Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ક્રાઈમવૉચ - જયદેવ પટેલ

શાળાકીય અભ્યાસ દરમ્યાન નાદાન પરિચયને પ્રેમ સમજીને નાસી છૂટેલા પ્રેમી પંખીડાને રહેંસી નાંખ્યા

સૂનાયેગી યે દાસ્તાન શમા મેરે મજાર કી...!!!

નિરવ તથા નૂરજહાનને મોતની ગોદમાં સૂવાડી દેવાના ગુનામાં નૂરજહાનના ભાઇ તથા બે કાકાની ધરપકડ નવી દુનિયા વસાવવાના શમણાંમાં કુરબાન થઇ ગયેલા બન્ને પાત્રને મોહસીન - મયૂરી યાદ કરે છે

જેની ચારેબાજુ તથા ચારેય ખૂણા એક સમાન હોય તેવા સમચોરસના ચાર ખૂણા ઉપર ઊભા રહેલા ચાર પાત્રોની 'કહીં ખુશી... કહીં ગમ !'ની કથા અત્રે પ્રસ્તુત કરી છે. ચોરસના એક ખૂણા ઉપર નિરવ અને સામા ખૂણે નાઝનીન ઊભા હતા. જ્યારે ચોરસના બીજા એક ખૂણા ઉપર મોહસીન તથા સામા ખૂણે મયૂરી ઊભા હતા.

આ ચારેય વિધર્મી પાત્રો દેશભરમાં 'હોનર કીલીંગ'ની ઘટનાઓમાં ખૂબ જ વગોવાઇ ગયેલા રાજ્યો પૈકીના વધુ કુખ્યાત એવા હરિયાણા રાજ્યના વતની હતા. હરિયાણાના ગ્રામીણ વિસ્તારની શાળામાં નવમા ધોરણમાં ચારેય સાથે અભ્યાસ કરતા હતા. અભ્યાસ દરમ્યાન તેમની વચ્ચેની સાહજીક ઓળખ આગળ વધીને જીગરજાન દોસ્તી સમાન બની ગઇ હતી.

શાળામાં રીશેષ દરમ્યાન ચારેય દૂર નીકળીને એકાન્તમાં આવેલા ઘટાદાર વૃક્ષની શીતળ છાયા હેઠળ પહોંચી જતા હતા. જ્યાં નિર્દોષ ભાવે હસીમજાક તથા ખાટીમીઠી ગપસપમાં ખોવાઇ જતા હતા. રીશેષ પૂરી થવાની ચંદ ઘડીઓ બાકી રહી હોય ત્યારે ચારેય શાળામાં પાછા ફરતા ત્યારે તેમને જોઇને અન્ય વિદ્યાર્થી તથા વિદ્યાર્થિનીઓ એકબીજા સામે આંખો મિચકારીને ''લો, ભાઇ ! લયલા - મજનુની જોડી પાછી આવી ગઇ..!!''નો સંકેત કરીને મોં મચકોડી લેતા હતા.

નિરવ તથા નાઝનીન અને મોહસીન તથા મયૂરી હજુ કિશોરાવસ્થામાં હોવા છતાં તેઓ વચ્ચે પ્રણય પુષ્પોની કળીઓ હળવે - હળવે ખીલી રહ્યાનો એહસાસ અનુભવતા હતા. ચારેય પાત્રો વિધર્મી તથા નાદાન અને નાસમજ હતા.

જાત-પાત, ઊંચ-નીચ તથા ધર્મ-વિધર્મના ભેદભાવના જરીપૂરાણા ખ્યાલોમાં જકડાયેલો તેમનો સમાજ આગળ વધીને ક્યારેય લગ્ન કે નિકાહને કબૂલ કરવા તૈયાર નહીં થાય તેની સમજથી ચારેય હજુ દૂર હતા. શાળાકીય અભ્યાસ કરીને યૌવનના ઊંબરે પગ મૂક્યા પછી શું કરીશું ? તે પ્રશ્નનો તેમને કોઇ જવાબ જડતો ન હતો. બસ ના સમજી શકાય કે ના કળી શકાય તેવી મુંઝવણ અનુભવતા હતા.

આખરે એક દિવસે નિરવ અને નૂરજહાને એકાન્તના મિલનમાં નાસી છૂટીને લગ્ન કરી લેવાનું નક્કી કરી લીધું હતું. હજુ તો બન્ને સગીર હતા. દેશના કાયદા-કાનૂનથી માહિતગાર ન હતા. જો કે બન્નેએ નાસી છૂટીને ઝટપટ લગ્ન કરી લેવાનું નક્કી કરવા પાછળનું એક કારણ એ હતું કે - નૂરજહાનના જુનવાણી વિચાર ધરાવતા મા-બાપે દિકરીના હાથ વહેલી તકે પીળા કરીને તેને સાસરે વિદાય કરવાનું વિચારીને દામાદ-જમાઇની શોધખોળ શરૃ કરી હતી. ઘરમાં મા-બાપ તથા અન્ય સ્વજનો વચ્ચે ચાલી રહેલી ગૂસપુસનો અણસાર આવી જતાં નૂરજહાન ભડકી ગઇ હતી. જેના પગલે બન્ને પરિવારને અલવિદા કરીને નાસી છૂટીને પ્રેમલગ્ન કરી લેવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો.

એક દિવસે નિરવ તથા નૂરજહાનના પરિવારના સભ્યો પાછલી રાતની મીઠી નિંદરમાં ખોવાઇ ગયા હતા ત્યારે બન્ને ઘરમાંથી બીલ્લીપગે બહાર નીકળ્યા હતા અને નિર્ધારીત સ્થાન ઉપર મળ્યા હતા. આ પછી બન્ને એકબીજાના હાથમાં હાથ પરોવીને નવી દુનિયા વસાવવાના શમણાં આંખોમાં ભરીને નીકળી પડયા હતા.

સવારના આગમન સાથે નિરવ તથા નૂરજહાન નાસી છૂટયાની જાણ થઇ ત્યારે તેમના પરિવારમાં હડકંપ મચી ગયો હતો. જ્યારે ગામલોકોમાં સનસનાટી મચી ગઇ હતી. ગામના સ્ત્રી-પુરૃષો તથા યુવક-યુવતીઓના ટોળા બન્નેના ઘર નજીક દોડી આવ્યા હતા અને નિરવ તથા નૂરજહાન નાસી - નાસીને ક્યાં હશે ? તે પ્રશ્ને અંદરોઅંદર તરેહ-તરેહની ચર્ચાનો દોર શરૃ થઇ ગયો હતો.

દરમ્યાન નૂરજહાનના અબ્બાજાને તેમની નાદાન દીકરીને લગ્ન કરવાની લાલચમાં ફસાવીને નિરવે અપહરણ કર્યાનો આક્ષેપ કરતી ફરિયાદ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાવી હતી. આથી પોલીસે ઈ.પી.કો. કલમ ૩૬૩ તથા ૩૬૬ હેઠળ સગીરાના અપહરણ બદલ નિરવ વિરૃધ્ધ ગુનો દાખલ કરીને ઠંડા કલેજે આદત મુજબ તપાસ કરવાનો તાયફો રચ્યો હતો.

જો કે નૂરજહાનના અબ્બાજાન તથા ભાઇ અને સ્વજનોને પોલીસની ખોરી દાનતનો ખ્યાલ આવી ગયો હતો. આથી જાતે જ શોધખોળ ચલાવવાનું નક્કી કર્યું હતું. આ સાથે જ એક ચોંકાવનારી ઘટના બની ગયાની જાણ થઇ ત્યારે સ્થાનિક પોલીસમાં ખળભળાટ મચી ગયો હતો.

નિરવના પરિવાર તથા સ્વજનો તેમના નાદાન દીકરાની શોધખોળ ચલાવી રહ્યા હતા ત્યારે જ તેમને આઘાતજનક સમાચાર મળ્યા હતા. ગામની એક વ્યક્તિએ નિરવની લાશ વગડામાં રઝળતી પડી હોવાની જાણ કરી ત્યારે સહુ વગડામાં દોડી ગયા હતા. પરંતુ ત્યાં પહોંચીને જોયું તો લાશ ગાયબ હતી. કદાચ નિરવને મોતને ઘાટ ઉતારી નાંખનાર હત્યારા લાશનો નિકાલ કરવા તેને કોઇ અજાણ્યા સ્થળે લઇ  ગયા હશે તેવો તેમને ખ્યાલ આવી ગયો હતો.

હવે નિરવ પછી નૂરજહાનની પણ શું હત્યા કરી નાંખવામાં આવી હશે તેવા વિચારથી સ્વજનો કાંપી ઊઠયા હતા અને સ્થાનિક પોલીસ મથકમાં દોડી ગયા હતા અને હાથ જોડીને ઝડપી તપાસ કરવા વિનંતી કરી હતી.

આથી પોલીસે સહુપ્રથમ નૂરજહાનના પરિવારને શંકાના ઘેરાવામાં લઇને સખ્તાઇપૂર્વક પૂછપરછ કરી ત્યારે બદનસીબ પ્રેમી પંખીડાની હત્યાના ગૂનાનો પર્દાફાશ થયો હતો.

પોલીસે નૂરજહાનના ભાઇ તથા બે સગાં કાકાની ઈ.પી. કોલમ ૩૦૨ તથા ૨૦૧ હેઠળ ધરપકડ કરી હતી. ત્રણેય આરોપીએ પોલીસ સમક્ષ ગૂનાની કબૂલાત કરી લેતાં જણાવ્યું કે - ગામના વગડામાં નિરવ તથા નૂરજહાનને ઝડપી લીધા હતા. ત્યારબાદ બન્નેને ગળે ટૂંપો દઇને મોતની ગોદમાં સૂવાડી દીધા હતા. નૂરજહાનની લાશને ઊઠાવીને નદીના કિનારે લઇ આવ્યા હતા. જ્યાં ખાડો ખોદીને લાશ દાટી દીધી હતી. આ પછી તેના ઉપર કાદવ-કીચડનો ઢગલો ખડકી દીધો હતો.

જ્યારે નિરવની લાશને ઊચકીને નજીકના બીજા ગામની સીમમાં લઇ આવ્યા હતા. જ્યાં લાશને કાગડા-કૂતરા ચૂંથી ખાશે તેમ વિચારીને રઝળતી હાલતમાં ફેંકી દઇને ઘરે પાછા ફર્યા હતા.

આ માહિતીના આધારે પોલીસે નિરવ તથા નૂરજહાનની લાશ કબ્જે કરીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી. સાથે જ ત્રણેય હત્યારાને લોકઅપમાં ધકેલી દીધા હતા.

જ્યારે બીજી બાજુ મોહસીન તથા મયૂરી તેમના દિલ-ઓ-જાન દોસ્તની કમકમાટીભરી હત્યાની ઘટનાથી કાંપી ઊઠયા હતા. સાથે જ બન્નેએ જ્યાં સુધી પુખ્તવયના ના થાય ત્યાં સુધી ઉતાવળે લગ્ન કે નિકાહ કરી લેવાનો વિચાર મૂલતવી રાખ્યો હતો.

શાળાકીય અભ્યાસ પૂરો કરીને બન્ને એન્જીનીયરીંગ કોલેજમાં જોડાયા હતા. જ્યાં બન્નેએ કોમ્પ્યુટર એન્જીનીયરની ડીગ્રી મેળવી હતી. લગ્ન-નિકાહની મંઝિલ ઉપર કદમ મૂકવા માટે બન્ને લાયક તથા સક્ષમ બની ગયા હતા. એક દિવસે માદરે વતન હરિયાણાને અલવિદા કરીને બન્ને દેશની રાજધાની નવી દિલ્હી નજીકના નોઇડા ખાતે આવી પહોંચ્યા હતા.

જ્યાં એક આંતરરાષ્ટ્રિય કંપનીમાં બન્ને સોફટવેર એન્જીનીયર તરીકે જોડાઇ ગયા હતા. આ પછી લગ્ન રજીસ્ટ્રાર કચેરીમાં એક દિવસે બન્ને પહોંચી ગયા હતા. જ્યાં સ્પેશીયલ મેરેજ એક્ટ હેઠળ લગ્નની નોંધણી કરાવ્યા બાદ કાનૂની પ્રક્રીયા પૂરી કરીને લગ્નના બંધનમાં બંધાઇ ગયા ત્યારે તેમના જીવનમાં ખુશહાલીની લહેર ફરી વળી હતી.

ઓફિસમાંથી ચારેક દિવસની રજા મેળવીને મોહસીન અને મયૂરી પ્રેમના પ્રતિક સમાન 'તાજમહાલ'ની ઝલક નિહાળવા આગ્રા શહેરમાં આવ્યા હતા. જ્યાં યમુના નદીના કિનારે આથમતી સંધ્યાએ બન્ને મીઠીમીઠી વાતોમાં ખોવાઇ ગયા હતા ત્યારે જ તેમના દિલોજાન દોસ્ત નિરવ અને નૂરજહાનની દર્દભરી દાસ્તાન યાદ આવી ગઇ ત્યારે બન્નેના ચહેરા ઉપર ગમગીની તથા ઉદાસીના વાદળ છવાઇ ગયા હતા.

આથમણી દિશામાં અસ્તાચળ ભણી ઝૂકી રહેલા સૂરજના કિરણોથી યમુનાના જળ ઝગમગી રહ્યા હતા. સરસર વહી જતાં જળની સપાટી ઉપર નિરવ અને નૂરજહાનના ચહેરા ઉભરી રહ્યાનો બન્નેને એહસાસ થયો હતો. બન્ને તેમના હાથ ફેલાવીને મોહસીન તથા મયૂરીના જીવનમાં અવિરત પ્રેમનો સાગર છલકતો રહે તેવી દુઆ-ગૂજારીશ કરી રહ્યા હતા. આવા ગમમીન-ભારેખમ માહૌલ વચ્ચે દૂર-દૂરથી 'અનારકલી' ફિલમના દર્દનાક ગીતના રેલાઇ રહેલા સૂર વાતાવરણને ઔર બોઝિલ બનાવી રહ્યા હતા.

સૂનાયેગી યે દાસ્તાન શમા મેરે મજાર કી
જહાં મેં અબ ખીલી રહે યે કલી અનાર કી...!!

 

Post Comments