Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફ્રેન્કલી સ્પીકિંગ - વિશાલ શાહ

અથ શ્રી 'જાંબુ પુરાણ કથા'

પ્રકૃતિએ રચેલા આકાશ અને દરિયો જાંબુડિયા રંગના છે એટલે હિંદુ દેવતાઓનો રંગ પણ જાંબુડિયો હોવાની કલ્પના કરાઈ છે. ભૂરો, વાદળી કે જાંબુડિયો રંગ આકાશ-દરિયા જેવી સ્થિરતા, ધૈર્ય, શીતળતા, સાહસ અને સમર્પણનું પ્રતિનિધિત્વ કરે છે

દિલ્હી રાજઘાટની આસપાસનો વિસ્તાર હજુયે જાંબુના મહાકાય વૃક્ષોથી બનેલી લીલીછમ છત્રીઓથી ઘેરાયેલો છે. અંગ્રેજકાળમાં જાંબુના વૃક્ષની પસંદગી કદાચ એટલે કરાઈ હતી કે, જાંબુડો બારેમાસ ભર્યોભર્યો રહે છે  

એક સમયે સ્કૂલની બહાર ઊભેલા લારી કે ખૂમચાવાળા પાસેથી ગોરસ આંબલી, કાચી કેરી, ચણી બોર, કાકડી, ટામેટાં, રાયણ, કોઠું, શેતુર, શીંગચણા, દાળિયા, તરબૂચના બિયાં, ટેટીના બિયાં, જાંબુ અને કુલ્ફી  જેવી ચીજવસ્તુઓ ખરીદીને મેગા પાર્ટી કરાતી. આ બધામાં જાંબુ સિઝનલ ફ્રૂટ હોવાથી રથયાત્રા આવે એના થોડા દિવસ પહેલાં લારીઓમાં દેખાવાના શરૃ થઈ જતાં.

ખૂમચાવાળો માંડ બે-ત્રણ રૃપિયામાં ચાટ મસાલો કે મીઠું ભભરાવેલા જાંબુ કાગળના પડીકામાં ભરી આપતો. જાણે જાંબુનો ચાટ. જાંબુનો સ્વાદ થોડો એસિડિક કહેવાય એવો ખાટ્ટોમીઠો અને ઉપરથી થોડી ખારાશ-ખટાશ-તીખાશ ધરાવતો મસાલો. બસ અને ટ્રેનની મુસાફરીમાં પણ આવો જ જાંબુ ચાટ ઝાપટવાની જયાફતો ઉડાવાતી.

જાંબુ ચાટની મજા માણ્યા પછી સ્કૂલમાં હોઈએ તો એકબીજાને જાંબુડિયા રંગની જીભ બતાવાની અને શેરીમાં રમતા હોઈએ તો આસપાસ પાર્ક કરેલા વાહનોના કાચમાં જઈને જીભ જોવાની. આવું કરીશું તો કોણ શું કહેશે અને કેવું લાગશે એવી બધી બાળસહજ બેપરવાઇમાંથી ખુશીઓના ફુવારા ફૂટતા.

આ તો પૈસા ખર્ચીને ખાવાની વાત થઈ પણ ઝાડ પરથી જાંબુ પાડીને ખાવામાં પણ ઓનલાઈન શૉપિંગ કર્યા પછી પાંચ આંકડાનું વાઉચર ફ્રીમાં મળ્યું હોય એનાથીયે વધારે આનંદ આવતો. આજેય જૂના અમદાવાદના કેટલાક વિસ્તારોમાં મોગલ અને અંગ્રેજકાળના સ્થાપત્યોની આસપાસ જાંબુના વૃક્ષો અડીખમ ઊભા છે. અંગ્રેજ કાળમાં કોઈ મહત્ત્વના સ્થળ સુધી પહોંચવાના રસ્તે વૃક્ષો ઊગાડાતા. વૃક્ષ જ જે તે સ્થળ સુધી પહોંચવાનું સરનામું.

નવી દિલ્હીના હાઈલી સિક્યોર્ડ લ્યુટયેન્સ બંગલૉઝ એરિયામાં પીપળો, લીમડો, અંજીર અને અર્જુનની સાથે જાંબુના વૃક્ષો પણ હજુયે જોવા મળી રહ્યા છે. બ્રિટીશ ભારતમાં જે તે વિસ્તારમાં સુંદરતા અને ઠંડક વધારવા તેમજ પાણીનો પ્રશ્ન વિચારીને વૃક્ષો ઊગાડાયા હતા. દિલ્હી રાજઘાટની આસપાસનો વિસ્તાર હજુયે જાંબુના મહાકાય વૃક્ષોથી બનેલી લીલીછમ છત્રીઓથી ઘેરાયેલો છે.

અંગ્રેજકાળમાં જાંબુના વૃક્ષની પસંદગી કદાચ એટલે કરાઈ હતી કે, જાંબુડો બારેમાસ પાંદડાથી ભર્યોભર્યો રહે છે. બીજા વૃક્ષોની જેમ જાંબુનું ઝાડ પાનખરમાં બોડું નથી થઈ જતું. જો જાંબુના બદલે ઠંડા અને ભેજવાળા વિસ્તારના વિદેશી વૃક્ષો ઊગાડવામાં આવે તો ખાતર-પાણી વધારે જોઈએ, પરંતુ જાંબુનું તો વતન જ ભારતીય ઉપખંડ છે. અહીં જ તેનો જન્મ થયો હતો. ઉત્ક્રાંતિકાળમાં જ જાંબુડાને ઓછી જરૃરિયાતોથી ભરપૂર જીવન જીવવાની કુદરતી બક્ષિસ મળેલી છે.

વૈજ્ઞાનિક ભાષામાં સાયઝિજિયમ ક્યુમિની નામે ઓળખાતા જાંબુ ફ્લાવરિંગ પ્લાન્ટ કેટેગરીમાં આવતી મિર્ટેસિયા જાતિના ફળ છે. જામફળ, વિદેશી મરી અને લવિંગ પણ આ જ જાતિ સાથે સંકળાયેલા છોડ છે. જાંબુ ભારતની દરેક ભાષામાં જામુન કે જામ્બુ જેવા નામે જ ઓળખાય છે, જ્યારે સંસ્કૃતમાં જાંબુને 'જાંબુ ફલિન્દા' જેવું શાસ્ત્રીય નામ અપાયું છે. યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ એગ્રિકલ્ચરે છેક ૧૯૧૧માં ફ્લોરિડામાં પહેલીવાર જાંબુની ખેતી શરૃ કરાવી હતી.

અમેરિકામાં વાયા બ્રાઝિલ જાંબુ ગયા હતા, જ્યારે બ્રાઝિલમાં પોર્ટુગીઝો થકી ભારતીય જાંબુ પહોંચ્યા હતા. એ પછી તો આ પ્રદેશના પક્ષીઓ થકી જાંબુના બીજ ખૂબ મોટા વિસ્તારમાં ફેલાઈ ગયા અને થોડા દાયકામાં તો લેટિન અમેરિકાના ગુયાના, સુરિનામ, ટ્રિનિદાદ અને ટોબેગો જેવા દેશોમાં પણ જાંબુના વૃક્ષો દેખાવા લાગ્યા.

એક સમયે પશ્ચિમી દેશોના લોકો જાંબુને બ્લેકબેરી હતા, પરંતુ અદ્દલ જાંબુ જેવી લાગતી બ્લેકબેરી રોઝેસિયા જાતિનું ફળ છે. બ્લેકબેરી વૃક્ષો પર દ્રાક્ષ જેવા ઝુમખામાં ઊગે છે, જ્યારે જાંબુ ઝુમખામાં નથી થતાં. આ તફાવત ખબર પડયા પછી પશ્ચિમી દેશોએ જાંબુને ઈન્ડિયન બ્લેકબેરી, મલબાર પ્લમ કે જાવા પ્લમ જેવા નામ આપ્યા છે. આ વાત જ સાબિત કરે છે કે, જાંબુ ભારતીય ઉપખંડનું એક્સક્લુસિવ ફળ છે. આધુનિક ભારતીય સંસ્કૃતિમાં પણ જાંબુને ઘણું મહત્ત્વ મળ્યું છે.

મરાઠી-કોંકણી સંસ્કૃતિમાં લગ્નનો માંડવો જાંબુના પાનથી સજાવાય છે. દક્ષિણ ભારતમાં તો જાંબુની ડાળખી કે છોડ રોપીને લગ્નવિધિ શરૃ કરાવાય છે. આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કેરળ જેવા રાજ્યોના ખેડૂતો બળદગાડું, ખેતીના ઓજારો તેમજ ઘરના બારી-દરવાજા બનાવવા જાંબુના વૃક્ષનું લાકડું વાપરતા.

હિંદુ ધર્મગ્રંથો અને પ્રાચીનતમ સંસ્કૃત પુસ્તકોમાં પણ જાંબુના ઉલ્લેખ છે. પુરાણોમાં પૃથ્વીલોકને સાત ખંડમાં વહેંચવામાં આવી છે. પ્લક્ષ દ્વીપ, શાલ્મલી દ્વીપ, કુશ દ્વીપ, ક્રોંચ દ્વીપ, શાક દ્વીપ, પુષ્કર દ્વીપ અને જંબુ દ્વીપ. આ જંબુદ્વીપ એટલે જાંબુના વૃક્ષોથી શોભતો પ્રદેશ. અહીં દ્વીપ શબ્દ 'ખંડ'ના અર્થમાં છે. જૈન અને બૌદ્ધ ધર્મમાં પણ જંબુદ્વીપની વાત કરાઈ છે.

ઉત્તરપ્રદેશના હસ્તિનાપુરમાં આવેલું દિગમ્બર જૈનોનું તીર્થ આ 'પૌરાણિક જંબુદ્વીપ'ની તર્જ પર જ ડિઝાઈન કરાયું છે. વિષ્ણુપુરાણમાં તો જંબુદ્વીપમાંથી કેવી નદી વહે છે એનું રસિક વર્ણન કરતા કહેવાયું છે કે, મેરુ પર્વતની તળેટીના જાંબુના મહાકાય વૃક્ષો પર ઊગેલા હાથી આકારના જાંબુના ફળ પાકીને નીચે પડે છે. આ ફળો પર્વત પર ટકરાઈને નીચે પડે છે ત્યારે તેમાંથી રસ નીકળીને સુંદર નદીનું સર્જન થાય છે.

અહીં રહેતા લોકો તેનું જ પાણી પીએ છે. આ જળનું પાન કરવાથી પરસેવો, દુર્ગંધ, વૃદ્ધત્વ અને ઈન્દ્રિયક્ષયમાંથી છુટકારો મળે છે. આ નદીને જાંબુ નદી કહે છે. જાંબુ નદીના કિનારાની માટી અને જાંબુનો રસ મિશ્રિત થાય પછી મંદ મંદ પવન ફૂંકાતા જંબુનદ નામની ધાતુ બને છે. અહીંના સિદ્ધપુરુષો આ જ માટીના આભૂષણો પહેરે છે...

મહાભારતના અશ્વમેઘ પર્વના અધ્યાય ૪૩ના પહેલાં જ શ્લોકમાં બ્રહ્માજીના મુખે એક સંવાદમાં કહેવાયું છે કે, ''... વડલો, જાંબુ, પીપળો, સેમલ, સીસમ, મેષશૃંગ અને પોલો વાંસ- આ લોકના વૃક્ષોના રાજાઓ છે, એ વાતમાં કોઈ શંકા નથી...'' સેમલ એટલે ઈન્ડિયન કોટનવુડ અને મેષશૃંગ એટલે ગુડમારનો વેલો.

'ભાગવત્ પુરાણ'માં પણ ક્યાંક ક્યાંક જાંબુના ઉલ્લેખ મળે છે. જેમ કે, દસમા સ્કંધના વીસમા અધ્યાયમાં કહેવાયું છે કે, ''વર્ષાઋતુમાં વૃંદાવન આવી જ રીતે પાકેલા ખજૂર અને જાંબુથી શોભાયમાન રહેતું...'' તો દસમા સ્કંધના ૩૦મા અધ્યાયમાં બીજા અનેક વૃક્ષોની સાથે જાંબુને પણ યમુના કિનારે બિરાજમાન મહાકાય સુખી વૃક્ષ ગણાવાયું છે.

મહાભારતમાં 'દશાર્ણ' નામના એક પ્રદેશનું વર્ણન છે. આ દશાર્ણ એટલે આજના ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ વચ્ચે વહેંચાયેલો બુંદેલખંડનો પ્રદેશ. આ પ્રદેશમાં કુલ દસ નદીઓ વહેતી એટલે તેનું નામ પડયું, દશાર્ણ. આ દશાર્ણ પ્રદેશનો 'મેઘદૂત'માં ઉલ્લેખ કરતા મહાકવિ કાલિદાસ કહે છે કે, ''...આ પ્રદેશમાં વરસાદ પછી જાંબુના લતામંડપો ફૂલેફાલે છે અને એટલે જ અહીં યાયાવર હંસો થોડા દિવસ રોકાઈ જાય છે...''

કૃષ્ણના શરીરનો રંગ જાંબુડિયો છે કારણ કે, કૃષ્ણ વિષ્ણુનો અવતાર છે અને વિષ્ણુનો સંબંધ પાણી સાથે છે અને પાણીનો રંગ જાંબુડિયો છે. કૃષ્ણ અને શિવનું શરીર વાદળી કે જાંબુડિયા રંગનું હોવા પાછળ બીજું પણ એક કારણ અપાયું છે. પ્રકૃતિએ રચેલા આકાશ અને દરિયો જાંબુડિયા રંગના છે એટલે મૂર્તિકારો અને ચિત્રકારોએ પણ હિંદુ દેવતાઓનું શરીર જાંબુડિયા રંગનું બનાવ્યું છે.

ભૂરો, વાદળી કે જાંબુડિયો રંગ આકાશ-દરિયા જેવી સ્થિરતા, ધૈર્ય, શીતળતા, સાહસ અને સમર્પણનું પ્રતિનિધિત્વ કરે છે. કૃષ્ણના પેલા વિખ્યાત ભજનમાં પણ એક પંક્તિ આવે છે, 'આંબુ લીંબુ ને જાંબુ બોલે, શ્રીકૃષ્ણ શરણં મમ:' ટૂંકમાં, જાંબુ એ ભગવાન શ્રીકૃષ્ણ સાથે સંકળાયેલું અતિ પૌષ્ટિક ફળ છે અને એટલે જ રથયાત્રામાં પણ જાંબુનો પ્રસાદ આપવામાં આવે છે.

જાંબુનું આખેઆખું વૃક્ષ એટલે કે ફળ, ઠળિયા, ફૂલ, છાલ અને લાકડું બધું જ ઉપયોગી છે. જાંબુના ઠળિયાને સૂકવીને-શેકીને-દળીને બનાવેલું ચૂરણ ડાયાબિટીસમાં અકસીર છે કારણ કે, જાંબુના તત્ત્વો સ્ટાર્ચને ગ્લુકોઝમાં પરિવર્તિત થતાં રોકવાની ક્ષમતા ધરાવે છે. ડાયાબિટીસ મટાડવાનો દાવો કરતી હર્બલ ટીમાં પણ જાંબુના ઠળિયાનું ચૂરણ મિશ્રિત કર્યું હોય છે.

જાંબુના એસિડિક તત્ત્વોમાં પથરી ઓગાળવાનો ગુણ પણ રહેલો છે. જાંબુનું ચૂરણ પાયોરિયા જેવા દાંતના રોગમાં ફાયદાકારક છે. કબજિયાત, મરડો, કૃમિ અને પથરી જેવા પાચનતંત્રને લગતા રોગોમાં પણ જાંબુ અને જાંબુના ઠળિયાનું ચૂરણ લાભદાયી છે. પેટ સારું રહે તો ત્વચા પણ સારી રહે. એ રીતે જાંબુનું સેવન કરવાથી સુંદર ત્વચા પણ મળે છે.

જાંબુમાં વિટામિન 'બી' કોમ્પ્લેક્સ અને 'સી' ભરપૂર પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત જાંબુ કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટાશિયમ અને સોડિયમ જેવા ખનીજ તત્ત્વોનો પણ ભંડાર છે. આ તમામ તત્ત્વો કોલેસ્ટ્રોલને કાબૂમાં રાખે છે, જેથી હૃદયરોગ થતો અટકે છે અથવા કાબૂમાં રહે છે. જાંબુમાં કેટલાક એન્ટિ ઓક્સિડન્ટ્સ પણ હોય છે. સીધી સાદી ભાષામાં કહીએ તો એન્ટિ ઓક્સિડન્ટ્સ એટલે એવા તત્ત્વો કે જે શરીરમાં ઓક્સિજન સાથે ભળીને સડો કરતા તત્ત્વોને અટકાવે.

આમ, ઓક્સિડાઇસેશનને અટકાવે એવા તત્ત્વો એટલે એન્ટિ ઓક્સિડન્ટ્સ. જેમ કે, વિટામિન સી પણ એન્ટિ ઓક્સિડન્ટ જ છે. જાંબુમાં પોલિફેનોલન્સ જેવા અનેક બાયોએક્ટિવ ફાયટોકેમિકલ્સ પણ હોય છે. પોલિફેનોલ્સ કેન્સરના કોષો સામે લડનારા કેમિકલ તરીકે જાણીતું છે. કદાચ એટલે જ કિમોથેરેપી લેતા દર્દીઓને જાંબુનો જ્યૂસ પીવાનું સૂચન કરાય છે.

આયુર્વેદમાં જ નહીં, ચીન અને યુનાની ઔષધશાસ્ત્રમાં પણ જાંબુથી થતાં ફાયદાનું વિસ્તૃત વર્ણન મળે છે. આયુર્વેદમાં તો જાંબુ ક્યારે અને કેવા સંજોગોમાં ના ખાવા જોઈએ એની પણ વિગતવાર વાત કરાઈ છે. જેમ કે, સાંધાના દુ:ખાવા, લકવો, વાઇ, આંચકી જેવા રોગોમાં તેમજ ગર્ભવતીઓને, ભૂખ્યા પેટે અને શરીરે સોજા રહેતા હોય એવા લોકોને જાંબુ ખાવાની આયુર્વેદમાં 'ના' છે.

ખેર, આ જાંબુ પુરાણ હવે અહીં જ અટકાવીએ.
 

Post Comments