Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અનાવૃત - જય વસાવડા

પાણી અંદર ઢેફું પીગળે, એ રીતે પીગળવું'તું
તમને ખાલી મળવું'તું, ભીતરથી ઝળહળવું'તું !

''થંભા થડકે, મેડી હસે, ખેલણ લાગી ખાટ... સો સજણા ભલે આવીયા, જેની જોતા વાટ !'' સાજન પ્રતીક્ષા બાદ આવે છે. અને નાયિકાનું મન બહેકી ઊઠે છે. ભીતર કેવું સળવળ થાય છે, એનું બયાન ઘરના ફર્નિચર કરે છે

Not a red rose or a satin heart.
I give you an onion.
It is moon wrapped in brown paper.
It promises light
like the careful undressing of love.
Here,
It will blind you with tears
like a lover.
It will make your reflection
a wobbing photo of grief.
I am trying to be truthful.
Not a cute card or a kissogram.
I give you an onion.
Its fierce kiss will stay on your lips,
possesive and faithful
as we are,
for as long as we are.
Take it.
Its platinum loops shrink to wedding-ring,
If you like.
Lethal.
Its scent will cling to your fingers.
- Carol Ann Duffy

કાવ્યશાસ્ત્રની જ પ્રોફેસર એવી આ સ્કોટિશ કવિયત્રીની કવિતાનું ઓરિજીનલ ટાઇટલ જ છે : વેેલેન્ટાઇન. પહેલી જ લીટીમાં ટિપિકલ વેલેન્ટાઇન્સ ફીવરનું રિજેકશન છે. હાર્ટ નહિ, રેડ રૉઝ નહિ. કારણ કે, એમાં કશું ય ઓરિજીનલ નથી. એટલે અહીં એક લવર બીજા લવરને આપે છે : ડુંગળી !

કેમ ? ચાંદા જેવો રૃપાળો ગોળાકાર વીંટળાયેલો છે બ્રાઉન કલરના ફોતરાંની ભીતર. પણ કાળજીથી ઉપરની છાલ ઉતારવી પડે. પ્રેમની જેમ જ. સપાટી ઉપર દેખાય, એ તો મેકઅપ અને ડ્રેસિંગ છે. બ્યુટી નહિ. ઉપર ઉપરથી દેખાય એ તો મેનર્સ કે શબ્દો છે. અસલી સ્વભાવ નહિ. જેમ જેમ રિલેશન ડેવલપ થાય એમ લેયર્સ ઉઘડતા જાય છે. વળી, દરેક ઉત્તમ કૃતિની જેમ અહી મલ્ટીપલ મીનિંગ પણ છે. મૂન એટલે લવર્સ પેશન. અનડ્રેસિંગ એટલે પેશનેટ લવમેકિંગ.

પણ જેમ ડુંગળી કાપતા આંખમાંથી આંસુ નીકળે, એમ જ પ્યાર પણ એક તબક્કા બાદ રોવડાવી દે. લવ ઈઝ બ્લાઈન્ડ એ જેટલું પાગલપનના અર્થમાં સાચું છે, એટલું જ સાચું એ અર્થમાં ય છે કે એમાં થતી પીડાના આંસુ આંખમાં ઉભરાઇને પછી જીવનના બીજા દ્રશ્યો ધૂંધળા બનાવી દે છે. એ અર્થમાં ય પ્રેમ અંધ હોય છે ! પછી આપણી જાતને આપણે જોઇએ તો ધુ્રજતા કેમેરાથી વેદનાનો ફોટો પાડયો હોય, એવું જ લાગ્યા કરે !

એટલે જ કાર્ડ-ગિફ્ટસને બદલે ડુંગળી આપવાની વાત કરવામાં આવી છે. જેમ ડુંગળી મોઢામાં મૂકો ને સ્વાદ એનો ઝટ જાય નહિ. એની તીખાશ અને ગંધ લાંબા સમય સુધી અસર છોડે, એવું જ પ્રેમનું છે. ડુંગળીને હોઠના સ્પર્શ જેવા જ પ્રેમના ચુંબનોનો સ્વાદ ઝટ ભૂલાતો નથી. પ્રેમમાં એકબીજા માટેના આકર્ષણમાંથી જન્મતો માલિકીભાવ અને માલિકીભાવમાંથી ટપકતી  વફાદારી લાંબી ચાલે છે. (તો જ એ પ્રેમ કહેવાય ને ?)

વેડિંગ રિંગ સાથે ઓનિયન રિંગ્સને સરખાવીને અહીં કહેવાયું છે કે, આ કમિટમેન્ટ ઓફ લવનું વર્તુળ ઝટ છટકી શકાય એવું હોતું નથી. જેમ હાથમાં ડુંગળીની ગંધ ધોયા પછી ય તરત જતી નથી, એમ પ્રેમનું બંધન બે વ્યક્તિને અદ્રશ્ય રીતે જકડી રાખે છે. અને જેમ છરીની ધાર પર પણ ડુંગળીનો સ્વાદ-ગંધ ચોંટેલા રહે છે, એમ જ જો પ્રેમમાં દગો કે ઓટ આવે તો એના જખમ સતત દૂઝતા રહે છે !

લવની લબ્ઝોંમાં 'મેટાફોર' ઉમેરવાની વાત યુનિવર્સિલ છે. આધુનિક અંગ્રેજી કવિતામાંથી સીધો આપણા દોહા પર કૂદકો મારો : ''થંભા થડકે, મેડી હસે, ખેલણ લાગી ખાટ... સો સજણા ભલે આવીયા, જેની જોતા વાટ !'' સાજન પ્રતીક્ષા બાદ આવે છે. અને નાયિકાનું મન બહેકી ઊઠે છે. ભીતર કેવું સળવળ થાય છે, એનું બયાન ઘરના ફર્નિચર કરે છે : ઘરના થાંભલા ધૂ્રજે છે. મતલબ એટલા જોરથી દિલ ધડક ધડક થાય છે ! રાતના ક્રીડાકેલી માટે પથારી ઉપલા માળની મેડીએ પાથરવાની હોય એટલે રોમાંચથી ખિલખિલાટ હસી પડે છે. અઇને હીંચકો ખેલવા લાગે છે. મતલબ, આનંદના ઉલાળામાં આખું વ્યક્તિત્વ ઝૂલાની જેમ સેલ્લારા મારતું થઇ જાય, એનું નામ પ્રેમ !

વૉટ્સ લવ ? ઈટ્સ ઈન્ટીમેટ સ્પેસ બિટવિન ટુ સૉલ્સ. બે હૈયા વચ્ચે રચાતો એવો ખાનગી પાસવર્ડ પ્રોટેક્ટેડ પ્રદેશ. જેનો પાસવર્ડ છે : એ..સી..ટી. યાને એક્ટ. એ ફોર એટ્રેકશન, સી ફોર કન્સર્ન, ટી ફોર ટ્રસ્ટ. એટ્રેકશનમાંથી જન્મે કોમ્યુનિકેશન. કન્સર્ન લઇ જાય કેર તરફ. અને ટ્રસ્ટ ડેવલપ કરે ટ્રાવેલિંગ ટુગેધર. આ પ્રવાસ બહાર ન પણ થાય. પણ છતાં એકમેકની સાથે થાય.

આઈન્સ્ટાઈનના સ્પેસટાઈમનું સાયન્સ છે. જ્યાં અવકાશ અને સમય એકમેક સાથે જોડાયેલા છે. એક વિસ્તરે ત્યારે બીજું સંકોચાય છે. એટલે જ પ્રેમમાં પેલી પ્રાઇવેટ, ઈન્ટીમેટ સ્પેસમાં જોડે હો, ત્યારે ખબર નથી પડતી  કે સમય ક્યાં પસાર થયો !

સી.એમ. લુઇસ નામ સાંભળીને કંઇ ભણકારા વાગે છે ? એ 'ક્રોનિકલ ઓફ નાર્નિયા' જેવા વર્લ્ડ ફેમસ ચિલ્ડ્રન લિટરેચરના લેખક. એમના પત્ની જોય બોન કેન્સરમાં ૧૩ જુલાઇ ૧૯૬૦ના રોજ ગુજરી ગયા. વિખ્યાત લેખકે એમના લગ્ન કરાવનાર પાદરીને પત્ર લખ્યો, એમાં લખેલું ''આમ જુઓ તો હું મુક્ત થયો. પણ જવાનીના વર્ષમાં એ સમજાતું નથી હતું કે આઝાદી માટે ચૂકવવી પડતી કિંમત એ એકલતા છે. ખુશ રહેવા માટે કઇ બંધનની જરૃર પડે છે !'' અલબત્ત, લુઇસ અને જોય બહુ મોટી ઉંમરે પરણેલા. પરસ્પરના ઈમોશનલ ટુ  ઈન્ટેલકચ્યુઅલ ફ્રીકવન્સી  મેચિંગ પછી જ.

સો, લવ ઈઝ ઓલ એબાઉટ ક્રિએટિંગ એ સેપરેટ સ્પેસ ઓફ ટુગેધરનેસ. આખા વિશ્વને ભૂલવાડી દેતું એક નવું વિશ્વ રચવાનો પડકાર એ પ્રેમ છે. એક બળ છે, જીંદગીને ફના કરતાં કરતાં ફત્તેહના પગથિયાં એક પછી એક ચડતા જવાનું ! જસ્ટ થિંક, નવોનક્કર મોંઘોદાટ સ્માર્ટફોન હોય, પણ એમાં કોઇ સેવ્ડ કોન્ટેક્ટ નથી, કોઇ ઈન્ટરનેટ કનેકટિવિટી જ નથી, તો તેના અસ્તિત્વનો કઇ મતલબ ખરો ? આપણે ફોન સાથે એડિકટેડ થઇ એટલે ચોંટી જઇએ છીએ કે સામે કોઇ વાત કરવાવાળું, હોંકારો ભણવાવાળું છે.

નૉબેલ પ્રાઇઝ વિનર ગેબ્રિયલ ગાર્શિયા માર્કવેઝે સ્પેનિશમાં એક ટનાટન એપિક નોવેલ લખી હતી. ૧૯૮૫માં પ્રગટ થયેલી 'લવ ઈન ધ ટાઈમ ઓફ કોલેરા' (જેના પરથી ૨૦૦૭માં ફિલ્મ પણ આવી) ઉપર ઉપરથી મિલન અને વિરહની બૉય મિટ્સ ગર્લની ટિપિકલ ટેલ લાગે.

પણ હળવે હળવે કહાની ઉઘડતી ચાલે. એમાં અનેક અર્થો હોય, માણસની જેમ વર્તતા ચરિત્રો હોય અને આસપાસના વાતાવરણના સંદર્ભો હોય. જેમ કે, કોલેરા એ એક જમાનામાં વળગીને ભરખી જતા ચેપી રોગનું ય નામ છે, અને એનો એક અર્થ પેશન, ઝનૂન એવો પણ થાય !

નવલકથાનો નાયક ફ્લોરેન્ટીનો પ્રેમમાં પડે છે. ફર્મિના નામની ફૂલ જેવી છોકરીના. પણ છોકરીના બાપની નામરજીને લીધે છોકરી બીજા શહેરમાં જતી રહે છે. સમય જતાં એ પ્રેમને કાચી ઉંમરનું સપનું સમજીને ભૂલી જાય છે. છોકરો ફ્લોરેન્ટીનો ભૂલી નથી શકતો. ફર્મિના એક ડોકટર ઉર્બીનોને મળે છે. જે શ્રીમંત, વિવેકી અને શિસ્તબધ્ધ છે.

એને પરણી જાય છે. ફ્લોરેન્ટીનો દેવદાસ જેવી અવસ્થામાં પ્રેમના ગીતો ગાતો, પત્ર નિહાળતો રહે છે. આજીવન ન પરણવાની જીદે ચડે છે. પણ અનાયાસ સેક્સી લફરાંઓમાં સામે ચાલીને આમંત્રણ આપતી સ્ત્રીઓને લીધે લપેટાતો રહે છે. સમજદાર વફાદાર પતિ બૉરિંગ પણ નીવડે છે. સિમ્બોલિકલી એ કોલેરા રોગના નિર્મૂલન માટે જ રેશનલ સાયન્ટીસ્ટ તરીકે લડે છે. વર્ષો, દાયકાઓ વીતે છે.

લેડી કિલર બનતા જતા અનુભવી ફ્લોરેન્ટીનોની દુનિયાને ઓળખ બનાવી દેખાડીદેવાની જીદને લીધે આર્થિક પ્રગતિ થતી જાય છે. ચોરીછૂપી એના દર્દ અને રોમેન્ટિક પેશનને લીધે સ્ત્રીઓ એના પર મોહિત થતી જાય છે. ઘરડો થાય ત્યાં સુધીમાં એના ૬૨૨ (હા, છસ્સો બાવીસ) સ્ત્રી સાથે શારીરિક સંબંધો રહી ચૂક્યા છે. પણ છતાં ય એ પ્રેમ તો આ તમામ સમય દરમ્યાન જલતી જ્યોતની જેમ માત્ર ફર્મિનાને જ કરતો રહે છે.

શિપિંગ કંપનીનો ડાયરેક્ટર બનવા છતાં પરણતો નથી. અકસ્માતમાં વૃધ્ધ પતિના મૃત્યુ પછી ફર્મિના વિધવા બને છે. અને સાહિત્યમાં ક્લાસિક બનેલી ટૅગલાઇન મુજબ પહેલી વખત પ્રપોઝ કર્યાના ૫૦ વર્ષ, ૯ મહિના અને ૪ દિવસ પછી ફર્મિનાએ કરેલી તમામ ઉપેક્ષા અને અપમાનો ભૂલી બીજી વખત એની સામે બેઉની અવસ્થા ખર્યા પાન જેવી હોય ત્યારે સેકન્ડ ચાન્સ લઇ પ્રેમ પસ્તાવ મૂકે છે !

આ સારાંશ છતાં ય કથા વાંચવા ને માણવા જેવી છે. એક તો એ લવને કેવળ એક્સપ્રેશનને બદલે સિડકશનની આર્ટ તરીકે ય નરેટ કરે છે. છોકરીને વહેલી ખબર પડતી હોય છે કે સામેના પુરૃષથી એ કામુક રીતે મોહિત થઇ જાય છે કે નહિ. અને એ મુજબ એ ફ્રેન્ડ કે ફિયાન્સ જેવા અલગ - અલગ સંકેતો પાઠવે છે. ફીલિંગ બતાવી દેવામાત્રથી એ જનરેટ નથી થતી. સમજાવટ સ્ત્રીની બાબતમાં નકામી, વ્યર્થ સમયની બરબાદી કરતી કસરત નીવડે છે.

એ તો અચાનક સ્પાર્કની જેમ જાગે તો થાય કે પછી સિચ્યુએશન બદલાય ત્યારે મેળ પડે તો પડે. પુરૃષ જેટલો ઘેલો થાય પ્રેમમાં, એના પ્રમાણમાં ઘણી વાર સ્ત્રી સંતુલિત રહે છે. પણ એને બહુ ભોળા, સીધા, લાગણીશીલ પુરૃષો મિત્ર તરીકે ગમતા હોય તો ય પ્રિયજન તરીકે મિસ્ટિરીયસ, હ્યુમન્સ, વાઇલ્ડ, ચાલાક કલાકારો ગમતા હોય છે. અને કોઇકમાં કશીક ખામી કે અધૂરપ હોય, એ ચેલેન્જ લેવમાં એને રસ પડે છે. આમ મેસેજના ય જવાબ ન આપે, પણ એને આકર્ષણ  થાય તો ખેંચીને  લઇ જાય !

પણ જગમશહૂર નવલકથા જે કેટલીય રોમેન્ટિક ફિલ્મોમાં લવ સિમ્બોલ તરીકે પણ વપરાઇ ચૂકી છે, એનો કૉર મેસેજ છે : લવ ઈઝ પેશન મીટ્સ પેશન્સ. કાતિલાના ઝનૂન અને તપસ્યા જેવી ધીરજનો દુર્લભ સંગમ. કેવળ બેમાંથી એક જ હોય એ પ્રેમકહાની યાદગાર બનતી નથી. લવ ઈઝ બેઝિકલી ઈમોશનલ ડિઝીઝ.

ભલે, યુગોથી કવિઓ અને ચિંતકો લાલ ગુલાબની મહેકતી મુસ્કાન ફેલાવતા રહે. અંદરખાનેથી તો પ્રેમ એ લાલ લોહી છે ! વહેતું અને વહેવડાવતું. જેટલા એમાં ચીઅર્સ છે, એટલા જ એમાં ટીઅર્સ છે. ગુલાબ કાંટા વગરના માત્ર બજારમાં વેંચાતા મળે, કુદરતમાં નહિ !

એટલે 'લવ ઈન ધ ટાઈમ ઓફ કોલેરા' ખોંખારો ખાઇ ટ્રેડિશન તોડતી મોડર્ન વાત ઈન્તેઝાર-એ-ઈશ્કના સેન્ટીમેન્ટલ ફોર્મેટમાં કરે છે. એક, પ્રેમ શરીરનો અને મનનો અલગ છે. શારીરિક આવેગ પ્રાકૃતિક છે. શરીરને ભૂખ, તરસની જેમ સેક્સ સતાવી શકે. મોટે ભાગે એ પ્રેમનાં ઓઠાં કે નાટક કે બહાના તળે મળે, એમાં સામસામી ડિગ્નીટી પણ સચવાઇ જાય. પણ ફન, એલીમેન્ટ તરીકે સહશયન કરવામાં પરસ્પર પ્રેમ હોય કે થાય જ એવું જરૃરી નથી. આ કોમ્પ્લિકેટેડ એરિયા છે. ઘણા પુરૃષ પાવરનો ઉપયોગ કરી સ્ત્રીદેહનો કબજો કરવા મથે છે.

ઘણા ચાર્મ એન્ડ વિટના હથિયારોથી ફ્લર્ટ કરીને એ પ્રાપ્ત કરવા મથે. ઘણા છેતરપિંડી કરે. સામે, સ્ત્રીને પણ ગમતા કે જાણીતા પુરૃષના ચિત્તમાં પોતે કેન્દ્રરૃપે રહે એવું પસંદ હોય. એ માટે એ આગળ વધી એવું માને કે પોતે એના દિલોદિમાગમાં છવાઇ જશે. પણ એવું ન થાય, ને પુરૃષ આવેગ શમતા પોતાનામાં મસ્ત થાય, ત્યારે ત્રસ્ત ઝૂંઝલાહટ અનુભવી કાં એ વધુ દીવાની થાય, કાં દુશ્મન થાય. બૉટમલાઇન એ કે સેક્સ એન્ડ લવ જોડે જોડે હોય ને થઇ શકે. પણ બેઉ અલગ છે.

સેક્સસંબંધોમાં પ્લેબૉય બનતા પુરૃષોની ય ફીલિંગ પર કાયમી ધોરણે કોઇના સ્પર્શ વિનાના પણ સ્નેહાળ લાગતા સંગાથના પ્રેમનો કબજો હોઇ શકે છે. લસ્ટ ઈઝ મેનિફેસ્ટેશન ઓફ લવ, ઈટ્સ પોસિબલ ઈન એબસન્સ ઓફ લવ, બટ લસ્ટ ઈઝ નૉટ લવ. બકૌલ માર્કવેઝ, ફ્લોરેન્ટીનો સ્ત્રીઓને સંબંધ રાખવામાં જોખમ નથી લાગતો, કારણ  કે  એનું હૃદય બીજે ક્યાંક છે.

બે, શાયરો ફરમાવી ગયા છે એમ પ્રેમ એક રોગ છે. દવા કે નામ પે દે ઝહર, કિસી ચાસગર (વૈદ) કી તલાશ હૈ. ઈચ્છો નહિ તો ય ઈન્ફેકશન લાગી જાય છે, અને શરદી કે તાવ સહન કરવા પડે છે. અચાનક લીવર-હાર્ટ-કિડનીની બીમારી ઘર કરી જાય કે કેન્સર-પાર્કિન્સન-ડાયાબીટિસ જાગી જાય, એમ પ્રેમ ગમે એટલી ઉજ્જવળ વાતો કરો... જો અધૂરો રહે તો ઉલટો ભીતર વધુ કોરી ખાય છે.

જેમ બહારથી હસતા સ્વસ્થ દેખાતા લોકોને અંદર કયો રોગ વકરે છે એ જોઇ શકાતું નથી, પણ રોગની જેમ એ પ્રાણશક્તિને ઘટાડે છે. ક્ષમતા ઓછી કરે છે. અને એની જોડે જીવતા શીખી જવું પડે છે. ઈશ્ક એક વળગણ છે. જલાયે ન જલે, બૂઝાયે ન બૂઝે. અને સાયન્ટીફિક લૉજીકથી પ્રેમ પૂરો સમજી શકાતો નથી. લવ ઈઝ સસ્પેન્સ સ્ટોરી. ધ મેજીક.

માર્કવેન્ડ 'લવ ઈન ધ ટાઈમ ઓફ કોલેરા'માં લખે જ છે : ઉંમર, વૃદ્ધતા, કરચલી, સફેદ ખરતા વાળ બધી ભૌતિક જગતની વાસ્તવિકતા છે. પણ માણસ સમયની સામે સતત લડત રહે છે. મથતો રહે છે. યૌવન ટકાવવા માટે. અને એનું રસાયણ છે : પ્રેમ ! બહારથી દૂર્બળ, કદરૃપો, થાકેલો, બૂઢો માનવી ભીતર ઝળહળ સુવાસિત હોય એમ પણ બને. પ્રેમ એના આત્માને તરોતાજા અને યુવા રાખે છે. એને અંદરથી છલછલ રાખે છે. માણસે બનાવેલા લગ્ન જેવા સંબંધો સ્ટેબિલિટી માટે છે. પણ પ્રેમ કોમ્પિટેબિલિટી માટે પ્રકૃતિએ ઘડયો છે.

લવ ઈઝ આર્ટ. પણ લવનું સાયન્સ સમજાવતો જગતનો વન ઓફ ધ બેસ્ટ આર્ટિકલ પેડમેનની અસલી રાઇટર - પ્રોડયુસર ટ્વીન્કલ ખન્નાએ લખ્યો હતો ! ટેઇક અ લૂક :

''ચોકલેટ-ગુલાબ-ચ્યુઇંગ ગમથી આગળ મેથીના થેપલા અને ઓનિયન ઉત્તપમની સુગંધો આપણા લવર્સમાં સંયોજાતી રહે છે. પ્રેમના નૃવંશશાસ્ત્રી હેલન ફિશરના મતે ત્રણ તબક્કા છે : (૧) હૂક એન્ડ ફિશ : ટેસ્ટોસ્ટીરોન પુરૃષમાં અને એસ્ટ્રોજન સ્ત્રીઓમાં ઘરની આન્ટીઓ જેવા હોર્મોન્સ છે, જેને ખાનદાનનો વંશ આગળ ચાલતો જોવામાં રસ પડે છે. ૭% તમે કહો એના પર પણ ૫૫% તમારી બોડી લેંગ્વેજ પર એ આધારિત છે. ૪ મિનિટમાં પહેલી મુલાકાતમાં એનો ખેલ શરૃ થઇ જતો હોય છે. ટ્રિનિટી કોલેજના સાયન્ટીસ્ટ મુજબ હાર્ટ નહિ પણ બ્રેઇનના પેરાસિંગ્યુલેટ કૉર્ટેક્સ હિસ્સામાં મેટિંગ પાર્ટનરની  ચોઇસ ફાઇનલ થતી હોય છે.

(૨) સ્નૉર્ટ એ લાઈન : કોઇના મેરેજની સંગીત પાર્ટીમાં ધ લૂંગી ડાન્સર એન્ડ ગર્લ નેક્સ્ટ ડૉર અને પછી ઈવોલ્યુશનના સર્વાઇવલ ઓફ ફિટેસ્ટના ચક્રવ્યૂહમાં ફસાઇ જતા હય છે. તાજાં તાજાં પ્રેમના અંકુરો ફૂટયા હોય એવા સમયે બ્રેઇનમાં મોજ ફેલાવતા ડૉપામાઇન ઑવરડ્રાઇવમાં હોય છે. આ એ જ અવસ્થા છે કે જેમાં કોકેન જેવા ડ્રગ્સ લીધા પછીની કિક આવતી હોય ! 

મતલબ લવ એક નશો તો છે જ. એટલે ઢગલો મેસેજ એન્ડ કોલ્સ, ને ઘડી ઘડી ચાદરમાં આંગળીથી એનું નામ લખવાનું ને મોબાઇલ ઑન કરીને જોયા કરવાનું. પછી પ્રિન્સ ચાર્લ્સ જેવાએ પણ સેકન્ડ વાઇફ કેમિલાને કહેલું એમ એના 'ટેમ્પૂન' બનવાનું ય મન થાય પુરૃષને. હોશોહવાસ જતા રહે બેઉ પક્ષે અને હિન્દી ફિલ્મમાં પાગલની જેમ અથડાતા ફૂલોને યાદ કરો તો સમજાય કે શું થાય !

(૩) હેપીલી ટાઇડ ટુ સિન્કર : માનવજાત કાયમ ડૉપામાઇનના જ સ્ટેજમાં રહેતી હોત, તો તો આ લેખ લખાતો કે વંચાતો ય ન હોત. એટલે બાળક ઉછેરી પ્રગતિ આગળ ચલાવવા માગતી મધર નેચર હોર્મોનલ ઉછળકૂદને શાંત કરી બેન્કિંગ કેમિકલ્સને હરકતમાં લઇ આવે છે. હગ, સેક્સ દરમ્યાન એક્સિટૉસન ઝરે જે એટેચમેન્ટ પેદા કરે અને સેક્સ દરમિયાન ઝરતા વાસોપ્રેસીનથી સલામતીની ભાવના જન્મે જે લાંબા સમયની ફેઇથફુલ રિલેશનશીપનો આરંભ બને. પછી ખટ્ટીમીઠ્ઠી નોંકઝોંક ભેગા થઇ ઉછેરાતા બાળકો ને એ બધું... મોહ-વાસના, આકર્ષણ અને કાયમી એટેચમેન્ટનું બિલિપત્ર એટલે પ્રેમ.

બિલિપત્ર. ઓહ વેલેન્ટાઇન્સ ડેની પૂર્વસંધ્યા તો શિવરાત્રી છે. ૨૦૧૮માં. તમે સંસ્કૃતિના નામે મેસેજ કરનારાને શિવરાત્રી ક્યારે હય એય ખબર ન હોય, ભલે પરાણે માતૃપિતૃદિન ઉજવનારાને વસંતપંચમીએ પ્રેમનો દિવસ ઉજવવાનો લાલચટક ખ્યાલ આવતો ન હોય. શિવ ઈઝ રિયલ રોમેન્ટિક આઈકોન ! સતી બાપનું ઘર છોડી સ્મશાનમાં ય પિયુ મહાદેવ સાથે જોડાય. એક પ્રિયતમને મહેણું મારો તો સીધું અગ્નિકુંડમાં પડતું મૂકી આત્મહત્યા કરે, એવું એને લાગી આવે. અને રૃદ્ર એના મૃતદેહને ખભા પર મૂકીને શિવતાંડવ કરી ને ત્રિલોક ધૂ્રજાવી દે !

આપણી સંસ્કૃતિ તો કામ અને પ્રેમ સાથે રામ અને આરામની જ છે. પણ તાલિબાનો ને વિકટરિયન યુગની આડઅસર ઉગ્ર હિન્દુત્વવાદીઓને ભગવા રંગે રંગવામાં પલાશના કેસૂડાંનો ઉન્માદ ભૂલી જતા હોય, આપણે વેલેન્ટાઇનના ફાગણની ફોરમ શોધવા કાલિદાસના 'કુમારસંભવ' પાસે જઇએ !

કુમારસંભવના ત્રીજા સર્ગનું નામ છે : મદનદહન. કામદેવ અને શિવનું એન્કાઉન્ટર એમાં છે. પણ એ અગાઉ વસંતનું વર્ણન છે. આંબાના ઝાડ પર મૉર આવતા નવા બાણ તૈયાર થયા ત્યાં તો કામદેવના હસ્તાક્ષરની જેમ ભમરાઓ ત્યાં આવ્યા. લાલ રંગની અને બીજના ચંદ્ર જેવી વાંકી કેસૂડાંની કેસરી કળી તો તાજા સમાગમ પછી વનસ્થલીના અનાવૃત દેહ પર વસંતે કરેલા નખક્ષત (રતિક્રીડામાં જોશમાં પાર્ટનરના બાડી પર પડી જતા નખના નિશાન !) જેવી શોભવા લાગી ! આમ્રમંજરીએ સવારના સૂર્યના કિરણને ચુંબન કર્યું ! આંબાના અંકુરોના આસ્વાદથી નર કોયલે જે ટહૂકા કર્યા મનસ્વી સ્ત્રીઓ માટે કામદેવ કોલિંગનું કનેકશન બની ગયું.

પણ પછી કામદેવને તપોભંગના ક્રોધમાં બાળીને ભસ્મ કર્યા બાદ એ જ ભસ્મ પોતાના શરીર પર ચોળીને આપઘાત કરવા માંગતી રતિને દિવ્ય આકાશવાણી કહે છે કે વિયોગની આ ઋતુમાં શરીર સાચવીને રાખ પિયામિલન માટે... જેમ ઉનાળામાં શોષાયેલી નદી ચોમાસામાં ફરી નવપલ્લવિત થાય છે સંગમ માટે !
અને શિવપ્રાપ્તિ માટે તપ કરતી પાર્વતીને ચીડવવા જોગી - બ્રહ્મચારીનું રૃપ ધારણ કરી ત્યાં પહોંચેલા શિવને ઓળખ્યા વિના પાર્વતી ક્રોધિત થઇ શિવના ગુણગાન ગાઇને છેલ્લે કહે છે ''આ ચર્ચાનો કે વાદવિવાદનો વિષય નથી. શિવ ભલે તે સાંભળ્યું એવા હોય.

મારું મન તો એમનામાં એ પ્રેમભાવના રસથી જ લાગ્યું છે. ને આકર્ષણમાં ઉત્તેજીત થઇને વર્તનાર કઇ ટીકાને ગણકારતા નથી !'' આમ કહી આક્રોશને ઉતાવળમાં સ્તન પરથી સરકી જતાં વલ્કલવાળી એ યુવતીએ ત્યાંથી જવા ડગ ભર્યા ત્યાં સ્મિત કરતા શિવ મૂળ સ્વરૃપમાં આવી ગયા.

અને વિશ્વસાહિત્યમાં અદ્ભુત ગણાતું વર્ણન કાલિદાસે લખ્યું. અચાનક મનના માણીગર શિવને સામે જોઇને કંપી ઊઠેલી, પરસેવાથી ભીના શરીરવાળી, ચાલવા માટે જમીનથી અધ્ધર ઉપાડેલા પગ સાથે માર્ગમાં આવેલા પર્વતના અવરોધના કારણે વ્યાકુળ નદીની જેમ 'સ્ટેન્ડ સ્ટિલ' થઇ ગઇ ! ન યયો ન તસ્થો ! ન ચાલી શકી, ન ઊભી રહી !

પ્રેમ બસ આવો જ હોય છે. ન ઉસને કૈદ મેં રખ્ખા, ન હમ ફરાર હો પાયે ! બહારથી ઊભેલી વ્યક્તિ ભીતરથી ચાલતી રહે છે, અને બહારથી ચાલતી વ્યક્તિ ભીતરથી એક નામ, બે આંખમાં કાયમ માટે અટકી જાય છે!

હેપી વેલેન્ટાઇન્સ ડે !

(શીર્ષક પંક્તિ : અનિલ ચાવડા)

- ઝિંગ થિંગ -

પિયુ : હું તને  મારી બાકી બચેલી જીંદગી પ્રેમ કરતો રહીશ.

પ્રિયા : બસ, મારી જીંદગી છે ત્યાં સુધી કર એટલું પૂરતું છે !

૧૪ ફેબુ્રઆરીએ જોવા જેવી ડેનિયલ રેડક્લીફની ફિલ્મ 'હોર્ન્સ'નો સંવાદ)
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments