Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બુધવારની બ૫ોરે - અશોક દવે

આ ઉંમરે હનીમૂન....?

શાસ્ત્રોમાં કીધું છે કે, કોક વાર પત્ની સાથે પણ હૉટલમાં ઉતરવું જોઇએ. દર વખતે એકની એક સારી ન લાગે ! લગ્નના આટલા બધા અધધધ વર્ષો થઇ ગયા, એટલે અમને બન્નેને હનીમૂન માટે જવાનો વિચાર આવ્યો. (લગ્ન માટે પચ્ચી વખત વિચાર કરવાનો હોય...હનીમૂન માટે નહિ...અત્યારથી જ પંખો ચાલુ કરો !) પત્ની પાસે મેં પ્રસ્તાવ મૂક્યો એટલે કોઇ સ્ત્રીના મોંઢાનું પૂતળું ઓગળવા માંડે, એમ એ ઓગળવા માંડી. ''હેં...? કિયા જાવાનું કિયો છો ?'' મેં કીધું હનીમૂનમાં. ''હવે આ ઉંમરે હારૃં નો લાગે. લોકું વાતું કરે કે, જુવો ને, ઘઇઢે-ઘડપણ બન્ને જણા હાલી નીકળ્યા છે, તી ?''

એની નબળી ના એ મને હલાવી નાંખ્યો. મારે તો જવું જ હતું, પણ આ ના પાડે તો બીજા કોને કહેવાય ? ને બીજી વાળી સાલી 'હા' પાડી દે, તો ય આપણે ભરાઇ પડીએ ને ?

પણ જેનું સત છે, એનો ભગવાન બી છે. આવ્યા પછી હું ગીરનારની તળેટીમાં સન્યાસ લેવાનો હોઉં, એવા ઉમકળાથી એણે ના-ના કરતા હા પાડી દીધી.

''આપણે કિયાં....સ્વિત્ઝરલૅન્ડ જાસું કે ન્યુઝીલૅન્ડ....'' મીનાલોકો ન્યુઝીલૅન્ડ ગીયા'તા, તી બવ વખાણો કરતી'તી...?

''આપણે માઉન્ટ આબુ જવાનું હોય...કાલ ઉઠીને તને મારી સાથે કે મને તારી સાથે ચાલુ હનીમૂને ના ફાવ્યું, તો હબ્બ કરતા પાછા આવી જવાય ને ? પેલા ખર્ચા બહુ મોંઘા પડે.''

માઉન્ટ આબુની બહુ વખણાયેલી હૉટેલમાં અમે ગયા. ડૅસ્ક પર બેઠેલા કલાર્કે અમે કોઇ ફંડફાળો ઉઘરાવવા આવ્યા હોઇએ, એવી બેફિકરાઈથી પૂછ્યું, ''શેને માટે રૃમ જોઇએ છે ?''

''જી...અમે રંગરોગાણ કરવા આવ્યા છીએ...'' આટલું બોલીને હું ચીઢાઇ તો ગયો પણ રૃમ લેવાની હતી, એટલે બહુ હોંશિયારી ના મરાય ! નવાઇ એ વાતની લાગી કે, અમે હજી ગઈ કાલે જ અમદાવાદમાં પરણીને આવ્યા હોઇએ, એવા હનીમૂનીયાઓ જેવા દેખાવવાનો પૂરો પ્રયત્ન કર્યો હતો. મારા ગળામાં લટકતું દૂરબીન, માથે ગોળ ટૉપી, સ્પૉર્ટ્સ-શૂઝ, ગરમી હતી છતાં ગળે મફલર અને વાઇફની પાસે શર્માયેલું નીચું મોંઢું, ગળે ભરાવેલો આઠસો રૃપિયાનો કૅમેરા, ખભે શૉલ, અને કોઇને લેશમાત્ર શંકા ન જાય, એ માટે વાઈફે તો પાછી હાથમાં મેંહદી પણ મૂકી હતી.

''તમારે અલગ-અલગ રૃમો જોઇએ છે કે, એક રૃમ ?'' મને લાગ્યું કે, એ અમારા હનીમૂનનું નહિ, છુટાછેડાની ઉજવણી માટે આબુ આવ્યા છીએ.

સરવાળે, પેલો એટલું જ સમજ્યો કે, આવડો આ કોકની વાઇફને ભગાંડી લાવ્યો છે, (યુવાન છોકરી લાગવાની તો એની હવે ઉંમર નહોતી !) નહિ તો માંગ્યા વગર આધાર-કાર્ડ, બૅન્કમાં ઍફ.ડી.ની રીસિપ્ટ્સ, ડૉક્ટરે આપેલું હૅલ્થ-સર્ટિફિકૅટ અને બીજો કચરો કોઇ બતાવે નહિ. મારા કરતા ય, પત્નીનું વૉટર્સ-આઇડી કાર્ડ એણે ઝીણવટથી તપાસ્યું. એ રોંચાને શંકાઓ તો બહુ પડી, પણ અમારૃં બધું બરાબર નીકળ્યું, એટલે ચપટી વગાડી ડાબી બાયુ જોઇ એણે હૂકમ છેડયો, ''ભુરાજી, આ બન્નેને રૃમ નં.૫૦૪માં ગોઠવી દો...'' આટલું કીધા પછી એણે ભૂરાજીને આંખ કેમ મારી, તે સમજાયું નહિ.

અમે તો શ્રીનાથજીની ધર્મશાળામાં આવ્યા હોઇએ, એવો રૃમ હતો. આમાં હનીમૂનને બદલે ભજન-સંધ્યા રાખવાના ઝનૂનો વધારે ઉપડે. એમાં ય, રૃમબૉય અગરબત્તી સળગાવી ગયો. વાઇફ બહુ અપસૅટ થઈ ગઇ. હું પણ કાંઇ ઓછો અપસૅટ હતો ?

એક તો, ઇચ્છિત વ્યક્તિ સાથે અહીં સુધી આવવાનું બન્યું નહિ ને બન્યું, એમાં આ લોકો અમને ભજન-સંધ્યાના ગાયકો કે શુક્લજીઓ સમજતા લાગે છે. ડર એ લાગ્યો કે, શુકલજી કે ધાર્મિક ગાયકો સમજે, ત્યાં સુધી વાંધો નહિ, પણ હું આને ભગાડીને લાવ્યો હોઇશ, એવી પેલાને શંકા જાય તો માઉન્ટ આબુ તો ઠીક છે, સાલું ગુજરાતનું ઘરઘર જાણી જાય કે, ''ભ'ઇ કંઇક વધુ પડતા શોખિન છે. ફાયદો ગણો તો ફાયદો, આવા પ્રચારનો ફાયદો એ પણ થાય કે, ઘેર ઘેર આપણી પબ્લિસિટી થાય અને ડીમાન્ડ વધે !

મને એટલી માતબર સંખ્યામાં હનીમૂનોનો અનુભવ નહિ, પણ માઉન્ટ આબુ તો દર બબ્બે મહિને જવાનું (વાઇફ સાથે નહિ, સ્ટુપિડ...દોસ્તો સાથે) અને ત્યાં નવા નવા પૈણીને આવેલા યુગલોને જોવાનો જે ટૅસડૉ પડે છે, તેમનામાંથી ઘણું શીખવા મળે છે કે, હવે આપણે હનીમૂનો ઉપર આવીએ, તો વાઇફને કહેવાનું કે, નખી લૅઇકની આસપાસ ગોળ ગોળ ફરતી વખતે વાઇફે એનું માથું આપણા ખભા ઉપર ઢાળીને ચાલવાનું. લોકોને આપણે ભાઇ-બેન છીએ, એવું ન લાગવું જોઇએ. કોઇ રેસ્ટરાંમાં જઇએ તો ચમચીમાં મસાલા ઢોંસાનો સાંભાર ભરીને પાસે બેઠેલી વાઇફના મુખમાં ચમચી ખોસવી જોઇએ. બાલામૃત પીવડાવતા હોઇએ, એવી કાળજીથી એને સામ્ભાર પીવડાવવો જોઇએ.

નખી તળાવની સામે ઊભેલા ઘોડાઓમાંથી સારો ભાગી શકે એવો એક ઘોડો પસંદ કરીને વાઇફને બેસાડી, આપણે ઘોડાને ઘાસ ખવડાવતી સૅલ્ફીઓ લેવાની ને પછી ઘોડાના પૂંછડાની પાછળના ભાગમાં પૂરા જોશોજુનૂનથી એક ચીટીયો ભરી દેવાનો....વાઇફને ઉપાડીને ભાગતો ઘોડો અરવલ્લીના પહાડોમાં ભલે ભટકતો રહે, પણ પાછો ન આવવો જોઇએ. બની શકે તો, પતિ-પત્ની બન્નેએ આબુના કોઇ સ્ટુડિયોમાં જઇને ખભેખભો મિલાવીને હસતો ફોટો પડાવવાનો.....પછીની લાઇફમાં ક્યાં આવા ફોટા પડવાના છે ? આ તો એક વાત થાય છે.

કલાકેક આંટો મારી આવ્યા પછી, ખાસ જે કામ માટે આટલે દૂર આવ્યા હોઇએ, એ પતાવવું જોઇએ, એટલે અમે હોટલ પર પાછા આવ્યા.

અભેરાઇ ઉપરથી લોખંડની બૅગ પડે, એવો ધ્રાસકો પડયો. અમારા સ્વાગતમાં પોલીસનું ટોળું ઊભું હતું. મને તો થયું કે, હનીમૂન પર આવેલા લોકોનું સ્વાગત અહીંની પોલીસ કરતી હશે. જો કે, આ લોકોના હાથમાં પુષ્પમાળા, બૅન્ડ-બાજાવાળા કે નારીયેળ-ફારીયેળ જોયા નહિ, એટલે ચિંતા તો થઇ અને એ સાચી પડી. પેલો પી.એસ.આઇ. હિંદી ફિલ્મો બહુ જોતો હશે, એટલે હાથમાંની લાકડી બીજા હાથની હથેળીમાં પછાડતો પછાડતો મારી પાસે આવ્યો, ''આ કોણ છે ?''

ઓ ત્તરી....આ મારી વાઇફ છે, એવું તાબડતોબ બોલી ગયો હોત, પણ તો ય અજાણતામાં આ વખતે કોઇ બીજી આવી ગઇ ન હોય એટલે વાઇફની સામે મારો સાળો જોતો હોય, એવા વાત્સલ્યથી જોઇને કહ્યું, ''આ મારી વાઇફ છે.''

''સાબિતી ?''

અમે સાલું બધું લેતા આવ્યા હતા, પણ મૅરેજ-સર્ટિફિકેટ લાવવાનું ભૂલી ગયા હતા. મેં મારા ખિસ્સામાં (અને ઇવન, એ પોલીસના ખિસ્સામાં) ગભરાહટમાં સર્ટિફિકેટ શોધ્યું, એમાં એ ગરમ થયો.

''મતલબ....કોઇની વાઈફને લઈને અહીં જલસા કરવા આવ્યા છો....!'' હાથની લાકડી વધુ પછડાઇ. મામલો ગંભીર થતો જતો હતો. વાઇફ એમ પાછી કોઇનાથી ગભરાય એવી નથી-મારાથી તો કદી નહિ. એણે ગુસ્સાથી પોલીસવાળાને પૂછ્યું, ''જુઓ ઑફિસર...તમે આવા ત્રાગાં કરીને પૈસા પડાવવા આઇવા હો, તો ભૂલી જજો. આ મારો વર છે અને અમે હનીમૂન મનાવવા તમારા રાજ્યમાં આવ્યા છીએ. જરા ઇજ્જતથી પેશ આવો, નઇં તો વસુને ફોન કરૃં છું...આ રિયો એનો નંબર...!''

''વસુ...? કોણ વસુ ?''

''અરે આ તમારી વસુંધરા રાજે સિંધીયા....બે'દિ માં બદલી નો કરાવી નાંખું તો કે'જો....!

પેલાએ ગભરાઈને વાઇફનો મોબાઇલ જોવા માંગ્યો, તો સાચ્ચે જ વસુંધરા રાજેનો મોબાઇલ નંબર હતો. પેલા લોકો જમીનને માથા અડે, એવી માફીઓ માંગીને જતા રહ્યા.

રસ્તામાં ગાડીમાં મેં વાઇફને પૂછ્યું, ''આ તારી પાસે વસુંધરાનો ફોન ક્યાંથી આવ્યો ? ઈવન, હું ય ઓળખતો નથી...!''

''અરે જાવા દિયો ને ! મેં તો મારી ફ્રૅન્ડ વસુંધરા પટેલનો ફોન બતાવ્યો. ઓલાને કિયાંથી ખબર હોય કે, રાજેનો નંબર કિયો છે ?''

સિક્સર

૨૦-વર્ષોથી ભાવનગરમાં સંપૂર્ણ વિના મૂલ્યે જેની ફિલ્મોના ગીતોનો ચિક્કાર શ્રોતાઓ માટે દર મહિને કાર્યક્રમ રાખનાર 'સુરીલી સંધ્યા'એ હવે કાર્યક્રમની પૂર્ણાહૂતિ વખતે નિયમિત 'રાષ્ટ્રગીત' ગવડાવવાનું બીડું ઝડપ્યું છે. સાધુ-સંતોને તો વાત ગળે ઉતરતી નથી, પણ ગુજરાતની બીજી સંગીત-કલબોએ પણ ખુમારીથી રાષ્ટ્રગીત શરૃ કર્યું છે.
 

Post Comments