Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફ્રેન્કલી સ્પીકિંગ - વિશાલ શાહ

શિકારીની માનસિકતા હેમિંગ્વે, સલમાન અને ટ્રમ્પ

અર્નેસ્ટ હેમિંગ્વેના લખાણોમાંથી સતત મર્દાનગી છલકતી. આ મર્દ લેખકે બીજી જુલાઈ, ૧૯૬૧ના રોજ પોતાની ફેવરિટ શોટગનથી આત્મહત્યા કરી લીધી હતી

આજની રોયલ ગેમ ગણાતી ગોલ્ફ, પોલો, એલિફન્ટ પોલો અને અફઘાનિસ્તાનની બુઝકાશી જેવી રમતો પણ માણસની આદિમકાળની જંગલી રમતોમાંથી જ ઉતરી આવી છે

''મને કોઇ પણ પ્રાણીને મારવામાં ખચકાટ નહોતો થતો. હું તેમને એક જ ઝાટકે પરેશાન કર્યા વિના મારતો. એક વખત તો તેમણે મરવાનું જ હતું. રાત્રે કે મોસમ પ્રમાણે મરતા પ્રાણીઓના કુદરતના ઘટનાચક્રમાં મારી દખલગીરી તો બહુ ઓછી છે. તેનો મને કોઇ જ અપરાધભાવ નથી. આપણે તેમનું માંસ ખાઇ જઇએ છીએ અને ચામડા-શિંગડા પણ સાચવીએ છીએ...''

અર્નેસ્ટ હેમિંગ્વે જેવા ધુરંધર અમેરિકન લેખકે 'ગ્રીન હિલ્સ ઓફ આફ્રિકા' પુસ્તકમાં પોતાના શિકારના શોખને આ રીતે ઉચિત ઠેરવ્યો હતો. આ નોન-ફિક્શન પુસ્તક ૧૯૩૫માં પ્રકાશિત થયું હતું. હેમિંગ્વેના સાહિત્યમાં ઠેર ઠેર શિકારના વર્ણનો આવે છે. વાર્તાઓ-નવલકથાઓમાં પણ હેમિંગ્વે એવું સાબિત કરવાનો પ્રયાસ કરતા કે, માણસને બીજા જીવોને મારવાનો હક છે. એ ગૌરવની વાત છે. જેમ કે, ૧૯૫૨માં પ્રકાશિત વિશ્વ વિખ્યાત કૃતિ 'ઓલ્ડ મેન એન્ડ ધ સી'માં હેમિંગ્વે લખે છે કે:

''તુ માછલીને ફક્ત જીવતી રાખવા કે બજારમાં વેચવા માટે નથી મારતો.' તે આવું કંઈક વિચારી રહ્યો હતો...

તુ તારા આત્મસન્માન અને ગૌરવ માટે માછલીનો શિકાર કરે છે. એ જીવતી હોય ત્યારે પણ તુ તેને પ્રેમ કરે છે અને તેના મૃત્યુ પછી પણ. જો તુ તેને પ્રેમ કરે છે તો તેને મારવી એ પાપ નથી...''

સલમાન જેવા શિકારીઓ પણ 'કોઇ જીવને ઠાર મારવો એ મારો હક છે' એવું વિચારતા હશે! 'ઓલ્ડ મેન એન્ડ ધ સી' પુસ્તક માટે હેમિંગ્વેને ૧૯૫૩માં પુલિત્ઝર (ફિક્શન) પુરસ્કાર મળ્યો. એ પછીના વર્ષે સાહિત્યિક પ્રદાન માટે તેઓ નોબલથી પણ સન્માનિત થયા. તેમના જીવનમાં રોમાંચ (થ્રીલ)નું સ્થાન સૌથી ઉપર હતું.

એપ્રિલ ૧૯૩૬માં 'એસ્ક્વાયર' મેગેઝિનના એક લેખમાં તો હેમિંગ્વેએ એક માણસ બીજા માણસને મારે એ ઘટનાને પણ ગ્લોરિફાય કરવાનો પ્રયાસ કરીને હદ વટાવી દીધી હતી. એ લેખમાં હેમિંગ્વેએ લખ્યું હતું કે, ''માણસના શિકાર જેવો કોઇ શિકાર નથી. જે લોકો સશસ્ત્ર માણસને દૂરથી વીંધી શકે છે અને એ કામને પસંદ કરે છે, પછી તો તેઓ કોઈની પરવા નથી કરતા...''

