Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફ્રેન્કલી સ્પીકિંગ - વિશાલ શાહ

ઈશ્વરને પ્રાર્થના કે તુ મારો છેલ્લો પ્રેમ હોય...

આઝાદ હિંદ ફૌજના સૈનિકો સામે 'તુમ મુઝે ખૂન દો, મેં તુમે આઝાદી દૂંગા'નો લલકાર કરનારા સુભાષબાબુએ એમિલીને લખેલા ૧૬૫ પત્રોમાં અનેક જગ્યાએ ઉત્કટ પ્રેમના વર્ણન મળે છે

ક્યારેક મહાકાય હિમશીલા પણ પીગળી જાય છે અને મારી સાથે પણ એવું જ થયું છે. મેં મારી જાતને ક્યારનીય મારા પહેલા પ્રેમ, મારા દેશ, સમક્ષ ગિરવે મૂકી દીધી છે. મારે ફરી તેની પાસે જવાનું છે. હું નથી જાણતો કે ત્યાં મારું શું થશે. કદાચ બાકીનું જીવન મારે જેલમાં વીતાવવું પડે, કદાચ મને ગોળી મારવામાં આવે કે ફાંસીએ લટકાવી દેવાય.

પરંતુ જે કંઇ થાય, હું તને યાદ કરતો રહીશ અને તારા મારા પ્રત્યેના પ્રેમ માટે મૌન રહીને કૃતજ્ઞાતા વ્યક્ત કરતો રહીશ. કદાચ હવે હું તને ક્યારેય મળી નહીં શકું. તને ક્યારેય પત્ર ના લખી શકું એવું પણ બની શકે. પરંતુ વિશ્વાસ રાખજે, તુ હંમેશા મારા હૃદયમાં, મારા વિચારોમાં અને મારા સ્વપ્નોમાં હોઇશ. જો આ જન્મમાં વિધાતા આપણને છૂટા પાડશે, તો હું તારા માટે આવતા જન્મ સુધી રાહ જોઇશ...''

આ લેખ સાથે નેતાજીની તસવીર ના હોય તો અંદાજ પણ ના આવે કે, આ પ્રેમભરી અભિવ્યક્તિ એ ક્રાંતિકારી નેતાએ કરી હતી જેણે આઝાદ હિંદ ફૌજના સૈનિકોને લલકાર કર્યો હતો કે, 'તુમ મુઝે ખૂન દો, મેં તુમે આઝાદી દૂંગા'. ભારતને આઝાદ થવાની એકાદ દાયકાની વાર હતી, ત્યારે માર્ચ ૧૯૩૬માં, સુભાષચંદ્ર બોઝે એક પ્રેમ પત્રમાં એમિલી શેન્ક (ઈસૈનૈી જીબરીહંન)ને આ વાત કહી હતી. એમિલીને લખેલા પત્રોમાં નેતાજીના વ્યક્તિત્વનું સૌથી ઓછું જાણીતું પાસું ઉજાગર થાય છે.

આ પત્રો પર નજર કરતા જણાય છે કે, નેતાજી જેવા બાહોશ, કરિશ્માઇ, ક્રાંતિકારી અને આક્રમક નેતામાં એક અતિ સંવેદનશીલ પ્રેમી પણ સમાંતરે જીવ્યો હતો. આ પત્ર લખ્યો ત્યારે નેતાજી યુરોપ છોડીને ભારત જવાની તૈયારી કરી રહ્યા હતા. તેઓ ભારતમાં જેલવાસ કે મોતની સજાની શક્યતાથી નહીં પણ એમિલીથી છૂટા પડવાના હોવાથી વ્યથિત હતા.

એ પત્રમાં નેતાજી આગળ લખે છે કે, ''... ક્યારેય વિચાર્યું સુદ્ધાં નહોતું કે, હું એક સ્ત્રીના પ્રેમમાં સંમોહિત થઈ શકું છું. અનેક સ્ત્રીઓએ મને ચાહવાની કોશિષ કરી છે પણ મેં એ તરફ જોયું સુદ્ધાં નથી. પરંતુ નોટી વુમન, તેં મને જીતી લીધો... શું આ પ્રકારનો પ્રેમ ઉપયોગી છે? આપણે બંને જુદી જુદી ધરતી સાથે જોડાયેલા છીએ, આપણામાં શું કોમન છે? મારો દેશ, મારા લોકો, મારી પરંપરાઓ, મારી આદતો-રીતરિવાજો, મારું વાતાવરણ- એ બધું જ તારા દેશ કરતા અલગ છે, પરંતુ આપણા દેશને જુદા પાડતી એ તમામ બાબતો હું એક ક્ષણ માટે ભૂલી જાઉં છું. તારામાં રહેલા સ્ત્રીત્વ અને તારા આત્માને હું ચાહું છું...''

રસપ્રદ વાત એ છે કે, એમિલીને આ રોમેન્ટિક પત્રો લખાયા એ જ ગાળામાં નેતાજીનો વૈશ્વિક નેતાઓ, ભારતસ્થિત અંગ્રેજ અધિકારીઓ અને અંગ્રેજો વિરુદ્ધ જંગે ચડેલા સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે પણ પત્રવ્યવહાર ચાલુ હતો.

આ પત્રોના વિષય એમિલીને લખાયેલા પત્રોથી બિલકુલ જુદા હતા. એ પત્રોમાં દેશદાઝ અને ક્રાંતિની વાત હતી, જ્યારે એમિલીને લખાયેલા પત્રોમાં પ્રેમની ઊંડી-કોમળ અભિવ્યક્તિ હતી. ક્રાંતિ અને પ્રેમ વચ્ચે સંતુલન સાધવામાં નેતાજીએ અનેક તબક્કે ભારે પીડા ભોગવી હશે એવો પણ આ પત્રોમાં સંકેત મળે છે.  

એમિલી પ્રત્યે ઉત્કટ પ્રેમ વ્યક્ત કરતા એક પત્રમાં નેતાજીએ લખ્યું છે કે, ''...એક પણ દિવસ તારો વિચાર કર્યા વિના પસાર થતો નથી. તુ હંમેશા મારી સાથે હોય છે. કદાચ વિશ્વની બીજી કોઇ વ્યક્તિ વિશે હું આટલું વિચારી શકતો નથી. આટલા મહિનાઓ સુધી મેં કેટલી એકલતા અને દુઃખ અનુભવ્યું છે એ હું શબ્દોમાં વ્યક્ત કરી શકું એમ નથી. બસ એક જ વાતનું મને સુખ છે, પરંતુ મને નથી ખબર કે શું એ શક્ય છે? જોકે, એ વિશે હું દિવસ રાત વિચારું છું અને ઇશ્વરને પ્રાર્થના કરું છું કે, મને સાચો માર્ગ સૂઝાડજે...''

૧૯૩૭માં લખાયેલા આ પત્રમાં નેતાજી એમિલીને શું શક્ય હોવાનું કહી રહ્યા હશે! એવું કહેવાય છે કે, તેઓ એમિલી સાથે વધુ સમય વીતાવવા કે કાયમી ધોરણે સાથે રહેવા માંગતા હતા. આ પત્ર લખાયો ત્યારે નેતાજી ભારતમાં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસની આગેવાનીમાં અંગ્રેજો વિરુદ્ધના આંદોલનમાં વ્યસ્ત હતા અને ૧૯૩૮ના વર્ષ માટે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રમુખ તરીકે પણ ચૂંટાઇ ગયા હતા. આ વ્યસ્તતા વચ્ચે સમય  કાઢીને તેઓ નવેમ્બર ૧૯૩૭માં એમિલીને મળવા ઓસ્ટ્રિયાના બડ ગેસ્ટાઇન ગયા હતા.

બડ ગેસ્ટાઇનમાં જ તેમણે 'એન ઇન્ડિયન પિલગ્રિમ' નામે આત્મકથા લખવાનું શરૃ કર્યું હતું, જેના તેઓ ફક્ત નવ પ્રકરણ લખી શક્યા. આ અધૂરી આત્મકથામાંથી પસાર થતી વખતે માલુમ પડે છે કે, એમિલીને મળ્યા પછી નેતાજીના હૃદયમાં ક્રાંતિની ચિનગારીની સાથે ફૂલ જેવી કોમળતા પણ પ્રગટી ચૂકી હતી. ભારતના લાખો યુવાનોની છાતીમાં પ્રગટેલી ક્રાંતિની ચિનગારીને હવા આપનારા નેતાજીએ 'માય ફેઇથ (ફિલોસોફિકલ)' નામના પ્રકરણમાં 'પ્રેમ'ની વાત છેડતા લખ્યું છે કે,

''મારા માટે કુદરતનું સૌથી જરૃરી તત્ત્વ પ્રેમ છે. પ્રેમ એ બ્રહ્માંડનું મૂળ તત્ત્વ છે અને માનવ જીવનનો પણ અત્યંત જરૃરી સિદ્ધાંત છે... હું મારી આસપાસ પ્રેમને જોઇ શકું છું. મને અંદરથી આ બાબતનું ભાન થઇ રહ્યું છે. હું અનુભવી રહ્યો છું કે, મારે મારી જાતને પૂર્ણ બનાવવા પ્રેમ કરવો જોઇએ. જીવનનું નિર્માણ કરવા મૂળભૂત તત્ત્વ તરીકે મારે પ્રેમની જરૃર છે...''

નેતાજી અને એમિલીની પહેલી મુલાકાત પણ રસપ્રદ હતી. જૂન ૧૯૩૪ના બીજા અઠવાડિયામાં નેતાજી જર્મનીમાં વિયેના (અત્યારે ઓસ્ટ્રિયાની રાજધાની)ના પ્રવાસે હતા. તેઓ રાજકીય કારણસર લાંબો સમય વિયેનામાં જ રહેવાના હતા. ત્યાં સુભાષબાબુએ વિશઆર્ટ નામની પ્રકાશન કંપની સાથે ભારતની આઝાદીના આંદોલનને લગતું 'ધ ઇન્ડિયન સ્ટ્રગલ' પુસ્તક લખવાનો કોન્ટ્રાક્ટ કર્યો હતો.

આ લખાણોના સુવ્યવસ્થિત ટાઇપિંગ, એડિટિંગ અને પ્રૂફ માટે નેતાજી ક્લેરિકલ કામમાં નિપૂણ વ્યક્તિ શોધી રહ્યા હતા.
સુભાષબાબુએ કોઇ રેફરન્સના આધારે ૨૪મી જૂન, ૧૯૩૪ના રોજ એક યુવતીને ઇન્ટરવ્યૂ માટે બોલાવી. એ યુવતી એટલે એમિલી. એ વખતે એમિલીની ઉંમર હતી, માંડ ૨૩ વર્ષ. ઓસ્ટ્રિયન કેથોલિક પરિવારમાં જન્મેલી એમિલીને અંગ્રેજી ભાષા પર સારી એવી પકડ હતી, ટાઇપિંગ સ્પિડ સારી હતી અને શોર્ટ હેન્ડ પણ જાણતી હતી.

એ વખતે યુદ્ધોના કારણે મહામંદીનો દોર હતો અને નોકરીઓ મળતી નહોતી. એટલે એમિલી નેતાજીના ક્લાર્ક તરીકે જોડાઇ ગઇ. શરૃઆતમાં તો એમિલીના માતાપિતાને ખચકાટ થયો કે, એમિલી એક અજાણ્યા ભારતીય પુરુષ સાથે કામ ના કરે તો સારું, પરંતુ થોડા જ સમયમાં એમિલીના માતા-પિતા અને બહેન પણ નેતાજીના ખૂબ સારા મિત્ર બની ગયા.

એમિલી સુભાષબાબુથી ઉંમરમાં નાની હતી અને તેઓ શું હસ્તી છે એ વિશે શરૃઆતમાં ઝાઝું સમજતી નહીં. એમિલીનો નેતાજી સાથેનો સંવાદ 'સીધી બાત' જેવો રહેતો, જેથી નેતાજી એમિલીને 'બાઘિની' (વાઘણ) કહેતા.

સુભાષબાબુ અને એમિલીએ ૧૯૩૪થી ૧૯૩૬ વચ્ચે ઘણો બધો સમય સાથે વીતાવ્યો અને એ ગાળામાં જ તેઓ નજીક આવ્યા. છેવટે ૨૬મી ડિસેમ્બર, ૧૯૩૭ના રોજ ૪૦ વર્ષના સુભાષબાબુ (૨૩ જાન્યુઆરી, ૧૮૯૭) અને ૨૭ વર્ષની એમિલી શેન્કે (૨૬ ડિસેમ્બર, ૧૯૧૦) બડ ગેસ્ટાઇનમાં હિંદુ વિધિથી ગુપ્ત લગ્ન કરી લીધા હતા.

નેતાજીએ લગ્ન પછી, ચોથી જાન્યુઆરી ૧૯૩૯ના રોજ, એક પત્રમાં એમિલીને લખ્યું છે કે, ''...એક રીતે જોઉં તો, હું ફરી પ્રમુખ ના બનું એ જ સારું છે. એવું થાય તો મને થોડી મુક્તિ મળે અને મારી જાત માટે થોડો વધુ સમય ફાળવી શકું... અને તુ કેમ છે મારી વ્હાલી? હું દિવસ અને રાત તારા વિશે વિચારું છું...'' આ છેલ્લી બે લીટી સુભાષબાબુએ જર્મનમાં લખી હતી. આ તેમની આદત હતી. એમિલીની માતૃભાષા જર્મન હોવાથી ક્યારેક તેઓ રમતિયાળ અભિવ્યક્તિ જર્મનમાં કરતા હશે!

એમિલીને આ પત્ર લખાયો ત્યારે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના હાઇ કમાન્ડ ગણાતા ગાંધીજી અને સરદાર પટેલ સાથે નેતાજીના મતભેદો ચરમસીમાએ હતા. આમ છતાં, નેતાજીએ ફરી એકવાર કોંગ્રેસ પ્રમુખ બનવા પ્રચાર શરૃ કર્યો અને સરદાર પટેલ ખૂબ ગુસ્સે ભરાયા.

સરદાર પટેલે નેતાજીને જાહેરમાં ચેતવણી આપતા કહ્યું હતું કે, ''...જો તમે બીજી વાર ચૂંટાઇ ગયા તો પણ તમારી બધી જ નીતિઓની ચકાસણી કરાશે અને જરૃર પડયે કાર્યકારી સમિતિમાં વિટોનો પણ ઉપયોગ થશે...''

આ પ્રકારના રાજકીય માહોલમાં ત્રિપુરામાં કોંગ્રેસની વાર્ષિક બેઠક યોજાઈ, જ્યાં બિમાર નેતાજીએ સ્ટ્રેચર પર હાજરી આપી અને બીજી વાર કોંગ્રેસ પ્રમુખ તરીકે ચૂંટાયા. એ દિવસોમાં ગાંધીજી, સરદાર પટેલ અને નહેરુની જૂથબંધીએ નેતાજીને એકલા પાડી દીધા હતા. નેતાજીના ખબરઅંતર પૂછવા સુદ્ધાં કોઇ જતું ન હતું. છેવટે નેતાજીએ એ જ વર્ષે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું અને ફોરવર્ડ બ્લોકની રચના કરી.

નેતાજીએ ૧૯૩૪થી ૧૯૪૨ના ગાળામાં ભારે રાજકીય ઉથલપાથલો વચ્ચે, અંગ્રેજોની નજરકેદમાંથી અને માંદગીના બિછાનેથી એમિલીને અનેક પત્રો લખ્યા હતા, જેમાંના ૧૬૫ ઉપલબ્ધ છે. આ તમામ પત્રો ભારતસ્થિત અંગ્રેજ પોલીસ અધિકારીઓ દ્વારા સેન્સર કરાતા.

અંગ્રેજ શાસને નેતાજીના અનેક પત્રો એમિલી સુધી પહોંચવા ના દીધા હોય એવી પૂરી શક્યતા છે. અહીં બીજી પણ એક વાત નોંધવી જોઈએ. અંગ્રેજ શાસન માટે માથાનો દુઃખાવો બની ચૂકેલા નેતાજીને બદનામ કરવા બ્રિટીશ અધિકારીઓએ આ પત્રોનો ક્યારેય ઉપયોગ નહોતો કર્યો.

નેતાજીએ એમિલીને લખેલા ૧૬૫ પત્રમાં ઓસ્ટ્રિયાના રાજકારણ, પુસ્તકો, સંગીત, બુડાપેસ્ટ અને પ્રાગ જેવા શહેરોના મિજાજ, વિયેનાના કાફેમાં કરેલા જોક્સ, અધ્યાત્મિકતા અને એકબીજાની તબિયત જેવા અનેક વિષયો પર પણ ચર્ચા કરી છે.

વર્ષ ૧૯૯૪માં પ્રકાશિત 'લેટર્સ ટુ એમિલી શેન્ક'માં આ બધા પત્રો સમાવાયા છે. આ પત્રોનું એડિટિંગ સુભાષબાબુના મોટા ભાઇ સરતચંદ્ર બોઝ અને તેમના પુત્ર સુગતા બોઝે કર્યું છે. સુભાષબાબુએ ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા એ વાતની સૌથી પહેલી જાણકારી સરતચંદ્રને નહેરુ અને સરદાર પટેલે આપી હતી.

વાત એમ હતી કે, એમિલી શેન્કે ૧૨મી માર્ચ, ૧૯૪૬ના રોજ સરતચંદ્ર બોઝને એક પત્ર લખીને સુભાષબાબુ અને તેમના સંબંધ વિશે જાણકારી આપી. એ પત્રનો સરતચંદ્ર તરફથી કોઇ જવાબ ના આવ્યો. એટલે એમિલીએ ૧૫મી મે અને પહેલી ઓગસ્ટ, ૧૯૪૬ના રોજ સરતચંદ્રને ફરી એકવાર આ પત્રની નકલો મોકલી. જોકે, આ પત્રો સરતચંદ્રને મળતા જ ન હતા.

આ દરમિયાન વિયેનામાં રહેતા મૂળ ભારતીય ડૉ. અકમાતને ખબર પડી કે, એમિલી શેન્ક સુભાષબાબુના સ્વજનોનો સંપર્ક કરવા માંગે છે. એટલે ડૉ. અકમાતે પોતાના સંપર્કો થકી નહેરુ અને સરદાર પટેલને બધી જ વિગતો પહોંચાડી દીધી. છેવટે ૧૧મી ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ નહેરુએ અને ૧૩મી ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ સરદારે સરતચંદ્ર બોઝને ડૉ. અકમાતનો સંદેશ પહોંચાડયો.

જોકે, એમિલી શેન્ક ક્યારેય ભારત ના આવ્યા, પરંતુ માર્ચ ૧૯૯૬માં જીવનના અંત સુધી સુભાષબાબુના સ્વજનો સાથે ગાઢ સંપર્કમાં રહ્યા. સુભાષબાબુની પુત્રી અનિતા આજેય બોઝ પરિવારનો અભિન્ન હિસ્સો છે.

નેતાજીએ એક પત્રમાં એમિલીને કહ્યું હતું કે, ''તુ પહેલી સ્ત્રી છે જેને મેં પ્રેમ કર્યો છે. ઇશ્વરને પ્રાર્થના કે, મારી વ્હાલી, તુ મારો છેલ્લો પ્રેમ હોય... '' કદાચ ઇશ્વરે સુભાષબાબુની પ્રાર્થના મંજૂર કરી લીધી હતી.

૧૮મી ઓગસ્ટ, ૧૯૪૫ની એ સાંજે એમિલી શેન્ક ઉનના કપડા સીવતા સીવતા રેડિયો સાંભળતા હતા. ત્યારે અચાનક જ તેમના કાને શબ્દો અફળાયા કે, અંગ્રેજ શાસનના દુશ્મન સુભાષચંદ્ર બોઝનું તાઇપેઇમાં એક વિમાન અકસ્માતમાં અવસાન થયું છે...

સદ્નસીબે એ ક્ષણે એમિલીની સાથે તેમના માતા અને બહેન પણ હતા. એમિલીના રૃંવે રૃંવે દિગ્મૂઢ ખામોશી વ્યાપી ગઇ હતી. છતાં તેઓ ઊભા થઈને બેડરૃમમાં ગયા, જ્યાં ત્રણ વર્ષની અનિતા ગાઢ નિદ્રામાં હતી.

આ ઘટનાના વર્ષો પછી એમિલી શેન્કે એ ક્ષણને યાદ કરતા કહ્યું હતું કે, ''... પછી મેં અનિતાની બાજુમાં સૂઇને હૈયાફાટ રૃદન કર્યું...''
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments