Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સેલિબ્રેશન - ચિંતન બુચ

મીઠાઇ :ખાને ભી દો યારો...

૧૬ ઓક્ટોબર : વર્લ્ડ ફૂડ ડે

તહેવારો જો કોઇ ટુર્નામેન્ટ હોય તો તેનો વર્લ્ડકપ...ધામક ઉત્સવ હોય તો તેનો મહાકૂંભ...કોઇ ફિલ્મના એવોર્ડ હોય તો તેનો ઓસ્કાર એટલે દિવાળી. આજના વ્યસ્ત જીવનમાં જે લોકો હૃદયના તારથી જોડાયેલા છે તેમની સાથે ખરા અર્થમાં જીવન માણવાનો અને ઉમંગનો પર્યાય એટલે દિવાળીના તહેવારો.

વાઘબારસથી ભાઇ બીજ એમ દિવાળીના એક સપ્તાહમાં તો આપણે સાપ કાંચળી ઉતારે એમ બધું  જ જૂનું-ફાટેલું ત્યજીને જાણે નવો અવતાર ધારણ કરી લઇએ છીએ. જીવનને જો 'યુદ્ધ' ગણવામાં આવે તો તેનું 'યુદ્ધ વિરામ' એવા દિવાળીના પર્વને હવે બરાબરનો એક સપ્તાહનો સમય બાકી છે. એક તબક્કે આક્ષેપ-પ્રતિઆક્ષેપ વિના ચૂંટણીની, ખાડા વિનાના રોડની, સ્ટમ્પિંગની તક ગુમાવતા એમએસ ધોનીની કલ્પના થઇ પણ શકે પરંતુ ફટાકડા અને મીઠાઇ વિના દિવાળી વિશે વિચારી પણ શકાય નહીં.

આ વખતે વાઘબારસનું પર્વ છે ત્યારે જ એટલે કે ૧૬ ઓક્ટોબરે વિશ્વભરમાં 'વર્લ્ડ ફૂડ ડે'ની ઉજવણી કરવામાં આવશે. 'મોકા ભી હૈ, દસ્તૂર ભી હૈ' એ હિસાબે આજે આપણે ત્યાંની ચુનંદા મીઠાઇની વાત થઇ જ જાય. આમ તો ઘરના રસોડામાંથી ઘીની સોડમ આવવા લાગે ત્યારે દિવાળી નજીક છે તેનો અણસાર આવી જાય.

ગમે તેટલા ડ્રાયફ્ટ્સવાળી મીઠાઇ પણ ઘરની મીઠાઇની તોલે આવી શકે નહીં. જેમ આપણા નેતાઓ ચૂંટણી વખતે જ દ્રશ્યમાન થાય  તેમ ઘૂઘરા, મઠીયા, ચોળાફળી દિવાળી ટાણે જ રસોડામાં જોવા મળે. જોકે, નેતાથી વિપરીત  આ મીઠાઇ અને ફરસાણ થોડા દિવસોમાં જ એવો ચટાકો કરાવી જાય કે સ્વાદપ્રેમીઓને જાણે ઘેર બેઠા ગંગા સ્નાન જેવો સંતોષ મળે.

પરંતુ કેટલીક મીઠાઇઓ એવી પણ છે જેનો સ્વાદ માણવાની મજા ફક્ત મીઠાઇની દૂકાનમાંથી  જ મળે. જેના માટે કચ્છની જ વાત સૌપ્રથમ કરીએ. ખૂબ જ જૂની કહેવત 'સ્વાદ દાઢે વળગ્યો'ને પ્રેક્ટિકલી જાણવી હોય તો કચ્છના ગુલાબપાકને ચાખવો જ જોઇએ.

આજથી પાંચ દાયકા અગાઉ ઓધવજી દામજી દાવડા મીઠાઇ માટે દૂધ ઉકાળી રહ્યા હતા ત્યાં જ તેમને વિચાર આવ્યો કે 'આની અંદર ગુલાબની પાંદડીઓ નાખું તો સ્વાદના શોખીનોને કંઇક નવું ચાખવાની મજા પડી જશે...' બસ, આ એક નાનકડા વિચાર સાથે ગુલાબપાકનો જન્મ થયો. આજે આ મીઠાઇની દેશ-વિદેશમાં એટલી લોકપ્રિયતા છે કે કોઇ કચ્છ જતું હોય તો તેની પાસેથી ખાસ ગુલાબપાક મગાવવામાં આવે છે.કચ્છમાં મેસુક ઉપરાંત પાંદડીવાળા સાટા, રબ્બરીયો હલવો,

કાળા અડદીયા, ગુબીત ખૂબ જ પુરાણી મીઠાઇ અને આજે પણ તેની લોકપ્રિયતા બરકરાર છે. સૂંઠ અને ગોળમાંથી બનતી ગૂબીત શિયાળામાં ખાવામાં આવે છે. કચ્છના પાંદડીવાળા સાટાને પાટણમાં દેવડા તરીકે ઓળખાય છે. બાય ધ વે, કચ્છમાં આ મીઠાઇઓ ઉપરાંત પકવાન, રતાળુનો ચેવડો પણ સ્વાદપ્રેમીઓમાં લોકપ્રિય છે.  

રાજકોટના પેંડા- થાબડી, ખંભાતના હલવાસન-સુત્તરફેણી, સુરતની ઘારી વિના પારપંરિક મીઠાઇની યાદી અધૂરી ગણાશે. સુરતની ઘારીએ તાજેતરમાં જ ૧૭૯ વર્ષ પૂરા કર્યા છે. સુરતમાં ઘારીની સૌપ્રથમ દૂકાન ૧૮૩૮માં લાલ ગેટ વિસ્તારમાં ખૂલી હતી,

જેમાં ૨૪ કલાક ઘારી અપાતી હતી. આ ઉપરાંત ગુજરાતના પ્રત્યેક શહેર-ગામમાં એવી એક તો દૂકાન જોવા મળશે જ કે જ્યાંના મોહનથાળ, બુંદીના લાડુ, બરફી, સુતરફેણી ખૂબ જ લોકપ્રિય હશે.  મીઠાઇનો સંસ્કૃત અર્થ જ થાય છે, 'માનસોલ્લાસ'  એટલે કે મનમાં ઉલ્લાસ અને ઠંડક આપનારું. ખીરને સૌથી જૂની મીઠાઇ ગણવામાં આવે છે.

ટૂંકમાં હવે આગામી એક સપ્તાહ કેલેરીની કકળાટમાં પડયા વિના દિવાળીના સમયે મીઠાઇનો સ્વાદ માણી જ લેવામાં આવે. છેલ્લે...સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી એક 'દિવાળી પછી' કવિતાના ચુનંદા અંશ...

'દિવાળી આવી ને જતી રહી, ને આ વખતેય અહેસાસ કરાવતી ગઇ કે જ્યારે નાનાં હતાં ત્યારે કેટલી મોટી લાગતી હતી...ને હવે મોટાં થયાં તો દિવાળી જાણે નાની થઇ ગઇ! તાણી તૂસીને બચાવેલી રકમમાંથી મા થોડો મોહનથાળ ને સુખડી કરતી!

ક્યારેક ઘી ઓછું પડે તો ક્યારેક એલચી ન મળે પણ એના સ્વાદમાં માની ભારોભાર લાગણી નીતરતી એટલે જ તો એકાદ ટૂકડો લેવા કેટલાય કજિયા કરતાં...ને મા સમજાવતી, 'બેટા એમ થોડું ખવાય હરતાં ફરતા...?' આજે જુદા જુદા રંગની...જુદા જુદા પ્રાંતની...નામેય ન આવડે એવી આઠ-દસ મીઠાઇના બોક્સ ફ્રીજમાં પડયા ઠરે છે, અને હરતાં-ફરતાં એની સામે જોતાં જઇએ છીએ તો પણ, હવે મોંમાથી નાનપણ જેવી તીવ્ર ઇચ્છાનું પાણી ક્યાં ઝરે છે...!?'
 

Post Comments