Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ક્રાઈમવૉચ - જયદેવ પટેલ

આદિવાસી તરૃણી મથુરા ઉપરના બળાત્કાર કેસમાં સુપ્રીમ કોર્ટે બે પોલીસ કર્મચારીને છોડી મૂક્યા

દેશના ન્યાયતંત્રમાં ભારે વિવાદ જગાવનાર બળાત્કાર કેસ

ગરીબ સગીરા ઉપર પોલીસ મથકમાં જ બળાત્કાર : બે પોલીસોનો ટ્રાયલ કોર્ટમાં છૂટકારો : મુંબઇ હાઈકોર્ટે બન્નેને સજા ફટકારી

મહિલાઓએ સુપ્રીમ કોર્ટ સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કરતા દેખાવો કર્યા : આખરે કાયદામાં પરિવર્તન થયું

આજથી બરાબર પિસ્તાલીશ વર્ષો પૂર્વે એક અંધારી રાત્રે પોલીસ મથકના પરિસરમાં જ એક ગભરૃ-લાચાર-નિરાધાર આદિવાસી સગીરા ઉપર બળાત્કાર ગૂજારવાની ઘટના બની ગઇ હતી.

માતા-પિતા પરલોક સિધાવી જતાં અનાથ બનેલી આદિવાસી સગીરા ઉપર અમાનવીય અધમ દુષ્કર્મ આચરવાના આક્ષેપસર ત્યારે આ જ પોલીસ મથકમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીની ધરપકડ કરવામાં આવી ત્યારે સામાન્ય પ્રજામાં પ્રચંડ રોષ ભભૂકી ઊઠયો હતો.

કહેવાતા દુષ્કર્મનો શિકાર બનેલી સગીરાનું નામ 'મથુરા' હતું. જ્યારે તેના ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાનો આક્ષેપ કરતી પોલીસ ફરિયાદમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ તુકારામ તથા પોલીસ કોન્સ્ટેબલ ગણપતની ધરપકડ કરવામાં આવી હતી.

મહારાષ્ટ્ર રાજ્યમાં આદિવાસી પરિવારોની ગીચ વસ્તી ધરાવતા ચંદ્રપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા દેસાઇ ગંજ પોલીસ મથકમાં 'મથુરા' ઉપર બળાત્કાર ગુજારવાની આ ઘટના બની ગઇ હતી. એક પોલીસ મથક કે જ્યાં પ્રજાજનોની સુરક્ષા તથા સલામતીની જવાબદારી સોંપાઈ છે તેના જ બે પોલીસ કર્મચારીઓએ ગરીબ સગીરા ઉપર બળાત્કાર ગુજારીને પોતાની હવસની ભૂખ સંતોષી હોવાની હકિકત જ્યારે પ્રકાશમાં આવી ત્યારે જનતામાં ખળભળાટ મચી ગયો હતો.

ચંદ્રપુર જિલ્લાની ડીસ્ટ્રીક્ટ અદાલતે બન્ને બળાત્કારી પોલીસ કર્મચારીને બાઈજ્જત નિર્દોષ ઠરાવીને જ્યારે ચૂકાદો આપ્યો ત્યારે સહુ કોઇએ આઘાતની લાગણી વ્યક્ત કરી હતી. તેમજ અદાલતમાં ચાલેલી કાનૂની કાર્યવાહી સામે તીવ્ર આક્રોશ રજુ કર્યો હતો.

ચંદ્રપુર જિલ્લાની જિલ્લા અદાલતના માનનીય ન્યાયાધીશે બળાત્કારના ગુનામાંથી બન્ને પોલીસ કર્મચારીને છોડી મૂકવાનો હૂક્મ કરતાં ચૂકાદામાં નોંધ્યું હતું કે - દેસાઈ ગંજ પોલીસ મથકમાં 'મથુરા' ઉપર બળાત્કારનો જ્યારે ગૂનો બન્યો હતો ત્યારે તે સગીર હતી કે પુખ્ત વયની હતી તેનો કોઈ જ સંતોષકારક પૂરાવો ફરિયાદ પક્ષે રજૂ કર્યો નથી. કેસની સુનાવણી દરમ્યાન જે કાંઈ સાક્ષીઓની જુબાની તથા પૂરાવા રજુ થયા છે તેની સમીક્ષા કરતાં 'મથુરા' એ તેના ઉપર બે પોલીસોએ બળાત્કાર ગુજાર્યાની જુઠી કહાણી ઘડી કાઢી છે.

હકિકતમાં તો 'મથુરા'ની રાજીખુશી તથા સંમ્મતિ જ તેની સાથે શારીરીક સુખ ભોગવ્યું હોવાનું સાફસાફ જોવા મળે છે. મથુરાની સંમ્મતિથી જ પોલીસ કોન્સ્ટેબલ ગણપતે શારીરીક સુખની મોજ માણી હતી. જ્યારે પોલીસ હેડ કોન્સ્ટેબલ તુકારામે ભારે ચિક્કાર દારૃ ઢીંચ્યો હોવાથી તે મથુરા સાથે શારીરીક સહવાસ ભોગવી શક્યો ન હતો.

આથી પોલીસ મથકની પાછળના ભાગે આવેલી છાપરીમાં નગ્નાવસ્થામાં ભોંય ઉપર પડેલી મથુરા ઉપર બેટરી (ટોર્ચ)નો પ્રકાશ ફેંકીને તેના 'પ્રાઈવેટ પાર્ટસ' તથા શરીરના અન્ય અંગઉપાંગો સાથે અડપલા કર્યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.

અદાલતે ચૂકાદામાં ગંભીરતાપૂર્વક નોંધ્યું હતું કે 'મથુરા' ને અગાઉ પણ શારીરીક સુખ ભોગવવાની આદત પડી ગઈ હતી. મથુરાની તબીબી તપાસ કરનાર તબીબે પણ તેમના પરીક્ષણમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, બળાત્કાર ગુજાર્યો હોવાનો આક્ષેપ પૂરવાર કરી શકાય તેવો કોઇ જ પૂરાવો મથુરાના પ્રાઈવેટ પાર્ટની તપાસ કરતાં પ્રાપ્ત થયો નથી. એટલે કે વીર્યની હાજરી જોવા મળી નથી. મથુરાના પહેરેલા વસ્ત્રો ઉપર વીર્યના ડાઘા જોવા મળ્યા છે.

આ સંજોગોમાં કદાચ એવું અનુમાન કરી શકાય કે મથુરાની રાજીખુશી તથા સંમ્મતિથી તેની સાથે શારિરીક સંબંધ સ્થાપવામાં આવ્યો હશે. આમ કોઈ સ્ત્રી દ્વારા પોતાની રાજીખુશી કે સંમ્મતિથી બાંધવામાં આવેલા શારીરીક સહવાસને 'બળાત્કાર' કહી શકાય નહીં. આમ જીલ્લા અદાલતે બન્ને પોલીસ કર્મચારીને નિર્દોષ ઠરાવીને છોડી મૂક્યા હતા.

બન્ને પોલીસ કર્મચારીને બળાત્કારના ગુનામાંથી નિર્દોષ છોડી મૂકવાના જિલ્લા અદાલતના આ ચૂકાદાથી રાજ્યની પ્રજામાં દિવસે-દિવસે આક્રોશ વધુ જલદ બની રહ્યો હોવાનો અણસાર આવી જતાં મહારાષ્ટ્ર સરકારે મુંબઇ હાઈકોર્ટમાં અપીલ કરીને જિલ્લા અદાલતનો ચૂકાદો ગેરકાયદેસર અને રદબાતલ ઠરાવવા તથા બન્ને પોલીસોને સખ્ત સજા ફરમાવવા દાદ માંગી હતી. મુંબઇ હાઈકોર્ટની નાગપુર સ્થિત ડીવીઝન બેન્ચ સમક્ષ રાજ્ય સરકારની અપીલની આખરી સુનાવણી નીકળી હતી.

જેમાં હાઈકોર્ટે જિલ્લા અદાલતનો ચૂકાદો રદબાતલ ઠરાવ્યો હતો અને બન્ને પોલીસોને ગુનેગાર ઠરાવ્યા હતા. જેમાં મથુરા ઉપર બળાત્કાર ગુજારવા બદલ પોલીસ કોન્સ્ટેબલ ગણપતને ઇ.પી.કો. કલમ ૩૭૬ હેઠળ ગુનેગાર ઠરાવીને પાંચ વર્ષની સખ્ત કેદની સજા ફરમાવી હતી. જ્યારે મથુરાના અંગ ઉપાંગ સાથે નિર્લજ્જ અડપલા કરવા બદલ પોલીસ હેડ કોન્સ્ટેબલ તુકારામને ઇ.પી.કો. કલમ ૩૫૪ હેઠળ ગુનેગાર ઠરાવીને એક વર્ષની સખ્ત કેદની સજા ફરમાવી હતી.

મુંબઇ હાઈકોર્ટની ડીવીઝન બેન્ચે ચુકાદામાં અત્યંત ગંભીરતાપૂર્વક નોંધ્યું હતું કે - બળાત્કારની ઘટના એક પોલીસ મથકમાં બની છે. જેમાં આરોપી તરીકે બન્ને પોલીસ કર્મચારી છે. જ્યારે પીડીતા તરીકે એક ગભરૃ-ડરપોક આદિવાસી સગીરા છે. બન્ને પોલીસોએ ગરીબ છોકરીને ડરાવી-ધમકાવીને કે પછી જાનથી મારી નાંખવાની ધમકી આપીને બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ બન્ને પોલીસોને મથુરા ઓળખતી પણ ન હતી.

આ સંજોગોમાં જ્યારે એક સ્ત્રી ઉપર ધાક-ધમકી કે પછી દબાણ નિર્માણ થયું હોય ત્યારે જે કોઈ પુરૃષ તેની સાથે શારીરીક સંબંધો બાંધે તેમાં પીડીતાની રાજીખુશી કે સંમ્મતિ હતી તે કેવી રીતે માની શકાય ? મથુરા સાથે જે કાંઈ શારિરીક સંબંધો થયા હતા તેમાં તેની રાજી ખુશી હતી તેવું ક્યારેય માની શકાય નહીં.

મથુરા ઉપર જ્યારે બળાત્કાર ગુજારવામાં આવ્યો ત્યારે તેણે બન્ને પોલીસોનો સામનો કરીને પોતાની જાત બચાવવા પ્રયાસ કરવા સાથે મદદ માટે બૂમરાણ મચાવી મૂકી હતી તેવી ફરિયાદ પક્ષ તરફથી જિલ્લા અદાલતમાં સુનાવણી દરમ્યાન કરવામાં આવેલી રજુઆતમાં રતિભાર સચ્ચાઈ નથી.

મથુરાને શરીર સુખ માણવાનો અગાઉથી જ ચસકો લાગી ગયો હતો. આ ઘટનામાં પણ તેણે પોતાની રાજીખુશી તથા સંમ્મતિથી પોલીસ સાથે શારિરીક સુખની મોજ લૂંટી હતી. જિલ્લા અદાલતના ચૂકાદામાં કરવામાં આવેલી આ નોંધને પણ હાઈકોર્ટની ડીવીઝન બેન્ચે ધરાર ફગાવી દીધી હતી.

સાથે જ ચૂકાદામાં નોંધ્યું હતું કે ચંદ્રપુર જિલ્લાના અંતરીયાળ આદિવાસી વિસ્તારના પોલીસ મથકમાં 'મથુરા' ઉપર બળાત્કાર ગુજારવાનો આ બનાવ બન્યો ત્યારે તેણીએ મદદ માટે કદાચ બૂમાબૂમ કરી મૂકી હશે પરંતુ નિર્જન તથા સૂમસામ રાત્રીના એકાન્તમાં મદદ માટેની તેની બૂમરાણહવામાં ઓગળી ગઇ હશે.

પોલીસ મથકમાં મથુરા એકલી-અટૂલી નિરાધાર હતી અને ત્યારે બન્ને પોલીસોએ ડરાવી-ધમકાવીને તેને બળાત્કારનો શિકાર બનાવી હોવાની સંભાવનાને અવગણી શકાય નહીં. આમ મુંબઇ હાઈકોર્ટે બન્ને પોલીસોને ગુનેગાર ઠરાવીને સખત કેદની સજા ફરમાવતો ચૂકાદો આપ્યા પછી રાજ્ય સરકારે બન્નેને પોલીસ દળની નોકરીમાંથી હાંકી કાઢ્યા હતા.

મુંબઇ હાઈકોર્ટના આ ચૂકાદા બાદ સનસનાટી મચાવનાર આ બળાત્કાર પ્રકરણની પૂર્ણાહૂતિ થઇ ન હતી. સજા પામનાર બન્ને પોલીસોએ સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ)માં રીવીઝન અરજી કરીને હાઈકોર્ટના ચૂકાદાને પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટમાં આ કેસનો આખરી ચૂકાદો ૧૯૭૮ના વર્ષમાં આપ્યો હતો. છ વર્ષ એટલે કે ૩૬૫ દિવસ ગુણ્યા છ બરાબર બે હજાર એકસો નેવું દિવસના વહાણા વહી ગયા બાદ સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપીને મુંબઇ હાઈકોર્ટના ચૂકાદાને ફગાવી દીધો હતો.

સુપ્રીમ કોર્ટના ત્રણ ન્યાયમુર્તિઓની બેન્ચે બન્ને પોલીસ કર્મચારીને નિર્દોષ ઠરાવીને છોડી મૂકતા જિલ્લા અદાલતના ચૂકાદાને માન્ય રાખતાં નોંધ્યું હતું કે - પોલીસ મથકમાં બનાવની રાત્રે મથુરા ઉપર બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો તેવું કહી શકાય નહીં.

મથુરાએ પણ બન્ને પોલીસોના દુષ્કર્મનો કોઈ જ વિરોધ કર્યો ન હતો. આ સંજોગોમાં મથુરાની રાજીખુશી તથા સંમ્મતિથી તેની સાથે શારિરીક સુખનો સહવાસ સ્થાપ્યો હતો તેને બળાત્કાર કહી શકાય નહીં. આમ સુપ્રીમ કોર્ટના આ ચૂકાદા બાદ પણ મથુરા પ્રકરણનો અંત આવી ગયો ન હતો.

સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓએ સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટીસને પત્ર પાઠવીને આ ચૂકાદાની પુન:સમીક્ષા કરવા અનુરોધ કર્યો હતો. આ ચાર વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓમાં શ્રી ઉપેન્દ્ર બક્ષી, સુશ્રી વસુધા ગંગવાર, શ્રી રઘુનાથ કેળકર અને સુશ્રી લોતિકા સરકારનો સમાવેશ થતો હતો.

સુપ્રીમ કોર્ટના ચૂકાદાથી પીડીતા મથુરાને ન્યાય મળ્યો નથી પરંતુ તેની સાથે અન્યાય કર્યો હોવાની રજુઆત કરીને ચૂકાદા સામે અવાજ ઉઠાવ્યો હતો. આ ચારેય વરિષ્ઠ વકીલોએ કોઈ પ્રતિષ્ઠિત મહિલાને ન્યાય અપાવવા માટે અવાજ ઊઠાવ્યો ન હતો પરંતુ માત્ર ૧૪થી ૧૬ વર્ષની એક ગરીબ આદિવાસી યુવતીને ન્યાય અપાવવા ભીખ માંગી હતી.

દેશની સર્વોચ્ચ ન્યાય વ્યવસ્થાના આસન ઉપર બિરાજમાન ચીફ જસ્ટીસને પાઠવેલા પત્રમાં જણાવાયું હતું કે - સુપ્રીમ કોર્ટે તેના ચૂકાદા દ્વારા મથુરા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો તે વાત ફગાવી દીધી છે અને મથુરાની સંમ્મતિથી જ શારીરીક સંભોગ થયો હતો તે દલીલનો સ્વીકાર કર્યો છે. જો આ વાત માની કે સ્વીકારી લેવામાં આવે તો હવે પ્રશ્ન ઉપસ્થિત થાય છે. સરકારનું પ્રતિનિધિત્વ કરનારી પોલીસ ચોકીઓ શું પોલીસો માટે ગરીબ-આદિવાસી યુવતીનો ઉપયોગ કરીને શારિરીક સુખ ભોગવવાનું સ્થળ બની જાય ?

એક દુર્ગમ પ્રદેશની આદિવાસી-ગરીબ સગીરા ઉપર આચરવામાં આવેલા બળાત્કારના ગુનાના અપરાધીને સજા ફટકારવા ન્યાય મેળવવા માટે આ ચાર વકીલોએ ઉઠાવેલા અવાજના પડઘા દેશભરમાં ગુંજી ઊઠયા હતા. દેશભરની જાગરૃક સુશિક્ષિત મહિલાઓ તથા તેમના સંગઠ્ઠનો મથુરાને ન્યાય અપાવવાની લડતમાં જોડાઈ ગયા હતા.

દિલ્હીમાં તો વિશાળ સંખ્યામાં એકત્રિત થયેલી મહિલાઓએ રેલી યોજીને સુપ્રીમ કોર્ટ સમક્ષ દેખાવો કરીને 'મથુરા કેસ' ફરી ઓપન કરવા બુલંદ નારા ગજવ્યા હતા. જો કે સુપ્રીમ કોર્ટને સુશિક્ષિત મહિલાઓ તથા તેમના સંગઠ્ઠનની આ બૂમરાણ ગમી ન હતી.

તા. ૩જી એપ્રિલ-૧૯૮૦ના રોજ સુપ્રીમ કોર્ટના માનનીય ન્યાયમૂર્તિ શ્રી એન.ડબલ્યુ ઊંટવાલીયાએ સ્ત્રી સંગઠ્ઠનોની આ માંગણીને ફગાવી દીધી હતી. અને હવે 'મથુરા કેસ' ફરી ક્યારેય રી-ઓપન નહીં થાય તેમ સાફસાફ જણાવી દીધું હતું.

હવે સ્ત્રી સંગઠ્ઠનોએ ભારતીય ફોજદારી ધારામાં બળાત્કારની કલમ-વ્યાખ્યા બદલવા અવાજ ઊઠાવ્યો હતો. આખરે સંવેદનશીલ ન્યાયપ્રિય વકીલો, સુશિક્ષિત મહિલાઓ અને તેમના સંગઠ્ઠનોની સાથે મથુરાને ન્યાય અપાવવા માટેની લડતમાં જોડાઈ ગયેલી દેશની સામાન્ય પ્રજાની બુલંદ માંગ સામે કેન્દ્ર સરકારને નમતું જોખવું પડયું હતું.

બળાત્કારના કાયદાની વ્યાખ્યામાં ફેરફાર કરતું બીલ લોકસભામાં મંજુર થયું. સરકારે મહત્ત્વની વાતો કાયદામાં માન્ય રાખી. સરકારના પ્રતિનિધિ સમાન પોલીસો બળાત્કાર કરે નહીં એટલે કે સરકારી વ્યવસ્થાના તાબામાં રહેલ (પોલીસ કસ્ટડી) સ્ત્રીઓ ઉપર બળાત્કાર થાય તો તે સાબિત કરવાની જવાબદારી આરોપી ઉપર લાદવામાં આવી.

બળાત્કારની ફરિયાદ થાય તો હવેથી પોલીસોએ એ સાબિત કરવાનુંરહે છે તેણે કોઈ જ બળાત્કાર ગુજાર્યો નથી. સમાજના જાગરૃક નાગરિકોનો ન્યાય મેળવવાની આ લડતમાં આખરે વિજય થયો હતો.

(માહિતી સહયોગ : મુક્તા મનોહર તથા કિશોર ગૌડ)
 

Post Comments