Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અનાવૃત - જય વસાવડા

ભારત : વિવિધતામાં એકતા કે એકતાની વિવિધતા ?

વિદેશોએ મોટા વિજ્ઞાનીઓ, કવિઓ, કલાકારો, ચિત્રકારો અને તમામ પ્રકારની પ્રતિભાસંપન્ન વ્યક્તિઓ તો પેદા કરી, પણ રહસ્યદર્શી ઋષિ ભારતની મોનોપોલી રહી છે

'ભારતના પૂરા ઇતિહાસમાં એક પણ મોટો (વિશ્વ વિખ્યાત) વિજ્ઞાની નહિ મળે. એવું નથી કે અહીં બુદ્ધિમાન અને કુશળ લોકો પેદા નથી થયા કે પ્રતિભાઓ જન્મી નથી. ગણિતનો તો પાયો જ ભારતમાં રચાયો હતો. પણ આલ્બર્ટ આઇન્સ્ટાઇન અહીં પેદા નથી થયા. ચમત્કારિક રીતે, આ આખો દેશ બાહ્ય ખોજમાં ઉત્સુક જ નહોતો ! 'પર'ની ઓળખને બદલે સ્વયંને જાણવાનું જ એનું એકમાત્ર લક્ષ્ય રહ્યું.
કમ સે કમ દસ હજાર વર્ષથી લાખો-કરોડો લોકો સતત એક જ પ્રયાસમાં વ્યસ્ત રહ્યા, જેની પાછળ વિજ્ઞાાન-ટેકનોલોજીકલ વિકાસ-સમૃદ્ધિ બધું જ એમણે બલિદાન કર્યું. ગરીબી, બેહાલી, મૃત્યુ પણ સ્વીકારી લીધું, પણ સત્યની શોધ કોઈ કીંમતે છોડી નહિ. એને લીધે એક ખાસ પ્રકારનું વાતાવરણ પેદા થયું. વિશિષ્ટ તરંગોનો સાગર જે ચારે બાજુથી આપણને ઘેરે છે.

જો કોઈ ધ્યાની ચિત્ત લઇને અહીં આવે, તો એને એ અદ્રશ્ય 'વાયબ્રેશન્સ'નો સ્પર્શ થાય. હા, ટુરિસ્ટની જેમ આવો તો એ ચૂકી જાવ ! તમે મંદિરો, મહેલો, ખંડેરો ને... તાજમહાલ, ખજૂરાહો અને હિમાલય તો જોઈ લો, પણ ભારત નહિ જોઈ શકો ! અસલી ભારતને મળ્યા વિના જ ભારતમાંથી પસાર થઈ જશો !
કારણ કે, એ (ચૈતસિક ભારત) બધે વ્યાપ્ત હતું પણ તમે એ ઝીલવા જેટલા સંવેદનશીલ નહોતા. એને ગ્રહણ કરવાની ક્ષમતા કે વૃત્તિ ધરાવતા નહોતા. તમે એવું જોઇને આવતા રહ્યા જે ભારતનું ખોયું હતું, આત્મા નહિ ! તમારી પાસે એ અસ્થિકંકાલના ફોટો હશે, એનું આલ્બમ જોઇને ભારતભ્રમણનો સંતોષ લઈ વિચારશો કે ભારતને જાણી લીધું, આ જાતને છેતરવાની વાત છે !

એક આધ્યત્મિક અંશ, સ્પિરિચ્યુઅલ સાઇડ પણ છે. ન તો કેમેરા એનું ચિત્ર ઝીલવામાં, ન તો શિક્ષણ-તાલીમ-વ્યવસ્થા એને પકડવામાં સક્ષમ છે. જર્મની, ઇટાલી, ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ કે કોઈ પણ દેશમાં જઇને તમે ત્યાંના લોકોને મળી શકો. ત્યાં ભૂગોળ-ઇતિહાસ કે અતીતથી સુપેરે પરીચિત થઈ શકો.

પણ જ્યાં સુધી ભારતનો પ્રશ્ન છે, એવું થઈ શકે એમ નથી. જો અન્ય દેશોની જેમ જ ભારતને ગણો, તો પહેલેથી જ ચૂકી ગયા ! કારણ કે, એ દેશોમાં આવું આધ્યાત્મિક આભામંડળ નથી. એમણે એક પણ ગૌતમ બુદ્ધ, મહાવીર, ગોરખનાથ, પતંજલિ કે કૃષ્ણને જન્મ નથી આપ્યો એક પણ કબીર, ફરીદ, દાદૂ (કે નરસિંહ !) પેદા નથી કર્યા. એમણે મોટા વિજ્ઞાાનીઓ, કવિઓ, કલાકારો, ચિત્રકારો અને તમામ પ્રકારની પ્રતિભાસંપન્ન વ્યક્તિઓ તો પેદા કરી, પણ રહસ્યદર્શી (મિસ્ટિક) ઋષિ ભારતની મોનોપોલી છે.

એકાધિકાર છે. કમ સે કમ હજુ સુધી તો છે. (કાલે કદાચ આપણો દંભ અને પશ્ચિમની પારદર્શકતા વધતા ત્યાં પણ પેદા થવા લાગે !)

સદીઓથી આખી દુનિયાના સાધક આ ધરતી પર આવતા રહ્યા છે. આ દેશ દરિદ્ર છે. એની પાસે ભેટ દેવા માટે કશું જ નથી. પણ જે કળાત્મક, સંવેદનશીલ છે, એના માટે આથી વધુ સમૃદ્ધ પ્રજા ધરતી પર બીજે ક્યાંય નથી ! પણ આ સમૃદ્ધિ આંતરિક છે.

જમીન પર કોઈ ક્યાંય પણ પેદા થયો હોય, કોઈ પણ દેશમાં, કોઈ પણ સદીમાં, અતીત કે ભવિષ્યમાં જો એની ખોજ આંતરિક તત્વની છે, તો એ ભારતનો નિવાસી છે. ભારત અને અધ્યાત્મ પર્યાયવાચી છે. ભારત અને સનાતન ધર્મ (દાર્શનિક ધર્મ, કર્મકાંડ નહિ) સમાનાર્થી છે. એટલે ભારતના સંતાનો વિશ્વના ખૂણેખૂણે છે. જ્યારે ઘણા એવા છે કે જે એક દુર્ઘટનાની જેમ ભારતમાં પેદા થઈ ગયા છે. જ્યાં સુધી અમૃતની આ તલાશ એમને પાગલ ન બનાવી દે, ત્યાં સુધી એ ભારતના નાગરિક થવાના અધિકારી નથી !

ભારત એક સનાતન યાત્રા છે. અમૃતપથ છે. જે અનંતથી અનંત સુધી ફેલાયેલ છે. એટલે આપણે કદી - ભારતનો (સુવ્યવસ્થિત, લેખિત, આધારભૂત) ઇતિહાસ નથી લખ્યો. ઇતિહાસ શું લખવાની ચીજ છે ? સાધારણ બે કોડીની રોજીંદી ઘટનાઓનું નામ ઈતિહાસ છે. જે આજ તોફાનની જેમ ઉઠે છે, પણ આવતીકાલે જેનું કોઈ નામોનિશાન રહેતું નથી. ઈતિહાસ તો ધૂળની ડમરી છે. ભારતે ઈતિહાસ નથી લખ્યો. ભારતે તો એ ચિરંતનની સાધના કરી છે, જેમ ચકવા / ચકોર પંખી ચંદ્રને એકીટશ તાકે ! (એટલે જ આવી મનોરમ્ય ઉપમાઓ આપતી વાર્તાઓ ભારતમાં અઢળક છે. માનવ જીવનનો તાગ લેતી, અને અલગ અલગ પરિણામો ખોલતી !)

મારા જેવા લોકો આ જ અનંત યાત્રાના નાના-મોટા યાત્રિક છીએ. ચાહીએ છીએ કે જે સૂતેલા છે એને જગાડી દઇએ. અને ભારત એની આંતરિક ગરિમા તથા ગૌરવને, ખુદની હિમધવલ ઊંચાઈઓને ફરી પ્રાપ્ત કરી લે. કારણ કે, ભારતના ભાગ્ય સાથે પૂરી માનવજાતનું ભાગ્ય જોડાયેલું છે. આ કોઈ નાનીસૂની વાત નથી. કોઈ એક (ભૌગોલિક) દેશની ય વાત નથી.

જો (તત્વદર્શી) ભારત અંધારામાં ખોવાઈ જાય છે, તો માનવીનું કોઈ ભવિષ્ય નથી. જો આપણે ભારતને ફરી એના પંખ આપી શકીએ, આકાશ આપી શકીએ, ફરી એની આંખોમાં સિતારાઓ તરફ ગગનગામી બની ઉડવાની ચાહત ભરી દઇએ... તો આપણે કેવળ એમને નથી બચાવતા જેમનામાં તરસ છે, એમને ય બચાવીએ છીએ જે આજે સૂતેલા છે, પણ કાલ જાગશે અને ફરી ઘેર પરત આવશે !
    
ચોવીસ કેરેટ ગોલ્ડમાં મઢેલા રિયલ ડાયમન્ડ જેવા આ એક એક શબ્દ ઓશો રજનીશના છે. (હુ એલ્સ ?) બડી ઇન્ટરેસ્ટિંગ વાત એમાં છે. ભારતની એક વ્યાખ્યા સિંધુ નદીથી સમુદ્ર સુધીના પ્રદેશની છે. બીજી ધુ્રવ - અગત્સ્યના તારા વચ્ચેના ભૂ-ભાગની છે. ત્રીજી સાંસ્કૃતિક વિધિવિધાનો, ધર્મ, જાતિની છે. ચોથી બંધારણ, સંવિધાનની છે. પાંચમી નાગરિકોની છે.

પણ આ બધામાં પરિવર્તન થયા કરે છે. નકશા અને કાયદાઓ બદલાયા કરે છે. માણસ મરે છે, જન્મે છે, બીજે જાય છે, બીજેથી આવે છે. પણ આ ચૈતસિક, દાર્શનિક, આધ્યાત્મિક, તાત્વિક, ઓર્ગેનિક (પ્રચલિત અર્થમાં ધાર્મિક નહિ) વ્યાખ્યા જ અસલી 'નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ, નૈનં દહતિ પાવક:'' વાળું ચિરંજીવ અમૃતતુલ્ય ભારત છે, અતુલ્ય ભારત છે. જેમાં વિવિધતા કોઈ નબળાઈ નથી કે એક્તા ગૂંથવી પડે. જેમાં વિવિધતા તો બિલિયન એક્સપ્રેશન્સ છે. મોકળાશ અને મુક્તિથી થતી અમાનવીય સ્મિતસભર અનુભૂતિ, અભિવ્યક્તિ.

એટલે જ ભારતનો વારસો અગાઉ પણ લખેલું એમ એપલ જેવો ક્લોઝડ ડોર, એક્સક્લુઝીવ નથી. પણ એન્ડ્રોઇડ જેવો ઓપન સોર્સ છે. ફ્રી ફોર ઓલ ઇકવલ પ્લેટફોર્મ. આ એ કોયડાનો જવાબ છે કે જે વિવેકાનંદને થયેલો કે આ મહાન દેશમાં આટલા વિભાજન અને સંપ્રદાયો કેમ ? અને એનો જવાબ રામકૃષ્ણના મૌન સ્નેહમાં છુપાયેલો હતો. એટલે કે ભારતને સમજીને ઓળખનારા પુરાતન પૂર્વજોએ, ઋષિ-ગુરૃઓએ કોઇ બંધિયાર એકાંગી કાયમી ઓળખનો મોહ જ ત્યાગી દીધો હતો ! એટલે ધર્મને પણ હિન્દુ એવું નામ નહોતું આપ્યું, ન કોઈ સિંગલ ઑથોરિટી એવું ધર્મપુસ્તક. ન ભાષા કે અમુક તમુક વિધિનો ચુસ્ત આગ્રહ. દરેકને પોતપોતાના રસ્તે જે ઇષ્ટ લાગે એમ કરવાનું, જીવવાનું, આસ્થાની પણ ધરાર ફરજ નહિ. ત્યાં ખાનપાન પહેરવેશના બંધન દૂરની વાત છે. બસ, આસક્તિ અને પરિગ્રહના અતિરેકથી દૂર રહીને લીલા માની પસાર થવાનું એટલું જ. બાકી નવીનતાને વધાવવાની અને નવેનવ રસને જાણવા-માણવાના.

અલબત્ત, દરેકનું સ્તર સરખું ન હોઇને સમાજ કાયમ આવા આદર્શમાં જીવી શક્તો નથી. ભારતમાં એટલે શ્રમણધર્મ આવ્યો, વિસ્તર્યો, કર્મકાંડો આવ્યા. નિર્ગુણ નિરાકાર સર્વવ્યાપી અદ્રશ્ય ચૈતન્ય બ્રહ્મમાંથી સગુણ સાકાર ભગવાનોના સ્વરૃપ અને પુરાણો આવ્યા. પ્રકૃતિને બદલે વર્ણવ્યવસ્થાની કૃત્રિમતા વધતી ગઈ. શંકરાચાર્યે એ બધી અસરોને પણ સર્વસમાવેશક હિન્દુ ધર્મમાં (એ નામ આપણી સગવડતા ખાતર) સમાવી. પણ ત્યાં સુધીમાં ધર્મ શબ્દનો અર્થ ન્યાય, નીતિમત્તા, (સત્ય-સુશાસન- અનુશાસનના) નિયમો થતો હતો એ ફરી ગયો હતો. પછી વાર્તારસ વધ્યો. અને સાધનાના શ્રદ્ધાકેન્દ્રો અલગ અલગ મહાકાવ્યોના ચરિત્રો થવા લાગ્યા.

આ બધી કથા લાંબી છે. જે પ્લેટફોર્મ ઓપન હોય એ સ્ટેબલ ઓછું હોય, એમાં વાઇરસ વધુ આવે. પણ એમાં ડેમોક્રેટિક ફ્રીડમ પણ વધુ હોય. તમામ વિરોધાભાસો છતાં ભારત આજે ય અણનમ અડીખમ ટકી ગયું એનું રહસ્ય એનું આ દાર્શનિક આત્મતત્વ છે. જે લાગણી અને સદ્ભાવના સકારાત્મક માળખા પર અજોડ છે. બે ઘડી ટેકનિકલ ડેટા બાજુએ મૂકો. કોમનસેન્સથી પણ ખબર પડે કે વર્ષો સુધી ઇસ્લામિક અને ખ્રિસ્તી શાસકો છતાં, હિંસા કે કાવાદાવા છતાં ભારતની પ્રજાની શ્રદ્ધા કે એની સાંસ્કૃતિક ધારામાં ખાસફેરફારો શક્ય નથી. કારણ કે, ભારત ચોક્કસ વ્યાખ્યાઓની કેદમાં બંધિયાર ધર્મવિચારનું જનક નથી. એટલે પશ્ચિમી ક્રિકેટ કે પેન્ટશર્ટ કે મોબાઇલ કે ઇંગ્લિશ એજ્યુકેશન અત્યંત સહજ રીતે અહીં સમાઈ જાય છે, ઇસ્લામિક ગઝલ, પહેરવેશ, વાનગીઓ પણ. અને અહીં આવેલા અહીંના રંગે રંગાઈ જાય છે. એટલે આટલા આંતરવિરોધો, ભાગલાના જખ્મો, ગુલામી, નિરક્ષરતા, ટકરાવ છતાં મોસ્ટ લિબરલ દેશોમાં ન હોય એટલી હદે અહીં સહિષ્ણુ હિન્દુ 'જીન્સ' અન્ય ધર્મોના ફિલ્મ સ્ટાર્સ, ક્રિકેટર્સ, આઇકોન્સને બેહદ આસાનીથી અને ખરા દિલથી સ્વીકારી લે છે.

કારણ કે, પાછળથી જે ફારસી શબ્દને સંસ્કૃત પ્રત્ય 'ત્વ' લગાડી સુપ્રીમ કોર્ટના અર્થઘટન મુજબ 'વે ઓફ લાઇફ'ની જીવનશૈલીને સમજણ ખાતર 'હિન્દુત્વ' કહેવાયું - એ જગતના અન્ય ધર્મોથી વિશિષ્ટ છે. કારણ કે, પ્રચલિત અર્થમાં એ ધર્મ નથી. એમાં ટોળાશાહી કે બાવાડમ નહિ, અંગતના એકાંતની કર્મયાત્રાનું જ મહત્ત્વ છે. વીર પરાક્રમી રાજાઓ હોવા છતાં હર્ષ, હેમુ, કનિષ્ક, રણજિતસિંહ, રાજરાજ ચોલ, ચંદ્રગુપ્ત, બાજીરાવ જેવા રાજાઓ કે યોદ્ધાઓ અહીં સતત જનમાનસમાં નથી. પણ રાજ છોડનારા બુદ્ધ એ જ રીતે જીત છોડનારા અશોક થકી ગ્લોબલ છે. ૨૪ તીર્થંકરોએ શસ્ત્ર- સત્તા છોડી એ મહાવીર જેવા અજરાઅમર છે.

એટલે જ કોઈ માર્કેટિંગ ટૂલ વિના દેશદાઝભર્યા આક્રમક ક્રાંતિકારીઓની મોજૂદગી છતાં આપણા બાપદાદાઓ જ નહિ, સરદાર જેવા ફૂટનીતિરૃપ અને ટાગોર જેવા કલારસિક કવિએ પણ ગાંધીને મહાત્મા બનાવ્યા. કારણ કે, ગાંધીના જીવન અને સિદ્ધાંતોમાં પેલા મૂળ અધ્યાત્મિક ભારતનું પ્રતિનિધિત્વ હતું. એ હદ પ્રચંડ પ્રભાવ બીજા કોઈ નેતા કે સંતનો જગવિખ્યાત થયો કે રહ્યો નથી. આપણે ત્યાં ગાંધી ઓલમોસ્ટ ભારતના પ્રાણતત્ત્વની નજીક પહોંચેલા પણ એમનામાં જે મૂળ ભારતીય નહિ એવું ઉદાર અસરનું 'મર્યાદા' અને 'સંયમ'ના અતિરેકનું ચોખલિયાપણું આપ્યું એમાં મોહનદાસે મોહનના મોરપીંછના થોડા રસિકરંગો ગુમાવ્યા. એટલે સમય જતાં જડતા, શુષ્કતાને લીધે નવી પેઢી વિમુખ બની અને પેલી જનજાગૃતિની પ્રક્રિયા અધૂરી રહી. પણ ગાંધીના ઉદારમતવાદી 'સત્યના પ્રયોગો'ની છાપ હજુ ય ઉંડી છે ને હરીફરી બીજી બધી અણી ને ટણી છોડી ભારતમાં એજ ભાષા ને અભિગમ અપનાવવો પડે છે. કારણ કે એનો સીધો સંબંધ ભારતના- માહ્યલા સાથે છે. એટલે 'ડેટા લિંક' પરફેક્ટ બેસે છે. એ છે : બધાથી ઉપર માનવતા અને અવનવા અલગ અસ્તિત્વનો સ્વીકાર.

ઇનફેક્ટ બંગાળી ઇન્ટલેક્ચ્યુઅલ, રાજનીતિના ધૂરંધર અનુભવી એવા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ૨૦૧૫માં - એમના વતનમાં દુર્ગાપૂજા કરવા ગયેલા ત્યારે એક અદ્ભુત પ્રવચન આપેલું જેમાં એક સંસ્કૃત સુભાષિતમાં વર્ણવેલી વાતનો એમણે ચેતોવિસ્તાર કરેલો. જનસામાન્યમાં રૃઢ અવતારો મંદિરોના ચરિત્રકીર્તનની જ 'એનોલોજી' બનાવીને !

એ વિચાર હતો 'શિવનું વાહન નંદી (બળદ) છે પણ એ જ શક્તિ- દુર્ગાના વાહન સિંહનો ખોરાક છે. ગણેશનું વાહન ઉંદર છે, જે શિવના ગળા અને દુર્ગાના આયુધરૃપે રહેલા સાપનો ખોરાક છે. એ સાપ શિવ-પાર્વતીના જ્યેષ્ઠ પુત્ર કાર્તિકેયના વાહન મોરનો ખોરાક છે !' હિન્દુ ધર્મના દુન્યવી અર્થમાં 'ફર્સ્ટ ફેમિલી' એવા શિવ-પરિવારમાં આ રીતે મેટાફોરિક સિમ્બોલમાં આપણા હેરિટેજમાં પરસ્પર વિરોધી વિચાર, રહેણીકરણી, પસંદગીનું સહ-અસ્તિત્વ છે. કોઈને બદલાવ્યા વિના જ બધાના પ્રેમપૂર્વકના સ્વીકારનું સપનું છે. જે એક ફેમિલી યુનિટની જેમ સ્નેહથી જોડાયેલ રહે, ફરજથી નહિ, અને એમના ડિફરન્સીઝ પરસ્પર કોન્ફ્લિક્ટ ઉભા ન કરે. આંતરિક તિરાડો હોય તો કોઈ ઇમારત મજબૂત રહે નહિ. પણ માનવતા અને આધુનિકતા સિમેન્ટ થકી અલગ- અલગ, કલર, ડિઝાઇન, મટીરિયલનું બિલ્ડીંગ રાખીએ તો ? આફ્ટરઓલ કુદરતમાં 'યુનિફોર્મિટી'નો નહિ 'વરાયટી'નો મહિમા છે ને ! એટલે તો આટલી બધી મલ્ટીકલર સચરાચરની સજીવસૃષ્ટિ કુદરતે રચી છે.

આરએસએસના હેડક્વાર્ટરમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી ગયા. એના ઉપર પાનાઓ ભરીને લખાયું છે. ઠીક છે, એના પોલિટિકલ સમીકરણો બાબતે બહુ ચર્ચા થઈ ને થતી રહેશે. પીઢ કોંગ્રેસી પ્રણવદા એવું બોલ્યા કે, દરેક એનું મનગમતું અર્થઘટન કરી શકે. અમુક અણગમતી વાત મહેમાનધર્મનો વિવેક જાળવી એમણે પ્રત્યક્ષ ન કહી, પરોક્ષ ઉલ્લેખ કર્યો. એવો જ યજમાનધર્મ નિભાવી સરસંઘચાલક મોહન ભાગવતે પણ અમુક વિવાદાસ્પદ વાતોનો ઉલ્લેખ ટાળી ઠાવકું પ્રવચન કર્યું. દેશભક્તિમાં રસ લેનારા નાગરિકોએ બેઉ પ્રવચન સાંભળવા જેવા. ગરિમાપૂર્ણ, મુદ્દાસર, મક્કમ, મોહન ભાગવત હિન્દીમાં બોલ્યા, પ્રણવદા અંગ્રેજીમાં બોલ્યા એમાં - ઇન્ટરનેશનલ મીડિયાનું વધુ કવરેજ મળે, પણ એમનો મેસેજ જ્યાં પહોંચવો જોઈતો હતો ત્યાં ઓછો પહોંચે.

એની વે, આખી વાત સમજવા માટે સાવરકરના હિન્દુત્વ અને ગાંધીના હિન્દુત્વના તફાવતોની તથ્યાત્મક સમીક્ષા કરવી પડે. પણ સંવાદ થયો એ સારું જ કહેવાય. આરએસએસ રાષ્ટ્રવાદી સંગઠન છે. એની આભડછેટ પોતાને ઉદારવાદી કહેવડાવતા મિત્રો રાખે એમાં ઉદારમતવાદ ક્યં રહ્યો ? વાદે વાદે જાયતે તત્ત્વબોધ: ! ડિસ્કશન, ડાયલોગની પહેલ લોકશાહી સમર્થકોએ પહેલા કરવી જોઈએ. વાજયેપી અને મોદીના કાળમાં સંઘની પણ જૂની વાતોમાં ઘણી નવી બાબતો આવી જ છે.

પણ વોટ્સએપ વાંચીને ઇતિહાસ તજજ્ઞા થઈ જનારાઓને એ ખ્યાલ નથી કે આખો મૂળ મતભેદ શું છે. પ્રણવદાએ ઉલ્લેખ કર્યો એમ 'રાષ્ટ્રવાદ' ઉર્ફે નેશનાલિઝમનું એક જાતિ, માતૃ/ પિતૃ ભૂમિ, ભાષા, ધર્મવાળું સ્વદેશી લાગતું મોડેલ મૂળ વિદેશી છે. યુરોપિયન છે ભારતમાં એ ફિટ કરવામાં આજે ય સખત મહેનત કરવી પડે છે. કારણ કે ભીતરી એકાત્મકતા હોવા છતાં બાહ્ય વૈવિધ્ય એ ભારતના લોહીમાં છે.
તો આખી વાત રસપ્રદ મડાગાંઠ લઈ આવે છે. વર્ષોથી એક પ્રમાણિક સાત્વિક સપનું રાષ્ટ્રીય એકતાનું છે. પણ ભારતના મૂળ મિજાજને એ ઇન્ટીગ્રેશન માફક નથી આવતું. એ ઉપરચોટિયું રહે છે. આઝાદી પછી એક કોશિષ નેગેટિવ ઉદાહરણો ભણતરમાંથી કાઢી પ્રોગ્રેસિવ પેઢી તૈયાર કરવાની થઈ પણ એમાં ડાબેરી ઝોક વધી જતા ધાર્યા પરિણામોને બદલે ગૂંચવાડો વધી ગયો.

ભારત ભૌગોલિક રીતે આગવું છે. પહેલેથી જ સ્વતંત્ર રહ્યું. તમામ ઉત્પાદનની અનુકૂળતા હતી. હૂન્નર હતા એટલે અરબ કે પશ્ચિમની જેમ બહાર નીકળી કે જંગ ચઢવાના ખાસ કારણો નહોતા એટલે પ્રજા ભોળી થઈ અને બધાને આવકારતી થઈ. સામે પક્ષે અન્યો આવે એમ અવનવા આદાનપ્રદાન પણ રાજકીય હૂંસાતુંસી બાદ કરતા થાય. હોસ્ટેલમાં રહેનાર વિદ્યાર્થી કે સંયુક્ત કુટુંબમાં રહેનાર બાળકો બીજાઓની સ્વતંત્રતા- પસંદગી બાબતે વધુ ફ્લેક્સિબલ અને ડિસિપ્લીન બાબતે વધુ ચુસ્ત રહે.

ભારતને એ અનુભવ ઓછો છે. એટલે ક્યાંક દંભ, મિથ્યાભિમાન, આળસ, જૂઠ, ઇગો આવી ગયો.
પણ આવતીકાલ એકતાની છે કે વિવિધતાની ? પ્લુરાલિઝમ યાને અનેકતા સ્વીકારની છે કે

નેશનાલિઝમ યાને અનેકને એકરસ કરવાની છે ? મુખ્ય યક્ષપ્રશ્ન આ છે, જેનો જવાબ કદાચ સત્ય, પ્રેમ, કરૃણા છે !

ઝિંગથિંગ

'આ સંસારમાં જે વ્યક્તિ વિનમ્ર, જીજ્ઞાાસુ, શાંત, દયાળુ, અપરિગ્રહી, સંતુલિત અને એકતા વધારવા માટે પ્રયત્ન કરે છે તે જ મોક્ષના અધિકારી છે.' (ફિલ્મ : 'રેવા'નો સંવાદ)

 

Post Comments