Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આરોગ્ય ગીતા- વત્સલ વસાણી

આરોગ્યદાયક સંતુલિત આહાર...

અન્નને 'બ્રહ્મ' અને જમવાની ક્રિયાને યજ્ઞારૃપ માની છે. માટે સ્વાદ ખાતર, પરવશ થઈને કે વગર વિચાર્યે જે આવે તે ખાવા લાગવું યોગ્ય નથી

'સ્વસ્થ મનુષ્યને સદાય સ્વસ્થ રાખવા કયો આહાર હિતકારક છે એવા એક પ્રશ્નના જવાબમાં આયુર્વેદના આચાર્યોએ 'નિત્ય પથ્ય' આહાર-દ્રવ્યોનું એક લિસ્ટ આપ્યું છે જેમાં સાઠી કે લાલ ચોખા, મગ, સિંધાલૂણ, આમળાં, જવ, અંતરીક્ષ જળ, ગાયનું ઘી, જાંગલ એટલે સૂકા-પ્રદેશનું માંસ અને મધ વગેરે પદાર્થો મુખ્ય છે.'

આ ઉપરાંત ઘઉં, ગાયનું દૂધ, કૂમળા મૂળા, દાડમ, કાળી દ્રાક્ષ, દોડીની ભાજી, પરવળ, સાકર, મરી અને હરીતકી લેવાની છૂટ આપવામાં આવી છે.

જેમાં છ એ છ રસ આવી જતાં હોય એવા આહાર દ્રવ્યને આયુર્વેદ આરોગ્યદાયક, બલપ્રદ અને પોષક માને છે. 'સર્વદા સર્વ રાસભ્યાસ: બલ કરાણામ્' કરવામાં આવે તો એનાથી બળ અને આરોગ્ય મળે છે. તથા શરીરનું શ્રેષ્ઠ રીતે પોષણ થાય છે. એનાથી વિપરીત એક રસાભ્યાસ. દૌર્બલ્ય કરાણામ્ અર્થાત્ કોઈ પણ એક રસ આવતો હોય એવા દ્રવ્યનું વારંવાર સેવન કરવાથી શરીર દુર્બળ બને છે.

આથી રોજિંદા આહારમાં ગળ્યો, ખારો, ખાટો, તીખો, તૂરો અને કડવો એમ છએ રસ જરૃરી માત્રામાં આવી જાય એવું આયોજન થવું જોઈએ. દુનિયાના તમામ આહાર દ્રવ્યોનો સમાવેશ આ છ રસમાં થઈ શકે છે. સાતમો રસ હજુ શોધાયો નથી. આ છ રસનું એવી રીતે આયોજન થવું જોઈએ જેના સેવનથી શરીરને તમામ જરૃરી તત્વો, બળ તથા પોષણ મળી રહે. અને શરીરના ત્રણે દોષોનું શમન પણ થાય.

આધુનિક દ્રષ્ટિએ સંતુલિત આહાર માટે આપણા રોજિંદા ખોરાકમાં પ્રોટીન, કાર્બો હાઈડ્રેટ, ફેટ, મિનરલ સોલ્ટ અને વિટામિન્સનો સમાવેશ મુખ્ય છે.

માના ધાવણમાં પણ આ બધા તત્ત્વો છે અને એટલે જ ધાવણ ધાવીને બાળક જીવે છે અને વધે છે. દૂધ પ્રાણી જ પદાર્થ છે અને માંસ કે ઇંડા કરતાં પણ દૂધનું પ્રોટીન ચડિયાતું છે.

આધુનિક આહાર યોજનામાંથી જે જરૃરી અને કામનું જ્ઞાાન હોય તેનો જરૃર વિચાર થવો જોઈએ. જોકે આપણી પાસે જે આહાર અંગેની સમજ છે તે પર્યાપ્ત છે. આપણા અથાણાં, પાપડ, ચટણી, કચુંબર અને મિષ્ટાન્ન વગેરે નિયમિત લેવામાં આવે તો પણ એમાંથી તમામ પ્રકારના પોષક તત્ત્વો મળી રહે છે.

આયુર્વેદ પાસે અદ્ભુત આહાર વિજ્ઞાાન અને અચંબામાં નાખી દે એટલી ઊંડી આહાર અંગેની સમજ છે.

દાળ, શાક કે કઢીમાં આપણે જે મસાલા નાખી વઘાર કરીએ છીએ તે પણ એક સંતુલિત અને પોષણયુક્ત આહારનું ઉદાહરણ છે. આમાં મધુર રસ માટે ગોળ કે ખાંડ, ખાટા રસ માટે, કોકમ, લીંબું, દહીં કે છાશ ખારા રસ માટે મીઠું કે સિંધવ, તીખા રસ માટે મરચું, મરી, અજમો, આદું કે લસણ. તૂરા રસ માટે હળદર જેવા મસાલા અને થોડી કડવાશની પરિપૂર્તિ માટે મેથી, રાઈ, મીઠો લીમડો, હિંગ વગેરે દ્રવ્યો પણ ઉમેરી દઈએ છીએ ! આજ રીતે વિવિધ પ્રકારના શાક, અથાણા, મસાલા, ચટણી, કચુંબર, મુરબ્બા વગેરે દ્વારા છ એ છ રસનું અદ્ભૂત સંયોજન અને સંતુલન કરી શકાય છે.

મહર્ષિ સુશ્રુત કહે છે : પ્રાણી માત્રના પ્રાણનો આધાર સમ્યક્ આહાર છે. આહારથી જ દેહ ટકે છે. બળ, આયુષ્ય, તેજ, ઉત્સાહ, પ્રતિભા, સ્મૃતિ, મેઘા, ઓજસ અને જઠરાગ્નિનું સંતુલન....આ બધું આહાર ઉપર નિર્ભર છે. માટે રોજે રોજ લેવાતા આહાર પ્રત્યે સતત સજાગ રહેવું જોઈએ.

ખાધેલા ખોરાકમાંથી પૂરતું પોષણ મેળવવા માટે ભૂખ લાગે ત્યારે અને માપસર જ ખાવું. ઠાંસી ઠાંસીને કે જિહ્વા લોલૂપ થઈને ન ખાવું. આગળ ખાધેલો ખોરાક પચી જાય પછી જ જમવું.

જમતી વખતે આડા અવળા વિચાર ન કરવા. માથા પર ટેન્શન હોય અને ખાવામાં આવતો ખોરાક બરાબર પચતો નથી. અને તેથી જોઈતું પોષણ પણ મળતું નથી.

ઉતાવળે, લૂસ લૂસ કે મનમાં કલેશ થયો હોય તેવી સ્થિતિમાં જમવું નહીં. શાંતિ, એકાંત અને મન પ્રસન્ન થાય તેવા વાતાવરણમાં ખૂબ ચાવીને જમવું. બરાબર ચાવીને ખાવાથી ખોરાક સરળતાથી પચી જાય છે અને પરિણામે જરૃરી પોષણ પણ મળી રહે છે.

ભોજન કરતી વખતે ચિંતા, ગુસ્સો કે કોઈની નિંદા ન કરવી. પ્રસન્ન મનથી તન્મય થઈને જમવું. તરતનો રાંધેલો તાજો જ ખોરાક ખાવો જોઈએ. ગરમા ગરમ અને તાજો ખોરાક ખાવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. જમવામાં રૃચિ અને સ્વાદનો અનુભવ થાય છે તથા ખાધેલો ખોરાક સમયસર પરત જાય છે.

પોતાની ઉંમર, પ્રવૃત્તિ અને પ્રકૃતિને અનુકૂળ હોય એવો અને એટલો જ ખોરાક ખાવો. સ્વાદ ખાતર કે કોઈના આગ્રહથી પેટ તણાય એટલું ખાવું નહીં. પોતાની તાસીરને અનુકૂળ હોય તેટલું અને તેવું જ ખાવું.

આપણા શાસ્ત્રોમાં અન્નને 'બ્રહ્મ' અને જમવાની ક્રિયાને યજ્ઞારૃપ માની છે. માટે સ્વાદ ખાતર, પરવશ થઈને કે વગર વિચાર્યે જે આવે તે ખાવા લાગવું યોગ્ય નથી. યજ્ઞામાં અપવિત્ર વસ્તુની આહૂતિ ન અપાય. માટે આહાર શુદ્ધ, પવિત્ર અને પોષક હોવો જોઈએ.

આહારનો એકલા શારીરિક પોષણની દ્રષ્ટિએ જ વિચાર ન થવો જોઈએ. શરીરની સાથે એ મન અને ચેતના માટે પણ સ્વાસ્થ્યવર્ધક હોવો જોઈએ.

કેટલાક લોકો અસ્વાદ વ્રત અને સંયમના નામે પણ આહાર પ્રત્યે દુર્વ્યવહાર કરે છે. એમને મારી વિનંતી છે : 'થાળીમાં પીરસેલા ખાદ્યપદાર્થો જેમકે મીઠાઈ, કઢી, ભાત, શાક, પાપડ, કોઈ ફરસાણ, રોટલી, પૂરી કે પૂરણ પોળી વગેરેને ચોળી રગદોળીને ન ખાવ. આમ કરવું તે અન્ન પ્રત્યેનો અનાદર અને ગાંડપણ છે.

ભોજન પ્રત્યે જે અનાસક્ત છે, જે માત્ર સાક્ષી છે અથવા તો અન્નને બ્રહ્મ માનીને 'રસો વૈ સહ: એટલે કે એ પરમાત્મા રસ રૃપ છે. બધા રસોમાં એનો જ સ્વાદ વ્યક્ત થાય છે, એમ માનીને જમે છે, આનંદ અને ઉત્સવ સાથે પૂરેપૂરો સ્વાદ લઈને તન્મયતાપૂર્વક જમે છે તે તનથી, મનથી અને ચેતનાથી પણ સ્વસ્થ છે. '

 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments