં 'ગોલ્ડન પામ' એવોર્ડ જીતવા દુનિયાભરની ચુનંદા ફિલ્મો સાથે સ્પર્ધા કરી, પરંતુ તેને પણ આ સન્માન ના મળ્યું. આમ છતાં, આ બંને ફિલ્મો વિશે આપણે ઘણું બધું જાણીએ છીએ પણ 'ગોલ્ડન પામ' જીતનારી 'નીચા નગર' મહદ્અંશે ભૂલાઇ ગઇ છે. બિમલ રોય અને સત્યજિત રેેના સર્જન પર પણ આ ફિલ્મનો પ્રભાવ પડયો હતો.

સિનેમેટિક આર્ટની દૃષ્ટિએ 'નીચા નગર' માસ્ટર પીસ છે. આ ફિલ્મની વાર્તા સીધીસાદી છે. અમીરી અને ગરીબી વચ્ચેની લડાઈ, પરંતુ ચેતન આનંદની નાટયાત્મક રજૂઆત આ ફિલ્મને ખાસ બનાવે છે. મેક્સિમ ગોર્કીએ ૧૯૦૨માં લખેલા 'લૉઅર ડેપ્થ' નાટક પરથી પ્રેરણા લઈને આ ફિલ્મ લખવામાં આવી હતી.

કાનમાં ગોલ્ડન પામ જીત્યાના ચારેક વર્ષ પછી, ૧૯૫૦માં, પંડિત નહેરુએ ચેતન આનંદને નવી દિલ્હી તેડાવ્યા. એ વખતે નહેરુ ચીન સાથે પંચશીલ કરારો કરવામાં વ્યસ્ત હતા. આ વ્યસ્તતા વચ્ચે તેમણે ચીનના નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે 'નીચા નગર' જોઈ અને વખાણી. આવી પ્રસિદ્ધિ મળ્યા પછીયે કોઈ ડિસ્ટ્રિબ્યુટર 'નીચા નગર' રિલીઝ કરવા તૈયાર ન હતો કારણ કે, તેમાં ગીત કે ડાન્સ ન હતા.

જોકે, આ ફિલ્મ બનાવાઈ ત્યારે તેમાં એક ગીત અને નાનકડી ડાન્સ સિક્વન્સ હતી, પરંતુ મુંબઇમાં કોઇ લેવાલ નહીં મળતા નિર્માતાઓએ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં મોકલતી વખતે તેમાંથી એ ગીત અને ડાન્સ પણ એડિટ કરી નાંખ્યા. છેવટે મુંબઈથી થોડે દૂરના કોઈ ગામમાં 'નીચા નગર' રિલીઝ કરાઈ પણ બોક્સ ઓફિસ પર તે ઊંધે માથે પછડાઈ.

ધ મેકિંગ ઓફ 'જિનિયસ' ચેતન આનંદ

ચેતન આનંદને મોટા ભાગના લોકો દેવ આનંદના ભાઈ તરીકે ઓળખે છે, પરંતુ 'નીચા નગર'ના સર્જક તરીકે એ ઓળખ તેમનો અનાદર કરવા બરાબર છે. ચેતન આનંદ પાંચ જ વર્ષની ઉંમરે હરિદ્વારના કાંગરી વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરવા પહોંચી ગયા હતા, જ્યાં તેમણે હિંદુ શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો. લાહોરની સરકારી કોલેજમાં અંગ્રેજી સાહિત્ય સાથે સ્નાતક થયા. ત્યાર પછી ૧૯૪૦માં માંડ વીસેક વર્ષની ઉંમરે જ ઉત્તરાખંડની પ્રસિદ્ધ દૂન સ્કૂલમાં ઈતિહાસના શિક્ષક તરીકે નોકરી શરૃ કરી. અહીં તેઓ ૧૯૪૪ સુધી રહ્યા અને આ સમયગાળામાં જ તેમને ફિલ્મમેકિંગનો કીડો ડંખ્યો.

દૂન સ્કૂલના વિદ્યાર્થીઓએ ૧૯૩૦માં સ્કૂલ કેમ્પસમાં 'રોઝ બાઉલ' નામે એક એમ્ફિથિયેટર બનાવ્યું હતું. આશરે હજાર લોકોની ક્ષમતા ધરાવતા એ થિયેટરમાં પશ્ચિમી સાહિત્યના ક્લાસિક નાટકો ભજવાતા, જાતભાતના પ્રયોગો થતા અને ચેતન આનંદ તેમાં ઊંડો રસ લેતા. દૂન સ્કૂલમાં ચેતન આનંદને એક જર્મન વિદ્યાર્થી સાથે પણ દોસ્તી હતી કારણ કે, તે પણ ફિલ્મમેકિંગમાં ઊંડો રસ લેતો હતો. એ જર્મન યુવકે ચેતન આનંદને 'ફિલ્મ ફોર્મ' અને 'ફિલ્મ સીન' નામના બે પુસ્તક ભેટમાં આપ્યા હતા.

આ પુસ્તકો વાંચીને જ ચેતન આનંદે ૧૯૪૪માં રાજા અશોકના જીવન પરથી  ફિલ્મ બનાવવા જીવનની પહેલી ફિલ્મ સ્ક્રિપ્ટ લખી હતી. આ દરમિયાન દૂન સ્કૂલમાં જ ચેતન આનંદની મુલાકાત લાહોરની સરકારી કોલેજના પ્રોફેસર ચેટરજીની પુત્રી ઉમા ચેટરજી સાથે થઇ. ઉમાને પણ ચેતન આનંદની જેમ વાચન, લેખન અને પર્ફોર્મિંગ આર્ટ્સમાં ઊંડો રસ હતો. તે બંનેએ જીવન ઘડતરના શરૃઆતના દિવસો દૂનમાં સાથે વીતાવ્યા અને ફિલ્મ-નાટય કળાને વધુ સારી રીતે સમજ્યા. ૧૯૪૩માં તેઓ પરણી ગયા અને જીવનના અંત સુધી સાથે રહ્યા.

મુંબઈમાં ફિલ્મ મેકિંગની શરૃઆત

ઉત્તરાખંડમાં ગાળેલા દિવસોમાં ચેતન આનંદ ઈન્ડિયન ઈન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી પણ કરતા હતા. આઈસીએસની પરીક્ષા આપવા તેઓ લંડન ગયા, પરંતુ પાસ ના થયા. એ પછી તેમણે મુંબઇની વાટ પકડી અને રાજા અશોકની સ્ક્રિપ્ટ બતાવવા ધુરંધર ફિલ્મ ડિરેક્ટર ફણી મજુમદારની ઓફિસના ચક્કરો લગાવ્યા. મજુમદાર એટલે 'સ્ટ્રીટ સિંગર' (૧૯૩૮), 'આરતી' (૧૯૬૨) અને 'ઊંચે લોગ' (૧૯૬૫) જેવી ઉત્તમ ફિલ્મોના સર્જક. જોકે, મજુમદારે તેમની સ્ક્રિપ્ટ પરથી ફિલ્મ ના બનાવી પણ 'રાજકુમાર' (૧૯૪૪) નામની ફિલ્મમાં મુખ્ય ભૂમિકા આપી. આમ, મુંબઈમાં ચેતન આનંદનું ગાડું ગબડયું અને થોડા સમયમાં ઈન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિયેશન (ઈપ્ટા)ના સભ્ય પણ બની ગયા.

આ દરમિયાન ચેતન આનંદના મિત્ર રફીક અનવર તેમની પાસે 'નીચા નગર' નામની ફિલ્મ બનાવવાની ઑફર લઈને આવ્યા. આ ફિલ્મની વાર્તા અને સંવાદો હિદાયતુલ્લાહ ખાન અને ખ્વાજા અહેમદ અબ્બાસે લખ્યા હતા.

ચેતન આનંદે અગાઉ શોર્ટ ફિલ્મ પણ બનાવી ન હતી, પરંતુ તેમણે દુનિયાભરની ક્લાસિક ફિલ્મો જોઇ હતી અને ફિલ્મ કળા વિશે પણ ઘણું બધું વાંચ્યું હતું. તેમણે થોડા ખચકાટ સાથે ઑફર સ્વીકારી લીધી. 'નીચા નગર'માં મુખ્ય ભૂમિકામાં રફીક અનવર જ હતા. તેઓ 'નીચા નગર'ના નિર્માતા રશીદ અનવરના સગા ભાઈ હતા. ચેતન આનંદે બાકીના કલાકારો ઇપ્ટાના મિત્રોની મદદથી શોધ્યા. એ બધા જ નવોદિતો હતા.

આ કલાકારોમાં ઉમા કશ્યપ પણ હતા. ચેતન આનંદે તેમનું નામ બદલીને કામિની કૌશલ કરી નાંખ્યું કારણ કે, કલાકારોની ટીમમાં ચેતન આનંદના પત્ની ઉમા આનંદનો પણ સમાવેશ થતો હતો. ચેતન આનંદને એક જ ફિલ્મમાં બે 'ઉમા' મંજૂર ન હતી. આ ફિલ્મની માંડ એક નાનકડી ડાન્સ કોરિયોગ્રાફીનું કામ ચેતન આનંદે ઝોહરા સેહગલને સોંપ્યું કારણ કે, તેઓ ફિલ્મમાં પણ મહત્ત્વની ભૂમિકામાં હતા.

ઝોહરા સેહગલ વિખ્યાત નૃત્યકાર ઉદય શંકરના કાફલામાં નૃત્યાંગના તરીકે કામ કરતા હતા. તેમની મદદથી 'નીચા નગર'ના સંગીતનું કામ ઉદય શંકરના નાના ભાઈ રવિ શંકરને સોંપાયું, જે પાછળથી વિખ્યાત સિતારવાદક પંડિત રવિ શંકર તરીકે જાણીતા થયા.

...અને કબાડી બજારમાંથી 'નીચા નગર'ની પ્રિન્ટ મળી

મુંબઈના પાલી હિલમાં આવેલા એક બંગલૉમાં ચેતન આનંદે નવોદિત કલાકારોનો શંભુમેળો ભેગો કર્યો અને જેમતેમ કરીને 'નીચા નગર'નું શૂટિંગ પૂરું કર્યું. જોકે, ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટરો અને દર્શકોએ આ ફિલ્મમાં બિલકુલ રસ ના લીધો. આ ફિલ્મની નિષ્ફળતા માટે ભારતના ભાગલાનો દર્દનાક ઘટનાક્રમ પણ જવાબદાર હતો. મુંબઈ નજીક આ ફિલ્મ રિલીઝ થઇ ત્યારે ભારતના ભાગલા થઇ ચૂક્યા હતા.

ભાગલાના કારણે થયેલી હિંસાના કારણે હિંદુ અને મુસ્લિમો વચ્ચેનું વૈમનસ્ય વધી ગયું હતું. 'નીચા નગર'ના બંને નિર્માતા મુસ્લિમ હતા, રશીદ અનવર અને એ. હલીમ. આ કારણસર પણ અનેક લોકોએ 'નીચા નગર' માટે ઉત્સાહ ના બતાવ્યો. ગરીબીને વળી શું ધર્મ અને શું જાત, પરંતુ કમનસીબે ગરીબોનો અવાજ બનીને આવેલી 'નીચા નગર' ધર્મની વાડાબંધીમાં સપડાઈ ગઈ. આ ફિલ્મ સાથે સંકળાયેલા લોકો પાસેથી વર્ષો પછી આ વાત જાણવા મળી હતી.

ભાગલા પછી 'નીચા નગર'ના નિર્માતાઓ પાકિસ્તાન જતા રહ્યા અને તેની પ્રિન્ટ પણ સાથે લઈ ગયા. જોકે, વર્ષો પછી પાકિસ્તાન કે ભારતમાં આ ફિલ્મની પ્રિન્ટ ઉપલબ્ધ નહીં હોવાનું મનાતું હતું, પરંતુ એક દિવસ ચમત્કાર થયો. બંગાળી ફિલ્મ કેમેરામેન સુબ્રતા મિત્રા કોલકાતાના કબાડી બજારમાં ખાંખાખોળા કરવા નીકળ્યા હતા.

આ દરમિયાન તેમને કોઈ જૂની ફિલ્મની પ્રિન્ટ મળી, જે તેમણે મફતના ભાવે ખરીદી લીધી. તપાસ કરતા ખબર પડી કે, એ પ્રિન્ટ 'નીચા નગર'ની હતી. સુબ્રતા મિત્રા સત્યજિત રેની અનેક ફિલ્મોમાં કેમેરામેન તરીકે કામ કરી ચૂક્યા હતા. તેઓ 'નીચા નગર'નું મહત્ત્વ બખૂબી સમજતા હતા. એ પ્રિન્ટ તેમણે તાત્કાલિક પૂણેની નેશનલ આર્કાઇવ્સને સોંપી દીધી.

આ પ્રિન્ટની મદદથી પહેલી નવેમ્બર, ૨૦૧૫ના રોજ મુંબઈના રિગલ સિનેમામાં 'નીચા નગર'નો સ્પેશિયલ શૉ કરાયો હતો. એ શૉમાં ૮૮ વર્ષની વયના કામિની કૌશલે પણ હાજરી આપી હતી.

***

  
ચેતન આનંદના પત્ની ઉમા આનંદ એક પત્રકાર, લેખક અને તંત્રી પણ હતા. તેઓ ૧૯૬૫થી ૧૯૮૧ સુધી સંગીત નાટક અકાદમીની પ્રતિષ્ઠિત 'સંગીત નાટક' નામની જર્નલના તંત્રી રહ્યા હતા. ઉમા આનંદ લિખિત અનેક બાળપુસ્તકોનું નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા પ્રકાશન કરાયું છે. તેમણે 'ચેતન આનંદ: ધ પોએટિક્સ ઓફ ફિલ્મ' નામનું પુસ્તક પણ લખ્યું છે.

આ પુસ્તકમાં એક રસપ્રદ કિસ્સો ટાંકતા તેઓ લખે છે કે: 'નીચા નગર'ને કોઈ ડિસ્ટ્રિબ્યુટર નહીં મળતા ચેતન નિરાશ થઇ ગયો હતો. આ દરમિયાન તેને કોલકાતાથી એક પત્ર મળે છે, જેમાં એ લેખકે લખ્યું હતું કે, હું તમારી 'નીચા નગર' ફિલ્મ જોઈને ખૂબ જ પ્રભાવિત થયો છું અને હું પણ મારી પહેલી ફિલ્મ બનાવવા માટે સ્ટ્રગલ કરી રહ્યો છું. એ પત્રની નીચે એ સ્ટ્રગલર યુવકે સહી પણ કરી હતી, સત્યજિત રે.

એવું તો શું હતું 'નીચા નગર'માં. વાંચો આવતા અઠવાડિયે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments