Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સેલિબ્રેશન - ચિંતન બુચ

આત્મકથા બે પૂંઠા વચ્ચેની જીવનગાથા

૧૬ મે : બાયોગ્રાફર્સ ડે

જન્મ, ગોત્રાદિક, નાગર જ્ઞાતિ સુરત શહેરના આમલીરાન નામના મહોલ્લામાં બાપદાદાના ઘરમાં હું મારી માને પેટ ગર્ભરુપ થઇ રહી, કોટવાલી શેહેરી નામના મોહોલ્લામાં મારી માને મોસાળ સંવત ૧૮૮૯ના પહેલા ભાદરવા સુદ દસેમના શનીવારે અથવા સને ૧૮૩૩ના આગસ્ટ મહિનાની ૨૪મી તારીખે વાહાણાંના પ્હોરમાં સુરજ ઉગતે જન્મ્યો હતો. મારા જન્માક્ષર ખોવાઇ ગયા છે, જનમ વેળા મારા બાપ સુરતમાં નોહોતા.

મારો જનમ જ્યેા નક્ષત્રમાં થયો હતો અને જયેષ્ઠાશાંતિ કરવી પડી હતી. એ શાંતિ જારે મારા બાપે સંવંત ૧૮૯૦માં મુંબઈથી આવી ૧૦૦ રૃપીયા ખરચી કરી તારે તેનાથી મારું મ્હોં જોવાયું....હમે ઔક્ષ્ણસ ગોત્રના કહેવાઇએ છૈયે. સેંકડો વરસ પછી હમારા પૂર્વજો અને બીજા ઘણાએક ગુજરાતમાં આનંદપુર અથવા વડનગરમાં આવી રહેલા તાંહાં તેઓ નાગાર બ્રાહ્મણ કહેવાવા લાગ્યા. નાગરોના 'પ્રવરાધ્યાય' ઉપરથી  જણાય છે કે આનંદપુરમાં બ્રાહ્મણોના પંદરસે ગોત્રો હતા, તેમાંથી સંવત ૨૮૩ પેહેલાં જે ગોત્રો રહેલાં તેઓ નાગર કહેવાવા લાગ્યા. ...

અત્યારના સમય કરતાં તદ્દન અલગ ગુજરાતી વાંચીને ચોક્કસ નવાઇ લાગી હશે. અલબત્ત, આ કોઇ મામૂલી નહીં ગુજરાતી સાહિત્યના ઈતિહાસમાં ઐતિહાસિક કહી શકાય તેવો પેરેગ્રાફ છે. કેમકે, ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર-કવિ એવા નર્મદની આત્મકથા 'મારી હકીકત'ના પ્રથમ પ્રકરણનો આ અંશ છે. નર્મદાશંકર લાલશંકર દવે એટલે કવિ નર્મદે ગુજરાતી ભાષાની સૌપ્રથમ આત્મકથા લખેલી. આ આત્મકથા નર્મદે ૧૮૬૬ના વર્ષમાં છપાવેલી, જેની પહેલી આવૃત્તિ વેળા ૪૦૦ નકલ બહાર પાડવામાં આવી હતી.

આજે આત્મકથાની વાત એટલા માટે કેમકે ૧૬ મેની ઉજવણી 'બાયોગ્રાફર્સ ડે' તરીકે કરવામાં આવે છે. અનેક આત્મકથામાં વ્યક્તિ જેવું જીવન જીવ્યો હોય તેવું નહીં પણ કેવું જીવવા માગતા હતો તેમ દર્શાવવામાં આવે છે.   આત્મકથા એવી હોવી જોઇએ જેમાં કંઇક બનવું જોઇએ. જીવન ખરા અર્થમાં જીવાયું છે એ દેખાવું જોઇએ. બાકી  તો માર્ક ટ્વેઇને લખ્યું છે કે, 'ઘણાખરાના જીવન વિશે એક જ વાક્ય લખી શકાય. એ ૩૦ વર્ષે જન્મ્યો અને ૬૦ વર્ષે દફન થયો...'

ગુજરાતી ભાષામાં આત્મકથાઓ ખોદી-ખોદીને કાઢવી પડે છે તેમ કહી શકાય. આપણી ભાષાની આત્મકથામાં મહાત્મા ગાંધીની 'સત્યના પ્રયોગો' શીરમોર છે. આ ઉપરાંત પારસી લેખિકા શીરીન 'શીરીનબાનુ', મણિલાલ નભુભાઇ દ્વિવેદી 'આત્મવૃત્તાંત', ગોવર્ધનરામ ત્રિપાઠી 'સ્ક્રેપ બૂક', ન્હાનાલાલ 'અર્ધશતાબ્દિના અનુભવબોલ', કાકા કાલેલકર 'સ્મરણયાત્રા', કનૈયાલાલ મુન્શી 'અડધે રસ્તે', 'સીધાં ચઢાણ', 'સ્વપ્નસિદ્ધિની શોધમાં', ધૂમકેતુ 'જીવનપંથ', ઇન્દુલાલ યાજ્ઞિાાક 'આત્મકથા',  પન્નાલાલ 'અલપઝલપ', અમૃત્ત જાની 'અભિનયપંથે', ફાધર વાલેસ 'આત્મકથાના ટૂકડા', જયશંકર સુંદરી 'થોડાં આંસુ, થોડાં ફૂલ', ચંદ્રકાંત બક્ષી 'બક્ષીનામા', તારક મહેતા 'એક્શન રિપ્લે', રસિક ઝવેરી 'અલગારી રખડપટ્ટી', ગણેશ માવલંકર 'સંસ્મરણો', રવિશંકર રાવળ 'આત્મકથાનક્' દ્વારા પોતાની જીવન સફર પુસ્તકના માધ્યમથી રજૂ કરી ચૂક્યા છે.એક ગુજરાતી માટે આંચકાની વાત એ છે કે, ૯૧ વર્ષ દરમિયાન 'સત્યના પ્રયોગો'ની ગુજરાતીમાં ૬.૧૬ લાખ નકલનું વેચાણ થયું છે. જેની સરખામણીએ તમીલમાં ૬,૮૯,૫૦૦-મલયાલમમાં ૭,૫૫,૦૦૦-હિંદીમાં ૬,૩૮,૦૦૦-બંગાળીમાં ૭,૫૫,૦૦૦ નકલ વેચાઇ ચૂકી છે.

છેલ્લે, સ્વ.ચંદ્રકાંત બક્ષીએ તેમની ખ્યાતનામ આત્મકથા 'બક્ષીનામા'માં સરસ વાત સાથે સમાપન કર્યું છે કે, 'જીવનના અંતિમ ઉચ્છ્વાસ સુધી જીવન સમાપ્ત થતું નથી. આ પૃથ્વી પર જન્મેલો દરેક માણસ એક જ છે, પહેલો પુરુષ એકવચન છે, એ બીજો નથી, એ અદ્વિતિ હોય અથવા ન પણ હોઇ શકે પણ એનો દ્વિતિય નથી, એના અંગૂઠાની છાપ, એના અક્ષરોનો મરોડ,એના અવાજની ગહરાઇ, એના ચહેરાની રેખાઓ, એના અનુભવનો ગ્રાફ, એના ભૂતકાળના ઉભાર-ઉતાર, એના રક્તસંબંધો અને દિલસંબંધો, એના પતિત્વ-પિતાત્વ-પુત્રત્વ-સ્વત્વ અને કૃતિત્વ છંટાઇ-છંટાઇને એક એવા બિંદુ ઉપર આવીને ઊભા રહી જાય છે જ્યારે એ કહી શકે છે : એકો અહં, દ્વિતિયો નાસ્તિ...ન ભૂતો ન ભવિષ્યતિ....હું એક જ છું, મારા જેવો બીજો નથી. ભૂતકાળમાં હતો નહીં. ભવિષ્યમાં થશે નહીં...'
 

Post Comments