Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આરોગ્ય ગીતા- વત્સલ વસાણી

સાવ સાદું છતાં ચમત્કારિક અસર ઉપજાવતું ઔષધ : આદું

પિત્તથી થતાં (ચાલીસ) વ્યાધિને બાદ કરતાં મોટા ભાગના રોગો પર આદું અને સૂંઠ ઉત્તમ ઔષધિ સિદ્ધ થાય છે. તે કબજિયાતને દૂર કરે છે

આપણે ત્યાં વર્ષોથી વ્યાપક રીતે આહાર અને ઔષધ રૃપે આદું વપરાતું રહ્યું છે. આયુર્વેદમાં કન્દ દ્રવ્યોમાં આદુંને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે અને આથી જ કદાચ આપણાં રોજિંદા આહારમાં આદુંને સ્થાન મળ્યું હશે. દાળ, શાક, કઢી વગેરેમાં મસાલા રૃપે આપણે આદું, કોથમીર, લીલા મરચાં, મીઠો લીમડો, લીલું લસણ વગેરે વાપરીએ છીએ.

એ જ રીતે ચટણી કે કચૂંબર રૃપે પણ આદુંનો ઉપયોગ થાય છે. એવા કેટલાય કુટુમ્બ હશે જ્યાં સમજદાર ગૃહિણીઓ જમતી વખતે અથાણાની ડીશમાં આદુ-હળદરની કચુંબર કરી તેમાં થોડું મીઠું અને લીંબુ મેળવી મૂકતી હોય છે. આ પદ્ધતિ આરોગ્યની દ્રષ્ટિએ હિતકર અને ઉપયોગી છે. ભાવપ્રકાશ નામના પ્રસિદ્ધ ગ્રંથમાં આ અંગેનો એક સુંદર શ્લોક પણ છે.

'ભોજનાગ્રે સદા પથ્યં લવણાદ્રૅક ભક્ષણમ્
અગ્નિ સંદીપનં રુચ્યં જિહ્વાકંઠ વિશોધનમ્.'

અર્થાત્ જમતી વખતે ભોજનની શરૃઆત મીઠું કે સિંધવ નાખી આદુંની કતરી ખાવાથી ભોજન પ્રત્યે રુચિ થાય છે, ભૂખ ઉઘડે છે, પાચનશક્તિ સુધરે છે અને જીભ તથા ગળું ચોખ્ખું થઈ જાય છે.

આજકાલ લોકો ભૂખ લાગે ત્યારે નહીં પણ સમય થઈ જાય એટલે જમે છે અને એ કારણે જ અજીર્ણ, પેટના રોગો, પાચન તંત્રની નબળાઈ અને એવા બીજા અનેક રોગોથી પીડાય છે. આથી આવા સમયમાં જમતાં પહેલાં આદુંની કતરીમાં મીઠું અને લીંબુ મેળવીને ખાવાથી ખૂબ જ લાભ થાય છે.

આદુંના ઔષધિય ગુણ

આયુર્વેદમાં આદુંના ખૂબ જ ગુણગાન થાય છે. જે લોકો આયુર્વેદ સિદ્ધાન્તોને સમજે છે અને રોગને મૂળમાંથી જ દૂર કરવામાં માને છે તે સદા દર્દીના 'અગ્નિ'ની ચિકિત્સા કરશે. કેમકે આયુર્વેદમાં મંદાગ્નિ-પાચનતંત્રની નબળાઈને તમામ રોગોનું મૂળ માનવામાં આવેલ છે.

જેનું પાચન નબળું તેને ખાધેલું બરાબર પચતું નથી. ખોરાકનો અમુક અંશ કાચો જ રહી જાય છે. આહારના આ કાચા અંશને આયુર્વેદમાં 'આમ' કહે છે. અને 'આમ' એ તો રોગની ઉત્પત્તિનું મૂળભૂત કારણ છે. આદું પોતાના 'રુચિકર' અને 'અગ્નિ સંદીપન' ગુણથી રોગના મૂળમાં જ ઘા કરે છે.

આથી ઉત્તમ વૈદ્યો પોતાને ત્યાં મોટા મોટા કીંમતી ઔષધો રાખીને રોગ સામે લડતા નથી પણ રોગના મૂળને જાણી તદ્દન સાદા ઔષધોથી પણ એના મૂળમાં ઘા કરી જીતી જતાં હોય છે. આદું (અને સૂંઠ) એવું જ એક અમોઘ ઔષધ છે જેને સમજપૂર્વક દર્દીની તાસીર જાણીને વાપરવામાં આવે તો પરિણામ સુનિશ્ચિત છે.

આદુંને વાયુ તથા કફનું શમન કરનાર કહ્યું છે. આયુર્વેદમાં વાયુના કારણે એંસી અને કફના કારણે વીસ જેટલા વ્યાધિ થાય છે. આ રીતે જોઈએ તો પિત્તથી થતાં (ચાલીસ) વ્યાધિને બાદ કરતાં મોટા ભાગના રોગો પર આદું અને સૂંઠ ઉત્તમ ઔષધિ સિદ્ધ થાય છે.

તે કબજિયાતને દૂર કરે છે. પેટમાં જામેલ મળબંધને તોડીને બહાર લાવવામાં મદદ કરે છે. સ્વાદમાં તીખું અને ઉષ્ણ (વીર્ય) હોવા છતાં ગરમ પડતું નથી. કેમકે એ પચે ત્યારે મધુર બની જાય છે. આદું રુક્ષ છે. રુક્ષ એટલે કે લૂખું-ચિકાશથી વિપરીત. જેમના શરીરમાં કફ અને 'આમ' વિકૃત થાય એના મોંમાંથી-ગળામાંથી ચીકણો કફ નીકળે છે.

શરદી હોય તેમને પણ નાકમાંથી ચીકાશ નીતરે છે. ઘણા લોકોને આમને કારણે ઝાડામાં ચીકાશ આવતી હોય છે. જાજરુ ગયા પછી પાણી નાખવા છતાં મળની ચીકાશ દૂર થતી નથી. આવી સ્થિતિમાં આદુંનો ઉપયોગ કરવામાં આવે તો પોતાના રુક્ષ ગુણથી ચીકાશને દૂર કરશે. અને પાચન સુધારનાર હોવાથી કફ કે આમને થવા યા વધવા જ નહીં દે. લૂખું હોવા છતાં 'ગુરુ' ગુણના કારણે શરીરમાં વાયુને વધારતું નથી.

આદુંનું સેવન કરવાથી જીભ અને ગળું ચીકાશ રહિત એટલે કે સ્વચ્છ થાય છે. આથી જેમનો અવાજ વારંવાર બેસી જતો હોય કે કફના કારણે અવાજ દબાતો હોય તો આદુંનું સેવન કરવાથી સ્વર સારો થાય છે. 'સારક' હોવાથી તે મળ તેમજ દોષને ધકેલીને બહાર કાઢી શકે છે.

આયુર્વેદના આચાર્યોએ આદુંને 'વૃષ્ય' એટલે કે કામશક્તિને પ્રબળ કરનાર પણ કહ્યું છે. કેમકે તેના સેવનથી ધાતુઓનો પરિપોષણક્રમ વ્યવસ્થિત થતો હોવાથી શુક્રધાતુ પણ પૂરતી અને પ્રબળ બને છે. આથી જેમની કામેચ્છા ઘટી ગઈ હોય અથવા શુક્રધાતુની અલ્પતા હોય તેણે આદુંનું લાંબા સમય સુધી વ્યવસ્થિત રીતે સેવન કરવું.

તેના નિયમિત સેવનથી મંદાગ્નિ, અરુચિ, શ્વાસ, શરદી, ફ્લુ, તાવ, આમવાત, કબજિયાત, સોજા અને વાયુ તથા કફથી થતાં રોગો મટે છે. પેટમાં આફરા જેવું થયું હોય, શૂળ નીકળતું હોય, શરીરના કોઈપણ ભાગમાં સોજા આવ્યા હોય તેમાં આદું ઉપકારક સિદ્ધ થાય છે.

જેમના શરીરમાં વાયુ, કફ કે વાત કફ બન્ને દૂષિત થયા હોય, અથવા વધી ગયા હોય તેમના માટે આદું એક ઉત્તમ આહાર અને ઔષધ છે. વર્ષાઋતુમાં, વસંતમા અને હેમંત તથા શિશિર ઋતુમાં આદું ખાવું હિતકર છે. આમ છતાં ઉનાળામાં એટલે કે ગ્રીષ્મ અને શરદ ઋતુમાં આદું ઓછાં પ્રમાણમાં અથવા તો માપસર ખાવું. આ સિવાય જેમને અમ્લપિત્ત થયું હોય, ઝાડા પેશાબ વાટે લોહી વહેતું હોય, દૂઝતા મસા, લોહીવા કે નસકોરી ફૂટવાની તકલીફ હોય,

હોજરીનું ચાંદું થયું હોય, શરીરમાં ક્યાંય પાક થયો હોય કે ઘારાં પડયાં હોય, પેશાબ અટકી અટકીને આવતો હોય, પેશાબમાં બળતરા થતી હોય, પાંડું રોગ થયો હોય, પેટમાં કે ક્યાંય પણ દાહ થતો હોય, સૂકી ખાંસી હોય, કોઢ કે એવા કોઈ ચામડીના રોગો થયા હોય અથવા લોહીનું દબાણ વધી જતું હોય તેવા રોગોમાં આદુંનું સેવન ન કરવું. અથવા તો નિષ્ણાતની સલાહ હોય તે રીતે જ કરવું.

ગુજરાત કફ પ્રધાન પ્રદેશ હોવાથી કફના કારણે થતાં વ્યાધિઓ વિશેષ જોવા મળે છે. શરીદના દરદી તો લગભગ ઘેર ઘેર જોવા મળે છે. શ્વાસ અને ખાંસી પણ આ પ્રદેશનો વ્યાપક વ્યાધિ છે. આથી ગુજરાતમાં આદુંનો પ્રચાર ખૂબ જ વ્યવસ્થિત અને વ્યાપક રીતે કરવો જરૃરી બની જાય છે.

(ક્રમશ:)


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 


 

Post Comments