Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ક્રાઈમવૉચ - જયદેવ પટેલ

છ-છ પુત્રીના જન્મ બાદ સાતમા સંતાન તરીકે પુત્રની ઝંખના કરી રહેલા ખેડૂતની ઘાતકી હત્યા

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનો ચકચારી ખૂન કેસ

ચૌધરી સમાજના સુખી ખેડૂતની હત્યાના પગલે જિલ્લામાં રોષ વ્યાપી ગયો

દાંતીવાડા ડેમની કેનાલની અવાવરું જગ્યામાંથી વહેલી પરોઢના લાશ મળી : મોબાઇલ કોલ ડીટેઈલથી ગુનાનો પર્દાફાશ થયો

ઉત્તર ગુજરાતના સરહદી બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમની કેનાલ નજીકની અવાવરું જગ્યામાંથી અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરાયેલી એક વ્યક્તિની મળી આવેલી લાશની ઘટનાએ ત્યારે જિલ્લાભરમાં જબરજસ્ત ચકચાર મચાવી મૂકી હતી.

ડીસેમ્બરના નાતાલ પર્વની વિદાય સાથે જાન્યુઆરીના નૂતન વર્ષના આગમનના પ્રથમ સપ્તાહના એક દિવસે વહેલી પરોઢના કેનાલના કિનારે નિત્યકર્મ પતાવવા નીકળેલા એક ગામવાસીએ થીજી ગયેલા લોહીના ઢગલામાં લાશ પડેલી જોઈ ત્યારે તે ઘડીભર હબક ખાઈ ગયો હતો. ઝટપટ નિત્યકર્મ પતાવીને તેણે ગામ તરફ દોટ મૂકી હતી. ત્યારબાદ ગામના આગેવાન સહિત ગામ લોકોને આ ઘટનાની જાણ કરી ત્યારે ઉત્તેજીત થઈ ગયેલા ગામવાસીઓએ કેનાલ તરફ દોટ મૂકી હતી.

દરમ્યાન ગામના સરપંચે કેનાલના કિનારા નજીક કોઈ અજાણી વ્યક્તિની લાશ પડી હોવાની જાણ પાંથાવાડા પોલીસ મથકને કરી હતી. મહેસાણા શહેર પોલીસ તંત્રના 'બી' ડીવીઝન પોલીસ મથકમાં હાલ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહેલા એમ.પી. પટેલે ત્યારે પાંથાવાડા પોલીસ મથકમાં પ્રોબેશનર પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે કારકિર્દીની શરૃઆત કરી હતી. સમાચાર મળતાં જ તેઓ તેમના સ્ટાફ સાથે કેનાલ ઉપર દોડી આવ્યા હતા.

લાશનું પ્રાથમિક નીરિક્ષણ કર્યું ત્યારે કોઈ ઝનૂની સખ્શે ધારદાર તીક્ષ્ણ હથિયારના ઉપરાછપરી બે ડઝનથીયે વધુ ઘા ઝીંકીને આ અજાણી વ્યક્તિને મોતના મુખમાં હડસેલી દીધી હોવાના ચિહ્નો જોવા મળ્યા હતા. મૃતકે સફેદ ખમીસ તથા ધોતી પહેર્યા હતા. લાશની ઓળખ થઈ શકે તેવી કોઈ જ વિગતો ત્યારે પોલીસને જાણવા મળી ન હતી.

જોકે આ સ્થળે એકત્રિત થયેલા ગામલોકોના ટોળામાંથી કેટલાકે મૃતકની ઓળખ થઈ ગયાની માહિતી પોલીસને પૂરી પાડતા કહ્યું હતું કે - બનાસકાંઠા જિલ્લાના જેગોલ ગામના સુખી-સંપન્ન ખેડૂત કે જેઓ તેમના ચૌધરી સમાજમાં કાળુભાઈ જેગોડા નામથી માન મરતબો ધરાવે છે તેમની આ લાશ છે.

કાળુભાઈ તેમના સમાજમાં એક સમૃદ્ધ ખેડૂત તરીકે ઓળખાતા હતા અને સમાજની જરૃરીયાતમંદ વ્યક્તિઓને તેમના ઘરે સારા કે માઠા પ્રસંગે ઉદાર હાથે આર્થિક સહાય કરતા હતા. આથી કાળુભાઈ આજુબાજુના ગામલોકોમાં સખી દાતા તરીકેની નામના ધરાવતા હતા.

આમ લાશની ઓળખવિધિ થતાં તપાસ અધિકારી એમ.પી. પટેલે કાંઈક અંશે રાહતના શ્વાસ લીધા હતા. મૃતકને કોઈ વ્યક્તિ સાથે વેરઝેર કે પછી અંગત અદાવત હતી કે કેમ તેની સાહજીક માહિતી મેળવવા પૂછપરછ શરૃ કરી ત્યારે કાળુભાઈ જેગોડાના પરિવાર પ્રત્યે સંવેદના તથા સહાનુભૂતિ જગાવે તેવી વિશેષ વાત જાણવા મળી હતી. જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે - કાળુભાઈના ઘેર એક પછી એક એમ છ-છ દિકરીના પારણાં બંધાયા હતા.

આ પછી તેમના પત્ની સાતમી વાર સગર્ભા બન્યા ત્યારે હવે તો ચોક્કસ ઘરમાં પુત્ર રત્નનું આગમન જ થશે તેવી આશા અને ઝંખનામાં કાળુભાઈ તે સારા દિવસની રાહ જોવા લાગ્યા હતા. પરંતુ વિધિના લેખ કાંઈક જુદા જ લખાયા હશે તેવી આ કરૃણ ઘટના બની ગઈ. જેમાં નવજાત પુત્રના ચહેરાને જોવા તલસી રહેલા કાળુભાઈને કોઈ હત્યારાંએ તે ગોઝારી રાત્રે મોતને ઘાટ ઉતારી દીધા હતા.

મૃતક કાળુભાઈ જેગોડાના પરિવારની સાહજીક વિગતો જાણ્યા પછી પોલીસે હત્યાની આ ઘટનામાં ઉપયોગમાં લેવાયેલ હથિયારને શોધી કાઢવાની કવાયત શરૃ કરી હતી. દાંતીવાડા ડેમની કેનાલના જળમાં પોલીસે દૂર દૂર સુધી શોધખોળ ચલાવી હતી છતાં કોઈ જ હથિયાર મળ્યું ન હતું.

ઘટનાસ્થળેથી ખૂનનો ભેદ ઉકેલવામાં મદદરૃપ થઈ શકે તેવા કોઈ જ ચિહ્નો જોવા મળતા ન હતા તેમજ 'કાતિલ કોણ હશે ?' તે પ્રશ્નનો પણ સ્પષ્ટ કોઈ સંકેત મળતો ન હતો. આમ તપાસ અધિકારી તેમનો સ્ટાફ સાથે ત્યારે માત્ર અનુમાનના આટાપાટામાં અટવાઈને કાંઈક ફળદાયક કડી એકત્રિત કરવાના પ્રયાસો કરી રહ્યા હતા. આ દરમ્યાન પોલીસને બનાવના સ્થળ નજીકથી મધ્યમ પ્રકારના કોઈ ફોર વ્હીલરના ટાયરના માર્ક જોવા મળ્યા હતા.

આ ટાયર માર્કના આધારે પોલીસે એવું અનુમાન કર્યું હતું કે - કાળુભાઈ જેગોડાની ઘાતકી હત્યા કરનાર અજાણ્યા હત્યારા લાશને રાત્રે કારમાં લઈને આ અવાવરૃ જગ્યામાં ફેંકીને ફરાર થઈ ગયા હશે !! જોકે બીજી બાજુ ઘટનાસ્થળે થીજી ગયેલા લોહીનું ખાબોચિયું પોલીસને એવું દિશાસૂચન કરતું હતું કે - કાળુભાઈને કદાચ હત્યારા કારમાં આ સ્થળે લઈ આવ્યા હશે અને તીક્ષ્ણ હથિયારના બે ડઝન જેટલા ઘા ઝીંકીને તેમનો ખેલ ખતમ કરી નાંખ્યા બાદ ફરાર થઈ ગયા હશે.

પાંથાવાડા પોલીસ મથકના તપાસ અધિકારી તથા તેમના સ્ટાફ માટે ત્યારે આ ખૂન કેસ પડકાર સમાન બની ગયો હતો. પોલીસે જેગોલ ગામના સોથી દોઢસો જેટલા ગામલોકોની પૂછપરછ કરીને તેમના નિવેદનો નોંધીને ગૂનાનો ભેદ ઉકેલવામાં મદદરૃપ થઈ શકે તેવી એકાદી કડી મેળવવા પ્રયાસ કર્યો હતો. સાથે જ મૃતક કાળુભાઈ જેગોડાના રોજબરોજના સામાન્ય જીવન વ્યવહારની માહિતી મેળવી હતી. પોસ્ટમોર્ટમ વિધિ પતી ગયા પછી કાળુભાઈનો મૃતદેહ અંતિમ સંસ્કાર વિધિ માટે પરિવારને સુપ્રત કરવામાં આવ્યો હતો. જે દિવસે સ્મશાન યાત્રા નીકળી ત્યારે તેમાં પાંચેક હજારથીયે વધુ ગામલોકો જોડાયા હતા.

આ વખતે મૃતકના અંતરંગ મિત્રો કોણ કોણ સ્મશાન યાત્રામાં જોડાયા હતા તેમના નામઠામની માહિતી પોલીસે એકત્રિત કરી ત્યારે એક મહત્ત્વની કડી પ્રાપ્ત થઈ હતી. કાળુભાઈના ખાસમખાસ મિત્ર અશોક લવજીરામ જોશીની સ્મશાન યાત્રામાં ક્યાંય હાજરી જોવા મળી ન હતી. બસ એક માત્ર આ સામાન્ય માહિતીના આધારે પોલીસે અશોક લવજીરામ જોશીનો મોબાઈલ ફોન દ્વારા સંપર્ક સાધીને પૂછપરછ કરી ત્યારે તે જિલ્લાની સરહદ ઉપરના રાજસ્થાનના નજીકના ગામમાં લગ્ન પ્રસંગમાં ગયો હોવાની વિગતો જાણવા મળી હતી.

અશોક જોશીની વિશેષ પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, કાળુભાઈની જે દિવસે ઘાતકી હત્યાનો બનાવ બન્યો તે દિવસે તે સહુપ્રથમ ધાનેરા ગયો હતો. ત્યાંથી તે ટેટોડા ગામે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી તેની પુત્રીને મળવા ગયો હતો. ત્યારબાદ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા તે રાજસ્થાનના સરહદી ગામે આવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લાનો કાર્યભાર ત્યારે જિલ્લા પોલીસ અધિક્ષક (ડી.એસ.પી.) હરિકૃષ્ણ પટેલ સંભાળતા હતા. કાળુભાઈની હત્યાના ગૂનાનો પર્દાફાશ કરવામાં દિવસ ઉપર દિવસ પસાર થઈ રહ્યા હોવા છતાં પાંથાવાડા પોલીસને કોઈ જ સફળતા સાંપડી ન હતી. આથી જિલ્લાના ચૌધરી સમાજના આગેવાનો તથા લોકો કાંઈક અંશે નારાજ બન્યા હતા.

આ ગૂનાની તપાસ પાંથાવાડા પોલીસ મથક પાસેથી લઈને તેની સઘન તથા ઝડપી તપાસ કરાવવાની માંગણી સાથે ચૌધરી સમાજના સંખ્યાબંધ લોકો બે-ત્રણ ડઝન જેટલા વાહનોનો કાફલો લઈને ડી.એસ.પી. કચેરીએ પહોંચ્યા હતા. ડી.એસ.પી. હરિકૃષ્ણ પટેલ સમક્ષ તપાસ અધિકારીની સત્વરે બદલી કરીને સમગ્ર તપાસ સ્થાનિક ગૂના શોધક શાખાને સુપ્રત કરવા રજૂઆત કરી હતી. જો કે ડી.એસ.પી. હરિકૃષ્ણ પટેલે આ ગૂનાની ચાલી રહેલી તપાસ દરમ્યાન પાંથાવાડા પોલીસે જે કાંઈ માહિતી એકત્રિત કરી હતી તેને ધ્યાનમાં રાખીને સમાજના આગેવાનોને થોડીક ધીરજ ધરવા અનુરોધ કર્યો હતો.

હવે પાંથાવાડા પોલીસ મથકના તત્કાલીન પ્રોબેશનર સબ ઇન્સ્પેક્ટર એમ.પી. પટેલે પણ આ ગૂનાનો પર્દાફાશ કરવા કમર કસી હતી.

દરમ્યાન અશોક લવજીરામ જોશીને શંકાના ઘેરાવામાં લઈને ઘટનાના દિવસની તેની દિનચર્યાનો તાળો મેળવવા કાર્યવાહી શરૃ કરી ત્યારે પોલીસના 'કાઉન્ટર ચેકીંગ'માં ક્યાંયે તેની વાતમાં અસત્યનો આછો પાતળો સૂર સરખોય સાંપડયો ન હતો. આમ છતાં રાજસ્થાનમાં લગ્ન વિધિ પતાવીને તે ઘેર પાછો ફરે તે પહેલાં પાંથાવાડા પોલીસ મથકે નિવેદન નોંધાવવા ચોક્કસ આવી જવા સૂચના આપી હતી.

આથી અશોક જોશી તેની પત્ની તથા બે બાળકોને સાથે ઓલ્ટો કાર લઈને પાંથાવાડા પોલીસ મથકે હાજર થયો હતો. જ્યાં તપાસ અધિકારીએ તેની સાહજીક પૂછપરછ કરવા સાથે તપાસાર્થે મોબાઈલ ફોન કબ્જે કર્યો હતો.

ત્યારબાદ પોલીસે અશોકની ઓલ્ટો કારની તપાસ શરૃ કરી હતી. જેમાં કારના ડ્રાયવર સીટની આગળના કાચના ખૂણા ઉપર તીરાડ જોવા મળી હતી. તેમજ કારના દરવાજા ખોલીને ઝીણવટપૂર્વક અવલોકન કર્યું ત્યારે દરવાજાના એક હેન્ડલ ઉપર લોહીનો ડાઘો જોવા મળ્યો હતો. જેના સંબંધમાં પોલીસે વધુ પૂછપરછ કરી ત્યારે અશોકે જણાવ્યું હતું કે રાજસ્થાનથી તે પરિવાર સાથે પાછો ફરી રહ્યો હતો ત્યારે રસ્તા વચ્ચે એક રખડતા આખલા સાથે કાર ટકરાઈ જતાં તેના આગળના કાચમાં તીરાડ પડી ગઈ હતી.

જ્યારે દરવાજાના હેન્ડલ ઉપર લોહીનો જે ડાઘ જોવા મળ્યો છે તે તેના પુત્રને ઇજા થવાથી પડયો હતો. અશોક જોશીએ પોલીસ સમક્ષ તેની ગતિવિધિની જે કાંઈ વિસ્તૃત માહિતી રજુ કરી હતી તેનું કાઉન્ટર ચેકીંગ કર્યું ત્યારેય સાહજીક શંકાનું સમાધાન થઈ શકે તેવી કોઈ જ મહત્ત્વની માહિતી પ્રાપ્ત થઈ શકી ન હતી.

જોકે પોલીસે ઓલ્ટો કાર ત્યારે કબ્જે લઈને વૈજ્ઞાાનિક સંશોધન દ્વારા વધુ ફળદાયક માહિતી કદાચ મળી રહેશે તેવી આશા સાથે ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાંતની સહાય લીધી હતી. હજુયે તપાસ દિશાવિહીન દશામાં જ અટવાઈ રહી હોવાનો પોલીસને ખ્યાલ આવી ગયો હતો.

કદાચ અંધારામાંથી જ ક્યાંક ઉજાસનું કિરણ મળી જશે તેવી આશાથી પોલીસે અશોકનો મોબાઈલ ફોન કબ્જે કરી લીધો હતો. ત્યારબાદ બનાસકાંઠા જિલ્લાના બી.એસ.એન.એલ. (દૂર સંચાર) કેન્દ્રના તત્કાલીન અધિકારી પિનાકીન પરમારનો સંપર્ક સાધીને કોલ ડીટેઈલની સમગ્ર માહિતી એકત્રિત કરવામાં આવી હતી. જેમાં પણ પોલીસ તપાસમાં મજબૂત પૂરાવો પ્રાપ્ત થઈ શકે તેવી ચોક્કસ કડી પ્રાપ્ત થઈ ન હતી.

આમ છતાં પિનાકીન પરમાર તથા સબ ઇન્સ્પેક્ટર એમ.પી. પટેલે સાથે બેઠક યોજીને અશોક જોશીના મોબાઈલ ફોન દ્વારા કાળુભાઈની હત્યાની ઘટનાના દિવસ દરમ્યાન જ્યાં જ્યાં સંપર્કો સાધવામાં આવ્યા હતા તેની સઘળી કોલ ડીટેઈલ એકત્રિત કરી લીધા બાદ એક 'રૃટ મેપ' બનાવ્યો હતો.

જેમાં હત્યાની ઘટનાની મોડીરાત્રીના બે વાગે ભરનિંદરમાં પોઢી રહેલી પત્નીને ઊંઘમાંથી ઊઠાડીને અશોકે વાતચીત કરી હતી. ત્યારબાદ મોડીરાત્રીના ચારેક વાગ્યાના સૂમારે અશોકનું તેના ઘેર આગમન પૂર્વે કોલેજીયન મિત્ર સાથે કરેલી વાતચીત. વહેલી પરોઢના પાંચેક વાગ્યે મોબાઈલ ફોન દ્વારા પાલનપુર શહેરમાંથી કરાયેલ સંપર્ક.

આમ અશોક જોશીના મોબાઈલ ફોન દ્વારા પ્રાપ્ત થયેલ ઉપરોક્ત માહિતીની સાથે જ તે શંકાના ઘેરાવામાં આવી ગયો હતો. બસ પછી તો પિનાકીન પરમારે તેમના મિત્ર સબ ઇન્સ્પેક્ટર એમ.પી. પટેલને અત્યારેને અત્યારે જ અશોકની ધરપકડ કરી લેવા સૂચના આપી હતી. આ સાથે જ પોલીસે અશોકની ધરપકડ કરીને સખ્તાઈપૂર્વક પૂછપરછ શરૃ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, મૃતક કાળુભાઈ જેગોડાએ કોઈક અવસર પ્રસંગે અશોકને રૃા. ૭૦થી ૮૦ હજારની રકમ હાથ ઉછીના તરીકે આપી હતી.

આ ઉપરાંત અશોકે અન્ય સખ્શો પાસેથી પણ વ્યાજે રૃપિયા લીધા હતા. જેની તે ચૂકવણી કરતો ન હતો. આથી લેણદારો તેના ઘેર પૈસાની વસૂલાત કરવા અવારનવાર આવીને હંગામો મચાવવા સાથે તેની પત્નીને ધમકીઓ આપતા હતા. લેણદારોની આવી હરકતો તથા ધમકીઓથી તેની પત્ની પણ તંગ આવી ગઈ હતી.

ઘટનાની સમી સાંજના અશોક જોશી તથા કાળુભાઈ ભેળા મળ્યા હતા અને બન્નેએ સાથે વાળુ કર્યું હતું. આ વેળાએ અશોકે કાળુભાઈને અંધારામાં રાખીને તેમના ભોજનમાં ઊંઘની ગોળીઓ ભેળવી દીધી હતી. જેના પરિણામે તે બેભાન બની ગયા હતા. રાત્રીના સાડા નવેક વાગ્યાના સુમારે અશોકે તેના એક કોલેજીયન મિત્રને મદદે બોલાવ્યો હતો.

અશોકના મિત્રે કારનું ડ્રાઇવિંગ કર્યું હતું. જ્યારે અશોક બેભાન કાળુભાઈને લઈને પાછળની સીટ ઉપર ગોઠવાઈ ગયો હતો. દાંતીવાડા ડેમની કેનાલની અવાવરુ જગ્યાએ કારને ઊભી રાખવામાં આવી હતી. ત્યારબાદ અશોક જોશી કાળુભાઈને કારમાંથી ખેંચીને બહાર લઈ આવ્યો હતો. જ્યાં ધારદાર ખંજરના બે ડઝન જેટલા ઘા ઝીંકીને મોતની ગોદમાં સુવાડી દીધા હતા.

આમ બનાસકાંઠા જિલ્લાના ચૌધરી સમાજના સુખી-સંપન્ન ખેડૂત કાળુભાઈ જેગોડાની ઘાતકી હત્યાના આ ગૂનાનો પંદરેક દિવસ વીતી ગયા પછી પોલીસે ભેદ ઉકેલીને હત્યારાની ધરપકડ કર્યાની જાણ થઈ ત્યારે જિલ્લાના ચૌધરી સમાજમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. આ ચકચારભર્યા કેસનો આખરી ચૂકાદો શું આવશે તેની જિલ્લાવાસીઓ હાલ તો રાહ જોઈ રહ્યા છે.
 

Post Comments