Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ક્રાઈમવૉચ - જયદેવ પટેલ

પરિણીત તબીબના પ્યારમાં પાગલ બનેલી કોલેજિયન યુવતીએ પ્રેમીની બેવફાઈનો હિસાબ ચૂકતે કર્યો

ઉત્તર પ્રદેશમાં એક જમાનામાં ચકચાર મચાવનાર તબીબી ખૂન કેસ
 

શમીમ રહેમાનીએ તેની માતાની લાયસન્સવાળી રિવોલ્વરથી ડૉ. ગૌતમને ઠાર માર્યા હતા : શમીમના ભાઈએ અસલી હકીકત છૂપાવી હતી

ઉત્તર પ્રદેશની રાજધાની અને નવાબી નગરી લખનૌની કંધારીલેન વિસ્તારમાં આવેલ એક આલીશાન હવેલીના ભવ્ય દીવાનખંડના દરવાજા ઉપર જ એક સોહામણાં અને મોહક વ્યક્તિત્વ ધરાવતા તબીબની પોઇન્ટ બ્લેન્ક ફાયરીંગથી હત્યાની આજથી પચાસ વર્ષો પૂર્વે બનેલી ઘટનાએ માત્ર ઉત્તરપ્રદેશ જ નહીં પરંતુ આસપાસના પાડોશી રાજ્યોના તબીબી વર્તુળોમાં જબરજસ્ત ચકચાર મચાવી મૂકી હતી.

એક તબીબની હત્યાની આ ઘટના ત્યારે 'ડોક્ટર હરિ ગૌતમ મર્ડર કેસ'ના નામથી સનસનાટીભરી બની ગઈ હતી. જેની ગત અંકમાં રજૂઆત કરી ચૂક્યા બાદ આગળ કેવા- કેવા ખેલ ભજવાઈ ગયા તેની વિશેષ કથા અત્રે પ્રસ્તુત કરી છે.

લખનૌ નગરીના ખાનદાની નવાબી પરિવાર સાથેના નજીકના સગા- સંબંધીના પરિવારનો નાતો ધરાવતા અબ્દુલ અઝીમ- ઉર- રહેમાનની આલીશાન હવેલીમાં ડોક્ટર હરિ ઓમ ગૌતમ ઉપર પોઇન્ટ બ્લેન્ક ફાયરીંગ કરીને તેમની જીવનરેખા ઉપર પૂર્ણવિરામ મૂકી દેવાનો આ બનાવ તા. ૧૧મી જુલાઈ, ૧૯૬૮ના રોજ રાત્રિના સાડા અગિયારેક વાગ્યાના અરસામાં બની ગયો હતો.

અઝીમ ઉર રહેમાન ઉપર લકવાનો હુમલો થયો ત્યારે તેમને લખનૌ નગરીની બલરામ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં દર્દીની સઘન સારવાર કરવા જોતરાઈ ગયેલા ડોક્ટર હરિ  ગૌતમની આંખો પરિવારની કોલેજીયન યુવતી શમીમ રહેમાની સાથે મળી ગઈ હતી. ઘરમાં વફાદાર પત્ની તથા ત્રણ સંતાનોના પિતા એવા ડોક્ટર હરિ ગૌતમ ખૂબસૂરત કોલેજીયન યુવતી શમીમ રહેમાનીની મહોબ્બતની માયાજાળમાં જકડાઈ ગયો હતો.

શમીમ રહેમાનીની ત્યારે ઉંમર બાવીસ વર્ષની થઈ હતી. ૧૯૬૭ના વર્ષમાં શમીમે બી.એસ.સી.ની પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ ભવિષ્યની કારકિર્દી ઘડવા માટે તેણે તબીબી શાખામાં વધુ અભ્યાસ કરવાનું નક્કી કર્યું હતું. આ સમયે ડોક્ટર હરિ ગૌતમની ઉંમર ૩૫ વર્ષની હતી. છ ફૂટની ઉંચાઈ, ફૂલગુલાબી ચહેરો તથા કોઈ પણ યુવતીને પહેલી જ નજરમાં વશ કરી લે તેવી હેન્ડસમ પર્સનાલિટી અને મોહક વ્યક્તિત્વ ધરાવતા ડોક્ટરના નયન બાણમાં શમીમ રહેમાની વીંધાઈ ગઈ હતી પછી તો તેમની દિવાની બની ગઈ હતી.

શમીમ રહેમાનીના પિતાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવ્યા બાદ પણ દર્દીની ખબર અંતર પૂછવાના  બહાના હેઠળ ડોક્ટર તેની હવેલીમાં દરરોજ મુલાકાત લેવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો જે દરમિયાન બંને પ્રેમીયુગલો વચ્ચેની તમામ ભેદરેખા ભૂંસાઈ ગઈ હતી. અને બન્ને વચ્ચે નાજાયજ સંબંધો શરૃ થઈ ગયા હતા. આ પછી તો શમીમ રહેમાનીએ તબીબ બીજા કોઈના જ નહીં માત્ર તેના જ હોવાની દાવેદારી સાથે તેમના ઉપર આધિપત્ય જમાવવાની બાજી ગોઠવવાનું શરુ કરી દીધું હતું.

આ પછી તો શમીમ રહેમાનીએ તબીબને બાહુપાશમાં જકડી લીધા હતા અને દુનિયા શું કહેશે ? તેની સહેજ સરખી ય પરવા કર્યા વિના તેમની સાથે પ્રેમલીલાની રમત શરુ કરી દીધી હતી. એક કુંવારી કોલેજીયન કન્યા તથા એક પરિણીત તથા બાળ-બચ્ચાવાળા તબીબ સાથેના સમાજની નજરે અત્યંત નિમ્ન કક્ષાએ ચાલી રહેલી પ્રેમલીલાએ ત્યારે લખનૌ નગરીના નાગરિકોમાં 'ટોક ઓફ ધ ટાઉન' બની ગઈ હતી.

કોલેજીયન યુવતી શમીમ રહેમાની એટલી હદે પાગલ બની ગઈ હતી કે તેને દુનિયાના કોઈ જ અવરોધ કબૂલ ન હતા આથી શમીમે તેની મહોબતમાં ડોક્ટરને કેદ કરી લીધા હતા. ડોક્ટર હરિ ઓમ ગૌતમની પત્ની તથા તેના ત્રણ સંતાનોની સહેજ સરખી ય પરવા કર્યા વગર શમીમે ડોક્ટર ઉપર પોતાનું આધિપત્ય જમાવી દીધું હતું.

શમીમે તેની મહોબતની રાહમાં બીજી કોઈ પણ યુવતીના પ્રવેશની દખલઅંદાજી તે ક્યારેય સહન કરી શકે નહીં તેવો મક્કમ નિર્ધાર કરીને તબીબને તેની પ્રેમલીલાની રમતમાં જ જકડી રાખવાનું નક્કી કરી લીધું હતું. જો કે ભલી ભોળી નાદાન- નાસમજ શમીમ રહેમાનીને ત્યારે ક્યાં ખબર હતી કે જેને તેનો જન્મોજન્મનો સાથી માની લીધો હતો તે તબીબ માત્ર તેની વાસનાની ભૂખ ભાંગવા તેને શિકાર બનાવી રહ્યો હતો. જ્યારે બીજી બાજુ એક અપરિણીત યુવતી અને પરિણીત તબીબ વચ્ચેનું પ્રેમ પ્રકરણ ત્યારે સ્થાનિક રહીશોમાં ટોક ઓફ ધ ટાઉન બની ગયું હતું.

કંધારીલેન વિસ્તારના રહીશો જ્યારે- જ્યારે ડોક્ટર હરિ ગૌતમ તથા શમીમ રહેમાનીને બેબાક અને બેધડક સ્કુટર ઉપર મહોલ્લામાંથી પસાર થતા ત્યારે- ત્યારે આવી નાજાયજ મહોબતનો ખુલ્લેઆમ તમાશો નિહાળીને તેના મનમાં છૂપો અણગમો તથા રોષ ફેલાઈ જતો હતો.

ડોક્ટર હરિ ગૌતમ છ ફૂટ ઉંચાઈ થતા અત્યંત આકર્ષક- મોહક વ્યક્તિત્વ અને પાશ્ચાત્ય રહેણીકરણીમાં ઓળઘોળ બની ગયા હતા. કોઈ પણ યુવતીને ઘડીભર માટે વશીભૂત કરી મૂકે તેવી માંજરી આંખો અને ચહેરા ઉપર સદાય રમતા સ્મિતના તે માલિક હતા. ડોક્ટર ગગનવિહાર કરતા પંખીની જેમ દરરોજ નવા નવા પાત્રને પોતાની મોહજાળમાં ફસાવવા પાવરધા બની ગયા હતા.

શમીમ રહેમાનીને પણ ક્યારેક ક્યારેક ડોક્ટરની લફરાબાજીની વાતો જાણવા મળતી ત્યારે તે મનોમન ઘૂંઘવાઈ ઉઠતી હતી અને હવે તો તેનો તબીબ ઉપર પોતાનો એકાધિકાર જમાવવાનો મક્કમ નિર્ધાર કરી લઈને તેમની સમક્ષ સર્વસ્વ સમર્પણ કરી દીધું હતું.

જ્યારે ડોક્ટર ફ્રી-લાન્સરની જેમ મુક્ત વિહાર કરતા પંખી બની ગયા હતા. લખનૌ નગરીના છબીઘરો તથા હોટલ રેસ્ટોરન્ટમાં તેમની નવા નવા પાત્રો સાથેની પ્રેમલીલાનો સિલસિલો ચાલુ જ રહ્યો હતો. ડોક્ટર હરિ ઓમ ગૌતમના સદ્ગૃહિણી વફાદાર પત્નીને પણ તેમના પતિની આવી પ્રેમલીલાની ભવાઈના ભવાડાની જાણ થઈ ચૂકી હોવા છતાં તે પોતાનું ઘર તથા પરિવારને બચાવવા માટે મૌન ધારણ કરીને આ તમાશો નિહાળી રહી હતી.

જો કે તબીબના પ્યારમાં પાગલ બનીને તેનું સર્વસ્વ લૂંટાવી ચૂકેલ શમીમે તો ગમે તે થાય, દુનિયા જખ મારે પણ ડોક્ટર બસ મારી એકલીનો જ છે તેવો નિર્ધાર કરીને તેની ઉપર પોતાની હકુમત જમાવવાની બાજી બિછાવી દીધી હતી.

સન ૧૯૬૮ના જાન્યુઆરી મહિનામાં એક સમી સાંજના શમીમ રહેમાની નવા ડોક્ટર હરિ ગૌતમ હઝરતગંજ વિસ્તારની ક્વોલિટી રેસ્ટોરન્ટમાં રાત્રિ ડીનર પતાવીને બહાર નીકળ્યા ત્યાં કોણ જાણે કેમ એકાએક આવેશમાં આવી ગયેલી શમીમે ડોક્ટરના ગાલ ઉપર સટાસટ તમાચા ફટકારીને ભારે હોબાળો મચાવી મૂક્યો હતો. આ ઘટના બાદ ગભરાઈ ગયેલા ઇશ્ક મિજાજી તબીબ પણ શમીમથી છૂટકારો મેળવવાનું મન મનાવી લીધું હતું. જો કે, શમીમે પણ આ પાર કે પેલે પાર ગમે તે થઈ જાય પરંતુ તબીબને પોતાની ગિરફ્તમાં જકડી રાખવાનો મક્કમ નિર્ધાર કરી લીધો હતો.

આમ બન્ને પ્રેમીયુગલ વચ્ચેના પ્રણય સંબંધોમાં પડેલી તિરાડ દિવસે ને દિવસે વધુ ને વધુ પહોળી થઈ ગઈ હતી. સાથે જ બન્ને વચ્ચેની કડવાશ પણ વધુ ને વધુ ઘેરી બનતી ગઈ હતી. શમીમથી છૂટકારો મળી જાય તેવી ડોક્ટરની આશા એકદમ પરીપૂર્ણ થઈ જાય તે આસાન- સરળ ન હતુ. પ્રારંભિક પરિચયમાં શમીમને પાગલ બનાવી દેવા માટે ડોક્ટરે લખેલા પ્રેમપત્રો તથા મુલાકાત- મિલનની ચિઠ્ઠીઓ શમીમના કબજામાં હતી. જે શમીમ તેમને પાછા સોંપી દે તે વાત હવે લગભગ અશક્ય બની ગઈ હતી. આવી તનાવભરી પરિસ્થિતિના પરિણામે ડોક્ટરે પણ હવે શમીમની હવેલીની મિલન- મુલાકાતનો સિલસિલો ઓછો કરી દીધો હતો.

શમીમ રહેમાનીના મોટા ભાઈ આમીર એહમદના ત્યાં ઘરકામ કરતા નોકર ગણેશે એક દિવસે બળતામાં ઘી હોમવા જેવી વાત શમીમને કરી ત્યારે શમીમના રૃંવાડે રૃંવાડે આગ પ્રસરી ગઈ હતી. તા. ૯મી જુલાઈ ૧૯૬૮ની એ સમી સાંજ હતી. ડોક્ટર હરિ ગૌતમને તેમના સ્કુટરની પાછળ સીટ ઉપર કોઈ અજાણી રૃપલલનાને બેસાડીને મસ્તીભરી સફર કરતા નોકરે ગણેશે જોયા હતા. આ દ્રશ્ય જોઈને ચોંકી ગયેલા ગણેશે આ ઘટનાની જાણ શમીમને કરી હતી. જેના પગલે બન્ને વચ્ચે તકરાર બોલાચાલી થઈ હતી. ૧૦મી જુલાઈ ૧૯૬૮ની સાંજના હરિ ગૌતમ શમીમને મળવા હવેલીએ દોડી આવ્યો ત્યારે બન્ને વચ્ચે ઉગ્ર તકરાર થઈ હતી.

આમ છતાં બીજા દિવસે એટલે કે તા. ૧૧મી જુલાઈના રોજ બપોરના ત્રણેક વાગ્યાના સુમારે ડોક્ટર શમીમને મળવા તથા તેની કાયાની મોજમઝા માણવા હવેલીમાં દોડી આવ્યા ત્યારે બન્ને વચ્ચે ફરી ઉગ્ર ઝગડો થયો હતો. આથી ડોક્ટર પાછા ફરવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે શમીમે તેમને ટોક્યા હતા. મેડીકલ કોલેજમાં પ્રવેશ માટે ફોર્મ ભરવામાં મદદ કરવા માટે શમીમે રાત્રે તેમને હવેલીમાં આવવા વિનંતી કરી હતી અને સાથે જ મોઘમ ઇશારો પણ કર્યો હતો કે, 'આ આપણી આખરી મુલાકાત છે... !'

તા. ૧૧મી  જુલાઈની સાંજનું આગમન થાય તે પહેલાં ડોક્ટર હરિ ઓમ ગૌતમ અને તેમના પત્નીને સાથે લઈને મેડિકલ કોલેજના પ્રિન્સીપાલના નિવાસસ્થાને યોજાયેલી નાનકડી પાર્ટીમાં હાજરી આપવા ગયા હતા.

આ વખતે લખનૌ શહેર પોલીસમાં નાયબ પોલીસ સુપ્રિન્ટેડન્ટ તરીકે નિયુક્ત થયેલા મોહંમદ શાબીરખાન પણ પાર્ટીમાં હાજર હતા. બલરામપુર હોસ્પિટલમાંથી હરિ ગૌતમની સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર થઈ ગઈ હતી. આથી પ્રિન્સીપાલના નિવાસસ્થાને યોજાયેલી પાર્ટીમાંથી વહેલા વિદાય થઈ જવા તે માટે ડોક્ટરે સિવિલ હોસ્પિટલમાં એક ઇમરજન્સી કેસનું બહાનું કાઢ્યું હતું. આ પછી તે દિવસે રાત્રિના સાડા દસેક વાગ્યે શમીમને મળવા તેની હવેલીમાં પહોંચ્યા હતા.

જ્યાં દીવાનખાનામાં બન્નેએ એકાન્તમાં મળીને ગુફતગુ કરી હતી. ગઈ ગુજરી ભૂલી જવા અને નવી દુનિયા વસાવવાની મીઠી મીઠી વાતો કરી હતી. જો કે શમીમે હૈયાની ભીતરમાં મચી રહેલા ધમાસાણનો ડોક્ટરને અણસાર સરખો ય આવવા દીધો ન હતો. મોડી રાત્રે ડોક્ટરે ઘેર પાછા ફરવા માટે પગ ઉપાડયો હતો અને દીવાનખાનાની બહાર નીકળીને પરશાળમાં પહોંચ્યા ત્યારે જ શમીમે તેમને મીઠો ટહૂકો કરીને પાછા બોલાવ્યા હતા.

આથી ડોક્ટર પાછા વળીને દીવાનખંડના પ્રવેશદ્વાર ઉપર પહોંચ્યા ત્યારે જ એકાએક શમીમે રિવોલ્વરમાંથી ઘડાધડ ફાયરીંગ કરીને તેના બેવફા પ્રેમી તબીબની હસ્તી ત્યાં જ મિટાવી દીધી હતી. આ બનાવની મોડી રાત્રિના દોઢેક વાગે કૈશરબાગ પોલીસ મથકને જાણ કરવામાં આવી ત્યારે લખનૌ પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. બીજા દિવસની સવારના આગમન સાથે જ ડોક્ટરને ઠાર માર્યાના સમાચાર આંધીની જેમ લખનૌ શહેરમાં ફરી વળ્યા ત્યારે નગરજનોમાં જબરજસ્ત સનસનાટી મચી ગઈ હતી.

બનાવની મોડી રાત્રે સહુપ્રથમ કેશરગંજ પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર દિલદાર તેમના રાઇટર સાથે હવેલીમાં દોડી આવ્યા હતા. આ વખતે હાજર પાડોશી પરિવારના સભ્યો ઉપરાંત શમીમના પરિવારની પ્રાથમિક પૂછપરછ શરુ કરી હતી. સાથોસાથ ડૉક્ટરની હત્યા કરવાના ગુનામાં ઉપયોગમાં લેવાયેલ રિવોલ્વર તથા કેટલાક જીવતા કારતૂસ પણ પોલીસે કબજે કર્યા હતા. આ રિવોલ્વરનું લાયસન્સ શમીમની માતા સિકંદર જહાનના નામથી હોવાની વાત જાણ્યા પછી તપાસ અધિકારીને પણ હત્યાની આ ઘટના પાછળ પ્રેમપ્રકરણ હોવાનો આછો પાતળો અણસાર આવી ગયો હતો.

ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ, બેલાસ્ટિક એક્સપર્ટ, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાતની સાથે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તેમની ટીમના કાફલા સાથે દોડી આવ્યા ત્યારે શમીમની હવેલીની બહારના વિસ્તારમાં ઉત્તેજનાવશ માનવ મહેરામણ ઉમટી પડયો હતો. પોલીસે સિકંદર જહાનના લાયસન્સવાળી રિવોલ્વર, જીવતા કારતૂસ તથા ત્રણ ફૂટેલા કારતુસના ખોખા ઉપરાંત હરિ ગૌતમે શમીમને લખેલા પ્રેમપત્રો વગેરે પુરાવા તરીકે કબજે કર્યા હતા.

આખરે પોલીસે શમીમ રહેમાનીની તબીબને પોઇન્ટ બ્લેન્ક ઠાર મારવાના ખૂનના ગુનામાં તથા તેના મોટાભાઈ આમીર અહેમદની પુરાવાનો નાશ કરવા માટે પોલીસ સમક્ષ સાચી વાત છૂપાવવાના ગુનામાં ધરપકડ કરી હતી. લખનૌની ટ્રાયલ કોર્ટે સમક્ષ આ ચકચારભર્યા કેસની સુનાવણી શરુ થઈ ત્યારે દરરોજ લોકોની ભીડ જોવા મળતી હતી.

ફરિયાદ પક્ષ- પોલીસે રજૂ કરેલા સાક્ષીઓ તથા પુરાવાની અદાલતે ઝીણવટપૂર્વક સમીક્ષા કર્યા બાદ ચુકાદો આપ્યો હતો જેમાં શમીમને ઇ.પી.કો. કલમ ૩૦૨ હેઠળ ખુનના ગુનામાં ગુનેગાર ઠરાવીને આજીવન કારાવાસની કેદ ફરમાવી હતી. જેના ભાઈ આમીર એહમદને પુરાવાનો નાશ કરવા બદલ ઇ.પી.કો. કલમ ૨૦૧ હેઠળ ત્રણ વર્ષની સખત કેદ ફરમાવી હતી.

ટ્રાયલ કોર્ટના આ ચુકાદા વિરુદ્ધ શમીમ તથા તેના ભાઈ આમીર એહમદે અલ્લાહબાદ હાઇકોર્ટમાં અપીલ કરી હતી. જો કે, હાઇકોર્ટે શમીમની અપીલ ગેરકાયદેસર અને રદબાતલ ઠરાવીને જન્મટીપની સજાનો હુકમ કાયમ રાખ્યો હતો. જ્યારે આમીર અહેદમની ત્રણ વર્ષની સખ્ત કેદની સજામાં ઘટાડો કરીને એક વર્ષની સખ્ત કેદ ફરમાવી હતી.

અલ્લાહબાદ હાઇકોર્ટના આ ચુકાદા વિરુદ્ધ બન્ને ભાઈ-બહેને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી જેની આખરી સુનાવણી ન્યાયમૂર્તિ એન. એલ. ઉંટવાલીયા, ન્યાયમૂર્તિ ફઝલઅલી અને ન્યાયમૂર્તિ સૈયદ મુર્તુઝાની ખંડપીઠ સમક્ષ ચાલી ગઈ હતી જેમાં શમીમ રહેમાનીનો પરાજય થયો હતો.

સુપ્રીમ કોર્ટે શમીમની આજીવન કારાવાસની સજા કાયમ રાખતો ચુકાદો જાહેર કર્યો ત્યારે એક સુખી- સંપન્ન નવાબી પરિવારની હોનહાર તેજસ્વી યુવતીના જીવનનો પ્રકાશ બુઝાઈ ગયો હતો અને તેની ચોમેર ઘનઘોર અંધારા ઉતરી આવ્યા હતા. જ્યારે શમીમના ભાઈ આમીર અહેમદને સુપ્રીમ કોર્ટે શકનો લાભ આપીને તેને છોડી મૂકતો ચુકાદો આપ્યો હતો.

ઉત્તર પ્રેદશમાં એક જમાનામાં જબરદસ્ત ચકચાર મચાવનાર આ ઘટનાને આજે તો પચાસ વર્ષો વીતી ચૂક્યા છે. એક પરિણીત પુરુષના પ્યારમાં પાગલ બનીને તેના હવાલે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેનાર એક કોલેજીયન યુવતી શમીમની કમનસીબીની કહાણી ધુંધળી યાદ જ આજે બાકી રહી ગઈ છે.
 

Post Comments