Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અનાવૃત - જય વસાવડા

પુરાતન રૃઢિચુસ્ત ધાર્મિકતા માટે પ્રેમ, અને મુક્ત વૈજ્ઞાનિક આધુનિકતા માટેની નફરતથી જેહાદી ત્રાસવાદ પેદા થાય છે !

આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મુસ્લિમોનો જેટલો પડદા પાછળ ને આગળ સેક્યુલર ચહેરો છે. એવો જગતમાં ક્યાંય નથી. આટલા આધુનિક ને માનવતાનો મેસેજ દેનારા જથ્થાબંધ સ્ત્રી-પુરૃષ સ્ટાર્સ / સોંગ રાઈટર્સ-સિંગર્સ / મેકર્સ મુસ્લિમ હોય એવું લિબરલ હોલીવૂડમાં ય નથી ને મુસ્લિમ દેશોમાં ય નથી. આ ભારતની સમન્વય સંસ્કૃતિની લાખેણી સિદ્ધિ છે !

ભારત પાકિસ્તાનની મેચના અરસામાં જ લંડનમાં ભીડવાળા ઇલાકામાં ત્રાસવાદી હુમલો થયો એ સમાચાર જૂના થઇ ગયા. પ્રિયંકા ચોપરાના ડ્રેસ કે કિસાન આંદોલનની ચર્ચામાં એનું ફોલોઅપ પણ ભૂલાઈ જાય. પણ એ આખી માનવજાત માટે કામનું છે.

આઈસીસ ઉર્ફે આઈએસ/ઇસ્લામિક સ્ટેટ જેવા આતંકવાદી સંગઠન માટે કામ કરનારા એવા ત્રણ મુસ્લિમ જુવાનિયાને બ્રિટીશસિક્યોરિટી એજન્સીઝે ઓળખ્યા છે. ત્રણેને સ્થળ પર જ ઠાર મારવામાં આવેલા. એમાં ૨૭ વર્ષનો ખુર્રમ બટ્ટ, ૩૦ વર્ષનો રાશીદ રેડોને અને પાછળથી જેની શનાખ્ત થઇ એ ૨૨ વર્ષનો યુસુફ ઝાગ્બા.

બટ્ટ તો એક્ચ્યુઅલી ૨૦૧૫માં ટેરરિસ્ટ એક્ટીવીટીઝના શકમંદ તરીકે ઝલાઈ ગયો હતો. અમેરિકન એજન્સીને ય એના પર શક હતો પણ કોઈ પુરાવા ન મળતા એની અટકાયત થઇ નહોતી. ઘણી વાર શકના આધારે કોઇને ઝડપી લેવામાં માનવઅધિકારની કાગારોળ મચે છે, પણ સબૂતની લાહ્યમાં પછી આવી રીતે સેંકડો નિર્દોષોના વગર વાંકે જીવ જાય ત્યાં સુધી રાહ જોવી પડે છે ! જો કે, વધુ ભેદી અને રસપ્રદ વાત તો યુસુફ ઝાગ્બાની છે.

યુસુફ મુળ ઇટાલીનો. જન્મ એનો મોરોક્કોમાં.૨૦ વર્ષની ઉંમરે એ એની મા સાથે ઇટાલી રહેવા માટે આવ્યો. સ્થાનિક યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સનું ભણતો હતો. માર્ચ ૨૦૧૬માં એણે તુર્કીના ઇસ્તંબુલથી સીરિયા જવાની કોશિશ કરેલી. ઇસ્લામિક સ્ટેટમાં ભરતી થવા માટે. પણ એ વખતે અમેરિકન સિક્યુરિટી એજન્સીઝે ટિપ આપેલી ઇટાલીને કે મોરોક્કોમાં જન્મેલા અમુક યુવકો ત્રાસવાદી બનવા આઈ.એસ.માં જોડાશે. માટે પોલીસ સચેત હતી.

માટે ઇટાલીના બોલોગ્ના એરપોર્ટ બેકપેકને વન વે ટિકિટવાળા યુસુફને ઝાલી લેવાયો. ગિન્નાયેલા યુસુફે ઓફિસર્સને કહ્યું કે હવે તો હું ટેરરિસ્ટ થઇશ જ. એટલે એનો પાસપોર્ટ અને ફોન જપ્ત કરીને એની મા વેલેરિયા કોલીના (જે નામ પરથી જ ઇટાલીયન લાગે છે, એટલે સંભવત: યુસુફને ઇસ્લામ એના બાપ પાસેથી મળ્યો હોવો જોઇએ)ને પોલીસે બોલાવી.

કોલીનાએ એ વખતે જ ઇટાલીયન પોલીસને ચોંકાવનારૃં બયાન આપેલું ! એણે કહ્યું કે 'હા, આ મારો દીકરો છે અને નથી ! મારો દીકરો જે હતો એ તો ક્યાંક ખોવાઈ ગયો છે, ને આનું તો આખું વ્યક્તિત્વ જ હવે બદલાઈ ગયું છે. જેની મને બીક લાગે છે.

એ આખો દિવસ કોમ્પ્યુટર સામે જ બેઠો રહે છે. અને ભારે વિચિત્ર એવી ચીજો ને વિડિયોઝ ને એવું જોયા કરે છે.' (માઇન્ડ વેલ, સેક્સની બાબતમાં ખાસ્સી છૂટછાટ ધરાવતા ઇટાલીમાં જુવાનિયો કંઇ ઇરોટિક સ્ટફ જોવે એમાં કશું વિચિત્ર ન લાગે કોઇને !) કોલીનાએ એવું ય કહ્યું કે એક વાર એના દીકરાએ એને એવું કહેલું કે 'બસ, સીરિયા જ એવી જગ્યા છે, જ્યાં એ 'પાક મુસલમાન' તરીકે જીવી શકે !' ભડકેલી માએ દીકરાને કહ્યું કે 'બેવકૂફ, સીરિયામાં તો ઘાતકી હિંસા ચાલી રહી છે.

આપણે તો અહીં સુખી છીએ.' તો છોકરો ન માન્યો. એ વખતે ય પોલીસને ધાર્મિક વિડિયો ને ઇસ્લામિક ટેક્સ્ટને એવું એના મોબાઈલમાંથી મળેલું. ઇન્વેસ્ટીગેશન થયું પણ બીજા કશા પુરાવા તો હતા જ નહિ. પણ તો ય ઇટાલીએ યુસુફને શકમંદ ઇસ્લામિક ફન્ડામેન્ટલીસ્ટસના ડેટાબેઝમાં રાખ્યો. એ લંડન ગયો, ત્યારે ઇટાલીયન ઓથોરિટીએ લંડનના લાગતાવળગતા તંત્રને પોટેન્શ્યલ શકમંદ પૂર્વ લંડન આવ્યો છે, એવી જાણ કરેલી.

યુસુફની માના કહેવા મુજબ હિચકારો હુમલો કર્યા પછી મરાયેલા એ ત્રણે મિત્રો હતા. માતા કોલીનાએ આ દુ:ખદ દુર્ઘટના પછી એમ પણ કહ્યું કે 'પેરન્ટ તરીકે ધ્યાન રાખેલું કે એ કોઇ આડીઅવળી સંગતમાં ફસાય નહિ. પણ એક વાર ઇન્ટરનેટ આવ્યું ને બધો કુસંગ, બધુ જડસુ ઝેર ત્યાંથી જ આવ્યું એના દિમાગમાં.' લંડન એટેકના આગલા દિવસે માને યુસુફે અચાનક ફોન કરેલો. માએ ખીજાઈને સંપર્ક તો તોડી નાખેલો, પણ કદાચ ગુડબાય કહેવા કોલ કર્યો હશે.

પણ યુસુફ અને એના જોડીદારોએ જેમને રહેંસી નાખ્યા, એમને તો એમના સ્વજનોને ગુડબાય કહેવા ય થોડું મળ્યું ? ઘાયલોને મદદ કરતી એક ૨૮ વર્ષની નર્સ યુવતીને પણ આ ધર્મઝનૂની રાક્ષસોએ મારી નાખી. કેનેડાથી ફરવા આવેલા યુગલને પણ!

આ અગાઉ લંડનમાં ઇસ્લામિક આતંકવાદી હુમલો જેની કોન્સર્ટમાં થયેલો, જેમાં બિચારા મોટા ભાગના ટીનએજર્સ મરી ગયેલા, એ પોપસિંગરનુ ંનામ એરિયાના ગ્રાન્દે. આ લેખકડાના રેગ્યુલર રીડરબિરાદરોને આ નામ અજાણ્યું નહિ લાગે. કારણ કે, હજુ એ ઘટનાના ત્રણેક અઠવાડિયા પહેલા જ વેકેશનમાં જોવા જેવી વિડિયોઝમાં એનું એક સોંગ સજેસ્ટ થયેલું  એરિયાનાનો આજના જગતભરના ટીન્સમાં એ લેવલનો ક્રેઝ છે, જે વન્સ અપોન એ ટાઈમ મડોનાનો હતો.

હવે એ જમાનો આથમી ગયો એનો, તો ય જૂનીપેઢીમાં જ જે ફ્રીઝ થઇ ગયા છે અને રિયલી પોપમ્યુઝિક ફોલો નથી કરતાં નવું, પણ ખાલી વાંચીને જુવાની પકડવા જાય છે, એ મડોનાના નામ લીધા કરે છે. જ્યારે હકીકતમાં તો લેડી ગાગા ય સિનિયર ગણાય છે આજના યંગથીંગ્સમાં !

એરિયાના ગ્રાન્દેની તો ગજબનાક પોપ્યુલારિટી છે, સૌરાષ્ટ્રની ઇંગ્લીશ મીડિયમ હાઈસ્કૂલમાં ભણતી છોકરીઓ ય યુટયુબ પર એને એન્જોય કરે છે. એક તો એે ડેપ્થવાળો રણકદાર વોઇસ જ ફેસિનેટિંગ છે. બીજું એ કે ફુટડી યુવતી કિલર લૂક્સ એન્ડ શાર્પ બ્રેઇનનું કાતિલ કોમ્બિનેશન ધરાવે છે.

મૂળ પોતે કેથોલિક ઘરમાં જન્મેલી. પણ જુવાન થતા થતા તો ચર્ચના જૂનવાણી ઉપદેશોથી કંટાળીને એ ધાર્મિક લેબલ એણે ફગાવી દીધું ! એરિયાના આજની જનરેશનની ઇન્ડિપેન્ડન્ટ 'દિવા' નો વોઇસ છે. એના સોંગ્સમાં બંધનમાંથી લિબરેશની ગૂંજ ટપકે છે. ફિમલ ફ્રીડમનો ફેમિનિસ્ટ ચળવળના બોરિંગ ઉપદેશો વિનાનો એ લેટેસ્ટ સિમ્બોલ છે. વેસ્ટર્ન વર્લ્ડની મસ્તી અને મોકળાશનો આઈકોન.

અને એટલે જ કટ્ટરવાદી જેહાદીઓના પેટમાં તેલ રેડવાનું જ. કારણ કે, સ્ત્રીના સ્ત્રી હોવા સામે જ એમને તો વાંધો છે. નહિ તો ટ્રિયલ તલાકની વિચિત્ર શરતો ચાલુ રહેત ? બળાત્કારમાં બે સાક્ષી માંગવા જેવા ઉટપટાંગ કાયદાઓ અને વ્યભિચારની સજા જાહેરમાં પથ્થરમારીને 'સંગસાર'થી કરવા જેવા દકિયાનૂસી નિયમો જાળવ્યા હોત ? દરગાહમાં પણ પ્રવેશ માટે અદાલતી અપીલો અને આંદોલનો કરવા પડત ? જંગલીયતભરી રીતે સ્ત્રીઓની પણ અમાનવીય સુન્નત/ખત્ના કરવાની રૃઢિ આજની ૨૧મી સદીમાં પણ જળવાઈ હોત ?

એરિયાના તો ઉઘાડેછોગ આઝાદી અને સેક્સના ગીતો ગાય છે. 'સેકસ્આલિટીને એક્સપ્રેસ કરવી એ એક આર્ટ છે, અને કોઇને એવેલેબલ માનવાનું ઇન્વિટેશન નથી.શોર્ટ સ્કર્ટ સ્ત્રીની મનગમતી ચોઇસ છે, છેડતીને સતામણીનું લાયસન્સ નથી,' એવી ટ્વીટ કરે છે. માદક મ્યુઝિક વિડિયો શૂટ કરે છે. નાચેકૂદે છે. પોલિટિકલી ક્લીઅર ઓપિનિયન્સ આપે છે. અમેરિકામાં આડેધડ ફાસ્ટફૂડ ખાઈને ઓબેસ થતા બાળકોને જોઈ એક વાર કટાક્ષમાં 'આઈ હેટ અમેરિકા' એવું ય એણે પરખાવેલું !

પણ આ 'હેટ' ઇસ્લામિક સ્ટેટ કે અલ કાયદા કે તાલિબાન કે અલગ અલગ નામે ઓળખાતા કટ્ટરવાદી જડબુદ્ધિ મુસ્લિમ સંગઠનોમાં વધુ છે. મોડર્ન વેલ્યૂઝ એન્ડ લાઈફસ્ટાઇલને 'એન્ટી ઇસ્લામિક' ગણીને આવા સંગઠનોમાં ઇસ્લામના નામે ધીમે ધીમે સાચી ખોટી દલીલો માહિતીથી બ્રેઇનવોશ કરી ભણેલા ગણેલા સોફિસ્ટિકેટેડ યુવકોને ત્રાસવાદી બનાવાય છે.

પેટર્ન જુઓ તો અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ બધે જ મોટે ભાગે ઇસ્લામિક આતંકવાદી હુમલાઓ ત્યારે થાય છે, જ્યારે કોઈને કોઈ સેલિબ્રેશન ચાલતું હોય ! પોપ કે રોક કોન્સ્ટર્ટ સોક કે ક્રિકેટ મેચ, મેરેથોન રનિંગ, સ્ટ્રીટ ફેસ્ટિવલ્સ... અરે, તેલ અવીવ, ઇસ્તંબુલ, કુઆલાલુમ્પુરમાં ય ઓરલાન્ડોની જેમ પબ કે નાઇટક્લબમાં એટેક થયેલા છે.

આ તો રેડિકલ ઇસ્લામિસ્ટ ટેરરિસ્ટનો પ્રોબ્લેમ છે. એ ખુદ તો સમયચક્રની પ્રગતિથી કટ ઓફ થઇને જૂનવાણી ઢાંચામાં જીવવા માંગે છે. પણ ધરાર, પરાણે બીજાઓને ય ફરજ પાડે છે એ જ રીતે જીવવાની ! લિબરલ, મોડર્ન, બોલ્ડ કોઈ મુસલમાન પણ હોય તો એમને મન એ ય કાફિર છે, જાની દુશ્મન છે ! લંડન તો મેયર તરીકે મુસ્લિમને ચૂંટે છે.

નવી સંસદમાં પાકિસ્તાની મૂળના ૧૨ સાંસદો છે (ભારતીય મૂળના ય ૧૨ છે !) તો ય આ ઘોઘરબિલાડા ત્રાસવાદીઓને વાંધો છે. કારણ કે, એમને તો ચુસ્ત છઠ્ઠી સદીના સિદ્ધાંતો આદતો મુજબની ઇસ્લામિક રાજવટનો ઝંડો જ આખી દુનિયામાં હિટલરની સનાતન પ્યુરિટન બ્લડની વિચારધારાની જેમ ફેલાવવો  છે ! એમાં નડે, માનવતાની વાત કરે એ બધા દુશ્મન છે.

દુનિયાની દરેક સાંસ્કૃતિક ધાર્મિક પરંપરામાં ઇશ્વરીય મૂર્તિઓ - ચિત્રોનો કળાસમૃધ્ધ વારસો રહ્યો છે. પણ રૃઢિચુસ્ત ઇસ્લામિક વર્ઝનમાં જે તે સમયે 'બૂતપરસ્તી' (જાતભાતના પૂતળાંઓ પૂજવાની અંધશ્રધ્ધા) સામે મોહમ્મદ પયગંબરસાહેબે કરેલો આક્રોશ એવો જડબેસલાક ઠસી ગયો છે કે પ્રોફેટનું કાર્ટૂન તો શું, ચિત્ર પણ બનાવો તો વાત ખૂનામરકી સુધી પહોંચી જ જાય ! શાણા ક્રિએટીવ આર્ટિસ્ટસ એટલે તો ઇસ્લામિક ઇતિહાસ કરતા હિન્દુ-ખ્રિસ્તી ઇતિહાસના ચિત્રો બનાવવામાં વધુ આનંદ અનુભવે છે.

કારણ કે, એમાં ક્રિએટીવ લિબર્ટી છે. કોઈ પણ ચિત્ર કે મૂર્તિને અલ્ટીમેટ ઇશ્વરનો દ્રોહ માનવાની સાયકોલોજી આ યુટયુબના યુગમાં ક્યાં સુધી ચાલે ? પણ બંધિયાર રીતે વર્ષોથી મગજને કાટ લાગી જાય ને નકૂચા હલે નહિ, એવા પરંપરાના તાળાં લગાવી દેવાયા છે.

અરે, અરેબિક અલ્લાહ સામે ફારસી (પર્શિયન) 'ખુદા' શબ્દને ય ગેરઈસ્લામિક ગણવા સુધી વાત પહોંચી ગઈ હોય, સુન્ની ઇસ્લામિક સ્ટેટ ઇરાક-સીરિયામાં માનવસંસ્કૃતિના વારસા જેવા મ્યુઝિયમો (બામિયાનમાં તાલિબાનોએ બુદ્ધપ્રતિમા તોડેલી એમ !) તોડતું હોય, ને શિયાઓને એ કારણોથી ખતમ કરતું હોય ત્યાં પ્રગતિના પવનની લહેરખીઓ કેવી રીતે ફુંકાય ?

હમણાં જ ઇરાનના મોડરેટ (શિયા) આગેવાન આયતોલ્લાહ સિસ્તાનીએ નવી પેઢીની ગેરસમજો ટાળવા પૂરા આદર ડિગ્નિટી-ક્વોલિટી સાથે દોરાય તો મોહમ્મદ પયગંબરનું ચિત્ર દોરવામાં કે પૂતળું બનાવવામાં વાંધો ન હોવો જોઇએ એવું કહ્યું તો હોબાળો થઈ ગયો ! એકદમ આધુનિક બુરખા પર પ્રતિબંધ વર્ષો પહેલાં મૂકનાર તૂર્કીમાં ય હવે હિજાબ-બુરખા-ઇસ્લામિક આદર્શોના ભણકારા વાગી રહ્યા છે ! અલ્લાહ જાને ક્યા હોગા આગે ! પુરાતન પર્શિયન મિનિએચર્સમાં તો પ્રોફેટના જીવનના દ્રશ્યો ય જોવા મળે છે. પણ સાઉદી અરેબિયામાં મજબૂત બનેલા અને જેહાદી ત્રાસવાદની મૂળ સરવાણી જેવા વહાબી ઇસ્લામના વર્ઝનમાં તો પ્રાચીનકાળ જેટલી ય સ્વતંત્રતાને અવકાશ નથી.

સાઉદી અરેબિયા સહિત ગલ્ફના દેશો અત્યારે 'જાડા નરને જોઈને ચડાવો શૂળીએ' જેવું નાટક કતારને ત્રાસવાદને ઉત્તેજન આપતા દેશ તરીકે ઠેરવીને પોતાની જવાબદારી ખંખેરવાનું કરી રહ્યાં છે. કતાર સમૃદ્ધ છે. આર્ટ-સ્પોર્ટસમાં વધુ મોર્ડન છે. અલજઝીરા જેવી ચેનલ ત્યાંથી ચાલે છે. પણ સાઉદી અરેબિયા કે પાકિસ્તાનમાં ટેરરિસ્ટને ફંડ કે મોટીવેશન વધુ મળે છે.

ખરા પ્રતિબંધો તો ત્યાં મૂકવાની જરૃર છે. પણ ત્યાં બધાંને સ્ટ્રેટેજીક હિતો યાદ આવી જાય છે. એટલે કતારને જવાબદાર ઠેરવાય છે. એ ય સંભવિતપણે રશિયન હેકર્સ દ્વારા ફેલાવાયેલા ફેક ન્યુઝ પરથી ! પણ ત્રાસવાદની ફેકટરી જેવા પાકિસ્તાનનું શું ? જ્યાં સ્કૂલના બાળકોને ય બેરહમીથી એણે જ ઉછરેલા ને મોંએ ચડાવેલા ત્રાસવાદીઓ મારે છે ?

આખી દુનિયામાં સીધાસાદા, ફેમિલી લવિંગ, આધુનિક, શાંતિપ્રિય મુસ્લિમોને પણ અળખામણા કરી મૂકનાર આ જેહાદી જડતાનો ઉકેલ આવા થીગડાં જેવા પોલિટિકલ પ્રતિબંધોમાં નથી. આત્મખોજમાં છે. યાદ રાખો, દરેક દેશ કે ધર્મની સાફસૂફી ગમે તેટલી ઇચ્છા છતાં કોઇ બહારનો કરી શકતો નથી.

એ દિશાસૂચન કરી શકે. ટીકાટીપ્પણી કરી શકે. માર્ગ સૂઝવી શકે કે વૈજ્ઞાાનિક નિષ્પક્ષ વિશ્લેષણ કરી શકે. પણ એની સ્વીકૃતિ સામાજીક રીતે મર્યાદિત હોય. ખરી ક્રાંતિ, ખરું પરિવર્તન એ જ ટકે જેમાં સુધારા સ્વયંભૂ ભીતરથી જ આવે.

ઓલ્ડ ટેસ્ટામેન્ટ પછી ન્યુ ટેસ્ટામેન્ટ કોઈ રોમન કે પર્શિયન નહિ, યહૂદી જીસસ રચે એ જ વધુ લાંબો પ્રભાવ પેદા કરે. હિન્દુ ધર્મમાં ય ઘણી બદીઓ, કુરિવાજો, જડતા હતી. આજે ય અમુક છે જ. એને ગપગોળા જેવા તોડેલા મરોડેલા ઇતિહાસથી 'આવું કશું છે જ નહિ, અમે તો બેસ્ટમબેસ્ટ છીએ' એવું માનવાનો નવતર ટ્રેન્ડ આજે ચાલે છે. એ તો રેડિકલ ઇસ્લામની નરી વાનરનકલ છે.

મિરર ઇમેજ છે. જેમ રાજકોટના યુવકો મોબાઇલ-ઇન્ટરનેટથી ભરમાઈને ઇસ્લામિક સ્ટેટના હાથા બની બોમ્બધડાકા કરવા તૈયાર થાય, એ જ હથિયારનો એટલે ચપટીક તથ્યમાં ખોબો ભરીને જૂઠ ભેળવીને મોબાઈલ મેસેજ કે વિડિયોથી મગજ કરપ્ટ કરવાની કુટેવ દેખાદેખીમાં આપણે અપનાવીએ, તો વહેલો મોડો એ બેકાબૂ બનતા ભસ્માસુર આપણને જ ભરખી જાય.

 

પણ હિન્દુ સંસ્કૃતિમાં જે પરિવર્તનની ક્રાંતિ થઇ, એ પ્રયત્નો છતાં અંગ્રેજોથી નથી થઇ. સ્વયં હિન્દુઓએ જ કરી. સેલ્ફ કરેકશનની અદ્ભૂત લોકશાહી હિન્દુ વારસામાં છે. જેમાં કોઇ એક ગુરૃ, ગ્રંથ, વિચારધારા, સિદ્ધાંત, પરંપરા, પૂજાપાઠને સતત વળગી રહેવાનું ફરજીયાત નથી. ઇશ્વરના સ્વરૃપ બાબતે ય ઓપનનેસ છે. એટલે રાજા રામમોહનરાય હોય કે જ્યોતિબા ફૂલે, ગાંધી-સરદાર હોય કે ટાગોર-વિદ્યાસાગર, અખો-નરસિંહ હોય કે રજનીશ-સ્વામી સચ્ચિદાનંદ-હિન્દુ ધર્મમાં ચણભણાટ છતાં આપમેળે સુધારાવાદીઓ સદીઓથી પેદા થતા ગયા છે.

બંધારણના એમેન્ડમેન્ટની જેમ મનુસ્મૃતિ કે એવા કોઈ પણ ગ્રંથ-કર્મકાંડ-વર્ણવ્યવસ્થા સ્ત્રીની મર્યાદા-છૂટાછેડા / વિધવાવિવાહ તમામ ક્ષેત્રે તળિયાઝાટક ફેરફારો આવતા ગયા છે. આ નબળાઈ નથી, વિશેષતા છે. પોતાના જ જૂની ખાપ પંચાયત કે પ્રેમીઓના રાઉડી વિરોધ કરતી ભગવી ઠેકેદારીને ખાસ સમર્થન ન આપે તો ફેનિટેક એલીમેન્ટે ફરજીયાત સુધરવું પડે, કાં ફેંકાઈ જવું પડે.

ઇસ્લામમાં રેડિકલ વર્ઝન વધુ લાઉડ છે, એનું કારણ પણ અહીં છૂપાયેલું છે. રેશનલ અવાજો સ્વયમ ઇસ્લામમાંથી જ ઉઠવા જોઇએ. પહેલાના પ્રમાણમાં ઉઠે ય છે થોડા વધુ. પણ એ હાંસિયામાં ધકેલાઈ જાય છે. પોપ્યુલર મેઈનસ્ટ્રીમ નથી થતા. આધુનિક શિક્ષણને જબરદસ્ત સમર્થન આપવાનું, સ્ત્રીસ્વાતંત્ર્યની પ્રામાણિક (ઉપરછલ્લી નહિ) ચળવળ જૂના નિયમોની ભૂલો સ્વીકારી-સુધારીને ચલાવવાની, વાતેવાતમાં જીંદગી જીવવા બાબતે કે પહેરવા ઓઢવા ખાવા ફરવા ભણવા બાબતે જૂનવાણી સંદર્ભો લીધા કરવાનું છોડવાનું, બદલાતા સાયન્સ એન્ડ ટેકનોલોજીથી પશ્ચિમે કરેલી પ્રગતિથી ઇર્ષા કે અસલામતી અનુભવવાને બદલે એમાંથી શીખીને અંધશ્રદ્ધા કે ઘેટાચાલ ધાર્મિકતા દૂર કરવાની,

સૂફી-ફિતરતની માનવતા અને મહોબ્બત અપનાવવાની, મદરેસા કરતાં સાયન્સ-સિવિલ સર્વિસના રિયલ એજ્યુકેશન પર વધુ ધ્યાન આપવાનું, ધર્મસ્થળોએ પેલા બંગાળના કે દિલ્હીના બદનામ ક્રિમિનલ ઇમામો કરતાં વધુ યુવા, સોફિસ્ટિકેટડે, પ્રોગ્રેસિવ, રિવોલ્યુશનરી એક્સપર્ટસને મૂકવાના - આ બધા જ ફેરફારો સ્વયં મુસ્લિમ સમાજ નહિ કરે, ત્યાં સુધી પારકી શિખામણો ખોટી લાગશે ને ઝાકિર નાયકના ગપ્પામાં હીરોગીરી લાગશે જે ખરેખર વિલન બનાવશે ! માત્ર નિવેદનો આપવાની વાત નથી, રોજના વ્યવહાર-વર્તનમાં ફેનેટિકસને સાવચેત રહી રિજેક્ટ કરતા શીખવું પડશે !

એવું નથી કે આવા મુસ્લિમ અવાજો ઉઠતા નથી. કોઈ ગાયક છોકરી સામે ફતવા બહાર પડે ત્યારે પણ ઉઠે છે. મોહમ્મદ કૈફ કે મોહમ્મદ શમી ટ્વીટર પર ઝનૂની ટ્રોલિયાઓનો રોષ વ્હોરીને ય મોડર્નિઝમનો બચાવ કરે જ છે. આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મુસ્લિમોનો જેટલો પડદા પાછળ ને આગળ સેક્યુલર ચહેરો છે.

એવો જગતમાં ક્યાંય નથી. આટલા આધુનિક ને માનવતાનો મેસેજ દેનારા જથ્થાબંધ સ્ત્રી-પુરૃષ સ્ટાર્સ / સોંગ રાઈટર્સ-સિંગર્સ / મેકર્સ મુસ્લિમ હોય એવું લિબરલ હોલીવૂડમાં ય નથી ને મુસ્લિમ દેશોમાં ય નથી. આ ભારતની સમન્વય સંસ્કૃતિની લાખેણી સિદ્ધિ છે !

એટલે તો પેલા કાશ્મીરી ત્રાસવાદી ઝાકિર મૂસાના આંતરડામાં આંટીઓ પડે છે, ને એ ઇન્ડિયન મુસ્લિમને જોઈએ એટલા પ્રમાણમાં જેહાદને સમર્થન ન આપવા બદલ નમાલા કે બેશરમ કહે છે. ટ્વીટર-વોટ્સએપની શાબ્દિક સટરપટર છોડો. રિયલ લાઇફમાં વિશ્વમાં કોઈ દેશ કરતાં વધુ મુસ્લિમો ભારતમાં છે. બધા જ જો દેશવિરોધી કે જેહાદ-ત્રાસવાદ સમર્થક હોત તો આપણી શેરીઓની હાલત સુદાન-સીરિયા-ગાઝાપટ્ટી જેવી હોત.

ભારતનું મૂળ હિન્દુ ફેબ્રિક જ આધુનિક લોકશાહી માનવમૂલ્યોના સંસ્કારોનું સમર્થક છે. ફિલ્મ-ક્રિકેટ-પોલિટિક્સની મોડર્ન લાગતી મુસ્લિમ સેલિબ્રિટીઝના બાયોડેટા જોજો. મોટા ભાગના સાથે નિકટથી કોઈને કોઈ રીતે મા, પત્ની, મિત્ર તરીકે હિન્દુ/ શીખી/ પારસી ક્યાંક કનેકશનમાં હશે. સૌહાર્દનો સ્પર્શ નફરતની ધાર ઘટાડે છે.

માટે એક બાજુથી આવા પોઝિટિવ બનાવો ને કિસ્સાઓને વધુ હાઇલાઇટ કરી પેલો ખાનગીમાં થતો નેગેટીવ ઇન્ટરનેટિયો પ્રચાર કાઉન્ટર કરવાનો છે. જેથી વાડ પર બેઠેલા મુગ્ધ યુવાનો ખરા અર્થમાં શિક્ષિત બની સાચી ચોઈસ કરતા થાય. બીજી બાજુ ઝોમ્બી રોબોટ જેવા થઈને ત્રાટકતા રિમોટ કન્ટ્રોલ્ડ ત્રાસવાદીઓને એમની જ વાયોલન્સની એમને સમજાતી ભાષામાં ઠમઠોરવાના છે.

અને ત્રીજી બાજુ, જૂના ધર્મગ્રંથ કે સિદ્ધાંત કે આદતોને અફર માનવાને બદલે ખુદના અને જગતના કલ્યાણ માટે એમાં ક્રાંતિકારી પરિવર્તન સ્વયં મુસ્લિમ સમાજે બહુમતીથી લઈ આવવાના છે. મૂળ ચોખ્ખાં નહિ થાય, ત્યાં સુધી ફળ મીઠા નહિ થાય !

ઝિંગ થિંગ

વન્ડરવુમન : ઝટ દોડીને જોવા જેવી, નિર્દોષતા, પ્રેમ મને માનવતાનો મેસેજ મનોરંજક રીતે આપતી ફિલ્મ.
 

Post Comments