Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ક્રાઈમવૉચ - જયદેવ પટેલ

અધિકારીની વફાદાર પત્ની તથા વહાલસોઇ પુત્રીએ પરિવારને કલંકના આઘાતથી ગળાફાંસો ખાધો

રૃપિયા પચાસ લાખની લાંચના કૌભાંડમાં ઝડપાયેલા

ક્રેન્દ્ર સરકારના કોર્પોરેટ અફેર્સ વિભાગના વરિષ્ઠ અધિકારી બી.કે.બંસલની રુ.૫૦ લાખની લાંચના પ્રકરણમાં સી.બી.આઈએ ધરપકડ કરી હતી. જેના પગલે પરિવારના ચાર સભ્યોએ ગળાફાંસો ખાઈને જીવતર ટૂંકાવી લીધા હતાં. (૧)બી.કે.બંસલ, (ર) યુવાના પુત્ર યોગેશ બંસલ (૩) ત્ની સત્યબાલા અને (૪) યુવાન પુત્રી નેહા બંસલની ફાઈલ તસવીર.

જામીન ઉપર મુક્ત થયા બાદ પોતાના કાળા કરતૂતોના અંજામથી વ્યથિત અધિકારીએ પણ પુત્ર સાથે આત્મહત્યા કરી

લાંચ-રૃશ્વત તથા ભ્રષ્ટાચારથી ખદબદતા સરકારી તંત્રને હચમચાવી મૂકતી ઘટના

''હરામના પૈસા ક્યારેય હજમ થતા નથી ! હરામના પૈસાથી ક્યારેય સાચુ સુખ મળતું નથી !! હરામના પૈસા સર્વનાશ નોંતરે છે...!!!'' આજે જ્યારે જ્યારે દેશભરમાં સર્વ સામાન્ય બની ગયેલ લાંચ-રૃશ્વત તથા ભ્રષ્ટાચાર અંગે જન સમાજમાં ચર્ચા શરૃ થાય છે ત્યારે ક્વચિત હરામના પૈસા ક્યારેક કેવા હાલ-હવાલ કરે છે તેની વિવિધ વાતો પણ રજુ થયા કરે છે.

હરામના પૈસા ખૂલ્લેઆમ ઓહીયા કરી જવામાં બેફામ બનેલા કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ અધિકારીના સારાયે પરિવારનો સર્વનાશ થયો હતો. જેની દુઃખદ કથા અત્રે પ્રસ્તુત કરી છે. આ કરૃણ ઘટનામાં સહુપ્રથમ માતા તથા જુવાન પુત્રીએ ગળાફાંસો ખાઇને જીવતર ટૂંકાવી લીધા હતા. ત્યારબાદ પત્ની તથા પુત્રીના અકલ્પનીય કરૃણાંતના આઘાતથી વિમુઢ બની ગયેલા પિતાએ પણ જુવાન પુત્રની સાથે ગળાફાંસો ખાઇને દૂરની વાટ પકડી લીધી હતી.

કેન્દ્ર સરકરના કોર્પોરેટ અફેર્સ વિભાગમાં બાલ કિસન બંસલ ડાયરેકટર જનરલના ઉચ્ચ હોદ્દા ઉપર ફરજ બજાવતા હતા. તેમના પરિવારમાં પત્ની સત્યબાલા (ઉ.વ. ૫૮) તથા પુત્રી નેહા (ઉ.વ. ૨૮) અને પુત્ર યોગેશનો સમાવેશ થતો હતો. પુત્ર યોગેશ બિલ્ડીંગ વ્યવસાયના ક્ષેત્રમાં કાર્યરત હતો. જ્યારે જુવાન પુત્રી નેહાના ટૂંક સમયમાં જ લગ્ન નિર્ધારીત કરવામાં આવનાર હતા.

સન ૨૦૧૩ના વર્ષમાં મહાનગર મુંબઇ સ્થિત દવાઓનું ઉત્પાદન કરતી એક કંપનીએ તેના રોકાણકારો સાથે વિશ્વાસઘાત કરીને રૃા. ૧૭૫ કરોડથી વધુ રકમનું કૌભાંડ આચર્યાના પ્રકરણનો પર્દાફાશ થયો ત્યારે ચકચાર મચી ગઇ હતી. આ ફાર્માસ્યુટીકલ કંપનીએ ચોવીસ હજારથી વધુ રોકાણકારો સાથે વિશ્વાસઘાત કરીને ઠગાઇ કર્યા બાદ રૃા. ૧૭૫ કરોડની માતબર રકમ વિદેશમાં ટ્રાન્સફર કરી નાંખી હોવાની બુમરાણ મચી ગઇ હતી.

રાજધાની નવી દિલ્હીના પૂર્વ વિભાગમાં પોશ એરીયા તરીકે ઓળખાતા વિસ્તારના 'નીલકંઠ એપાર્ટમેન્ટ' નામના બિલ્ડીંગના આલીશાન ફ્લેટમાં ત્યારે બી.કે. બંસલ તેમના પરિવાર સાથે રહેતા હતા. તેમનો યુવાન પુત્ર યોગેશ બિલ્ડીંગ વ્યવસાય ઉપરાંત પ્રોપર્ટી બીઝનેસ સાથે પણ સંલગ્ન હતો. કેન્દ્ર સરકારના કોર્પોરેટ અફેર્સ વિભાગમાં ડાયરેકટર જનરલના હોદ્દા ઉપર બિરાજમાન બી.કે. બંસલ કેટલીક ગોપનીય ઉપરાંત ટેકનીકલ બાબતોની આ વિભાગના સેક્રેટરીને સીધી માહિતી પૂરી પાડતા હોવાથી બન્ને વચ્ચે ઘનિષ્ટ સંબંધો હતા.

મુંબઇની ફાર્માસ્યુટીકલ કંપનીના કરોડો રૃપિયાના કૌભાંડના કેસની પતાવટ કરવામાં બી.કે. બંસલે અંગત રસ લઇને પોતાના વિભાગના સંપર્કો દ્વારા આખાયે પ્રકરણ ઉપર પડદો પાડી દેવા કંપની સાથે વાર્તાલાપ શરૃ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ કામની પતાવટ કરવા માટે કંપનીએ બી.કે. બંસલ સાથે રૃા. ૫૦ લાખમાં સોદો નક્કી કર્યો હતો.

રૃા. ૫૦ લાખની માતબર રકમની લાંચના પ્રથમ હપ્તા તરીકે કંપનીએ રૃા. ૧૧ લાખની રકમમની ચૂકવણી કરી દીધી હતી. દરમ્યાન રૃા. ૫૦ લાખની લાંચનું કાવતરું ઘડાયું હોવાની ફરિયાદ થતાં કેન્દ્રીય તપાસ સંસ્થા (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન)ના વરિષ્ઠ અધિકારીઓએ બી.કે. બંસલની સઘળી હિલચાલ ઉપર વૉચ ગોઠવીને તેમની જાસૂસી શરૃ કરી હતી.

સી.બી.આઇ.ના અધિકારીઓને મળેલી બાતમીના આધારે ગત વર્ષના જુલાઇ મહિનામાં છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં રૃા. ૫૦ લાખની લાંચના સોદાના બીજા હપ્તા તરીકે રૃા. ૯ લાખની લાંચ લેતા બી.કે. બંસલને આબાદ ઝડપી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ સી.બી.આઇ.ની ટીમે બી.કે. બંસલના નીલકંઠ એપાર્ટમેન્ટ ખાતેના શાનદાર ફ્લેટમાં સઘન તપાસ શરૃ કરી હતી. બપોરના સાડા ત્રણ વાગ્યાથી સી.બી.આઇ. દ્વારા શરૃ કરાયેલી આ તપાસ બીજા દિવસની વહેલી પરોઢના સાડા પાંચેક વાગ્યે પૂરી થઇ હતી.

આ તપાસ દરમ્યાન સી.બી.આઇ.ના અધિકારીઓએ રૃા. ૫૬ લાખની રોકડ તથા પાંચેક કીલો સોનાનો જથ્થો કબ્જે કર્યો હતો. ત્યારબાદ સી.બી.આઇ.એ ધરપકડ કરાયેલ બી.કે. બંસલને સી.બી.આઇ.ની વિશેષ અદાલતના ન્યાયાધીશ ગુરદીપ સિંઘ સમક્ષ રજુ કરીને આ પ્રકરણની વધુ તપાસ માટે રીમાન્ડની માંગણી કરી હતી. આથી અદાલતે  ત્રણ દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા.

સી.બી.આઇ.ની ટીમે પાડેલા આ દરોડાના પગલે ત્યાંના રહીશોમાં જબરદસ્ત ચકચાર મચી ગઇ હતી. જ્યારે બીજી બાજુ બી.કે. બંસલના પત્ની સત્યબાલા તથા જુવાન પુત્રી નેહા અંદરને અંદર જ ખળભળી ઊઠયા હતા. હવે સ્થાનિક રહીશો તથા સગાં-સંબંધીને શું મોં બતાવીશું ? તે વિચારથી બન્નેના હૈયામાં વલોપાત મચી ગયો હતો. આખરે માતા તથા પુત્રીએ જીવતર ટૂંકાવી લેવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો.

નીલકંઠ એપાર્ટમેન્ટના સીક્યોરીટી ગાર્ડે સૌપ્રથમ પોલીસને આ દુઃખદ ઘટનાની જાણ કરતાં કહ્યું હતું કે- બંસલ સાહેબના ફ્લેટમાં કામ કરતી રચના તથા અનિતા નામની કામવાળી બે સ્ત્રીઓએ નીચે આવીને બૂમરાણ મચાવી મૂકી હતી. આથી એપાર્ટમેન્ટના સ્ત્રી-પુરૃષો શું થયું તે જાણવા દોડી આવ્યા હતા.

આ પછી રહીશો ઉપરના માળે આવેલા બંસલના ફ્લેટ ઉપર પહોંચ્યા હતા. મુખ્ય બેઠક રૃમના સિલીંગ ફેન સાથે દુપટ્ટો બાંધીને સત્યબાલાનો મૃતદેહ લટકી રહેલો જોઇને સહુના મુખમાંથી 'હે ભગવાન !' શબ્દના ઉચ્ચાર સાથે ચીસ નીકળી ગઇ હતી.

  હજુ તો સહુની આઘાતની કળ વળી ન હતી ત્યાં જ વધુ એક જોરદાર આઘાતનો ઝટકો સહુએ અનુભવ્યો હતો. શયનખંડમાં સીલીંગ ફેન સાથે દુપટ્ટો બાંધીને પુત્રી નેહાની લાશ પણ ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકી રહી હતી. આમ માતા-પુત્રીના આત્મહત્યાની આ કરૃણ ઘટનાએ સહુને હલબલાવી મૂક્યા હતા.

આ ઘટનાની જાણ કરવામાં આવતાં સ્થાનિક પોલીસ મથકના અધિકારી તેમના સ્ટાફ સાથે નીલકંઠ એપાર્ટમેન્ટ ખાતે દોડી આવ્યા હતા. માતા-પુત્રીની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપવાની તજવીજ પૂરી કર્યા પછી પોલીસે એપાર્ટમેન્ટની તપાસ શરૃ કરી હતી.

જેમાં સત્યબાલા તથા તેની પુત્રી નેહાના સ્વહસ્તે હિન્દીમાં લખાયેલી જુદી જુદી બે 'સુસાઇડ નોટ' મળી આવી હતી. આ ચીઠ્ઠીમાં બન્નેએ સંક્ષિપ્તમાં લખ્યું હતું કે - ''લાંચ રૃશ્વતના કાળા કલંકથી બચવા અમે આપઘાતનો નિર્ધાર કર્યો છે. હવે અમને વધુ જીવવામાં કોઇ જ રસ રહ્યો નથી. અમારા આપઘાતના આ કૃત્ય પાછળ કોઇ જ જવાબદાર કે દોષિત નથી...!!''

બી.કે. બંસલ સી.બી.આઇ.ની કસ્ટડીમાં હતા. જ્યારે તેમની પત્ની સત્યબાલા તથા પુત્રી નેહાએ આપઘાત કરી લીધાના સમાચાર અધિકારીઓને જાણવા મળ્યા ત્યારે તેમણે પણ આઘાત અનુભવ્યો હતો અને અફસોસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે - રૃા. ૫૦ લાખની કહેવાતી લાંચના આ પ્રકરણની તપાસમાં પત્ની સત્યબાલા કે પુત્રી નેહાનો ક્યાંય કોઇ જ હાથ નહીં હોવાની માહિતી અમને પ્રાથમિક તપાસમાં જ જાણવા મળી હતી. આથી અમે આ પ્રકરણમાં માતા અને પુત્રીની  પૂછપરછ નહીં કરવાનું મુનાસિબ માન્યું હતું.

બી.કે. બંસલના રીમાન્ડ પૂરા થતાં તેમને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા. દરમ્યાન પત્ની તથા પુત્રીના આપઘાતની આ ઘટનાથી તે શરીર અને મનથી સાવ ભાંગી પડયા હતા. આવી મનોદશા વચ્ચે તેમણે જામીન અરજી કરી હતી. જેની સુનાવણી સી.બી.આઇ.ની વિશેષ અદાલત સમક્ષ નીકળી હતી.

જામીન અરજીની સુનાવણી દરમ્યાન બી.કે. બંસલે કરૃણ કલ્પાંત કરતાં કહ્યું હતું કે - ''સાહેબ, મારો જુવાન દીકરો યોગેશ પથ્થરની મૂર્તિ જેવો બની ગયો છે - બસ સૂનમૂન હાલતમાં ખૂણામાં બેસી રહે છે. મને હવે એવો ભય સતાવી રહ્યો છે કે કોઇક દિવસે તે પણ તેની માતા તથા બહેનની જેમ જ લાગણીવશ બનીને જીવન ટૂંકાવી લેશે..!!''

ન્યાયાધીશ ગુરદીપ સિંઘે બી.કે. બંસલને જામીન ઉપર છોડવાનો આદેશ કરતાં નોંધ્યું હતું કે ''એક તરફ પ્રાણપ્યારી પત્ની સત્યબાલા અને લગ્ન લાયક વહાલસોઇ પુત્રીના આપઘાતની કરૃણ અને કમનસીબ ઘટનાએ પરિવારનો માળો વીખેરી નાંખ્યો છે.

  બી.કે. બંસલે જીવનમાં ક્યારેય ના જીરવી શકાય તેવો પ્રચંડ આઘાત અનુભવ્યો છે. તેમની માનસિક હાલત પણ હવે કથળી ગઇ છે. વળી તેમનો એકનો એક જુવાન પુત્ર યોગેશ પણ વિક્ષિત જેવો બની ગયો છે. આ બધાં સંજોગોને નજર સમક્ષ રાખીને બંસલને જામીન ઉપર છોડવાથી ન્યાયતંત્રે પણ સંવેદના તથા સહાનુભૂતિ વ્યક્ત કર્યાનું યોગ્ય લેખાશે..!!''

આમ જામીન ઉપર છૂટયા પછી બી.કે. બંસલ નીલકંઠ એપાર્ટમેન્ટ ખાતેના તેમના ફ્લેટમાં પાછા ફર્યા હતા. જ્યાં તે દિવસની કાળ રાત્રીએ તેમણે તથા તેમના જુવાન દીકરા યોગેશે પણ ગળાફાંસો ખાઇને જીવન લીલા સંકેલી લીધી હતી.

પતિ-પત્ની તથા જુવાન પુત્ર-પુત્રીની આવી અણધારી કારમી વિદાયની કરૃણ ઘટનાથી ફ્લેટની કાળમીંઢ દિવાલો પણ ધરતીકંપના આંચકાની જેમ થરથર ધુ્રજી ઊઠી હતી.

લાંચ-રૃશ્વત તથા ભ્રષ્ટાચારના ભોરીંગમાં જકડાઇને ખૂલ્લે આમ ખાયકીના ખતરનાક ખેલમાં મુસ્તાક બની ગયેલા એક વરિષ્ઠ અધિકારીનો આખોય પરિવાર નેસ્તનાબૂદ થઇ ગયો. બસ આજે તો આ પરિવારની દર્દનાક દાસ્તાન વાતાવરણમાં ઘુમરાતી રહી ગઇ છે....!!!
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments