Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ક્રાઈમવૉચ - જયદેવ પટેલ

સંગીતાના મનના મધુરા ગીતોના સૂર અંતરિક્ષમાં ઓગળી ગયા : જયેશના જીવતરની સારંગીના તાર તરડાઇ ગયા...!!!

'પતિ-પત્ની ઔર વો'ના ત્રિકોણીય સંબંધોના કરૃણાંતની કહાણી

બસ પછી અપરિણિત યુવકનો સથવારો સાંપડયો પરંતુ તેના પગલે કરૃણાંતિકા સર્જાઇ

સુખમય લગ્ન જીવનમાં ચાર સંતાનોની માતા બની ચૂકેલી સંગીતાના મનમાં 'રમકડું પસંદ કરવામાં ઉતાવળ કરી !'નો કાળઘડીએ અભાવ જાગ્યો

પરાયા પુરૃષ સાથેની પ્રેમ લીલામાં જકડાઇને લગ્નના બંધનમાં બંધાઇને પ્રેમ ગીતો ગાવાના શમણામાં ભાન ભૂલી ગયેલી સંગીતાના કંઠમાંથી ક્યારેક પ્રેમ ગીતની એકાદ કડી ગૂંજી ઊઠે તે પહેલાં જ તેના સૂર અંતરિક્ષમાં ઓગળી ગયા.

જ્યારે બીજી બાજુ સંગીતા સાથે સુખી સંસાર વસાવીને અપાર સુખ માણવાની ફરેબી આશાના ચકરાવામાં ફસાઇ ગયેલા યુવક જયેશની તકદીરની લકીર પણ ભૂંસાઇ ગઇ. એક દિવસે આ બન્ને યુગલે એકબીજાની આગોશમાં સમાઇને મોતને ગળે વળગાડી લીધું... આ પ્રેમી પંખીડાની આ ધરતી ઉપરથી કાયમી વિદાય બાદ બસ આજે તેમની અધૂરી પ્રેમ કહાણીની કડવી  યાદ રહી ગઇ છે.

લગ્ન જીવનમાં પતિ-પત્ની વચ્ચે ક્યારેક ક્યારેક અવારનવાર વાદ-વિવાદ કે પછી ચણભણ કે રગડા-ઝઘડાનો દોટ ચાલ્યા કરે છે તેમાંયે દસેક વર્ષનો સમયગાળો વીતી ગયા પછી આ બન્ને પાત્રો વચ્ચે એકબીજા પ્રત્યે મનમાંને મનમાં નારાજગી ઘુંટાયા કરે છે. આવી મનોદશા વચ્ચે બન્ને પાત્રો પોતાની જાતને સ્વગત પૂછ્યા કરે છે કે - ''મેં રમકડું પસંદ કરવામાં ઘણી ઉતાવળ કરી દીધી હતી.

જો થોડીક રાહ જોઇ હોત તો આજે આનાથી પણ વધુ સારું તથા મનગમતું રમકડું મને મળી ગયું હોત...!!'' બસ આવી જ ઘટના સંગીતા તથા તેના પતિ દિનેશના દસેક વર્ષના સુખી લગ્નજીવન બાદ બની હતી. જ્યારે સંગીતાના જીવનમાં ત્રીજા પાત્ર તરીકે જયેશ નામના એક અપરિણીત યુવકનો પ્રવેશ થયો હતો. ત્યારબાદ સંગીતા તથા જયેશ વચ્ચેની પ્રેમકથા આગળ વધીને વધુ રોમેન્ટીક બને તે પહેલાં જ તેના ઉપર પૂર્ણવિરામ મૂકાઇ ગયું હતું.

'પતિ-પત્ની ઔર વો' એમ ત્રિકોણીય કહેવાતા પ્રેમ સંબંધોના આખરે કરૃણ અંજામની ગણી ગણાય નહીં તેવી અસંખ્ય ઘટનાઓ પૈકીની એક કથામાં સંગીતા તથા જયેશની પ્રેમકથાએ ઉમેરો કર્યો હતો. સંગીતા તથા જયેશ આજે તો દૂર-દૂરની અજાણી મંઝિલ ઉપર પહોંચી ગયા છે. બસ આજે તો આ બન્ને પાત્રોની અધૂરી પ્રેમ કહાણીની યાદ રહી ગઇ છે. જેની કથા અત્રે પ્રસ્તુત કરી છે.

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના રામપુરા ગામે 'પતિ-પત્ની ઔર વો' એમ ત્રણ પાત્રો વચ્ચેના મનમાંનેમાં ચાલી રહેલા ના સમજી શકાય કે પછી ના કળી શકાય તેવા સંઘર્ષની કરૃણ કથા કાંઇક આવી છે.

રામપુરા ગામના સરકારી દવાખાનાની પાછળની ઝાડી-ઝાંખરાથી છવાયેલી પડતર જગ્યામાં એક યુવક તથા એક યુવતી તા. ૨૧મી ઓગસ્ટ-૨૦૧૭ની સવારે અન્યોન્યની પડખે બેભાન હાલતમાં મળી આવ્યા હતા. સવારના આગમન સાથે આ ઘટનાની જાણ થઇ ત્યારે રામપુરા ગામના લોકોનું ટોળું ઘટનાસ્થળે એકઠું થઇ ગયું હતું.

ગામલોકોએ બેભાન હાલતમાં પડેલા આ બન્ને પાત્રોને ઓળખી કાઢ્યા હતા. જેમાં ત્રીસેક વર્ષિય પરિણીતા સંગીતા તથા પચ્ચીસેક વર્ષિય અપરિણિત યુવક જયેશનો સમાવેશ થતો હતો. આ બન્નેને સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હોવાની જાણ થતાં જોરાવરનગર પોલીસ મથકના પોલીસ હેડ કોન્સ્ટેબલ અશ્વિનકુમાર વી. દવેએ પ્રાથમિક તપાસ શરૃ કરી હતી.

સુરેન્દ્રનગરની ટી.બી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલી પરિણીતા સંગીતાની બીજા દિવસે હંમેશના માટે આંખો મીંચાઇ ગઇ હતી. જ્યારે સંગીતા ભગવાનના ધામ પહોંચી ગઇ હોવાની જાણ થતાં હોસ્પિટલના બિછાના ઉપર તરફડીયા મારી રહેલા જયેશના છેલ્લા શ્વાસ પણ ત્રીજા દિવસે એટલે કે તા. ૨૪મીના રોજ છૂટી ગયા હતા.

જોરાવરનગર પોલીસ મથકના પોલીસ હેડ કોન્સ્ટેબલ અશ્વિન વી. દવેેેએ હોસ્પિટલમાં સ્ટાફ સાથે પહોંચીને મૃતક સંગીતા તથા મૃતક જયેશની લાશને અનુક્રમે ઈન્કવેસ્ટ ભરીને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપીને ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ ૧૭૪ હેઠળ આકસ્મિક મોતની રજીસ્ટરમાં નોંધ કરીને વધુ તપાસ કરી ત્યારે 'પતિ-પત્ની ઔર વો' વચ્ચેના ત્રિકોણીય કહેવાતા પ્રણય-સંબંધોના પગલે મચી ગયેલા  ઝંઝાવાતની  વિગતો જાણવા મળી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વણા ગામની યુવતી સંગીતાના લગ્ન વઢવાણ તાલુકાના રામપુરા ગામના યુવક દિનેશ સાથે થયા હતા. લગ્ન બાદ સુખમય દાંપત્ય જીવનના સોનેરી શમણાં આંખોમાં ભરીને સંગીતાએ તેના શ્વસુર ગૃહમાં પગલા પાડયા હતા.

સંગીતાનો પતિ દિનેશ ખેતીકામ કરતો હતો અને બન્ને ખુશખુશાલ હતા, હર્યુંભર્યું લગ્નજીવન વ્યતીત કરતાં-કરતાં સંગીતા ચાર સંતાનોની માતા બની ગઇ હતી. જેમાં (૧) ૧૩ વર્ષિય પુત્રી વૈશાલી, (૨) ૧૨ વર્ષિય પુત્ર ઉમેશ, (૩) ૯ વર્ષિય પુત્રી ઉર્મિલા અને (૪) ૬ વર્ષિય પુત્રી ગોપીનો સમાવેશ થતો હતો.

ચાર-ચાર સંતાનોની માતા બની ચૂકેલી સંગીતાના મનમાં ક્યારેક ''મેં રમકડું કદાચ ખોટું પસંદ કર્યું...!!''નો અભાવ સળવળી રહ્યો હતો. જો કે સંગીતાને તેના પતિ દિનેશ પ્રત્યે ક્યારેય અસંતોષ પેદા થયો હતો કે કેમ તેની ચોક્કસ માહિતી પોલીસને જાણવા મળી ન હતી.

આમ છતાં તપાસ અધિકારી એ.બી. દવેને રામપુરા ગામના લોકોની સાહજીક પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું હતું કે- આ કરૃણ ઘટના બની તેના છ મહિના પહેલાં અચાનક સંગીતાની ગામના જ અપરિણીત યુવક જયેશ સાથે આંખો મળી ગઇ હતી.

આ પછી બન્ને વચ્ચે છાનાછૂપા પ્રેમસંબંધોનો સિલસિલો શરૃ થઇ ગયો હતો. સંગીતા તથા જયેશ ગામલોકોની નજરોથી બચીને એકબીજાને મળતા હતા. જ્યારે બીજી બાજુ સંગીતાના પતિ દિનેશને તેની પત્નીની બેવફાઇના આ પ્રેમલીલાનો અણસાર સરખોય આવ્યો નહીં હોવાની વિગતો પોલીસને તપાસમાં જાણવા મળી હતી.

સંગીતાના પ્રેમમાં પાગલ બનીને તેનો જીંદગીભર સાથ મેળવવાની લાલસામાં તરફડી રહેલા જયેશે સંગીતાને પોતાની પત્ની બનાવવાનો મક્કમ નિર્ધાર કરી લીધો હતો. આમ છતાં વહાલસોયા દિકરા-દિકરી તથા ભલાભોળા પતિને તરછોડીને પરાયા પુરૃષ જયેશનો સાથ નિભાવવો કે કેમ તે પ્રશ્ને સંગીતાના મનમાં ધમસાણ મચી ગયું હતું.

આ જન્મે તો હવે ક્યારેય જયેશનો જીંદગીભરનો સથવારો મળી નહીં શકે તેવા ખ્યાલથી વ્યથિત બની ગયેલી સંગીતાએ એક દિવસે પોતાની માનસિક હાલક-ડોલકભરી સ્થિતિની વાત જયેશને કરી હતી. આ યુગલે તેમની દુ:ખભરી મિલનની આ ઘડીએ ત્યારે જ ''આ ભવે તો બન્ને એકબીજામાં ભળી ના શક્યા.. પરંતુ આવતા ભવમાં જરૃર મળીશું...!!'' તેવી અકથ્ય વેદના સાથે આખરે જીવતર ટૂંકાવી લેવાનો નિર્ધાર કર્યો હતો.

રામપુરા ગામના સરકારી દવાખાના પાછળની પડતર જગ્યામાં તા. ૨૧મી ઓગસ્ટની રાત્રીના સૂમસામ એકાન્તમાં સંગીતા તથા જયેશ મળ્યા હતા. અધૂરી રહી ગયેલી પ્રેમ કહાણીને યાદ કરતાં બન્નેની આંખોમાં આંસૂના રેલા વહી રહ્યા હતા. બસ હવે આખરી ઘડી આવી પહોંચી હોવાના ખ્યાલ સાથે બન્નેએ એકબીજાના બાહુપાશમાં જકડાઇને હળાહળ વિષપાન કરી લીધું હતું.

બીજા દિવસની સવારના આગમન સાથે બેભાન હાલતમાં પડેલા પ્રેમીપંખીડાને સારવાર માટે સુરેન્દ્રનગરની ટી.બી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં બીજા દિવસે સંગીતાના તથા ત્રીજા દિવસે જયેશના આખરી શ્વાસ છૂટી ગયા હતા.

'પતિ-પત્ની ઔર વો'ના ત્રિકોણીય કરૃણાંતની સંખ્યાબંધ કહાણીઓમાં વધુ એક દર્દભરી દાસ્તાનનો ઉમેરો કરીને સંગીતા તથા જયેશ નવી દુનિયા વસાવવાના ખ્વાબો સાથે પાંખો ફેલાવીને દૂર.. દૂર.. અફાટ આકાશની અગોચર સૃષ્ટિમાં સમાઇ ગયા હતા.

સંગીતાના અંતિમ સંસ્કાર વિધિ પતાવવા સ્વજનો તથા ગામલોકો સ્મશાનમાં ભેગા મળ્યા હતા. ચિતા ઉપર સંગીતાની નશ્વર કાયા ગોઠવીને અગ્નિદાહ અપાયો હતો. થોડીક જ ક્ષણોમાં અગ્નિની જ્વાળા ચોમેર ભડભડ સળગી રહી હતી.

ચિતાથી થોડેક દૂર બેસેલા ડાઘુ ભાઇઓના ચહેરા ઉપર વિષાદની રેખાઓ તરવરી રહી હતી અને સહુ એકબીજાને આમાં કોણે ભૂલ કરી હતી ? કોને દોષ દેવો ? તેઓ પ્રશ્ન કરી રહ્યા હતા. પોતાના મનને મનાવવા માટે કેટલાક ડાઘુભાઇ ''લખ્યું લલાટે ક્યારેય મિથ્યા થતું નથી..!!'' તેવા ઉદ્ગાર સાથે આ અધૂરી પ્રેમ કહાણીને યાદ કરીને અફસોસ વ્યક્ત કરી રહ્યા હતા.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments