Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બુધિયો ચાલ્યો નિશાળે - મંગલ દેસાઇ

બાપુજી નડે છે !

અમુક ભૂલ એવી હોય છે કે કોઇ જાહેરમાં સ્વીકારતું જ નથી ! ભૂલોનો ઢાંક પિછોડો થયા કરતો હોય છે ! ભૂલ કંઇ દૂધની તપેલી તો છે નહીં કે ઢાંકી દેવાય ! આજકાલ તો બિલાડીઓ એટલી વિકસિત થઇ ગઇ છે કે ઢાંકેલું છીબુ હટાવીને બધું દૂધ પી જાય છે ! ભૂલોનું પણ એવું જ છે ગમે તેટલું છીબુ ઢાંકેલું રાખો મોડું વહેલું ઊઘાડું પડી  જ જાય !

છોટુલાલ જોડે પણ આવું જ કંઇક થયું ! વ્હેલી પરોઢે ડેલીની અગાશી પર સુતેલા હતા ને કાગડાએ ચાંચ મારી ! પિતૃદોષ નડતો હોય ત્યારે કળયુગમાં કાગડા ચાંચ મારવા લાગતા હશે ! બદલો લેવાનો મોકો આપો તો કોણ છોડે !!

'કોણ છે ?! કોણ છે !'

કાગડાએ ત્રાંસી આંખ કરી અને ઓળખાણમાં 'કા.. કા..' એટલું જ કીધું ! છોટુલાલ ગભરાઇ ગયા..

'કાગડાના સ્વરૃપમાં કોણ પિતૃ પધાર્યા હશે ?! અને ભૂતકાળની કઇ ભૂલ બદલ ચાંચ મારી રહ્યા હશે ?!' એની ખબર જ ન પડી !

શ્રાદ્ધના મહિનામાં કોઇ કાગડો આવીને પુરી ખાવાની જગ્યાએ ચાંચ મારી જાય તો ટેન્શન થવું સ્વભાવિક કહેવાય ! પણ કોઇ સ્વર્ગીય પિતૃ બાકી રહી ગયેલા ભાવ બદલ કે બાકી રહી ગયેલા જુના હિસાબ બદલ પૂરીની જગ્યાએ ચાંચ મારી જાય તો એને સ્વ-ભાવિક ઘટના ન જ ગણાય !!

છોટુલાલ જોડે આવી જ ઘટના બની હતી !

રાધેભાભીએ રાત્રે સુવા જતા હતા ત્યારે જ છોટુલાલને કીધેલું કે.. ''શ્રાદ્ધના મહિનામાં અગાશી પર ન સુવાય ! પિતૃઓ કાગના સ્વરૃપમાં પૂરી અને દૂધપાક ખાવા આવતા હોય છે એને તમે નડશો ! પિતૃદોષ નહીં નડતો હોય તો પણ નડવા માંડશે !'

આપણે પિતૃઓને નડીએ તો પિતૃઓ આપણને નડે જ ! આને અરસપરસનો વ્યવહાર કહેવાય !!

પત્નીની વાત ન માનનારા પતિઓ જોડે આવું જ થતું હોય છે ! છોટુલાલે પત્નીની વાત ન માની અને પિતૃએ આવી ને ચાંચ મારી ! આને બે બાજુથી માર પડયો કહેવાય !!

પત્નીની સલાહને ખોટી પાડવાની દરેક પતિઓને રીતસરની ઉતાવળ જ હોય છે ! છોટુએ પણ વાઇફને ખોટી સાબિત કરવા કાગડાને ઈગ્નોર માર્યો અને કાગડો શું કરી લેવાનો એમ વિચારીને વટભેર પાછા સુઇ ગયા ! સેફટી ખાતર ચાંચ ફરીથી ના વાગે એટલે ચાદર ઓઢી લીધી !

ચાદર ઓઢતા તો ઓઢી લીધી પણ અંદર બીક લાગવા માંડી ! પિતૃ તરીકે કોણ આવ્યું હશે ?! બાપુજી આવ્યા હશે કે દાદા ?! કે પરદાદા ?!

પાછલી સાત પેઢીમાંથી કોઇ પણ હોઇ શકે ? ફૂલ ચાન્સ બાપુજીનો જ છે ! એ તો હતા ત્યારે પણ બહુ કીટ કીટ કરતા હતા ! જીવ્યા ત્યાં સુધી છોટુલાલ ચાલીસના થયા ત્યાં સુધી એમને દસ વર્ષનો નાનો કિકો જ સમજેલો.. હજુ એમણે છોટુલાલની આંગળી છોડે બે જ વર્ષ થયેલાં ! એ તો જીવતે જીવત પણ છોટુને છોડતા નહીં ! એમના ગયા પછી એમના ફોટાને જોઇને પણ છોટુલાલ બી જતા !

ફોટા ઉપર એમણે પડદો લગાડી રાખેલો ! તો પણ છોટિયાને બાપુજીની એટલી બીક લાગતી કે બાપુજી હમણાં પડદા પાછળથી નીકળશે.. અને હાથમાં પકડેલી રાઇફલ ફોડીને પાછા અંદર જતા રહેશે !! શ્રાદ્ધના મહિનામાં પિતૃ આમ ગુસ્સે ભરાઇને પુત્ર-રોષમાં મર્ડર કરીને જતા રહે તો એમના પર ગુનો પણ કયો લગાડવો ?! આને પિતૃદોષના રોષનો પુત્ર ભોગ બન્યો ગણાય !!

શ્રાદ્ધમાં શ્રધ્ધાથી પિતૃ તર્પણ થાય તો સારી અને પુણ્યની વાત છે પણ ઘણા તો પિતૃદોષની બીકના માર્યા વિધિ કરતા હોય છે ! જીવતા હોય ત્યારે ુપુરીબનાવીને ક્યારેય ખવડાવી ન હોય ! એમના ગયા પછી દૂધપાક-પુરી બનાવીને પીરસવામાં આવતા હોય છે ! આવા પુત્રોને પિતૃ ચાંચ ન મારે તો બીજું શું મારે ?!

છોટુલાલના બાપુજીને પોળના લોકો બાલુ બંદૂક તરીકે ઓળખતા ! એમની પાસે રાઇફલનું લાઇસન્સ હતું ! એક ગોળીની રાઇફલ એમણે વસાવેલી ! બસ આ એક ગોળીની રાઇફલના ભરોસે પોતાની જાતને રાજા જ માનતા ! કલોલમાં ફોટોગ્રાફરની એક જ દુકાન હતી.. બાલુ બંદૂક એ ફોટો શોપમાં અઠવાડિયામાં પાંચ વાર રાઇફલ અને પાઘડીઓ લઇને પહોંચી જતા !! ફોટોગ્રાફરની મુખ્ય આવક જ બાલુ બંદૂકની આ રાઇફલ ફોટોગ્રાફી પર નિર્ભર હતી !!

બાલુકાકા હતા ત્યાં સુધી છોટુલાલ શિસ્તમાં જીવેલા ! બે વર્ષ પહેલાં બાલુકાકા ગયા કે છોટિયાની સ્પ્રિંગ ઊછળી ! કોઇને ગાંઠતા જ નહીં !

'બાપુજી આવ્યા હશે તો આવી બન્યું ! માંડ સ્પ્રિંગ ઊછળતી કૂદતી થઇ છે પાછી ચોંટી જશે ! ચાંચ પરથી તો બાપુજી એક અગેઇનના જ એંધાણ દેખાઇ રહ્યા છે !!'

'ઊઠો.. આઠ વાગ્યા !''

ચાદરમાં છુપાયેલા છોટુલાલ ગભરાઇ ગયા !

'કાગડો બોલે છે !! બાપુજી તો બરાબરના બગડયા લાગે છે ! પણ બાપુજીનો અવાજ કેમ સ્ત્રી જેવો થઇ ગયો ! કદાચ બાપુજી કાગના સ્ત્રીલિંગ અવતારમાં આવ્યા લાગે છે !'

'આજે બાપુજીનું  શ્રાદ્ધ  છે ભૂલી ગયા !!'

'લે તારીની આ તો જબરું કહેવાય ! ખુદ બાપુજી જ શ્રાદ્ધનું યાદ દેવડાવવા આવ્યા લાગે છે ! હું તો ભૂલી ગયો ! હવે બાપુજી ચાંચ મારી મારીને આખી ટાલ ખોદી નાંખશે !!'

ચાદરની અંદરથી જ છોટુલાલે માફી માંગી ! આટલી મોટી ભૂલ થઇ હોય તો બાપુજીને મોઢું પણ કેવી રીતે બતાવાય !!

'ભૂલ થઇ ગઇ બાપુજી ! આવતા શ્રાદ્ધમાં આવું નહીં થાય ! એક કામ કરો કાલે ફરીથી આવજો હું ફૂલ ડીશ બનાવીને રાખીશ !! પણ પ્લીઝ ચાંચ ન મારશો ! તમને બિરજુ બાના સમ છે !!'

જોરથી ચાદર ખેંચાઇ ગઇ ! સામે રાધેભાભી કાગવાસનો થાળ લઇને ઊભા હતા !

'બિરજુ બાનું શ્રાદ્ધ પરમ દિવસે છે ! આજે બાલુ બાપુજીનું છે !! અને તમને મેં રાત્રે જ કીધેલું કે શ્રાદ્ધમાં અગાશી પર ના સુવા જશો ! લો.. કાગડો ચાંચ મારી ગયો ને !!'

'અરે.. રાધે તું છે !! મને તો એમ કે બાપુજી સાક્ષાત પધાર્યા છે !!'

કાગડો હજુ પાળી પર જ બેઠો હતો !

'તો લો.. બાપુજીને જમાડી દો !!'

છોટુલાલ ચાદર છોડીને ઝડપથી ઊભા થઇ ગયા ને કાગજી સામે વાસ ધરી દીધો ! કાગજીએ ધારી ધારીને છોટુની સામે જોયું પછી રાધેભાભી સામે જોયું ! ગરદન આગળ પાછળ કરી આંખ મિચકારી  અને વાસ જમ્યા  વગર ઊડી ગયો !!

'બાપુજી તો મને ચાંચ મારીને ભૂખ્યા જ જતા રહ્યા !!'

'સસરાજીને ઉપર ગયા પછી પણ વાંધો પડયો લાગે છે !!'

'પડે જ ને ! બાપુજીનો જમવાનો નિત્યક્રમ બાર વાગ્યાનો હતો તું સવારના પહોરમાં આઠ વાગે જ થાળ ધરી દે તો વાંધો તો પડે જ ને ! તારા સફોલામાં પુરી બનાવે છે. ને મારા બાપુજીના શ્રાદ્ધમાં પામોલીનના ભજીયા તળે છે !'

'મારા પપ્પાને તો કંઇ કહેતા જ નહીં ! એમની બે નળી નેવું પોઇન્ટ નવ્વાણું ટકા બ્લોક હતી !! એના માટે હાર્ટ સુધરે એવા તેલમાં જ પુરી તળાય !'

'તારા બાપુજી ઉપર એટેકથી ગયા ને ! ' હવે ઑલિવ ઓઇલમાં બનાવે કે પામોલિનમાં શું ફરક પડે છે !!'

'કેમ શ્રાદ્ધનું  ભોજન જમીને  પાછા ઉપર જવામાં એમને શ્વાસ ન ચઢે !!'

'મારા બાપુજી તો જાણે ઉપરથી નીચે શ્રાદ્ધનું જમવા લિફ્ટમાં આવતા હશે !!'

'સસરાજીનું હાર્ટ બહુ મજબૂત હતું ! એમને પામોલીનની પુરી જમાડીએ તો કોઇ તકલીફ ન પડે ! એમની દવા દારુમાં કેટલા રૃપિયા ખર્ચાયા હતા.. હવે કવર તો કરવા પડે ને !!'

'બાપુજીએ  મને ચાંચ મારીને એમ તને મારવા જેવી હતી !!'

'બાપુજી તો મને એમની દીકરી જેવી ગણતા હતા !! તમે મને હેરાન કરો છો ને એટલે જ તેમણે  તમને ચાંચ મારી છે !! થેંક્સ સસરાજી !!'

કાગજી ફરીથી આવ્યા... જોરમાં પધાર્યા... છોટુના માથામાં ચાંચ ભોંકી ને રાધેભાભીના થાળમાંથી પુરી લઇને  જતા રહ્યા !!

'જોયું..! હવે બાના શ્રાદ્ધમાં પણ આવું જ થશે !! તમે દીકરાઓ સીધા રહેતા નથી ને વહુઓને  બદનામ કરો છો !! થેંક્સ અગેઇન !!'

શ્રાદ્ધનો આખો મહિનો છોટુલાલ પોળમાં હેલ્મેટ પહેરીને ફર્યા !! કોઇએ પૂછ્યું 'છોટુ કેમ હેલ્મેટ ?!' બુધીયો બોલ્યો 'પિતૃ નડે છે !!'
 

Post Comments