પહેલા વિશ્વયુદ્ધમાં હેમિંગ્વેએ એમ્બ્યુલન્સ ડ્રાઇવર તરીકે ફરજ બજાવી હતી, અને, બીજા વિશ્વયુદ્ધમાં બહાદુરી બતાવવા બદલ હેમિંગ્વેને બ્રોન્ઝ સ્ટાર મળ્યો હતો. આમ, હેમિંગ્વેની માનસિકતા સમજી શકાય એમ છે. આદિમાનવ શિકારને પોતાનો મૂળભૂત અધિકાર માનતો હતો, પરંતુ હેમિંગ્વેના લખાણો તો માંડ ૧૦૦ વર્ષ જૂના છે, ક્લાસિક છે, પણ તેમાં આદિમકાળના માણસની માનસિકતા છતી થાય છે.

માણસજાત હજારો વર્ષોથી મક્કમતાથી માને છે કે, પૃથ્વી પર બીજા જીવોને તો ઠીક, જરૃર પડયે માણસને મારવામાં પણ કશું ખોટું નથી. હેમિંગ્વેના લખાણોમાંથી સતત મર્દાનગી છલકતી. આ મર્દ લેખકે બીજી જુલાઈ, ૧૯૬૧ના રોજ પોતાની ફેવરિટ શોટગનથી આત્મહત્યા કરી લીધી હતી.

સલમાનની છાપ પણ એક મર્દ 'ભાઈ'ની છે, જે કોઈનાથી ડરતો નથી અને કોઇ પણ જોખમ ખેડવા હંમેશા તૈયાર હોય છે. હા, હેમિંગ્વે કે સલમાનની શિકારી માનસિકતા જંગલી પ્રાણીઓ-પક્ષીઓના માંસ, ચામડા, હાડકા અને શિંગડાનો ગેરકાયદે વેપાર કરતા શિકારીઓથી જરા જુદી હોય છે. પહેલા પ્રકારના શિકારીઓ વીરપ્પન જેવા હોય છે, જે ફક્ત પૈસા માટે ગેરકાયદે શિકાર કરે છે.

એવી જ રીતે, હેમિંગ્વે કે સલમાન જેવા શિકારીઓ શક્તિ પ્રદર્શન કરવા, આત્મસંતોષ માટે અને ક્યારેક સત્તા દર્શાવવા શિકાર કરે છે. આ શિકારીઓ અંદરથી અતિ સંવેદનશીલ, પ્રેમભૂખ્યા અને ક્યારેક લાગણીવિહિન હોઇ શકે છે. એ વાત અલગ છે કે, હેમિંગ્વેએ કાયદેસર શિકાર કર્યા હતા.

આ પ્રકારની હિંસક માનસિકતા માણસમાં હજારો વર્ષોથી ધરબાયેલી છે, જે નકારાત્મક માનસિકતામાં વિસ્ફોટ બનીને બહાર આવે છે. ખેતીની શોધ નહોતી થઇ ત્યાં સુધી આદિમાનવ શિકાર કરીને પેટિયું રળતો. ત્યાર પછી તે પશુપાલન શીખ્યો. કૃષિની શોધ થતાં નવા જ પ્રકારની કૃષિ સંસ્કૃતિ વિકાસ શરૃ થયો. એ સંસ્કૃતિમાં પ્રાણીઓનું મહત્ત્વ ઘણું વધારે હતું. કૃષિ સંસ્કૃતિમાં અનેક પાલતુ જીવો માણસ સાથે ફેમિલિયર થઈ ગયા હતા.

એ  જ કાળમાં દુનિયાભરની સંસ્કૃતિઓમાં ઘોડા દોડ, ઊંટ દોડ, આખલા દોડ, બુલ ફાઇટિંગ, જલ્લીકટ્ટુ, ઘેંટા-કૂતરા કે મરઘા લડાઇ વગેરે જેવી મનોરંજક રમતો શોધાઈ, પરંતુ માણસને તેનાથી સંતોષ ન હતો. એટલે એક સમયે ફક્ત પેટ ભરવા શિકાર કરતા માણસે મનોરંજન અને રોમાંચ માટે પણ શિકાર કરવાનું શરૃ કર્યું. જેમ કે, માણસે ઘોડા, કૂતરા અને બાજની મદદથી વધુ મોટા અને હિંસક પ્રાણીઓનો શિકાર કરવાની પદ્ધતિઓ વિકસાવી. આ પ્રકારના શિકારનો કબીલાઇ સમાજમાં ખૂબ વિકાસ થયો.

માણસ વેરાન પ્રદેશોમાં નાના-નાના જૂથોમાં રહેતો ત્યારે બીજા કબીલા (જૂથ)ને ચેતવણી આપવા પણ શિકાર કરતો. એ પ્રાણીઓના બિહામણા મહોરા પોતાના વિસ્તારોની સરહદો નજીક કે ઝૂંપડા બહાર લગાવીને એક જૂથ બીજા જૂથને સંદેશ આપતું કે, સાચવીને રહેજો. અમે પણ મજબૂત છીએ. જો અમે જંગલના ખૂંખાર પ્રાણીઓનો શિકાર કરી શકીએ છીએ તો તમારો પણ ખાત્મો બોલાવી શકીએ છીએ...

આ પ્રકારના શિકારના આયોજન કબીલાના વડાની આગેવાનીમાં થતાં. કબીલાનો વડો શિકાર કરીને કાફલા સાથે પાછો આવે ત્યારે પ્રજા તેને વધાવી લેતી. આવા મજબૂત 'શિકારી'ની નિશ્રામાં પ્રજાજનોને સુરક્ષાની ભાવના મળતી. આ કબીલાના વડાઓ લુપ્ત થયા તો રાજા-મહારાજાઓ પેદા થયા. ઇતિહાસ ગવાહ છે કે, ભારત સહિતના અનેક દેશોમાં રાજા-મહારાજાઓ શિકારના શોખીન હતા. રાજાઓ પણ 'રાજ'ની શક્તિ અને આધિપત્ય દર્શાવવા સૈનિકો તેમજ હાથી-ઘોડાનો કાફલો લઇને નિહથ્થા પ્રાણીનો શિકાર કરવા જતા. આ પ્રવૃત્તિ ફક્ત આનંદ-પ્રમોદ અને મિજબાનીઓ કરવા થતી, જે આજે 'ટ્રોફી હન્ટિંગ' તરીકે ઓળખાય છે. માણસને બજારમાં મળતું માંસ ખાવામાં રોમાંચ નથી મળતો, પરંતુ શિકાર કરીને તાજુ માંસ રાંધીને ખાવામાં 'થ્રીલિંગ કિક' વાગે છે.

આફ્રિકાના અનેક દેશોમાં નક્કી કરેલા જંગલ વિસ્તારોમાં ટ્રોફી હન્ટિંગ કાયદેસર છે. આ રમત સરકારી એજન્સીની દેખરેખ હેઠળ, નક્કી કરેલા વિસ્તારમાં, સત્તાવાર ગાઇડને સાથે રાખીને ખેલાય છે. એક સમયે 'રોયલ ગેમ' ગણાતી શિકારની પ્રવૃત્તિ આજે ધનવાનોની રમત બની ગઇ છે.

આજના ધનવાનોનું વર્તન પણ રાજાઓ જેવું જ છે ને? આ ગેમ માટે ધનવાનો જંગી રકમ ચૂકવે છે. ટ્રોફી હન્ટિંગ કે વાઇલ્ડ ગેમ્સના સમર્થકોની દલીલ છે કે, આ રમતમાંથી મળતા ભંડોળનો ઉપયોગ પ્રાણીઓના કન્ઝર્વેશન (સંરક્ષણ-સંવર્ધન) માટે જ વાપરવામાં આવે છે. જોકે, આ દલીલ સામે એવી સીધીસાદી દલીલ કરાય છે કે, 'હન્ટિંગ ઇઝ નોટ કન્ઝર્વેશન'.

કોઇને બચાવવા માટે મારવાની જરૃર છે, એ 'તર્કહીન' વિચાર પણ વર્ષો જૂનો છે. ચાર્લ્સ ડાર્વિન જાણીતા જીવવિજ્ઞાાની હોવાની સાથે સારા શિકારી પણ હતા. અમેરિકાના વિખ્યાત પક્ષીશાસ્ત્રી અને ચિત્રકાર જ્હોન જેમ્સ ઓડુબોન પણ ઉત્તમ શિકારી હતા. આમ છતાં, આ બંને હસ્તી પોતાને શિકારીના બદલે કન્ઝર્વેશનિસ્ટ તરીકે ઓળખાવાનું પસંદ કરતી. અમેરિકાના પૂર્વ પ્રમુખ થિયોડોર રૃઝવેલ્ટ પણ ઉત્તમ શિકારી હતા.

તેમના લખાણોમાં પણ હેમિંગ્વેની જેમ શિકારના સાહિત્યિક વર્ણનો વાંચવા મળે છે. રૃઝવેલ્ટને પણ કોઇ શિકારી કહે તે નહોતુ ગમતું. રૃઝવેલ્ટ અને હેમિંગ્વે પોતાને જંગલો-પ્રાણીઓના રખેવાળ તેમજ હિંસક પશુઓની વસતી કાબૂમાં રાખનારા બહાદુરો તરીકે ઓળખાવાનું પસંદ કરતા.

શિકારને માણસનો મૂળભૂત હક ગણતા માણસોની આજેય કમી નથી. હવે તો સોશિયલ મીડિયામાં પણ લોકો ટ્રોફી હન્ટિંગની તસવીરો મૂકે છે. નવેમ્બર ૨૦૧૭માં ડોનાલ્ડ ટ્રમ્પના બે પુત્રો જુનિયર ડોનાલ્ડ ટ્રમ્પ અને એરિક ટ્રમ્પ અમેરિકાના મોન્ટાના સ્ટેટમાં કાયદેસરની હન્ટિંગ ટૂર પર ગયા હતા. આ દરમિયાન ટ્રમ્પ બંધુઓએ ભેંસ અને દીપડા જેવા પ્રાણીઓના ઢીમ ઢાળી દીધા અને સોશિયલ મીડિયામાં તેની તસવીરો પણ મૂકી. આ મુદ્દે વિવાદ થતાં જુનિયર ટ્રમ્પે કહ્યું હતું કે, આ શિકાર કર્યાની મને કોઈ શરમ નથી. હું શિકાર કરું છું અને ખાઉં છું... જુનિયરની વાતમાં સૂર પૂરાવતા અમેરિકન પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે, પ્રાણીઓનો શિકાર એ ગોલ્ફ જેવી જ એક રમત છે.

હા, ગોલ્ફ એ શિકારી રમતનું જ અહિંસક સ્વરૃપ છે. ગોલ્ફર તેની ઇલેક્ટ્રિક કારમાં ગોલ્ફ સ્ટિક, કોફી-નાસ્તો અને રેન્જફાઇન્ડર (રેન્જ માપવાનું દૂરબીન જેવું સાધન) લઇને ગોલ્ફ રમવા નીકળે છે. એવી જ રીતે, મોડર્ન શિકારીઓ પણ જિપ્સી જેવી કારમાં રાઇફલો, દારૃ-નાસ્તો વગેરે લઇને શિકાર કરવા નીકળે છે. આ બંને રમતમાં કદાચ એકસરખો રોમાંચ મળે છે.

ગોલ્ફર બૉલને કાણાંમાં પહોંચાડવા પરફેક્ટ શૉટ મારવાની મથામણ કરે છે, જ્યારે શિકારીએ પ્રાણીને ઠાર મારવા પરફેક્ટ શૉટ મારવાનો હોય છે. શિકારી કે ગોલ્ફર નસીબદાર હોય તો ઘરે પાછા ફરે ત્યારે તેમની પાસે 'ટ્રોફી' હોય છે. ગોલ્ફની જેમ અફઘાનિસ્તાનની બુઝકાશીથી લઈને પોલો, એલિફન્ટ પોલો જેવી રમતો પણ માણસની આદિમકાળની જંગલી રમતોમાંથી જ ઉતરી આવી છે. બુઝકાશી નામની રમતમાં અફઘાનો ઘોડા પર બેસીને એક મૃત બકરાને ભાલાની મદદથી ગોલ પોસ્ટમાં પહોંચાડવાનો પ્રયાસ કરે છે.

પરંપરાના નામે બુલફાઇટિંગ કે જલ્લીકટ્ટુ જેવી રમતોની તરફેણમાં રસ્તા પર ઉતરતા તોફાનીઓને જોઇને એવું લાગે છે કે, પૃથ્વી પર માણસ હશે ત્યાં સુધી પ્રાણીઓએ તેના અત્યાચારો સહન કર્યા વિના છુટકો નથી!
   
પૃથ્વી પર કદાચ એકેય જીવ એવો નથી, જેને માણસના કહેવાતા સિવિલાઇઝેશનના કારણે નુકસાન ના થઇ રહ્યું હોય. આદિમવૃત્તિમાંથી સુધર્યા પછી માણસે નવા પ્રકારનું 'જંગલ રાજ' ઊભું કર્યું છે. આ જંગલમાં પણ પ્રાણીઓની દુનિયા જેવો જ જંગલનો કાયદો ચાલે છે. જેની પાસે સત્તા-પૈસો છે તે જીતે છે, પરંતુ ગરીબો-વંચિતો અને નબળા લોકોએ હંમેશા હારવાનું જ આવે છે.

એ બધામાં પણ માણસ સિવાયના બીજા જીવોના અધિકારની વાત તો સૌથી છેલ્લે આવે છે. દુનિયાભરના દેશોને પોતાના સાર્વભૌમત્વની બહુ ચિંતા છે, પરંતુ જંગલોના 'આગવા સાર્વભૌમત્વ'ની વાત આવે ત્યારે માણસો આંખ આડા કાન કરી દે છે કારણ કે, ત્યાં માણસો નહીં મૂંગા પ્રાણીઓ વસે છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments