Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફ્રેન્કલી સ્પીકિંગ - વિશાલ શાહ

હબીબ જાલિબ : જિસ કવિ કિ કલમ કે સામને તોપ ઝૂક ગઈ થી!

દસ વર્ષ જેલવાસ અને જુલમ સહન કરીને મુશાયરામાં ભાગ લેવા આવેલા જાલિબે એક શેર ફટકાર્યો અને સરમુખત્યાર યાહ્યા ખાનના હોશકોશ ઊડી ગયા

૨૫ મી માર્ચ, ૧૯૬૯થી ૨૦મી ડિસેમ્બર ૧૯૬૯. આ દિવસોમાં પાકિસ્તાનમાં યાહ્યા ખાનનું ખૌફનાક લશ્કરી શાસન હતું. આ દરમિયાન એક દિવસ રાવલપિંડીના મૂરી નામના સુંદર હિલ સ્ટેશન પર ભવ્ય મુશાયરાનું આયોજન કરાયું હતું. પાકિસ્તાનના દિગ્ગજ કવિઓ, શાયરો અને ગઝલકારો પોતાની રચનાઓ સાંભળવા ખાસ રાવલપિંડી આવ્યા હતા.

રાવલપિંડી એટલે પાકિસ્તાની લશ્કર અને આઈએસઆઈનું વડું મથક. રાવલપિંડીની હવામાં લશ્કરી બેન્ડની ડણક ગૂંજી રહી હતી. મુશાયરના સ્ટેજની પાછળ કોઈ સર્જકની નહીં પણ યાહ્યા ખાનની તસવીર લગાવાઈ હતી. એ દિવસોમાં અખબારોએ શું છાપવું, લેખકોએ શું લખવું, કોલમકારોએ પ્રજાને કેવી રીતે ભરમાવવા અને કવિઓએ કેવી કવિતા કરવી, એ બધું જ યાહ્યા ખાનની ટીમ નક્કી કરતી.

આ મુશાયરામાં એક યુવાન કવિ પણ આવ્યો હતો. એ કવિ સ્ટેજ પર આવ્યો એ પહેલાં અનેક શાયરો-ગઝલકારો પોતાની રચનાઓ રજૂ કરીને વાહવાહી મેળવી ચૂક્યા હતા. લશ્કરી અધિકારીઓના ઈશારે તેને કવિતા સંભળાવવા છેલ્લે થોડો ઘણો સમય અપાયો હતો. મુશાયરો હોવા છતાં ગજબની શાંતિ હતી, વાતાવરણ ભારેખમ હતું અને ખૌફથી પાંદડું પણ હલતું ન હતું. જોકે, પેલો મસ્ત કવિ તો સ્ટેજ પર યાહ્યા ખાનની તસવીર સામે ખુમારીભરી નજર નાંખીને થોડા ઘોઘરા પણ મીઠા અને જિંદાદિલ અવાજમાં લલકારે છે.   

તુમસે પહેલે વો જો શખ્સ યહાં તખ્તન નશીં થા, ઉસે ભી અપના ખુદા હોને કા ઇતના હી યકીં થા.
કોઈ ઠહરા હો જો કિ લોગો કો બતાઓ, વો કહાં હૈ, કે જિન્હે નાઝ અપને તઇં થા.

    
આ શેર લલકારનાર કવિ એટલે જીવનભર લશ્કરી શાસનનો વિરોધ કરીને લોકશાહીનું સમર્થન કરનારા હબીબ જાલિબ. આ શેરની પહેલી લીટી તો સમજાય એવી છે, પણ બીજી લીટીમાં જાલિબ કહે છે કે, એવો કયો સરમુખત્યાર છે જે લાંબો સમય ટક્યો છે. હોય તો કહો. જેમને પોતાના પર નાઝ હતા એ બધા ખોવાઈ ગયા, જોઈ લો.

સ્ટેજ પરથી આ શેર લલકારાતા જ લશ્કરના ચાંપલૂસ કવિઓમાં ગણગણાટ શરૃ થઈ ગયો અને સ્વાભાવિક રીતે જ 'મુશાયરો પૂરો થઈ ગયો છે' એવું જાહેર કરી દેવાયું. કોઈ દોઢડાહ્યા કવિએ જાલિબને કહ્યું પણ ખરું કે, યે સબ કહેને કા યે મૌકા નહીં થા. ત્યારે જાલિબે જવાબ આપ્યો કે, મેં મૌકાપરસ્ત (તકવાદી) નહીં હું.

જાલિબે પાકિસ્તાનના અત્યંત મજબૂત લશ્કરી શાસકોના દૌરમાં કલમથી ક્રાંતિની ચિનગારી જીવિત રાખી હતી. જાલિબ જે કંઈ લખતા તે સામાન્ય લોકોના હોઠ પર રમવા લાગતું. એટલે જ મૂરીના મુશાયરામાં યાહ્યા ખાનની ટીમે જાલિબને દિલાવર ફિગારની કવિતાઓ પૂરી થઈ જાય એ પછી બોલવાની તક આપી હતી. ફિગાર પાકિસ્તાનના અત્યંત લોકપ્રિય ઉર્દૂ કવિ અને હાસ્યકાર હતા. લશ્કરી અધિકારીઓને એમ હતું કે, ફિગારની કાવ્યપઠન કરીને જબરદસ્ત જમાવટ કરી દેશે એ પછી જાલિબની કવિતાઓમાં કોઈને રસ નહીં પડે. વળી, અયુબ ખાનના શાસનમાં જાલિબ સીધાદોર થઈ જ ગયા છે, એટલે વાંધો નથી. હવે તેઓ ગમે તેવી કવિતાઓ લલકારે તો પણ કશું જોખમ નથી.

જોકે, જાલિબે આ બધી ધારણા ખોટી પાડી. યાહ્યા ખાનની ટીમના આ અનુમાનો કરવા પાછળ કેટલાક કારણો જવાબદાર હતા. વાત એમ હતી કે, મૂરીના મુશાયરામાં જાલિબને આશરે દસ વર્ષ પછી કાવ્યપઠનની તક મળી હતી. પાકિસ્તાનમાં યાહ્યા ખાને ફક્ત ત્રણ વર્ષ રાજ કર્યું, પરંતુ એ પહેલાં ૧૯૫૮થી ૧૯૬૯ દરમિયાન જનરલ અયુબ ખાન પાકિસ્તાનમાં જુલમી શાસન કરી ચૂક્યા હતા.

અયુબ ખાને દસ વર્ષના શાસનમાં જાલિબને વારંવાર જેલમાં ધકેલીને ખૂબ જ પજવ્યા હતા. આટલું ઓછું હોય તેમ અયુબ ખાને જાલિબ પર દસ વર્ષનો પ્રતિબંધ પણ ફરમાવ્યો હતો. એટલે યાહ્યા ખાનનું શાસન શરૃ થયું ત્યાં સુધી તો મોટા ભાગના લેખકો-કવિઓ લશ્કરી શાસનની દેખરેખ હેઠળ સર્જન કરવા ટેવાઈ ગયા હતા. એ બધા જ સર્જકો સમજી-વિચારીને લખતા, બોલતા અથવા ચૂપ રહેતા.

જોકે, જાલિબે તો દસ વર્ષના પ્રતિબંધ પછીયે મૂરીના મુશાયરામાં એ જ જૂના અંદાજમાં ક્રાંતિકારી કવિતાઓ લલકારી હતી. યાહ્યા ખાન પહેલાં જાલિબની આગઝરતી કલમનો સૌથી વધુ લાભ અયુબ ખાનને મળ્યો હતો. ભારત-પાકિસ્તાનના ભાગલાને એકાદ દાયકા જેટલો સમય થયો હતો ત્યાં ઓક્ટોબર ૧૯૫૮માં અયુબ ખાને પાકિસ્તાનનું સુકાન સંભાળ્યું. લશ્કરી અધિકારીમાંથી રાજકારણી બનેલા અયુબ ખાને જાહેર કર્યું કે, પાકિસ્તાનની પ્રજા લોકશાહી માટે પરિપક્વ નથી એટલે આપણે કાર્યવાહક પ્રમુખ ચૂંટી લેવા જોઈએ.

અયુબ ખાન એટલે પાકિસ્તાનના પહેલા મિલિટરી શાસક, ફાઈવ સ્ટાર રેન્ક આર્મી જનરલ અને ફિલ્ડ માર્શલનું બિરુદ મેળવનારા પાકિસ્તાનના એકમાત્ર લશ્કરી અધિકારી. અયુબ ખાન લશ્કરી શાસનને સુંદર કપડાં પહેરાવીને લોકશાહીનું ગળું ઘોંટવા આતુર હતા. તેમણે નવું લશ્કરી બંધારણ પણ જાહેર કરી દીધું. આ ઘટનાથી વ્યથિત થઈને જાલિબે 'દસ્તૂર' (બંધારણ) નામની મશહૂર નજમ (કવિતાનો અરબી પ્રકાર) લખી, જે પાકિસ્તાનના રાષ્ટ્રગીત જેટલી જ મશહૂર થઈ ગઈ હતી. વાંચો શરૃઆતના શબ્દો.

દીપ જિસકા મહલ્લાત હી મેં જલે, ચંદ લોગો કિ ખુશિયો કો લેકર ચલે
વો જો સાયેં મેં હર મસલહત કે પલે, એસે દસ્તૂર કો સુબ્હે બેનૂર કો
મૈં નહીં માનતા, મૈ નહીં માનતા...

આ કવિતામાં જાલિબ ફક્ત મહેલોમાં દીવો પ્રગટાવવા આતુર શાસકો સામે બળાપો કાઢે છે. ફક્ત થોડા ઘણાં લોકોનું વિચારીને આગળ વધતા શાસકો સામે જાલિબને રોષ છે. તેઓ કહે છે કે, સ્વાર્થ અને અંગત હિતોના પડછાયામાં સુરક્ષિત છે એવા લોકોએ ઘડેલા બંધારણની અંધારી સવારને (સુબ્હે બેનૂર, નૂર વિનાની) હું નથી માનતો. આ શબ્દો પછીની કડીમાં જાલિબ અયુબ ખાનને સીધો પડકાર ફેંકે છે...

મૈં ભી ખાયફ નહીં તખ્ત એ દાર સે, મૈં ભી મન્સૂર હું કહ દો અગિયાર સે
ક્યૂં ડરાતે હો જિન્દો કિ દીવાર સે, જુલ્મ કિ બાત કો, જેહલ કિ રાત કો
મૈં નહીં માનતા, મૈં નહીં માનતા

જાલિબ કહે છે કે, હું ફાંસીના ફંદાથી નથી ડરતો. બધા જ દુશ્મનોને કહી દો કે હું પણ વિજયી છું. મને જેલની દીવાલોથી કેમ ડરાવો છો. જુલમો સિતમથી કે અવગણનાઓના અંધકારને હું નથી માનતો...

આ કવિતા આજેય પાકિસ્તાન-બાંગ્લાદેશના લોકશાહીના સમર્થકોનો અવાજ છે. પ્રજાને હિંમત અને દિશા આપવા શબ્દો ખૂટી જાય ત્યારે બૌદ્ધિકો પણ જાલિબની કવિતાઓ વાંચે છે. એક કવિ માટે આ નાનાસૂનો એવોર્ડ છે? 'દસ્તૂર' નજમમાં જાલિબે લીટીએ લીટીએ ચિનગારીઓ ગૂંથી છે.

જાલિબ જાહેરમાં આ નજમ ગાતા ત્યારે લોકોના રુંવાડા ઊભા થઈ જતા. જાલિબનો એ જિંદાદિલ અવાજ યૂ ટયૂબ પર સાંભળી શકાય છે. સાહિત્યના નોબલ પુરસ્કાર માટે ચાર વાર નોમિનેટ થનારા  પાકિસ્તાનના ઉર્દૂ-પંજાબી કવિ ફૈઝ અહેમદ ફૈઝ કહેતા કે, પાકિસ્તાનનો એક જ કવિ છે, જે ખરેખર લોકોનો કવિ છે અને એ છે, હબીબ જાલિબ.

'મૈં નહીં માનતા' કવિતા લોક જીભે ચઢી ગઈ એના બીજા જ વર્ષે, ૧૯૫૯માં, પણ જાલિબે અયુબ ખાનને બરાબરના ઠમઠોર્યા હતા. એ દિવસોમાં રાઈટર્સ ગિલ્ડ પણ સત્તાની સાથે હતું અને જાલિબ જેવા થોડાઘણાં કવિઓ એકલા પડી ગયા હતા. આ દરમિયાન રાવલપિંડી રેડિયો પર એક મુશાયરો પ્રસારિત થયો. મુશાયરામાં મોટા ભાગના કવિઓએ ઈશ્ક-મહોબ્બતની વાતો કરી, પાકિસ્તાન સરકારના ભરપેટ વખાણ કર્યા અને પ્રજાને ઘેનમાં રાખવામાં સરમુખત્યાર સરકારને મદદ કરી.

સાહિત્યકારોની આ નાપાક હરકતથી અયુબ ખાન ચૈનથી સૂઈ શકતા હતા. જોકે, આ મુશાયરામાં એક ભૂલ થઈ હતી. આયોજકોએ જાલિબને પણ બોલાવ્યા હતા. જાલિબે તો લશ્કરની માર્ગદર્શિકાની ઐસીતૈસી કરીને અયુબ ખાનના હત્યાકાંડ, દહેશતના માહોલ અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યમાં નહીં માનતી સરકારના ધજિયા ઊડાવતો શેર રજૂ કર્યો.

કહીં ગેસ કા ધુંઆ હૈ, કહીં ગોલિયો કિ બારિશ
શબ-એ-અહદ-એ-કમનિગાહી તુજે કિસ તરહ સુનાએ

પહેલી લીટીમાં જાલિબ પાકિસ્તાનની સ્થિતિનો ચિતાર આપે છે અને પછી કહે છે કે, રાત્રિના અંધકારમાં કરેલા દૃઢ સંકલ્પો આ વક્રબુદ્ધિ ધરાવનારા લોકોને કેવી રીતે સંભળાવું... સ્વાભાવિક રીતે જ આ શેર પાકિસ્તાનની પ્રજાએ સાંભળી લીધા પછી અયુબ ખાનના લશ્કરના હોશ ઊડી ગયા. રેડિયો સ્ટેશન ડિરેક્ટરને સજા થઈ અને જાલિબને પણ જેલમાં મોકલી દેવાયા.

અયુબ ખાન હિંસાચાર છુપાવવા માટે મૂડીવાદના બહુ મોટા સમર્થક તરીકે ઊભરી રહ્યા હતા. આમ છતાં, લશ્કરી શાસનમાં મોંઘવારી કાબૂમાં આવતી ન હતી. પાકિસ્તાનનો આમ આદમી પરેશાન હતો અને પાંચ-પચીસ પરિવારો વધુ ધનવાન થઈ રહ્યા હતા. એટલે જાલિબે દેશના સદ્ર (સર્વોચ્ચ) વડા અયુબ ખાનને સંબોધીને ધારદાર વ્યંગ કર્યો.

બીસ ઘરાને હૈ આબાદ, ઓર કરોડો હૈ નાશાદ
સદ્ર અય્યુબ જિંદાબાદ
આજ ભી હમ પર જારી હૈ, સદિયોં કે બેદાદ
સદ્ર અય્યુબ જિંદાબાદ
બીસ રૃપિયા મન આટા, ઈસ પર ભી હૈ સન્નાટા
ગૌહર, સહગલ આદમજી, બને હૈ બિરલા ઔર ટાટા
મુલ્ક કે દુશ્મન કહેલાતે હૈ, જબ હમ કરતે હૈ ફરિયાદ
સદ્ર અય્યુબ જિંદાબાદ.

કયો સરમુખત્યાર આવા વ્યંગ સહન કરી શકે? જાલિબ ફરી જેલમાં ધકેલાયા. રાજકારણીઓના એક હાંકોટાથી ડરી જતા પત્રકારો, કોલમકારો અને ફિલ્મકારો માટે જાલિબ પ્રેરણાનો ધસમસતો સ્રોત છે. શબ્દોની તાકાત શું હોઈ શકે એ જાલિબે સાબિત કરી બતાવ્યું હતું. કેટલાક લોકો નાનપણમાં પુસ્તકોમાં ભણાવાયેલી નૈતિકતા અને સિદ્ધાંતોને સાચા માની લે છે. કોઈ તેમને ગમે તેટલી 'પ્રેક્ટિકલ'  બનવાની સલાહો આપે, પરંતુ તેમને ફર્ક નથી પડતો. સત્યનિષ્ઠા સામે મોત પણ આવી જાય તો આ પ્રકારના લોકો પીછેહટ નથી કરતા. જાલિબ તેમાંના એક હતા.

જોકે, જાલિબે ફરી એકવાર જેલમાંથી બહાર આવીને જુલમની સત્તા સામે કવિતા લખી. એ પછી શું થયું?

વાંચો ૨૩મી ઓગસ્ટના અંકમાં.
 

Post Comments