Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અનાવૃત - જય વસાવડા

ગરમીમાં ભટકવાને બદલે ઠંડકમાં બેસીને વાંચવા જેવું છુટ્ટી લિસ્ટ !

જીંદગીમાં એવા લોકો ભટકાશે જે તમારા કોઇ વાંક વિના તમારું નુકસાન કરવા માંગતા હોય, ને તમે ઉશ્કેરાઇને બદલો લેવા ઉત્તેજીત થશો. પણ એવાઓ પર જ ફોકસ થવામાં સમયની બરબાદી છે. એ સમય, એ શક્તિ ખુદને બેહતર બનાવવામાં વાપરો

૧૮ મા વર્ષે પ્રવેશી ચૂકેલો વેકેશન સ્પેશ્યલ વાચનની યાદીનો સિલસિલો જાળવતું આ રહી ઇન્ટરેસ્ટિંગ બૂક્સની યાદી!

(૧) તપીશ : 'ખુદા શું એક પાસેથી લઈ બીજાને આપો છો, તમારી પાસે કંઈ ખૂટે છે તો આવી ચાલ ચાલો છો ?' આવી ખુમારીભરી ગઝલ બીજું તો કોણ લખે ? 'જલન' માતરી સિવાય ? જૈફ ઉંમરે પણ રણકતા કંઠે મુશાયરાઓને એમની અદાયગીથી ડોલાવી દેનાર આ ગુજરાતના ઘરેણા સમા બુઝુર્ગ શાયર થોડા મહિના પહેલા જ એમની મીઠી ફરિયાદો સંભળાવવા - જન્નતમાં ખુદ ખુદા પાસે જતા રહ્યા. પણ એમના ભૂતકાળના અપ્રાપ્ય સંગ્રહોના સંકલન સમી આ થોડા વર્ષ જૂની કિતાબ કદી મરવાની નથી.

કારણ કે, જલનસાહેબે જે લખેલું 'એ બીકે તો સમેટી તું નથી લેતો દુનિયાને, સકળ સૃષ્ટિ મરી જાએ તો તું બેકાર થઈ જાએ !' સાવ સહેલી ભાષામાં અવનવી ફિલસૂફી, દર્દ અને ઇશ્કની બારિશ કરતો આ સંગ્રહ એટલે ય મનલુભાવન છે કે એમાં આરંભે ઘણા સિદ્યહસ્ત સર્જકોએ જલનસાહેબ વિશે અભ્યાસપૂર્ણ લેખ લખ્યા છે. અને ચિરયુવા જલન માતરીની રંગીનીયત તો વાંચો એ પછી ! ઉંમરને પણ કેવી હસીન રીતે વર્ણવે છે !

'હવે પહેલા સમી ક્યાં છે ધગશ, ને જોર ક્યાં પગમાં.... કે વારંવાર હું એની ગલીઓમાં ફરી આવું ! જેબ્બાત ! મજા જ પડે, પણ જો ના પડે વાંચ્યા પછી તો ય જલનસાહેબે ફિતૂરીથી એમાં લખ્યું છે : 'ગમે ના સૌ કવન, તો માફ કરજો એક બાબત પર, ખુદા જેવા ખુદાના ક્યાં બધા સર્જન મજાના છે ?' અને રહસ્યોના પડદા ઉઘાડવા હાક મારવાનું મોટીવેશન આપતા જ જલનસાહેબે વટથી લખેલું : 'તમે પણ દુશ્મનો ચાલો, ઓ મારા સ્નેહીઓ સાથે.... એ કબ્રસ્તાનથી આગળ મને ક્યાં લઈ જવાના છે ?'

(૨) ઇન્ડિયા એટ ૭૦ : રોશનબહેન દલાલ ભારતની વિખ્યાત 'ઋષિ વેલી' સ્કૂલમાં હિસ્ટ્રીના ટીચર. ભારતમાં આઝાદી વખતે એટલા ભેદભાવ ને રક્તપાત સપાટી પર આવ્યા, કે એ વખતના વડીલોએ આગ ઠારવા ભૂતકાળપ્રેમી પ્રજા માટે ઇતિહાસની અણી-ટણી કાઢીને એ મઠારીને મૂક્યો.

એમાં પછીથી ડાબેરીકરણ અને ભગવાકરણના બે અંતિમો એવા ઘુસ્યા કે આઝાદી પછીનો તો તટસ્થ ઇતિહાસ વાંચવો એ ઐતિહાસિક ઘટના ગણાય ! રામચંદ્ર ગુહાએ ક્રોનોલોજીકલ હિસ્ટ્રી લખી એ પોલિટિકલ એંગલથી. પણ ટીનએજર્સ અને ચિલ્ડ્રનને મજા પડે એમ આધુનિક- આઝાદ ભારતનો ઇતિહાસ ન લખાય ? જેમ કે, ૧૯૭૫ની સાલ 'શોલે'થી શરૃ થાય અને ૨૦૧૧ વર્ણવવા માટે ધોનીનો વર્લ્ડ કપ ! બસ, આવી જ રીતે આ 'ઇન્ડિયા એટ સેવન્ટી' પુસ્તક તાજું બહાર પડયું છે.

એંગલ એવો છે કે માત્ર રાજકારણની ઘટના કે કુદરતી આફતોને આર્થિક સફળતાઓ- એ જ ઇતિહાસ નથી. કળા, રમતગમત, સાહિત્ય, સંગીત પણ માનવજીવનની દાસ્તાનોના રસિક પ્રકરણો છે. ભારતના ૧૯૪૭ થી ૨૦૧૭ સુધીનો સડસડાટ વાંચી શકાય અને 'ઓહો !' ઇફેક્ટ વાળી અવનવી ઇન્ફર્મેશન મળતી જ રહે એવો આ મસ્ત હિસ્ટ્રી બૂક છે. ન્યુટ્રલ, એક્યુરેટ, વિથ ગ્રાફિકલ ઇન્ફોર્મેશન.

(૩) ઓરિજીનલ્સ : 'જે લોકો ઓરિજીનલ છે, એ જ આપણને આગળ લઈ જાય છે. મતલબ, બીજાને નકલ કરવાને બદલે કે બીજાઓ શું કરે છે એની સતત પંચાત કરવાને બદલે ખુદની કશીક આગવી પ્રતિભા નિખારી નવું સાહસ કરનારાઓ. વર્ષોના અનુભવે એટલી ખબર પડે કે એમના અનુભવો આપણાથી અલગ નથી હોતા. એ સકસેસફુલ લોકો પણ આપણી જેમ જ ડર ને શંકા અનુભવે છે. પણ એ અલગ એટલે તરી આવે છે કે, ધે ટેક એક્શન એની વે. એ તો ય પ્રયાસ કરે છે કશુંક કામ કરી બતાવવાનો. અંદરખાનેથી એ લોકો જાણે છે કે નિષ્ફળતાના દુ:ખ કરતાં પ્રયત્ન જ ન કરીને બેઠાં રહેવાનું દુ:ખ મોટું હશે !'

આવા અદ્ભુત શબ્દો જે બૂકમાં લખાયા હોય એવું વાચન એ જ સફળતા માટેની જ્ઞાાનશિબિર ! એડમ ગ્રાન્ટની 'ઓરિજીનલ્સ' બૂક તરફ ઇન્સ્ટન્ટ અનુવાદકોનું ધ્યાન નથી ગયું. પણ આધુનિક સેલિબ્રિટીઓ સાથેના જીવંત સંપર્ક બાદ તદ્દન મૌલિક નિરીક્ષણો સાથે લખાયેલી આ ચોપડી એકાઉન્ટસના ચોપડા બદલાવી શકે એવી છે.

ફિલપકાર્ટના બંસલ બંધુઓ કેવી રીતે અબજપતિ થયા, એ સાથે જ સમજવા જેવું છે કે નવા ડિજીટલ યુગમાં આવી સકસેસ સ્ટોરીઝની રેસિપીઝ શું છે ! સ્ટીવ જોબ્સ જેવા માણસે કયાં થાપ ખાધેલી ને પોતાની સાચી ટીકા ન કરનારાઓને કયા અબજપતિએ ગડગડિયું આપેલું. ઓનલાઇન ચશ્મા વેંચીને કઇ રીતે અબજપતિ બની શકાય અને શા માટે તમે કયું વેબ બ્રાઉઝર વાપરો છો એ તમારી પહેચાન નક્કી કરે ! કોઇ થ્રિલરની જેમ નરેટ થતું ફેક્ટ બેક્ડ-રિસર્ચ બેઝ્ડ મોટીવેશન !

(૪) ગ્યારહવીં - એ કે લડકે : ગૌરવ સોલંકી એવા યુવા હિન્દી સર્જક છે, જે આઇઆઇટીના ટેકનોક્રેટ થયા પછી પણ અનુરાગ કશ્યપ માટે ગીતો લખે, અને જેના આ તરોતાજા વાર્તાસંગ્રહનો ઇન્ટ્રો સુધીર મિશ્રા લખે ! નેચરલી, એમના સ્ટોરી ટેલિંગમાં પછી ફિલ્મ સ્ક્રિપ્ટ જેવી ઝીણી ઝીણી વિઝયુઅલ ડિટેઇલ્સ ન મળે, તો જ નવાઇ ! એવોર્ડ આપ્યા પછી પણ સાહિત્યની સંસ્થાઓએ ગભરાઇને ન દર્શાવેલી આ બૂક બેઝિકલી તો જુવાન અને મહોબ્બતની રસીલીમદીલી વાર્તાઓ છે. પણ જરા હટકે લખાઇ છે. આધુનિક સાહિત્યવિશ્વના એબ્સર્ડ આર્ટ જેવા પ્રવાહોના લસરકા પણ અહીં છે. ઘૂટન અને ચુભનની, બંધન અને ચુંબનની કહાનીઓ છે.

ઓબ્ઝર્વેશન્સ જુઓ : ''મૈં દો બાતો કે લિયે જીંદગીભર પછતાયા, એક, ઉસ દોપહર જંગલી હોકર ઉસે પ્યાર નહીં કરને કે લિયે.. દૂસરી વજહ ભી યહી થી !''... ''મૈંને સુન રખા થા, લડકિયોં કો ખટાઈ પસંદ હોતી હો, ખાને મેં ભી ઔર રિશ્તોં મેં ભી !''... ''કભી કિસી પોસ્ટમોર્ટમ રિપોર્ટ મેં નહીં લિખા ગયા કિ અમુક વ્યક્તિ પ્યાર કી કમી કી વજહ સે મર ગયા !''... ''ઉસ કે મુસ્કુરાને મેં દૂધ કા ઉબાલ થા !''... ''લડકે જબ અપના સારા આત્મસમ્માન ભૂલા કર લડકિયોં કે સામને રોતે હૈ, તો ઉન્હેં બચાકર કિસી સુંદર દુનિયામેં લે જાને કા મન કરતા હૈ. વે લડકે, જો બહુત સે બેહતર કામ કર સકતે હૈ, પ્યાર કર બૈઠતે હૈ ઔર ખત્મ હો જાતે હૈ !'' વધુ લખવાની જરૃર ખરી આ પુસ્તક વિશે ?

(૫) ગુજરાતી પ્રતિનિધિ વિજ્ઞાાનકથાઓ : હા, બે વાર વાંચવું પડે. ગુજરાતીમાં સાયન્સ ફિકશન એટલે રણની રેતીમાં ચોખાની ખેતી ! જયંત નારલિકરે મરાઠીમાં સાયન્સ ફિકશન ટૂંકી વાર્તાઓ સરસ લખી, જેનો ગુજરાતી અનુવાદ થયો. અંગ્રેજી અને અન્ય ભાષાઓમાં તો બેસુમાર વિજ્ઞાાનવર્તાઓ લખાય છે. ટીવી પર પણ જોઇ શકાય એવી સીરિઝ આવે છે 'બ્લેક મિરર' જેવી.

એ સામે ગુજરાતી વિજ્ઞાાનવાર્તાઓનો પણ સંગ્રહ જરાક ફિક્કો લાગે, પણ તો ય પોતીકો લાગે ! મોટી નવલકથા નહિ, પણ નાની-નાની વાર્તાઓ સિદ્ધહસ્તથી નવા લેખકોએ લખી અને રવીન્દ્ર અંધારિયાએ સંપાદિત કરી છે. ફોર એ ચેન્જ, સાહસકથાની સાથે વિજ્ઞાાનકથાની સફરે ઉપડવા જેવું. આફ્ટરઓલ, આપણને જે બાબત માટે બહુ પ્રેમ છે, એ પૈસો સાયન્ટિફિક ઈન્વેન્શનથી મળવાનો છે ને સાયન્સ એજ્યુકેશન માટે કાલ્પનિક વિજ્ઞાાનકથાઓની વધુ જરૃર છે.

(૬) આપણા પ્રાચીન ધર્મો : વયોવૃધ્ધ ઈતિહાસલેખક અને સાચું કહેવામાં લાગણી દુભાવાની સાડીબારી ન રાખતા સંશોધક નરોત્તમ પલાણના આ પુસ્તકનું શીર્ષક છેતરામણું છે. કારણ કે, આ હિન્દુ, ખ્રિસ્તી, યહૂદી, ઈસ્લામ એવા ધર્મોની નહિ પણ આપણી ભારતની સંસ્કૃતિમાં વિકસેલા સંપ્રદાયોના ઈતિહાસની ઝલક છે. અહોભાવની કે શિષ્યભાવની ધાર્મિક દ્રષ્ટિને બદલે હકીકત અને તર્કની સમીક્ષાદ્રષ્ટિથી આ લખાયું છે. વળી એના બેકડ્રોપમાં સૌરાષ્ટ્ર-ગુજરાત છે.

પણ ભારત વિશે વાહવાહી કરીએ, તો જરાક જાણકારી ય હોવી જોઇએ. પાશુપત કે નાથ સંપ્રદાય એટલે શું ? આપણે ત્યાં કેવી બૌદ્ધ પ્રતિમાઓ છે ? જૈન મૂર્તિઓની વાયકા ને વાસ્તવિકતા શું છે ? આપણે ત્યાં બ્રહ્માની મૂર્તિ ક્યાં છે ? સ્કંદ એટલે શિવપુત્ર કાર્તિકેયની પૂજા ગુજરાતમાં હતી ? રામાનુજાચાર્યનું મહાન પ્રદાન શું હતું ? આદ્યશક્તિની આરતી કોણે લખી ? આવા બધા સવાલોના જવાબ ક્વૉરાડૉટકોમ પર નહિ મળે આને માટે આવા પુસ્તકો વાંચવા પડે !

(૭) કેન એન્ડ એબલ : રાકેશ રોશનની 'ખુદગર્ઝ' ફિલ્મ જેના પરથી થોડા અંશે આધારિત હતી એ આ નવલકથા. મૂળ તો બાઈબલની કહાનીનો પ્લોટ. પણ જેફરી આર્ચર જેવા માસ્ટર સ્ટોરીટેલરે એને એવી રીતે ઢાળ્યો કે છપાયાના પહેલા જ અઠવાડિયે દસ લાખ નકલો અને ત્રણ કરોડથી વધુ નકલો ૩૫ વર્ષમાં વેંચાઇ ગઇ. અબજો વાચકો સુધી ૩૭ ભાષામાં પહોંચેલી આ વિખ્યાત સર્જકની સુખ્યાત નવલકથા ગુજરાતીમાં ય સરપ્રાઇઝિંગલી સારી રીતે અનુવાદિત થઇ છે.

જેફરી આર્ચરે ખુદ ૨૦૦૯માં એના પ્રાગટયના ૩૦ વર્ષે એને જરા મઠારીને નવી એડિશન બહાર પાડેલી. એક જ દિવસે બે અલગ - અલગ ખૂણે જન્મેલા લખપતિ કેન અને ગરીબ એબલના સંઘર્ષ અને શત્રુતાના છ દાયકાની રોમાંચક ગાથા એમાં છે. અવનવા પાત્રો ને ચુસ્ત ઘટનાતત્વ એટલું કે શરૃ કરી પછી ઝટ બાજુમાં મૂકી જ ન શકો ! ક્લાસિક બેસ્ટસેલરને  બીજા  વખાણ, લખાણ કે ઓળખાણની જરૃર શી !

(૮) ચોરસ ટીપું : ધીરૃબહેન પટેલ (જેમની વાર્તા પરથી યાગદાર ગુજરાતી ફિલ્મ 'ભવની ભવાઈ' બનેલી) વરિષ્ઠતમ ઉંમરે પહોંચેલા બુઝૂર્ગ ગુજરાતી લેખિકા, પણ કલમમાં સોળ વરસની કન્યાના ખનકતા ઝાંઝર અને લહેરાતા સ્કર્ટ જેવો આધુનિક તરવરાટ. એમનો આ લેટેસ્ટ સંગ્રહ નામથી જ ખાસ્સો ક્રિએટીવ લાગે. સદાય ગોળ રહેતા ટીપાંને આકાર બદલી ચોરસ થવાની ઈચ્છા થાય ને ? બસ, એમ જ અહીં બાળાવાર્તાઓના ફોર્મેટમાં કમ્ફર્ટ ઝોનની લિમિટેશનની બહાર ઠેકડા મારવાની મસ્તી છે. ટૂંકી રસાળ નવતર કથાઓ ઘણું ઘણું શીખવી જાય એવી છે. પાત્રોના નામો ય કેવા ? ધનાધન નામનો છોકરો ને શર્મરામ નામનો કૂતરો ! પ્રિન્ટોલો અને પ્રિન્ટોલી !

એમાં આફ્રિકા ય છે ને પારસીઓ ય છે. જંગલ પણ છે ને નગર પણ. સેમ્પલ જુઓ : કાગડો એક સૂરજને ગરમી લાગે છે એમ પૂછવા ગયો. સૂરજે એની આ પોતાના તરફની નિસબતથી હરખાઇને કહ્યું કે તને હું વરદાનમાં શું આપું ? મૂંઝાયેલ કાગડો કહે 'આ કાળો રંગ બદલાવી દો'. સૂરજ કહે 'બદલાવી દઉં, પણ પછી બધા કાગડા એ જ રંગના થઇ જશે.' કાગડાએ વળી બીજાઓના અભિપ્રાય ને ફરમાઇશ જાણવા એક રાતની મુદત માંગી. એમાં બધાના માથા એટલા મત. ગુલાબી, વાદળી, લાલ એમ કરતા બધા ઝગડી પડયા. પેલા કાગડાનો અવાજ પણ કા...કા...કા...માં સૂરજને સંભળાયો નહિ ને બધા જ કાળા જ રહ્યા ! રમતિયાળ રીતે  ગહેરો મર્મ સમજાવી જતી નાનકડી વાર્તીઓનો  મોટો
આનંદ !

(૯) એ સેન્ચ્યુરી ઈઝ નૉટ ઈનફ : રિટાયર્ડ કે આઉટ ઓફ ફોકસ થયા પછી આત્મકથા લખવાની સીઝન ફરી નીકળી છે. ખરેખર સાચું શું છે એ ખુલીને કહેનારા નવાઝુદ્દીન જેવાની આત્મકથા સચ્ચાઈ પચાવી ન શકતા સમાજમાં પાછી ખેંચાઇ જાય છે. ક્રિકેટર્સમાં જેની વાંચવી ગમે એવા મહેન્દ્રસિંહ ધોનીની સીધી ફિલ્મ જ આવી.

સચીનની કથા એના જેવી જ સ્ટ્રેઇટ ફોરવર્ડ. સંજય માંજરેકર જેવા એની લાઇફમાં કશું જ ન ઉકાળી શકેલા ગુડ ફોર નથિંગ બૉરિંગ ક્રિકેટર્સ પણ ક્રિટિક બનીને આત્મકથા લખે, તો હસવું જ આવે. પણ 'મહારાજ' ગાંગુલીની આ આત્મકથા વાંચવા જેવી છે. ઈંગ્લેન્ડમાં શર્ટ ઉતારીને નવી જનરેશનના કિલર ઈન્સ્ટિંક્ટથી ૨૧મી સદીનું ભારતીય ક્રિકેટ ઘડનાર ગાંગુલીની આ કથામાં એ ૨૦૦૦ની સાલના દસકાનો રિકેપ છે.

ગ્રેગ ચેપલ સાથેની માથાકૂટની વાતો છે. સેહવાગની રમૂજવૃત્તિ જેમ ટ્વીટર પછી ખબર પડી એમ ગાંગુલીની આત્મકથામાં મૉટીવેશનની ઝલક છે. એક જગ્યાએ ગાવસ્કરના ઉદહરણ સાથે એ લખે છે કે '૩૦ મિનિટ જ નેટ પ્રેક્ટિસમાં રહેનાર સનીભાઇ છ-સાત કલાક ટેસ્ટમાં ઊભા રહી શકતા હતા.' એનું કારણ વિઝ્યુલાઇઝેશન. બકૌલ ગાંગુલી, તમે એક્ઝામ ટાઇમ પર નહિ પણ પીસટાઇમમાં શું કરો છો એ અગત્યનું છે.

ત્યારે જીતવાના વિચારો અને તૈયારી કરતા હશો તો આસાનીથી કસોટી પાર કરી જશો. કેપ્ટન ગાંગુલી અંતમાં જીવનના નિચોડ જેવી અગત્યની સલાહ ય આપે છે ''જીંદગીમાં એવા લોકો અચૂક ભટકાશે જે તમારા કોઇ વાંક વિના તમારું નુકસાન કરવા માંગતા હોય, ને તમે ઉશ્કેરાઇને એની સાથે હિસાબ પતાવવા, બદલો લેવા ઉત્તેજીત થશો. પણ જેમના પર ધ્યાન આપવાનું નથી એવાઓ પર જ ફોકસ થવામાં સમયની બરબાદી છે. એ સમય, એ શક્તિ ખુદને બેહતર બનાવવામાં વાપરો. મજા આવશે. જાણીતા થાવ પ્રોફેશનમાં એટલે ટીકાઓ થાય. એ તરફ જાડી ચામડીના બનો તો જ રમી શકો ને જીતી શકો !' વેલ પ્લેયડ, વેલ ટોલ્ડ દાદા.

(૧૦) નૉર્સ માયલોથોલોજી : એવેન્જર્સની સફળતા પછી જ અહેસાસ થયો કે ધરતી પરના સુપરહીરોઝના કોસ્મિક કનેકશનમાં પબ્લિકને વધુ રસ પડે છે. ને બ્રહ્માંડમાં ખેલ રચાય છે થાનોસનો ! જેનું ડાયરેક્ટ કનેકશન થૉરના એસગાર્ડ સાથે છે. આ બધું સીધું કૉમિક્સમાં આવ્યું ? વેલ, નો. આ પ્રાચીન પૌરાણિક કથાઓ જેવી વાર્તાઓનું અસ્તિત્વ સદીઓથી હતું. નોર્ડિક અને દૂરસુદૂરના યુરોપમાં સ્કેન્ડેવિયન દેશોમાં જીવતી પ્રજાની આ બધી દેવતાઇકથાઓ છે, ક્રિશ્ચિયાનિટીના આગમન પહેલાની.

એમાંથી જ યેલ્કિનની મિડલ અર્થ આવી. વ્હેતિયાઓ ને રાક્ષસો, જીવતા જંગલો ને એકાક્ષી દાનવો આવ્યા. થૉર, લોકી અને અપૂર્વ સુંદરી ફ્રિયાની વાત આવી. નીલ ગૅઇમેન જેવા સમર્થ લેખકો એકદમ પ્રવાહી ભાષામાં આ બધી પરીકથા જેવી ગોડકથાઓ લખી છે. બિગિનર્સ ગાઇડ જેવા આ પુસ્તકમાં આપણી જેમ જ ચમત્કારિક લોકવાર્તાઓનો ખજાનો એકઠો થયેલો છે. થૉર સીરિઝની ફિલ્મો અને એવેન્જર્સના ચાહકો માટે તો મસ્ટ રીડ એવી આ રેફરન્સ બૂક છે.

પણ બિલકુલ કંટાળાજનક નથી. એક જાદૂઇ વિશ્વની એક્સાઇટિંગ ટ્રિપ જેવી છે આ બૂક ! ડાર્કનેસનું ધુમ્મસ, પ્રલયની આગ અને વચ્ચે રચાતી મનુષ્ય અને દેવતાઓની પ્રેમ, શૌર્ય, દયા, સ્મિતથી ભરપૂર સ્ટોરીઝ !

(૧૧) સોક્રેટિસથી માર્કસ : જગતનો ઈતિહાસ બદલનાર વિચારક કાર્લ માર્કસને ૨૦૦ વર્ષ પૂરા થયા. સોક્રેટિસે યુરોપના ઘડતરથી આખા પશ્ચિમની આનંદ, કળા, વિજ્ઞાાન, પ્રેમની વિચારધારા ઘડી. વેકેશનમાં એવી કોઇ શિબિર ખરી કે આ વૈશ્વિક વૈચારિક પરિવર્તનોની સમજણ મળે ? સ્વર્ગસ્થ મનુભાઇ પંચોળી 'દર્શક'ના વિદ્વતાપૂર્ણ વ્યાખ્યાનોનો આ નાનકડો પણ મનોમંથક સંગ્રહ એ માટે ઉપયોગી છે. આમાં પ્રવચનો નથી. એના સંકલિત અંશો એવી રીતે છે કે ક્રમબદ્ધ રીતે પશ્ચિમની પૂરી તવારીખ જાણવા મળે, એ ય આપણા ઋષિઓના વારસાના જાણકાર એવા શિક્ષક 'દર્શક'ની પાસેથી ! અને આખી સફર થાય સામાજીક વિચારસરણી ને રાજ્ય, ન્યાયની ક્રાંતિની !

(૧૨) કેળવણીની કવિતા : સ્કૂલનું તો શું રિઝલ્ટ નામ પડે ને કેરીમાં 'કોડી' આવી હોય એમ મન કઠાણું થઇ જાય. ત્યારે આ નાનકડો સંગ્રહ હળવાફૂલ કરે એવો 'વન ઓફ ઈટ્સ કાઈન્ડ' છે. શિક્ષણની થીમ પર ગુજરાતીની નવી-જૂની રસભરી કવિતાઓનો ! વિવેક ટેલર લખે : ''અભણ ઉડે અહીં પ્લેનમાં, પંડિત કાપે ઘાસ... સફળ-વિફળ કૈં છે નહિ, જીવતર છે જ્યાં ભાસ... ચિત્રગુપ્તના ચોપડે માત્ર થશે એ પાસ, જે થૈ મસ્ત જીવે જગે, પામે વૈકુંઠવાસ !'' અનિલ ચાવડા લખે : ''ચાલુ પરીક્ષાએ છોકરાની પાસેથી છોકરીએ માંગી રે પેન, છોકરાને પ્રેમનો આફરો ચડયો ને એની આંખમાં ઉભરાયું ઘેન !'' દક્ષેશ ઠાકરે અવનવી સંવેદનશીલ કવિતાઓ ભેગી કરી છે !  જીવનમાંથી ભણવાનું  શીખવાડતો સંચય !

- ઝિંગ થિંગ -

જીસ્મ તો ખાક હૈ, ખાક મેં  મિલ જાયેગા
મૈં .... કિતાબો મેં મિલૂંગા તુઝે !
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments