Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સેલિબ્રેશન - ચિંતન બુચ

જિંદગી ધૂપ તુમ ઘના સાયા...

૧૪ ફેબુ્રઆરી: વેલેન્ટાઇન્સ ડે

ઈ.સ.  ૨૦૦ના સમયગાળાની આ વાત છે. રોમમાં એ સમયે સમ્રાટ ક્લોડિયસ-દ્વિતીયનું શાસન હતું અને તેના દિમાગમાં એવી માન્યતા ઘર કરી ગઇ હતી કે માત્ર કુંવારા જ સાચા યોદ્ધા બની શકે. જેના કારણે આ તરંગી સમ્રાટે તેના રાજ્યામાં લગ્ન અને પ્રેમ કરવા પર પણ પાબંધી લગાવી દીધી.

આ ફરમાન બાદ યુવાન પ્રેમી યુગલો  સમુદ્રની માછલીને ઉઠાવીને રેગિસ્તાનમાં મૂકી દેવામાં આવે તેમ તડપવા લાગ્યા.  એ સમયે ચર્ચનો પાદરી વેેલેન્ટાઇન પ્રેમી યુગલોને ચોરીછૂપીથી પરણવામાં મદદ કરતો. હિંદીમાં કહેવત છે ને કે 'ઇશ્ક ઓર મુશ્ક છુપાએ નહી છુપતે'. સમ્રાટને આ 'ગુસ્તાખી'ની જાણ થઇ અને તેમણે વેલેન્ટાઇનને જેલમાં નાખી દીધા.

પ્રજાને અને ખાસ તો યુવાનો-બાળકોને સંત વેલેન્ટાઇન પર એટલો પ્રેમ કે તેઓ કોટડીમાં તેમને પ્રેમસભર પત્રો પહોંચાડે. જેલના એકાંતવાસમાં વેલેન્ટાઇનના જીવનમાં જેલરની આંધળી પુત્રીએ પ્રવેશ કર્યો. વેલેન્ટાઇને તેેેને પ્રેમભર્યા પત્ર લખવાનું શરૃ  કર્યું. કહેવાય છે કે, વેલેન્ટાઇનની શુભેચ્છાથી યુવતીને દ્રષ્ટિ મળી. ૧૪ ફેબુ્રઆરીના દિવસે સંત વેલેન્ટાઇનને ફાંસી અપાઇ અને પહેલા તેમણે જેલરની પુત્રીને સંબોધીને છેલ્લો પત્ર લખ્યો તેમાં અંતિમ શબ્દો હતા, 'ફ્રોમ યોર વેલેન્ટાઇન'.

બસ, વિશ્વની અનેક પરંપરાઓની માફક આ ઘટનાને અચાનક જ લોકો દ્વારા ઝીલી લેવામાં આવી અને શરૃ થઇ વેલેન્ટાઇન્સ ડેની ઉજવણીઓ. જેમાં સમયાંતરે લોકો મૌલિક્તા ઉમેરતા ગયા. ૧૫મી સદીમાં ફ્રાન્સના રાજવી ડયુકે આ દિવસે પ્રિયજનોને રોેમેન્ટિક કવિતાઓ લખવાની ફરજ પાડી. ૧૮મી સદીમાં બ્રિટનની કેટી ગ્રીનવે નામની મહિલા ચિત્રકારને થયું કે સારા શબ્દો કે કવિતા દ્વારા પોતાના પ્રેમની લાગણી વ્યક્ત કરી શકવી તે દરેક માટે શક્ય નથી.

જેના કારણે તેમણે વેલેન્ટાઇન્સ ડે કાર્ડ્ઝ બનાવ્યા. આ તો થઇ પ્રેમના પર્વના ઈતિહાસની વાત. પરંતુ પ્રેમ-ઇશ્ક-મોહબ્બત-લવ એટલે શું એવા સવાલનો એકમાત્ર ઉત્તર એવો છે કે સુગંધને જો શબ્દોમાં વર્ણવી શકાય-સ્પર્શને કાગળ પર ઉતારી શકાય તો પ્રેમની વ્યાખ્યા થઇ શકે. પ્રેમ એટલે પ્રેમ. હા, જેની એક ઝલક કે નાનકડા એવા સ્મિતથી જીવન જીવવા માટે નવું ઈજન આપી જાય, જેની માત્ર હાજરીથી 'ઝીંદગી ધૂપ તુમ ઘના સાયા' જેવું અનુભવાય,

એની આંખમાં એક આંસુ આવે તો આપણા હૃદયમાં પીડાનું ઘોડાપુર ઉમટે, એના ચહેરા પર ખુશી હોય તો તમે પીડાની બાણશય્યા પર હોવ તો પણ ફુલની જાજમ જેવું લાગે તેનું નામ પ્રેમ. પ્રિયપાત્રની ગેરહાજરી પ્રેમને ધારદાર બનાવે છે અને હાજરી પ્યારને મજબૂત બનાવે છે. ૧૫ વર્ષ અગાઉ આવેલી ફિલ્મ 'પ્યાર તુને ક્યા કિયા'ના એક ગીતના શબ્દો છે કે, 'કમબખ્ત ઇશ્ક હૈ જો સારા જહાં હૈ વો, કબ આતા હૈ-કબ જાતા હૈ,

પર રહેતા હૈ જબ તક યહ કમબખ્ત જન્નત દિખાતા હૈ...' જીવનની અઢળક પરેશાની વચ્ચે પ્રેમમાં પડેલી વ્યક્તિ જન્નતમાં હોય તેવું જ મહેસૂસ કરે.મુકુલ ચોક્સી પ્રેમની મસ્તમજાની વ્યાખ્યા આપતા કહે છે કે, 'ક્યારેય નહીં માણી હોય એવી મોસમનો કલરવ યાદ આવે તે પ્રેમ છે, દાઢી કરતા જો લોહી નીકળે ને પાલવ યાદ આવે તે પ્રેમ છે, પ્રેમ એટલે કે સ્વપ્નમાં પણ પળાય એવો કાયદો, ઘરનો જ એક ઓરડો તોય આખા ઘરથી અલાયદો.'

વેલેન્ટાઇન્સ ડેનોે સૌથી મોટો મહિમા એ છે કે તેણે યૌવનના સમુદ્રમાં ઉછળતી જીવનનાવડીઓને ખુલ્લેઆમ પોતાના કિનારા શોધીને નાંગરવાની મુક્તિ પૂરી પાડે છે. વેલેન્ટાઇન્સ ડે તમારા માટે પ્રેમ મૃગજળ બને એમ છે કે કલ્પવૃક્ષ તે ચકાસવાની તક આપે છે. માણસના જીવનમાં પ્રેમ પછીનો તબક્કો શ્રદ્ધા અને વિશ્વાસનો હોવો જોઇએ, પણ હોય છે પ્રિયપાત્રને ઉમઓથી કેદ કરવાના પરિગ્રહનો. કોઇને પ્રેમ કરવો એટલા માટે નહીં કે તે ગમે છે, પણ તેની સાથે રહીને આપણને આપણા હોવાનો અહેસાસ થાય. સ્વ. હરીન્દ્ર દવેએ આ વાતને શબ્દો દ્વારા આ અદ્ભૂત રીતે રજૂ કરી છે,

'પ્રેમમાં ચાલને ચકચૂર થઇ ચાલ્યા કરીએ, સૂર્યની આંખે અજબ નૂર થઇ ચાલ્યા કરીએ, આને બદનામી કહે છે આ જગતના લોકો, ચાલને આપણે મશહૂર થઇને ચાલ્યા કરીએ. ' પ્રિયપાત્ર સાથે શબ્દો નહીં પણ મૌન બોલે. માનવનું સર્વશ્રેષ્ઠ સુખ એ છે કે તેને કોઇ ચાહે છે, અને તેની નબળાઇઓ છતાં તેને હૃદયથી સ્વિકારે છે.

આપણને કોઇ ચાહતું ન હોય તો આપણે પોતાની જાતને પણ ચાહતા બંધ થઇ જઇએ છીએ. આપણા  દંભની એ પરાકાષ્ઠા છે કે બે પુખ્ત વયની વ્યક્તિ પ્રેમમાં પડે તો તેની સામે જેઓ વિરોધ કરે છે તેમના જ ઘરના મંદિરમાં રાધા-કૃષ્ણની પૂજા કરવામાં આવતી હોય છે. વેલેન્ટાઇન્સ ડે તો બહાનું છે, બાકી તારામૈત્રક ચોઘડિયાં જોઇને થોડા રચાય છે?
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments