Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ક્રાઈમવૉચ - જયદેવ પટેલ

પોલીસ જમાદારને ટ્રેકટર સાથે દોરડે બાંધીને ગામમાં વરઘોડો કાઢીને ચિતામાં જીવતો જલાવી મૂક્યો

રાજસ્થાન પોલીસ દળમાં ખળભળાટ મચાવનારી ઘટના

વર્ષોથી જેલમાં સબડી રહેલા ઠાકુરની મનોદશાની હાઇકોર્ટે ગંભીર નોંધ લઇને આજીવન કારાવાસની સજા ફટકારી

વર્ષો પૂર્વેની આ ઘટના છે. જ્યારે મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન એમ ત્રણ રાજ્યોને સ્પર્શતી ચંબલ નદીના કોતરોમાં જુદી જુદી ડાકુ ટોળકીઓએ ખૌફ તથા આતંક મચાવી મૂક્યો હતો. ચંબલના ભયાનક કોતરોને અડીને સવાઇ માધોપુર જિલ્લો આવ્યો છે.

રાજ્ય સરકારે ડાકુઓના ભય તથા આતંકથી ગ્રામીણ પ્રજાની સુરક્ષા તથા સલામતીને અગ્રતા આપી હતી. જેના ભાગ રૃપે જુદા જુદા તાલુકાના મુખ્ય મથક ઉપરાંત અંતરિયાળ વિસ્તારોમાં પોલીસ ચોકીઓ ઊભી કરીને ત્યાં હથિયારધારી  પોલીસ પાર્ટીને ફરજ ઉપર મૂકી દીધી હતી.

ગંગાપુર શહેર નજીકના તાલુકાના એક ગામડામાં પણ આવી જ પોલીસ ચોકી બનાવવામાં આવી હતી. આ ગામનો ઠાકુર સવાઇસિંહ હતો. જેનો માત્ર એના ગામમાં જ નહીં પરંતુ આજુબાજુના ગામોની પ્રજામાં ભારે દબદબો  તથા ધાક હતી. આ પોલીસ ચોકીમાં ત્યારે ફરજ બજાવી રહેલા પોલીસ હેડ કોન્સ્ટેબલને ઠાકુર સવાઇસિંહની જીપકારના ડ્રાયવર સાથે નજીવી બાબતમાં માથાકૂટ થઇ હતી. આ વખતે ડ્રાયવરે પણ આવેશમાં આવી જઇને પોલીસ જમાદારને સંભળાવી દીધું હતું કે.. ''અબે દો ટકે કી બાદામ..! તૂં મેરે માલિક કો પહેચાનતા નહીં હૈ...!! મૈં માલિક કો ફરિયાદ કરુંગા તો વો તુઝે સીધા જહુન્નમમેં  પહુંચા દેંગે...!!!''

કોણ જાણે કેમ તે દિવસે પોલીસ જમાદારના માથે કદાચ કાળ ભમતો હશે.. આથી તેણે પણ ડ્રાયવરને સુણાવી દીધું હતું કે- ''અબે, તું મુઝે ધમકી દે રહા હૈ... ય પોલીસ કી વર્દી (યુનિફોર્મ) કા ખ્યાલ રખકર અદબ કે સાથ બાત કરના શીખ નહીં તો મૈં તુઝે હવાલાતમેં પહુંચા દૂંગા...!!!''

આ બન્ને વચ્ચેની જીભાજોડી બાદ ડ્રાયવર જીપકાર હંકારીને વિદાય થઇ ગયો હતો. ત્યારબાદ ગામમાં પહોંચ્યો ત્યારે તેના માલિક ઠાકુર સવાઇસિંહની ડેલીએ ગામલોકોનો દરબાર ભરાયો હતો. જીપકાર થોડેક દૂર પાર્ક કરીને ડ્રાયવર દરબારમાં પહોંચ્યો હતો.

ઊંચા આસન ઉપર બિરાજીને હોકાપાણીની લિજ્જત માણી રહેલા માલિકના ચરણસ્પર્શ કર્યા પછી તેણે પોલીસ જમાદારની તોછડાઇની વાત કરી ત્યારે ઠાકુર સાહેબની આંખોમાં અગ્નિ પ્રજવળી ઊઠયો હતો. ઠાકુર સાહેબે ગામલોકોને ઊંચા સાદે સંભળાવતા બરાડો પાડીને કહ્યું હતું કે - ''સૂના તુમ સબ લોકોને.. એક મામૂલી પોલીસવાલા હમેં હમારી ઔકાત ક્યા હૈ યહ સમઝા રહે હૈ...!!'' આ પછી તો દરબારમાં હાજર રહેલા ગામલોકોમાં હોહા મચી ગઇ હતી અને સહુ ઠાકુર સાહેબનો જયકાર ગજવતા તેમને પાનો ચડાવવા લાગ્યા હતા.

આખાયે ગામલોકોનો સાથ-સહકાર જોઇને તો ઠાકુર સવાઇસિંહના આખા શરીરમાં અપમાનનો બદલો લેવાની આગ ભડભડ સળગી ઊઠી હતી.

ઠાકુર સવાઇસિંહ તેમની ડેલી નજીક પાર્ક કરેલ ટ્રેકટરની બેઠક ઉપર ગોઠવાઇ ગયા. ત્યારે કેટલાક ગામલોકો પણ તેની સાથે જ્યાં જગ્યા મળી ત્યાં સાંકડે-માંકડે ટ્રેકટરમાં ચડી બેઠા હતા. આ પછી તો આ ધાડુ પોલીસ ચોકી ઉપર ધસી ગયું હતું. જ્યાં પડકાર ફેંકીને પોલીસ જમાદારને બહાર બોલાવ્યો હતો. આ પછી ઠાકુર સવાઇસિંહે પોલીસ જમાદારને સખ્તાઇપૂર્વક પૂછપરછ કરતાં કહ્યું હતું કે - ''અબે, અય મામૂલી પોલીસવાલા તું મુઝે મેરી ઔકાત ક્યા હૈ ય બાત સમજા રહા હૈ...? આજ મૈં તુઝે યહ સમઝા દૂંગા કે ઠાકુર કૌન હૈ ઔર પૂરે ગાંવમેં ઉસકા રૃતબા કૈસા હૈ...!!''

આ પછી પોલીસ હેડકોન્સ્ટેબલના હાથ-પગ ટોળાએ મજબૂત દોરડાથી બાંધી દીધા હતા. જેનો બીજો છેડો ટ્રેકટરની પાછળના હૂકમાં કચકચાવીને બાંધી દીધો હતો. ત્યારબાદ ઠાકુર સવાઇસિંહે ટ્રેકટર સ્ટાર્ટ કરીને પૂરઝડપે દોડાવવાનું શરૃ કર્યું ત્યારે પોલીસ જમાદાર કારમી ચીસો પાડતા અને લોકોને કરગરતા - રસ્તા ઉપર ઢસાડાતા - ઢસડાતા લોહીલુહાણ  થઇ ગયા હતા.

ઠાકુર સવાઇસિંહે તેમના જીહજુરીયાને સાથે લઇને આ વરઘોડો આખા ગામમાં ફેરવ્યો ત્યારે તેના પસાર થવાના રસ્તા ઉપર ઠેરઠેર ગામના સ્ત્રી-પુરૃષો અને બાળકોના ટોળેટોળા જામી ગયા હતા. એક પોલીસ જમાદારની દયનીય દશા નિહાળીને ગામ લોકોના હૈયામાં અનુકંપા - દયાની લાગણી સળવળી ગઇ હતી. પરંતુ ગામનો સરદાર બની બેઠેલા ઠાકુરના મિજાજને સહુ સારી રીતે સમજતા હતા. આથી સહુ મૂંગા મંતર બનીને આ ખૌફનાક તમાશો નિહાળી રહ્યા હતા.

આખાયે ગામમાં ઠાકુરે પોલીસ જમાદારને દોરડે બાંધીને ટ્રેકટર સાથે વરઘોડો કાઢ્યા પછી ગામની ભાગોળે ટ્રેકટર લઇ આવ્યા હતા. જ્યાં તેમના હજુરીયાઓને હૂકમ કર્યો તે સાથે જ સહુ દોડાદોડી કરીને સુકા લાકડા વીણી લાવીને તેનો ઢગલો ખડકી દીધો હતો.

ત્યારબાદ ચિતા સળગાવવામાં આવી હતી. જેની લપકારા મારતી જ્વાળાઓ ઊંચે ને ઊંચે ઊઠી રહી હતી ત્યારે ઠેરઠેર ઘસડાઇને લોહીલુહાણ તથા બેહોશ બની ગયેલા પોલીસ જમાદારના હાથ-પગના દોરડાના બંધનો છોડી નાંખ્યા હતા. આ પછી ઠાકુરે ઘોઘરા અવાજમાં હૂકમ કર્યો હતો કે - ''અબ, ક્યા દેખ રહે હો ? કિસકા ઇન્તજાર હૈ ? ચલો, ઈસકો  ઊઠાકર ચિતામેં ફેંક દો...!!''

બસ પછી તો ઠાકુર સાહેબનો પડયો બોલ ઝીલનારા તેમના હજુરીયાએ બેભાન પોલીસ જમાદારને ઊંચકીને ભડભડ સળગી રહેલી ચિતામાં ફેંકી દીધો હતો. ઠાકુર સવાઇસિંહે ચિતાથી થોડેક દૂર ઊભા રહીને તેમની ભરાવદાર મુંછોના આંકડાને વળ દઇને ચહેરા ઉપર ખુશી વ્યક્ત કરી રહ્યા હતા. જ્યારે તેમના હજુરીયા 'બાપુ'એ બરાબરનો બદલો લીધો તેનો વિજયોત્સવ મનાવી રહ્યા હતા. આકાશમાં ઊંચે ને ઊંચે ઊઠી રહેલી આગની પ્રચંડ જ્વાળાઓમાં પોલીસ જમાદારનો દેહ સળગીને આખરે રાખ બની ગયો હતો. બસ, હવે ખેલ ખતમ થયો તેમ માનીને ઠાકુરના ટ્રેકટર ઉપર સવાર થઇને સહુ ગામમાં પાછા ફર્યા હતા.

એક પોલીસ જમાદારને જીવતો જલાવી મૂકવાની આ હિચકારી ઘટનાએ ત્યારે રાજસ્થાનના પોલીસ તંત્રમાં તીવ્ર આક્રોશ સાથે હડકંપ મચાવી મૂક્યો હતો. એક સાથી પોલીસ કર્મચારીના આવા અરેરાટીભર્યા કરૃણ અંજામની ઘટનાની હકિકત જાણીને રાજસ્થાન પોલીસ દળના વરિષ્ઠ અધિકારીઓ હતપ્રભ અને સ્તબ્ધ બની ગયા હતા. ત્યારબાદ પોલીસે ફટાફટ તપાસ શરૃ કરી હતી અને આ અરેરાટીભર્યા હત્યાકાંડના ખલનાયક ઠાકુર સવાઇસિંહની ધરપકડ કરીને તેના વિરૃધ્ધ જિલ્લાની સેશન્સ અદાલતમાં કેસ મૂક્યો હતો. જેમાં ગંગાપુરની સેશન્સ કોર્ટે ઠાકુર સવાઇસિંહને તેના કુકર્મના ગૂના બદલ ગુનેગાર ઠરાવીને દેહાંત દંડ (ફાંસી)ની સજા ફરમાવી હતી.

આમ ફાંસીની સજાના હૂકમ બાદ ઠાકુર સવાઇસિંહ રાજસ્થાનની જેલમાં વર્ષોના વર્ષો સુધી સબડતો રહ્યો હતો. આખરે ફાંસીની સજામાંથી બચવા માટે રાજસ્થાનની હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. જેમાં એવી રજુઆત કરવામાં આવી હતી કે- ફાંસીની સજા પામનાર આ કેદી છેલ્લાં પાંચ-પાંચ વર્ષોથી જેલમાં સબડી રહ્યો છે.

ક્યારે ફાંસીના માચડે લટકાવી દેવાશે તેની રાહ જોતો મોતના ભયાનક ઓથાર હેઠળ એક પછી એક દિવસ પસાર કરી રહ્યો છે. આ કેદીની આવી મનોદશા પણ મૃત્યુદંડથી સહેજેય ઓછી નથી. આ સંજોગોમાં આ કેદીની મનોદશાની ગંભીર સમીક્ષા કરીને ફાંસીની સજાનો હૂકમ રદબાતલ કરીને અને તેને આજીવન કઠોર કારાવાસની સજામાં પરિવર્તિત કરવાથી પણ ન્યાયનો હેતુ જળવાઇ રહેશે. આ અપીલમાં હાઇકોર્ટને માનવતાપૂર્ણ  અભિગમ અપનાવવાની વિનંતી કરવામાં આવી હતી.

ન્યાયીક પ્રક્રીયામાં તંત્ર દ્વારા અપનાવવામાં આવી રહેલી વિલંબ નીતિની રાજસ્થાન હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી હતી. આખરે હાઇકોર્ટે હત્યાકાંડને આખરી અંજામ આપવાનો ખેલ ખેલવામાં ખલનાયક તરીકેની ભૂમિકા ભજવનાર ઠાકુર સવાઇસિંહની અપીલ માન્ય રાખી હતી અને ફાંસીની સજાનો હૂકમ રદબાતલ ઠરાવીને તેને આજીવન કઠોર કારાવાસની સજા ફટકારી હતી. આ સાથે જ આ કેસ ઉપર પૂર્ણવિરામ મૂકાયું હોવા છતાં વધુ એક આવા જ ઘાતકી હત્યાકાંડને આખરી અંજામ આપનાર બે હત્યારાએ પણ ફાંસીની સજામાંથી બચવા માટે આ કેસનો આધાર લીધો હતો.

પરંતુ તેમના ભયાનક હત્યાકાંડના ગૂનાની અદાલતે ગંભીર નોંધ લીધી હતી અને તેમના પ્રત્યે સહેજ સરખીયે દયા કે રહેમ દાખવી ન હતી અને બન્ને હત્યારાને ફાંસીના માચડે લટકાવી દેવાનો હૂકમ યથાયોગ્ય અને કાયમ રાખ્યો હતો. આ ચકચારભર્યા કેસની વધુ ચોંકાવનારી કહાણી આગામી લેખમાં રજુ થશે...!!!
 

Post Comments