Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડિસ્કવરી - ડો. વિહારી છાયા

ન્યૂક્લિયર બોમ્બને વીખી નાખી તેના વિસ્ફોટક દ્રવ્યનું ન્યૂક્લિયર ભઠ્ઠીઓમાં ઈંધણમાં રૃપાંતર

મેગાટનથી મેગાવોટ નામે ઓળખાતો અમેરિકા-રશિયાનો કરાર

અમેરિકાના નિયંત્રણ નીચે ૯૪૦૦ શસ્ત્રો છે તે પૈકી ૨૫૦૦ને યુધ્ધ માટે ગોઠવી રાખ્યા છે. બાકીના કાં તો આરક્ષિત છે અથવા તો નિવૃત્ત થયા છે

શાળામાં એક કાવ્ય અભ્યાસમાં આવતું હતું. ''ધણ રે બોલે ને એરણ સાંભળે'' તેમાં એરણ ધણને હથિયારો ઘડવાને બદલે ખેતીના ઓજારો ઘડવા કહે છે. તેવું જ અસંખ્ય ન્યુક્લિયર શસ્ત્રોના વિસ્ફોટકનું ઇંધણમાં રૃપાંતર કરી ઘરો અજવાળવા અમેરિકા - રશિયા આગળ વધી રહ્યા છે.

હિરોશીમાં અને નાગાસાકીની યાદમાં આજે જગત અણુશસ્ત્રોની સજ્જતા ક્ષેત્રે ક્યાં ઉભું છે તેવો સવાલ થાય. તે બન્ને શહેરો પર અણુબોંબ ઝીંકાયા પછી સ્ટોકમાં વધારે અણુબોંબ ન હતા. પરંતુ આજે તેના શસ્ત્રાગારની શું સ્થિતિ છે ?

૬ઠ્ઠી ઓગસ્ટ અને ૯મી ઓગસ્ટના દિવસોની ગોઝારી યાદ આજે ૭૦ વર્ષે પણ ભૂસાંતી નથી તે દિવસોએ જાપાનના શહેરો હિરોશીમા અને નાગાસાકી પર અણુબોંબના પ્રચલિત નામથી ઓળખતા ન્યૂક્લિયર બોંબ ઝીંકાયા હતા અનેલાખો લોકો કાળનોકોળિયો થઇ ગયા હતા. એટલું જ નહીં પણ તેમાંથી વછૂટેલ રેડિયો એક્ટીવીટીથી ૨૮૦૦૦૦ લોકો પ્રભાવિત થયા હતા.

તેમાના કેટલાય લ્યૂકેમિયા જેવી લોહીના કેન્સર જેવી બિમારીઓનો ભોગ બન્યા હતા. આ ગમખ્વાર અનુભવ પછી જાપાને તો પોતે ન્યૂક્લિયરશસ્ત્રો કદિ બનાવશે નહીં તેવી પ્રતિજ્ઞાા લીધી હતી. પણ પોતાની વિદ્યુત ઊર્જાની જરૃરિયાતને પહોંચી વળવા ન્યૂક્લિયર વિદ્યુત ઊર્જા મથકો સ્થાપવાનું સ્વીકાર્યું હતું.

તેની વિદ્યુત ઊર્જાની જરૃરિયાત ૪૫ ટકા તેના દ્વારા મળે તેવું મહત્ત્વાકાંક્ષી આયોજન કર્યું હતું ત્યાં વળી ૧૧મી માર્ચ ૨૦૧૧ના ભયંકર ભૂકંપ અને સુનામીએ તેના ફુકુસીમાકાઈચિ ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં જે હોનારતો થઇ તેથી જ્યાં સતત ભૂકંપ થાય છે તેવા જાપાનમાં ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપવા હિતાવહ છે ? અલબત્ત તેનો અર્થ એ નથી કે અન્ય દેશોએ પણ જાપાનને અનુસરવું અન્ય દેશોમાં ક્યારેક જ ભૂકંપ આવે છે.

ઉપરાંત અમુક દેશોને બાદ કરતાં આટલી મોટી તીવ્રતાના ભૂકંપ આવતા નથી. વળી ભારત જેવા વિશાળ દેશમાં એવા સ્થળો પણ છે ત્યાં નોંધપાત્ર તીવ્રતાના ભૂકંપ આવવાની સંભાવના નહિવત્ હોય છે. વળી ફુકુશીયાડાઇચિ ન્યૂક્લિયર પ્લાન્ટની ડીઝાઈન તો ત્રીસ વર્ષ જૂની હતી. હવે તો તે પછીની પેઢીની ડીઝાઈનોના ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવી રહે છે.

તેમની ડીઝાઈન જ એવી હોય છે કે તેમાં અકસ્માત અર્થવાળી, મેલ્ટડાઉન થવાની કે રેડિયો રેક્ટીવીટી બહાર ફેલાવાની સંભાવના નગણય હોય છે. વળી તેમની ડીઝાઈન મોડયૂલર હોય છે. એક મોડયૂલમાં કોઈ ખામી સર્જાય તો બીજી મોડયૂલને અસર થતી નથી. ભાવનગર પાસે મીઠીવીરડી ખાતે જે પ્લાન્ટ સ્થાપિત કરવાની યોજના છે તેની ડીઝાઈન આ પ્રકારની છે.

ત્યાં છ ન્યૂક્યિલરરીએકટરો સ્થાપિત થતાં ૬૦૦૦ મેગાવોટ ન્યૂક્લિયર વિદ્યુત ઊર્જા ઉત્પન્ન કરવાની છે. ચીન આ જ ડીઝાઈનની (એપી ૧૦૦૦)ના બે પ્લાન્ટ સ્થપાયા છે. અથવા તો પૂર્ણતાને આરે છે. ચીન આ જ પ્રકારના ૭૦ રીએકટરો તૈયાર કરવા માંગે છે. એપી ૧૦૦૦ ડીઝાઈનના ન્યૂક્લિયર રીએકટર પર એક લેખ અલગ આ કોલમમાં ભવિષ્યમાં મૂકીશું. અત્યારે તો સહુએ એક વાત સમજવાની જરૃર છે.

આપણે દુનિયાના ટોચના દેશોમાં સ્થાન પામવું હોય તો આજના કરતાં અનેક ગણી વિદ્યુત ઊર્જા ઉત્પન્ન કરવી પડશે. સાથે સાથે ગ્લોબલ વોર્મિંગ વધારતાં કાર્બન ઉત્સર્જનનો નિયંત્રિત કરવું હોય તો ન્યૂક્લિયર વિદ્યુત ઊર્જા અને સૌરવિદ્યુત ઊર્જા અત્યારે તો માત્ર વિકલ્પો છે.પરંતુ આપણે અત્યારે તેની ચર્ચા કરવી નથી. આપણે અત્રે જગતના ન્યૂક્લિયર શસ્ત્રાગારો વિશે વાત કરવી છે. આ શસ્ત્રાગારોમાંના ન્યૂક્લિયર શસ્ત્રોની સંખ્યામાં કાપ મૂકવામાં આવે તો તેમાં અતિ સંવર્ધિત યૂરેનિયમ વિસ્ફોટક છે તેનો શું નિકાલ કરવો ?

વળી આ શસ્ત્રોમાંનું યૂરેનિયમ પોતે પણ કુદરતી રેડિયોએક્ટિવ પદાર્થ છે. તે આપમેળે વિભંજન પામતું હોય છે એટલે કે તેનો ક્ષય થતો હોય છે. સારા પ્રમાણમાં અતિ સંવર્ધિત યૂરેનિયમના જથ્થામાંનું યૂરેનિયમ ક્ષય પામી જાય તો તે ન્યૂક્લિયર શસ્ત્રની પોતાની વિસ્ફોટક ક્ષમતા ઘટતી પણ જાય છે. પ્રથમ તો આપણે એ જોઇએ કે સંવર્ધિત યૂરેનિયમ એટલે શું ?

યૂરેનિયમ એક ધાતુ છે અને તે ખાણમાંથી મળી આવે છે. પરંતુ ખાણમાંથી જે યૂરેનિયમ ખનીજ મળે છે તેમાં એક સરખા ગુણધર્મવાળા એકબીજાથી અલગ પાડવા અતિદુષ્કર એવા તેના બે પ્રકારોનું મિશ્રણ હોય છે. તે પ્રકારોને સમસ્થાનિકો કહે છે. એકની ઓળખ યૂરેનિયમ (૨૩૮) છે અને બીજાની યૂરેનિયમ (૨૩૫) છે. તેમાં યૂરેનિયમ (૨૩૫)નું વજન ૯૯.૨૯ ટકા હોય છે જ્યારે યૂરેનિયમ (૨૩૫)નું વજન માત્ર ૦.૭૧ટકા હોય છે. તેમાં ઈંધણ તરીકે વિસ્ફોટક દ્રવ્ય તરીકે તો યૂરેનિયમ (૨૩૫) છે. તેથી મિશ્રણના જથ્થામાં તેના ટકા વધારવા અતિ જટિલ, લાંબી અને ખર્ચાળ પ્રક્રિયા કરવી પડે.

યૂરેનિયમ મિશ્રણનો ન્યૂક્લિયર વિદ્યુત ઊર્જા મથકમાં ઈંધણ તરીકે ઉપયોગ કરવો હોય તો તેમાં યૂરેનિયમ (૨૩૫)ના ૪થી ૫ ટકા જોઇએ. આવા મિશ્રણને નિમ્ન સંવર્ધિત યૂરેનિયમ (લૉ એનરીરડ યૂરેનિયમ) કહે છે. ટૂંકમાં તેને 'એલઇયુ' કહેવાય છે. (અલબત્ત કુદરતી યૂરેનિયમનો ઈંધણ તરીકે ઉપયોગ કરતી ડીઝાઈનના રીએક્ટરો છે) પરંતુ યૂરેનિયમનો ઉપયોગ વિસ્ફોટક દ્રવ્ય માટે કરવો હોય તો મિશ્રણમાં યૂરેનિયમ (૨૩૫)ના ૯૦ ટકા જોઇએ. આવા મિશ્રણે અતિ સંવર્ધિત યૂરેનિયમ (હાઈ એનરી રીક યૂરેનિયમ) કહે છે.  ટૂંકમાં તેને 'એચઇયુ' કહે છે.

અત્રે યાદ રહે કે ન્યૂક્લિયર બોમ્બમાં વિસ્ફોટક પદાર્થ તરીકે યૂરેનિયમ વપરાય છે તેવી રીતે પ્લુટોનિયમ પણ વપરાય છે. હિરોસીમા પર ફેંકાયેલ 'લીટલ બોય' નામનો બોમ્બ યૂરેનિયમ બોમ્બ હતો.નાગાસાકી પર ફેંકાયેલ 'ફેટમેન' નામનો બોમ્બ પ્લુટોનિયમ બોમ્બ હતો.

દુનિયામાં મોટાભાગના ન્યૂક્લિયર શસ્ત્રો અમેરિકા અને રશિયા પાસે છે. એપ્રિલ ૨૦૧૧માં રશિયાના પ્રમુખે અમેરિકાના પ્રમુખ સાથે નવી 'સ્ટાર્ટ'ના ટૂંકનામવાળી સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. તે મુજબ અત્યારના ન્યૂક્લિયર શસ્ત્રાગરમાં બન્ને દેશો ૧૫૦૦નો ઘટાડો આવતા સાત વર્ષમાં કરશે.

'ધી બુલેટીન ઓફ ધી એટોમિક સાયંટીસ્ટ'માં અહેવાલ છે કે ૨૦૦૯ના અંતમાં ૨૩,૩૬૦ ન્યૂક્લિયર શસ્ત્રો ૧૪ દેશોમાં ૧૧૧ સ્થાપિત થયેલ છે. મોટાભાગના આ શસ્ત્રો બે દેશો અમેરિકા અને રશિયાના નિયંત્રણમાં છે. રશિયાનાં ૧૩૦૦૦ શસ્ત્રો છે. તે પૈકી ૪૮૫૦ સંક્રિયાત્મક (ગમે ત્યારે ઉપયોગમાં લઇ શકાય તેવી સ્થિતિમાં) જ્યારે બાકીનામાંથી કેટલાક આરક્ષિત છે જ્યારે બીજા તો નિવૃત્ત થયેલા છે. તેવી રીતે અમેરિકાના નિયંત્રણ નીચે ૯૪૦૦ શસ્ત્રો છે તે પૈકી ૨૫૦૦ને યુધ્ધ માટે ગોઠવી રાખ્યા છે. બાકીના કાં તો આરક્ષિત છે અથવા તો નિવૃત્ત થયા છે.

આટલા વર્ષોમાં અમેરિકાએ ૭૦૦૦૦ ન્યૂક્લિયર બોમ્બ તૈયાર કર્યા છે. તેનો ટોચની સંખ્યા ૧૯૬૬માં ૩૨,૧૯૩ હતી. તેની સામે રશિયાનો ન્યૂક્લિયર શસ્ત્ર ભંડાર તો તેનાથી મોટો હતો. આ બન્ને દેશોએ ૧૯૮૭ પછી ઠંડુ યુધ્ધ પુરૃ થતાં ન્યૂક્લિયર શસ્ત્રો ઘટાડવા માટે શ્રેણીબધ્ધ સંધિઓ કરી છે. તેનો અર્થ એ થાય કે છેલ્લા કેટલાક દાયકાઓમાં હજારો શસ્ત્રો બન્ને પક્ષોએ નિવૃત્ત કરી દીધા છે.

અને ઘણાં નાકામ બનાવી દીધા. વિએના ખાતે આવેલ ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સીના અંદાજ પ્રમાણે દરેક ન્યૂક્લિયર બોમ્બ ૨૫ કિલોગ્રામ અતિ સંવર્ધિત યૂરેનિયમ (કોઈ કિસ્સામાં પ્લુટોનિયમ) ધાતુ ધરાવતો હોઈ શકે છે : સવાલ એ છે કે નાકામ બનાવી દીધેલા એટલે કે વીંખી નાખેલા ન્યૂક્લિયર શસ્ત્રના યૂરેનિયમનું શું થાય છે ? આ પ્રશ્નનો ઉત્તર ઘણો મહત્ત્વનો છે કારણ કે તે સંભવત: કોઈ આતંકવાદી જુથના હાથમાં જઈ ચઢે.

ન્યૂક્લિયર શસ્ત્રનું હાર્દ ન્યૂક્લિયર પેકેજ છે. તેમ અતિસંવર્ધિત યૂરેનિયમ અથવા પ્લુટોનિયમ (૨૩૯) હોય છે. તે એકસો વર્ષ કે તેથી વધારે ટકે છે. તે પોતે રેડિયોએક્ટિવ કિરણો આપમેળે કુદરતી રીતે ઉત્સર્જન કરે છે તેના કારણે તેનું જે ક્ષારણ થાય છે તેનાથી થતા નુકશાનને કારણે શસ્ત્રો માટે ઓછું ઉપયોગી રહે છે.

આમતો અંદાજે પાંચ અબજ વર્ષ સુધીમાં માત્ર તેનો અડધો જથ્થો જ ક્ષય પામે છે. પરંતુ આ ક્ષયની પ્રક્રિયા જ તેમાંથી ઉદ્ભવતા કિરણોને કારણે છે.

ન્યૂક્લિયર બોમ્બના ભાગોમાં બેટરી, રાસાયણિક વિસ્ફોટક વગેરે હોય છે. તેમનું જીવન પણ મર્યાદિત હોય છે તેને પણ વારંવાર બદલવા પડે છે. જ્યારે શસ્ત્રને નિવૃત્ત કરી દેવામાં આવે ત્યારે ટુંકા જીવનકાળના ભાગોએ દૂર કરવામાં આવે છે અને શસ્ત્રના હાર્દને ભવિષ્યમાં ઉપયોગમાં લેવા માટે સાચવી રખાય છે.

ને જરૃર ન હોય તો તેનો ઘટકોને છુટા પાડવાના વિભાગમાં મોકલવામાં આવે છે. તે વિભાગને 'ડીસેમ્બલી' કહે છે તે 'એસેમ્બલી'નો વિરોધ શબ્દ છે. એસેમ્બલીને આપણે 'એકઠા થવું' ગણીએ તો ડીસેમ્બલીને 'અલગ કરવું' કહી શકીએ. અલબત્ત બોમ્બના હાર્દને ઘટકોમાં અલગ અલગ પાડી શકાય તેવી તેની ડીઝાઈન ન હતી. તેથી આ પ્રક્રિયા ઘણી ધીમી અને જોખમી છે. કારણ કે તેમાં વિસ્ફોટક હોય અને બીજા ઝેરી દ્રવ્યો હોય છે.

અતિસંવર્ધિત યુરેનિયમને બહાર કાઢી લેવામાં આવે છે અને તેને ભવિષ્યના શસ્ત્રોની ડીઝાઈન માટે અથવા તો ન્યૂક્લિયર સબમરીનના ઈંધણ માટે સંગ્રહ કરવામાં આવે છે. પરંતુ ત્રીજો વિકલ્પ ધીમે ધીમે ગૂપચૂપ ક્રાંતિ લાવી રહ્યો છે તે અતિસંવર્ધિત યૂરેનિયમનું સંવર્ધન ઘટાડી દેવું જેથી તેનો ઉપયોગ ન્યુક્લિયર બોમ્બના વિસ્ફોટક તરીકે ન થઈ શકે પણ તેનો ઉપયોગ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે ન્યૂક્લિયર વિદ્યુત ઊર્જા મથકમાં ઇંધણ તરીકે થઇ શકે.

આ પ્રક્રિયામાં અતિ સંવર્ધિતે યૂરેનિયમ ઉલ્ટી પ્રક્રિયામાંથી પસાર થાય છે. તેનું નિમ્ન સંવર્ધિત યૂરેનિયમમાં રૃપાંતર થાય છે. બીજી રીતે કહીએ તો યૂરેનિયમ મિશ્રણમાં યૂરેનિયમ (૨૩૫)ના ટકા ઘટી જાય છે. તેનો ઉપયોગ ન્યૂક્લિયર રીએકટર એટલે કે અણુભઠ્ઠીમાં ઈંધણ તરીકે થઇ શકે. આ પ્રક્રિયામાં ન્યૂક્લિયર બોમ્બના હાર્દમાંથી મેળવેલ અતિસંવર્ધિત યૂરેનિયમ ધાતુએ નાના નાના છોલામાં કાપવામાં આવે છે અને તેને ગરમ કરી તેનું ઓકસાઇડમાં રૃપાંતર કરવામાં આવે છે.

આ ઓકસાઇડની ફ્લોરિજી સાથે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને તેનાથી અતિસંવર્ધિત યુરેનિયમ ફ્લોરાઇડ બને છે. તે વાયુરૃપ હોય છે. આ વાયુનું ૧.૫ ટકા સંવર્ધિત યૂરેનિયમ ફ્લોરાઇડ (જેમાં યૂરેનિયમ (૨૩૫) માત્ર ૧.૫ ટકા હોય) સાથે મેળવણ કરવામાં આવે છે તેના લીધે છેલ્લું સંવર્ધન અંદાજે ૫ ટકા મળે છે. તે પછી તેનું યૂરેનિયમ ઓકસાઇડમાં રૃપાંતર કરવામાં આવે છે. તેમાંથી ન્યૂક્લિયર ઈંધણનું તૈયાર થાય છે.

સોવિયેટ સંઘના પતન પછી અમેરિકાએ રશિયા સાથે ૨૦ વર્ષના કરાર કર્યા છે. તે મુજબ રશિયા તેના નાકામ કરેલા શસ્ત્રોમાંથી નિમ્ન સંવર્ધિન યૂરેનિયમ બનાવશે. તને અમેરિકા પોતાના ન્યૂક્લિયર રીએકટરો (અણુભઠ્ઠી)ના ઈંધણ માટે ખરીદશે. આ કરાર અન્વયે રશિયાએ પોતાના ૧૫,૨૯૪ શસ્ત્રો નાકામ કરી દીધા અને તેમાંથી ૩૮૨ મેટ્રિક ટન અતિસંવર્ધિત યૂરેનિયમ છુટુ પાડયું તેમાંથી ૧૧૦૪૭ મેટ્રીક ટન નિમ્ન સંવર્ધિત યૂરેનિયમ મેળવ્યું.

તેને અમેરિકા નિરાશ કર્યું. અમેરિકાની કુલ વિદ્યુત ઊર્જાની લગભગ અડધી જરૃરિયાત તેણે પૂરી પાડી. રશિયા-અમેરિકાએ આ કરાર ૩૧ ડીસેમ્બર ૨૦૦૯માં થયેલો તેને 'મેગાટન થી મેગાવોટ' તરીકે ઓળખવામાં આવે છે. આ કરાર ૨૦૧૩માં પૂરો થાય છે ત્યાર સુધીમાં ૨૦૦૦૦ ન્યૂક્લિયર બોમ્બના હાર્દમાંથી ૫૦૦ મેટ્રીક ટન અતિ સંવર્ધિત યૂરેનિયમથી મેળવવામાં આવશે. તેનું નિમ્ન સંવર્ધિત યૂરેનિયમમાં રૃપાંતર કરવામાં આવશે આમ રશિયાના ન્યૂક્લિયર બોમ્બ જે અમેરિકાના શહેરોના નાશ કરવા માટે બનાવવામાં આવ્યા હતા તે અમેરિકાના શહેરોને અજવાળી રહ્યા છે.

અમેરિકા પણ જાહેર કરેલ છે કે નાકામ કરેલા ન્યૂક્લિયર શસ્ત્રોમાંથી મેળવેલ ૧૩૪ મેટ્રીક ટન અતિ સંવર્ધિત યૂરેનિયમનો વધારો છે તેમાંથી નિમ્ન સંવર્ધિત યૂરેનિયમ મેળવવામાં આવશે. તેનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય વિશ્વસનીય ઈંધણ પૂરૃ પાડનાર કાર્યક્રમમાં આરક્ષિત ઇંધણ તરીકે અને એવા દેશોને વેચશે જે દેશો ન્યૂક્લિયર શસ્ત્રોના ફેલાવા વિરૃધ્ધમાં સારી છાપ ધરાવતા હોય. સંભવત: અમેરિકા આ ઇંધણ ભારતને પણ વેંચશે અને તેનો ઉપયોગ ભારતના ઘરો અજવાળવા થશે.

આવું જ ન્યૂક્લિયર બોમ્બમાં વિસ્ફોટક તરીકે વપરાતા પ્લુટોનિયમનું થશે. તેનું ડુપ્લીટેડ યૂરેનિયમ (બહુ ઓછું યૂરેનિયમ ૨૩૫ ધરાવતું) સાથે મેળવણી થશે. તેનો ઉપયોગ મિકસ્ડ ઓકસાઇડ ફ્યુઅલી રીએક્ટરમાં થશે. અથવા તો તેનું થોરિયમ સાથે મિશ્રણ કરીપ્લુટોનિયમ-થોરિયમ ઇંધણ બનાવાશે તેનો ઉપયોગ બ્રીડર રીએકટરોમાં થશે. ભારતમાં થોરિયમનો જથ્થો દુનિયામાં બીજા નંબરે છે. તેનો ઉપયોગ કરવા ભારતનો ત્રણ તબક્કાનો કાર્યક્રમ આગળ વધી રહ્યો છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments