Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બુધવારની બ૫ોરે - અશોક દવે

દીનિયાની વાઈફ

એણે 'વિક્સ ઈનહૅલર' નાકના ભૂંગળામાં ભરાવી હાથી કૂંડીમાંથી પાણી ખેંચતો હોય, એટલા જોરે શ્વાસ લીધો, એમાં ફોર્સને કારણે ઈનહૅલર નાકમાં ભરાઈ ગયું. વધુ પડતું ઊંચે જતું રહ્યું. એ હૂંહૂંહાહૂંઉઉઉ... કરતો રહ્યો, નીચેથી ખેંચી પણ જોયું પણ નીકળ્યું નહિ. પૂરા જોશથી એણે શ્વાસ પાછો કાઢ્યો. એમાં તો નાકનું એક જ ફોયણું કામ કરવાનું હતું. પાણી ઘણું નીકળ્યું, ઈનહૅલર નહિ. એમ તો પાછી આ કોઇ કોમિક-સ્ટોરી નથી. એટલે મહિને-બે-મહિને એ નીકળી પણ ગયું.... બે-ચાર દહાડા ઓછા હશે, પણ આટલા ઝનૂનથી આટલો ઊંડો શ્વાસ લેવાની એને જરૃર કેમ પડી, એ જાણવું જરૃરી છે.

ક્લબ રવિવારે તો ફૂલ હોય અને પબ્લિક પણ ઘણું હતું. આની વાઈફ વળી બે ઘડી જોવી ગમે એવી... અને 'હૅલ્લો'ના જવાબમાં સ્માઈલ આપે તો આપણી વાઈફ સાથે હોય તો ય હિમ્મત કરીને, એ જ્યાં સુધી કરવા દે ત્યાં સુધી વાતો કરીએ, એવી સોહામણી ય હતી. 'ભાભી'નો સ્વભાવ બહુ સારો. મળતાવડો. બધાની સાથે હસી હસીને વાતો કરે. કેટલાક 'દિયરીયાઓ'એ તો હૅન્ડ-શૅક કર્યો હોય પછી ભાભી છોડે ત્યારે જ છોડવાનો. ને એમાં, અમારામાંના એક સાથે ભાભીએ 'હગ' કર્યું.

હગ એટલે આલિંગન-ભેટવાનું. એ બધા દ્રષ્યો આપણા ભ'ઇ, એટલે કે ભાભીના હસબન્ડ એટલે કે દીનિયાએ જોયા. એણે દૂરથી આપણા ભાભી-જે એની વાઇફ પણ થાય, એને અમારા રિશીને ભેટતા જોયો, એ જ ક્ષણે એના નાક પાસે ઈનહૅલર હતું, એ પ્રચંડ ક્રોધમાં મહીં ખેંચાઈ ગયું. 'મારી વાઇફને બીજો કોઈ હગ કરી જાય..?' એ વાતે જ એને ગુસ્સો આવ્યો અને ગુસ્સો ય કેવો? નાકમાં ઇનહૅલર ખેંચાઈ જાય એવો. બે-ચાર સેકન્ડ તો એણે ત્યાં જ ઊભા ઊભા કાઢી, પણ પછી કાંઈ રહેવાય? એ સીધો ઘટનાસ્થળે પહોંચ્યો, જ્યાં અમે બધા લાઇનમાં ઊભા હતા કે, રિશીયો હટે તો અમારો નંબર લાગે!

પત્નીઓ વહેમીલી હોય તે તો સમજ્યા હવે... who cares..? પણ ગોરધનો વહેમીલા હોય એ સહન નથી થતું. જરાક અમથી એની વાઇફ આપણી સાથે વાત કરવા શું ગઈ, એમાં તો એવી બીહામણી નજરે આપણને જુએ કે, સનસનસનસન કરતો આવીને ખભે બચકું ભરી લેશે, એવી બીકો લાગે. કેમ જાણે આપણા ઘરમાં વાઇફ જ નહિ હોય! (હોય પણ ભેટવા દે, એવી તો ન હોય ને?)

અલબત્ત, એ કાંઈ બોલી ન શક્યો, પણ અમને એવી રીતે જોતો'તો કે, કેમ જાણે આપણે એની વાઈફને ભેટવા આવ્યા હોઈએ! આ તો એક વાત થાય છે.

દીનિયો અમારા ગૂ્રપનો ખરો, પણ બધાનો ખાસ દોસ્ત એના મેરેજ પછી થયો. દીનિયા પાસે પરાણે હા પડાવીને એના ઘેર ડિનરો રાખીએ... વખાણો ભાભીની રસોઈના તો આડેધડ કરીએ. એ તો એ પોતે કહે ત્યારે ચાટ પડવાનું થાય કે, રસોઈ એમના મહારાજે બનાવી છે.

દીનિયાને વાઇફ સાથે અમારા ઘેર ડિનર પર બોલાવવાનો ફાયદો એ કે, વાઇફ કિચનમાં જ હોય ને અમને નયનસુખ તો મળે. અમે દીનિયા સાથે વાત કરતા હતા, 'બરોબર ને, ભાભી?' પૂછપૂછ કરીએ એમાં જવાબ દીનિયો આપવા જાય ને 'હા, બરોબર... હા બરોબર' એ નિવેદન ભાભી સામે જોઈને આપીએ. બે-ચાર મિનીટમાં દીનિયો બધું સમજી ગયો હોય કે આ લક્ષ્મણોની દાનત સારી નથી, એટલે સાલો જમ્યા પહેલા, 'ચલો જઈએ...?' એવું ભાભીને (એટલે કે, અમારી ભાભીને પૂછે.... એની ભાભીને નહિ!)

વધારે ખતરો એ હતો કે, અમારા બધાની વાઇફોને દીનિયાની વાઇફ આટલી ય ગમે નહિ. અમારા બધાનો સ્ટાન્ડર્ડ જવાબ એક જ હોય, 'અરે ભ'ઇ, એવું ના હોય!' પણ 'કેવું ના હોય?' એની અમને કે અમારી વાઇફોને ખબર પડતી નહોતી. ભાભી સિવાયની આ બધી વાઇફો ભેગી થાય એટલે બધીઓ કૂથલી કરે જ. 'એના ડ્રેસીઝ તો જુઓ... યલો ટી-શર્ટની નીચે જીન્સ પહેરે... કોઈ દહાડો જોયું છે?' તો બીજી કહે, 'તમે કોઈએ માર્ક કર્યું? એવી એ બોલે છે ત્યારે કેવું ગુંગણું બોલે છે અને 'મારા હસબન્ડને બદલે 'હંસ-બન્ડ' બોલે છે... હાહાહાહા'. બધીઓ જાણતી હોય કે આવી ફાલતુ પીસીમાં કોઈ દમ નથી, પણ ભાભી ઉપરની કોઈ પણ પીસીમાં જેટલું મોટેથી ખડખડાટ હસીએ,

એટલું વેર વાળ્યું કહેવાય! મજબુર અને નિ:સહાય હસબન્ડો તરીકે અમારે બધાને ભાગે પડતી અને નાનકડી ગુસ્સીઓ ભાભી વિરૃધ્ધમાં સાંભળવી પડે. ''તમે ય તે.... એને જોઈને ટાયલાવેડાં બહુ કરો છો... શું મને બધી સમજ નથી પડતી?? હું જરાક અમથી આઘીપાછી થઉં એટલે તમારા ડોળાં પેલી ઉપર ડબકવા માંડે છે...! (આપણને વાગે એવા સણસણતા ચાળા પાડીને) 'દીનુભ'ઇ... આવતા છનિ-લવિ લજા આવે છે તો માઉન્ટ આબુનું ગોઠવો...' વાહ, મને લઇને તો મણીનગરે ય નથી જતા. હવે, મારે એ લોકોને બોલવવા ય નથી ને એમને ઘેર આપણે ય જવાનું નથી... જસ્ટ શટ અપ.... ઈવન બીફોર યૂ સે ઍનીથિંગ... ઓકે?''

એ વાત જુદી છે કે, અમારે બધાએ અમારે ભાગે પડતી આવેલી વાઇફો કરતા સાલા ખડ્ડુસ દીનિયાથી વધારે સાચવવાનું હતું. એ એકલો મળે તો ય વહેમાય રાખે, બોલો! ''કેમ ભ'ઈ... કાલે ક્યાં હતા?'' એવું એવી આંખો ઝીણી કરીને પૂછે કે, આપણાથી સાચું બોલાઈ જાય કે, ''કાલે તો... કાલે તો આખો દહાડો ઘેર જ હતો...'' (ગિલ્ટી-કૉન્શ્યસ) આના ડરથી ઘેર ના હોઈએ તો ય ઘેર હતો, એવું જૂઠ્ઠું બોલાઈ જાય! ઘણી વાર તો ઘરે હોઇએ તો ય ઘરે હતા, એવું સાચું કહી દેવું પડતું. ચિંતા એ વાતની થતી હતી કે, ભાભી સાથે અમે કાંઇ કર્યું નહોતું, છતાં દીનિયાથી અને અમારી વાઇફોથી ફફડતા રહેવું પડતું. ભાભી બિચારી બધાની સાથે હસીબોલીને વાતો કરે, એટલું જ... બાકી અમારામાંથી કોઈના ચણા ય આવતા નહોતા. દીનિયો વહેમી હતો, એનો અમને વાંધો નહતો,

પણ એ અમારા બધા ઉપર વહેમાતો હતો, એ સહન નહોતું થતું... એક તો હાથમાં કાંઈ આવતું ન હોય ને વહેમાય! એક સંતોષ હતો કે એ અમને ય ભાભી પાસે ફરકવા દેતો નથી તો બીજા સાલાઓને તો હડધૂત કરીને ભગાડતો હશે... આપણે કમ્પીટિશન ઓછી!

ચિંતા અને ટૅન્શનને કારણે અમે બધા વાઇફો વગર ક્લબમાં મળ્યા. સેવ-મમરા અને કૉફીનું બિલ કોના ખાતામાં લખીશું, એના કરતાં તગડું ટૅન્શન આ લેવા-દેવા વગરના દુ:ખી થઈએ છીએ એનું હતું. એક તો વાઇફો વિશ્વાસ કરે નહિ ને પેલા નિર્દોષ દીનિયાને ટૅન્શનો કરાવીને એનું લગ્નજીવન બગાડીએ છીએ. ભાભી આપણને ગમે છે અને આપણે થોડાઘણા ફ્લર્ટ છીએ એટલું જ,

બાકી બધાના ઘરમાં એકએક-બબ્બે બાળકો હોય પછી ભાભીને છોડો... આપણે ક્યાં વળી ડિમ્પલ કાપડીયા સાથે ય એવાએવા સંબંધો રાખવાના હતા! વળી, આપણામાંથી કૅરેક્ટર બધાના સારા છે, તો પછી શું કામ નજરો બગાડવી..? બસ. હવે કદી નહિ. ભાભી હોય કે એની બહેન હોય... આપણે 'એવી' નજર મનમાં ય નહિ રાખવાની! (જો કે, ભાભીની બહેનને કોઈએ જોઈ નહોતી...!) છતાં, સદ્બુધ્ધિઓ કામમાં આવી અને હવે ભાભી માટે ફ્લર્ટ નહિ બનવાનું, એ પાકો નિર્ણય કરી લીધો.

બીજા બુધવારે ચોંકાવનારા સમાચાર આવ્યા. 'ભાભી દીનિયાને પડતો મૂકીને એમના કોક ફ્રૅન્ડ સાથે ભાગી ગઇ...!'

સિક્સર

વ્હિસ્કીના ભાવ હતા એના કરતા ડબલ થઈ ગયા....
હવે બધા દોસ્તો કહે છે, 'દાદુ, ચા-પાણી પીવા તો આવો!'

 

Post Comments