Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અનાવૃત - જય વસાવડા

'અસ્સલ'ના જમાનાની જમાવટ અને તકલાદી ફેક ડિજીટલ વર્લ્ડ !

જે 'અસ્સલ'ના જમાનાનું જૂનું હતું, એની ગુણવત્તા ટકાઉ, ડયુરેબલ અને આવરદા લોંગલાસ્ટિંગ, લાંબી રહેતી ! આજે જે છે એ બહુ રૃપકડું હોય છે. જોતાવેંત લલચાઈ જવાય એવું. પણ તકલાદી નીવડે છે, મોટે ભાગે.

૧૯૬૨માં એક આજેય ક્લાસિક ગણાતી અંગ્રેજી ફિલ્મ આવી હતી. 'લોરેન્સ ઓફ અરેબિયા'. ગ્રાન્ડ વિઝ્યુઅલ્સ એન્ડ ફેન્ટાસ્ટિક સ્ટોરીટેલિંગ. યુરોપ અને આરબ વિશ્વ વચ્ચેના વળ ખાઈ ગયેલા સંબંધોનો ઇતિહાસ સમજવાના પ્રથમ પગથિયાં તરીકે ય ઉપયોગી એવી ફિલ્મ. પણ આપણો સબ્જેક્ટ આજે એ ઇન્ટરનેશનલ હિસ્ટ્રી, પોલિટિક્સ કે ઇવન એ મૂવી પણ નથી.

વાત જાણે એમ બની કે, ૨૦૧૨માં આ મહાન (અને મેગા હિટ) ફિલ્મને ૫૦ વર્ષ પૂરા થતા હોઇને એની મોડર્ન ડિજીટલ હાઈરિઝોલ્યુશન એડિશન (ફોર બ્લૂ રે) બનાવવાનું નક્કી થયું. ત્યારે (અને આજે ય) 'ફોરકે' એ બઝવર્ડ હતો. ટ્રેન્ડિંગ. ભલે ભારતમાં એક પણ ટીવી ચેનલનું ટેલીકાસ્ટિંગ ફોરેક નથી,

પણ બધી જ ટીવી કંપનીઓ 'અલ્ટ્રાએચડી' ઉર્ફે ફોરકેના મોંઘાદાટ ટેલિવિઝન સેટ 'ટેકનોલોજી ફોર ફ્યુચર' કહીને વેંચે છે. સાધારણ એચડી તો સારા સ્માર્ટ ફોનમાં ય હોય ૧૦૮૦ પિક્સેલ્સવાળું. (ટુ બી પ્રિસાઇઝ ૧૯૨૦ ટ ૧૦૮૦ પિક્સેલ્સ યાને કલરફૂલ ટપકાંનું રિઝોલ્યુશન). ફોર કે યાને યુએચડી એટલે ૩૮૪૦ ટ ૨૧૬૦ પિક્સેલ્સનું રિઝોલ્યુશન. બીજી ઘણી ટેકનીકલ ઘડભાંજ છે.પણ ઇન શોર્ટ જેમ રિઝોલ્યુશન હાઈ, એમ પિકચર ક્વોલિટી બેસ્ટ.

આજથી ૫૫ વર્ષ પહેલા રજૂ થયેલી ફિલ્મ એ સમયના૬૫ એમએમ પ્રિન્ટવાળા કેમેરામાં શૂટ થયેલી. ત્યારે ડિજીટલ કે એચડી, ફોરેકના નામે શું કલ્પના સુધ્ધાં નહોતી. પણ કેમેરાના શૂટિંગમાં જ રિઝલ્ટ એટલું અફલાતૂન હતું કે નિષ્ણાતોએ તારણ કાઢ્યું કે ફોરકે તો શું, હજુ ચલણમાં નથી એવી એઇટકે અથવા ટ્વેલ્વ કે પ્રિન્ટ પણ બની શકે ! જૂના કેમેરા આટલું ડિટેઇન્ડ શૂટિંગ કરી શક્તા હતા. હા ત્યારે થિયેટર પ્રોજેકશનની ટેકનોલોજી એટલી વિકસીત નહોતી કે એ માણી શકાય. પણ એ જમાનામાં જે શૂટ થયું છે, એ બધી જ ફિલ્મનું ફોર કે રૃપાંતર રહેલું છે.

પણ વીસમી સદીના અંત અને ૨૧મી સદીના આરંભકાળે જે શૂટ થયું છે, એ એચડી કેમેરોમાં ૧૦૮૦ પિક્સેલ્સ જ ઝડપાયા છે, એટલે એની ત્યાં જ લિમિટ આવી જાય છે. એને અપસ્કેલ કરવું શક્ય જ નથી ! મતલબ, મુગલેઆઝમ કે હમદોનોં કે નયા દૌર કે ચોરી ચોરીની જેમ હાઈફાઈ કલર ડિજીટલ એડિશન બની, એવું કદાચ રૃપાંતર ૪કે અથવા ૮કેમાં લગે રહો મુન્નાભાઈ કે આજ સુધીની તમામ સ્પાઇડરમેન સીરિજમાં બેસ્ટ એવા સામ રાઈમીના સ્પાઇડરમેન ટુ સાથે નહિ થઇ શકે !

આ બધું બહુ ભારેખમ લાગતું હોય તો આટલું સમજો. ઘરમાં પડેલા જૂના શટર ને રોલવાળા કેમેરાથી પાડેલા, નેગેટિવ ધોવડાવીને પ્રિન્ટ કઢાવેલા ફોટોગ્રાફ્સને ધૂળ ખંખેરી હાથમાં લો. કાળજીથી નિહાળો. ખાસ કરીને એમાં દેખાતા લાઇટના શેડ્સ બ્લેક એન્ડ વ્હાઇટની અલગ અલગ આભા ! મોબાઈલમાં ધડાધડ ફાંકડા ડિજીટલ પિકચર્સ પડે છે.

પણ સ્પેશ્યલ ફિલ્ટર્સ કે માહોલ વિના આવી શેડો એન્ડ લાઇટ ઇફેક્ટ કલર ફોટાને ગ્રેસ્કેલ (શ્વેત શ્યામ) કરો તો ય આવતી નથી. કોમ્પ્યુટરની કરામતથી ઉમેરો તો ય પિક્સેલ વધી શક્તા નથી. મતલબ, જે 'અસ્સલ'ના જમાનાનું જૂનું હતું, એની ગુણવત્તા ટકાઉ, ડયુરેબલ અને આવરદા લોંગલાસ્ટિંગ, લાંબી રહેતી ! આજે જે છે એ બહુ રૃપકડું હોય છે. જોતાવેંત લલચાઈ જવાય એવું. પણ તકલાદી નીવડે છે, મોટે ભાગે.

ફાસ્ટ લાઈફમાં આટલું વિચારવાની ફુરસદ પણ હોતી નથી. ઇન્સ્ટન્ટનો જમાનો છે. ઢોકળાં-ઢોસા ખાવા માટે પીસવું-પલાળવું પડે, આથવું પડે. પોણા દિવસની મહેનત પછી ઘરનો પૌષ્ટિક અસલી સ્વાદ મળે. એ કડાકૂટનો સમય કે દાનત નવી પેઢી પાસે ઓછી છે. એટલે બજારના તૈયાર ખીરાં પર જ ચલાવી લેવું પડે. ઇઝી થાય, પણ ટેસ્ટ એવો ન જ આવે.

ગ્રાઇન્ડરમાં એકરસ બનેલી ચટણી લિક્વિડ ટૂથપેસ્ટ જેવી લાગે. પણ કોથમીર-મરચાં-આદૂ-લસણ વગેરેની ખાંડણિયામાં ખાંડેલી ચટણી કરકરી લાગે. પણ એ ય તાજી હોય તો. ચટણીઓ ય ફ્રિજમાં રાખી ત્રણ-ચાર દિવસ વાસી ખાધા કરતા સમાજની આ બાબતે સમજ શું હોય ?

'કેરી ઓન કેસર' ફિલ્મમાં એક સીન હતો કે ગામડામાં મરચાં ખાંડવા માટે ભેગી થયેલી ગૃહિણીઓ સાસુ કે નણંદ કે જેઠાણીના નામ લઇ લઇને ગુસ્સો કેવો મરચાં પર ઉતારે છે. ફની. પણ વાટવા ખાંડવાની આખી તપસ્યા જ ધીરે ધીરે 'ગ્રેટર'થી ચીઝ ખમણતા મોડર્ન કિચનમાંથી ગાયબ થઇ ગઇ છે. એટલે ઘંટીથી દળાતા અનાજ કે ઘાણીથી પીસાતા તેલની તો વાત કાણમોકાણ જેવી લાગશે. ભલેને નેધરલેન્ડસમાં પવનચક્કીની ઘાણીથી પીસાયેલા સિંગતેલની નાની શીશી પરફ્યુમ બોટલના ભાવે વેંચાતી હોય ? ફાસ્ટ, ઇન્ટસ્ટન્ટ, રેડીમેઇડના જમાનાની સીધી અસર તબિયત પર પડી રહી છે.

ડુ યુ નો ? દુનિયામાં સૌથી ઓછો હાર્ટ એટેકનો દર ધરાવતા ફ્રાન્સમાં ઘણી જગ્યાએ અમેરિકન સ્ટાઇલ ફાસ્ટફૂડ પર પ્રતિબંધ છે ! ડિનર કે લંચ ધડાધડ પંદર મિનિટમાં સર્વ ન થાય. એ શાંતિથી પ્રિપેર થાય ને શાંતિથી જમવાનું. કંપનીઓ પણ લંચ અવરનો ટાઇમ વધુ રાખે ! ઈટાલીમાં રેડી રોટલાને માઇક્રોવેવ ઑવનમાં પકાવી દેવાની અમેરિકન સ્ટાઇલને બદલે રીતસર કણક ગૂંદી, લોટનું લૂવું તૈયાર કરી, લાંબા હાથાવાળા ઝારા જેવા પાનમાં ઈંટોના ભઠ્ઠામાં લાકડાની તવી પર તપાવીને પિત્ઝા પીરસવામાં આવે છે. એનો સ્વાદ જ સાવ અલગ હોય.

જેમ કોલકાત્તામાં સંદેશ ખાધા પછી બીજે ક્યાંયનો સંદેશ ભાવે જ નહિ એવું ! લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની ભાવનગર પંથકના ગ્રામીણ વિસ્તારમાં આવેલી શિક્ષણસંસ્થામાં ચૂલા પર શેકાતી રોટલીની સોડમ ઘણા વર્ષે ફેફસામાં ભરાઇ તે કાશ્મીરના ઝાફરાનના ખેતરમાંથી આવતી કેસરની ખૂશ્બુની જેમ ઘર કરી ગઇ છે.

ઠેકઠેકાણે રેડીમેઇડ લેમોનેડ પીધા પછી તાજેતરમાં નેપલ્સ વિસ્તારમાં રખડતા ભટકતા આ લેખકડાએ દરિયાકાંઠે ખૂણામાં ઊભેલા એક પ્રૌઢ પાસે લીંબુ-નારંગીનો મિક્સ જ્યુસ ગટગટાવ્યો ! વિસુવિયસ જ્વાળામુખીને લીધે ફળદ્રુપ ધરતીમાં ઉગતા મોસંબી જેવડા મહેકતા લીંબુ, ને તાજાં પાંદડા સહિત બાજુના જ ઝાડ પરથી તોડેલા સંતરા, લાકડાના પાટિયા વચ્ચે પીસાતો રસ, અહાહા તપસ્યાના કંઠે અમૃતની ટાઢક વળે એવો ઘટક ઘટક ઘૂંટડા સાથે તરબતર કરતો સ્વાદ ! કૃત્રિમ વિવેક વિના વ્હાલથી એ પીવડાવનારે કહ્યું, 'યુ વૉન્ટ ફાઇન્ડ ધિસ ટેસ્ટ ઈન મશીનમેઇડ લેમોનેડ. પ્રિઝર્વ ઈટ ઈન યૉર મેમરી. રિમેમ્બર નેપલ્સ !' યસ, સ્વાદનો ફોટો પાડીને અપલોડ નથી કરી શકાતો, એને સ્મૃતિઓમાં સાચવવો પડે છે.

પણ પરદેશી એનઆરઆઇઝ કે આપણા જ મેટ્રો સિટીઝમાં જૉબ કરતાં કપલ્સ પાસે રોજીંદી દોડધામમાં દાળ-શાક વઘારવાનો ય ટાઇમ નથી. ભારતમાં તો કૂક રાંધે ને ફોરેનમાં ત્રણ-ચાર દિવસનું એક સાથે ફ્રિજમાં સ્ટોરેજ. કેમ ? બૅટર લાઇફસ્ટાઇલ માટે ભણવાનું, કમાવાનું એ બધું કોણ કરશે ? રસોઇ, મસાલા જાતે તૈયાર કરાવવા, ધોઇને ભાજીના પાંદડા બીટવા એ બધો સમય ક્યાં (હા સલાડ ગાર્નિશ કરવાનો કે પેસ્ટ્રી પર ચેરી મૂકી ડિઝાઇન કરવાનો સમય રહે !). સાચું. ટાઇમ નથી. પણ કમાયા, ભણ્યા પછી એક ટંક પણ જો સરખું ખાવાનું જ નસીબ ન થાય તાજું, તો લાઇફસ્ટાઇલને બૅટર કહેવાય કે બિટર (કડવી) ?

ડિજીટલયુગનો પહેલો પ્રહાર ફૂડ પર થયો છે. સંચાના આઇસ્ક્રીમ જેવો મલાઇનો મુલાયમ સ્વાદ ક્યારેય મશીનમેઇડ ફ્રોઝન ડેઝર્ટમાં આવતો નથી.

કિસમ કિસમની વૈકલ્પિક પધ્ધતિઓથી દૂધ માત્ર એકસરખાં સ્વાદનું કરી દે છે. એ કુદરતમાં શક્ય જ નથી. યુનિફોર્મિટી એ માણસના ઈન્ડસ્ટ્રીયલ બ્રેઇનની પેદાશ છે. જગતમાં ડાઇવર્સિટી છે. પ્રકૃતિને વરાયટી ગમે છે. એ ફ્રેન્ચાઇઝી મોડલમાં કામ નથી કરતી. ગાયે ગાયે શેડયકઢાં દૂધનો સ્વાદ બદલાતો જ જાય. પણ ફીણ ઉભરાતું તાજું મીઠું દૂધ કેટલાની કિસ્મતમાં ?

ચણીબોર, ટીમરું, રાયણ, આમલીના લીલાં કાતરાં, કોઠીમડું, ગૂંદી, કરમદાં, બીલાં, શેતૂર આ બધા ખટમીઠાં સ્વાદવાળા વનફળ શહેરો તો શું હવે ગામડામાં ય શોધ્યાં જડતાં નથી. ને બ્લુબેરી જામ ઈમ્પોર્ટેડ મંગાવવો છે. યુરોપ - અમેરિકામાં હેન્ડમેઇડ એન્ડ હોમમેઇડ ચીજો પ્રીમિયમ ભાવે વેંચાય છે. અને આપણે ત્યાં એને આઉટડેટેડ ને સસ્તી ગણી બધા પ્રોફિટ માટે રેડીમેઇડમાં ઘૂસતા જાય છે !

અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો યુનેસ્કો આપશે, પણ આખા અમદાવાદમાં આંકાવાળા સહેજ ખાટાં એવાં દેશી ટામેટાં કેટલી જગ્યાએ મળશે ? અરે, આખા ગુજરાતમાં પોચી અને મીઠી અમેરિકન મકાઇના ડોડાં આવી ગયા, જે પબ્લિક ચપડ ચપડ ચાવે છે. પણ જેમાં દાંત ને પેઢાંને કસરત મળે એવી કડક દેશી મકાઇ દેખાતી જ બંધ થઇ ગઇ. કારણ કે, મોંઘી પડે ને મહેનત વધુ થાય એટલે કોઇ વાવતું જ નથી ! લોકોને આવું કોઇ ઘેલું નથી, નહિં તો મલ્ટીપ્લેક્સમાં ફ્રુટ

પ્લેટર કે લીલી ખાંડવીના ઓળા કે ફણગાવેલા કઠોળ કે વેજીટેબલ જ્યુસના કાઉન્ટર ન ધમધમતા હોત? આવું તો શાળા-કોલેજોની કેન્ટીનમાં પણ ભાગ્યે જ જોવા મળે! બધે એકસરખો હાઈબ્રીડ સ્વાદ. ટોમેટો સૂપ પણ ટમેટાંને બદલે પાવડરના પડીકાંમાંથી બનાવવાનો ને કોફીમાં ય મિલ્કને બદલે ક્રીમર નાખવાનું?

કોલ્ડ કોફી માંગો તો વેનિલા આઈસ્ક્રીમમાં રેડીમેઈડ ફ્લેવરની પડીકી મિક્સરમાં હલાવીને ધરી દેવામાં આવે. બધાના મશીન છે. રેડીમેઈડ સ્વાદના કેમિકલ પડીકાં છે. એરપોર્ટ કે એવી જગ્યાઓએ નોર્મલથી ચાર-પાંચ ગણા ઉંચા ભાવ લેવામાં આવે. પણ ભાગ્યે જ કશું પીરસાય. જે ઓર્ડર કરો એ ફાસ્ટ ફૂડ પ્લાસ્ટિકમાં વીંટેલું બર્ગર-સેન્ડવિચ બધું જ શેલ્ફમાં પડેલું હોય એને ગરમ કરવાનું. ટી-કૉફીના સીધા મશીન જ.

જ્યુસ પીવો તો એ ય ૧૦-૨૦% ફ્રુટ ને બાકી પાણી કે કેમિકલવાળા ટેટ્રાપેકમાં ડબ્બાબંધ. સફરજન જેવા ફ્રુટ પણ એકસરખા જ આકર્ષક રંગવાળા ને એકસરખાં જ સ્વાદહીન! માઈક્રોવેવ ઓવન ને મિક્સર વિના અડધોઅડધના પાટિયાં પડી જાય!

રોગોનાં જીએમટી જેવા જંગી વધારાનું કારણ આ બાજારુ ખોરાક ને ઘરમાં ય ભાગ્યે જ મહેનતપૂર્વક ઉગાડેલા મળતા તાજાં અનાજ/શાક/મસાલાનો અભાવ છે. જૂની ફિલ્મો જોઈને થાય કે ઘાટીલી કાયાની માલિકણ કામિનીઓ કે કસાયેલા કુમારો પ્રોટીન શેઈક ને એવા તેવાં આધુનિક નખરાં વિના જ આવા સુડોળ ને સેક્સી કેવી રીતે થયા? જવાબ સિમ્પલ છે. કુદરતી બક્ષિશીને નીખારતો પરસેવો પાડીને. સિક્સ પેક તો બનાવટ છે. ફિટ એન્ડ એથ્લેટિક હોવું પૂરતું છે.

કોસ્મેટિક્સ ને ક્રીમના ઢગલા નીચે સૌંદર્ય ઢંકાતું જાય છે. કાળાભમ્મર લાંબા વાળ કન્યાઓના એમ જ ધ્યાન ખેંચે, ડિટ્ટો ગુલાબી રતુમડાં નખ. પણ સ્ટ્રેસ અને અપૂરતી ઉંઘ/અયોગ્ય ખોરાકમાં એ તો ખાસ જળવાય નહિં! માટે મેકઅપ કરેલા ચહેરાઓના ડિજીટલ ડીપીના પ્રેમમાં પડવાનું રહે. અસલી ચહેરો છૂપાવી દેવાની તરકીબો પ્રોફાઈલ પિક્ચર સેટ કરનારા  ફિલ્ટર્સ જ શીખવાડી દે!

જૂના લાકડાંના ખુરશી-દરવાજા કે કાચની હાંડી-બરણી આજે ય એન્ટિક તરીકે અડીખમ હોય છે. નવા ફલાણાઢીકણા પ્રોસેસિંગથી સજ્જ પ્લાયવૂડ પાંચ વરસમાં જવાબ દઈ જાય છે. પાછળ ખૂંધ નીકળી હોય એવા જૂના ટીવી કે સ્પીકર્સ કાળની થપાટો ખમી ખાઈને ય દસ-પંદર વરસ નાના મોટાં રિપેરિંગ છતાં એકધારાં ચાલતા. નવા સ્લિમ ડિજીટલ ટીવી બે-ચાર વરસે એક આંચકો ય હાઈવોલ્ટેજનો આવ્યો તો સીધાં કચરાટોપલીમાં! રિપેરિંગની વાત જ નહિ.

ઉસ્તાદ કારીગર જૂની કારને વાયરિંગના ચેડાં કરી જેમતેમ ચાલતી કરી શકતો. ડિજીટલ સીસ્ટમ ધરાવતી કારને નાનો કોઈ નગણ્ય ખોટકો હોય તો કોમ્પ્યુટર ઠપ્પ કરી દે, ને માત્ર સ્ક્રીન જોઈને નિદાન કરતો મોડર્ન મિકેનિક પણ ગોથાં જ ખાધા કરે!

ડિજીટલ ઈક્વિપમેન્ટસ મોબાઈલથી ઓટોમોબાઈલ સુધીના ફેન્સી થતાં ગયા છે. સેફ્ટી ફીચર્સ સારાં આવ્યા ને ઈઝી ટુ ઓપરેટ પણ થયાં. પણ કોમ્પોનન્ટ ક્વૉલિટી કથળતી જાય છે. ઘણી જગ્યાએ વૂડ કે મેટલને બદલે ચીપ પ્લાસ્ટિક કે એલ્યુમિનિયમ કોટિંગ આવી ગયું. લાંબુ આયુષ્ય નહિ. ઝટ ખતમ થઈ જાય કે તૂટી જાય. બદલાવવા પડે.

ડાયલવાળા ફોન ખરાબ ન થતાં, ટચ પેડવાળા ઘણી વાર બંધ પડે. જૂના મોબાઈલ પછડાટ ખમી લેતા. નવાને ટફન ગ્લાસથી કવર સુધીના વાઘાં પહેરાવીને વોરન્ટી પ્લાન લેવો પડે. ઈન્સ્ટન્ટ એન્ડ ડિજીટલ રમકડાં કે ફર્નિચર કે ક્રોકરી કશું ય લાંબુ ટકતું નથી. કપડાં પણ ઝટ ચીંથરા થાય છે. કન્ઝ્યુમર ઈકોનોમિક્સનું ખપ્પર નવી ખરીદીનો ભોગ માંગે છે.

એટલે સિલિકોન સર્જરી કરાવીને પંજાબી મ્યુઝિક વિડિયોમાં ડઝનના હિસાબે નાચતી રહેતી મોડલ્સ કરતાં કુદરતી કર્વ્ઝ ધરાવતી સોફિયા લોરેનથી નીતુ સિંહ વધુ ચાર્મિંગ લાગતી. રેસ્ટલેસ મોડર્ન કેમેરા ટ્રિક્સ એન્ડ લાઈટ ફિલ્ટર્સ ઘણી વાર એટલા શાર્પ ને ફાસ્ટ કટ્સ આપે છે કે કોઈ સુંદરતા તરફ પણ શાંતિથી સ્ક્રીન સામે નજર ખોડીને જોઈ જ ન શકો. ન ચહેરાના હાવભાવ પૂરા ઝીલાય, ને ન નૃત્યની આવડત. એટલે ઓલ્ડ બ્યુટીઝ જૂના શરાબની જેમ વધુ નશાકારક લાગતી ! સાનિયા મિર્ઝા પછી નથડી ફરી ભૂલાઈ ગઈ. ને ઝાંઝર નવરાત્રિમાં જ રહી ગયા.

આમાં શણગાર રસાયણોના જ થાયને ડિરેકટર્સ સબ્જેક્ટ કે ફિલ્મ કે ટીવી સિરિયલનેચોવીસે કલાક મહીનાઓ સુધી 'ફીલ' કરતા, એમાં ડૂબી જતા અને પછી બનાવતા એટલે એમાં એક કશીશ, એક ક્લાસ ઉભો થતો. રેપિડ ફાયર યુગમાં એવો સમય કોઇક નોલાન કે કેમેરૃન કે રાજામૌલી કે ભણસાલી પાસે જ હોય છે.

બાકી ગમે ત્યારે રાઇટર-એકટર-ડિરેકટર પણ ઓનલાઈન ફરી જાય છે ! સામ રાઇમીની સ્પાઇડરમેન ફિલ્મનો ટીનએજ કોમેડીના નામે સ્પાઇડરમેન હોમ કમિંગમાં કચ્ચરઘાણ નીકળી ગયો. સ્પાઇડરસેન્સ કે ફાઈટ વિનાનો સ્પાઇડરમેન થઇ ગયો.

કમાવા માટે માર્કેટ ડ્રિવન પ્રોડકશન કરવું, અને ઇઝી ગ્રીન સ્ક્રીન સીજીઆઈ (કોમ્પ્યુટર વનરેરેડ ઇમેજીઝ) હાથવગી હોઇને ધડાધડ ફિલ્મો બનાવી નાખવી એ ઝડપી જમાનાનો અભિશ્રાપ છે. એમાં પેશન ઓછું, પ્રોફેશન વધુ છે. એટલે એકના એક સબ્જેક્ટને આડાતેડા પીસવામાં આવે છે.

સમથિંગ ઇઝ મિસિંગ. ફેક પ્રોજેક્ટસ. ઓવરઓલ, એટલું બધું પ્રોડકશન કમાઈ લેવા માટે એકધારું થાય છે કે કશું મેમરીમાં લોંગલાસ્ટિંગ સ્ટોરેજમાં રહેતું જ નથી ! ધડાધડ મૂવીઝ રિલિઝ થયા જ કરે, એટલે સિલ્વર જ્યુબિલી પણ ભૂતકાળ થઇ જાય.

બધું પહેલા ત્રણ દિવસમાં. પોપકોર્ન એન્ટરટેઇનમેન્ટ. ડિટ્ટો સ્પોર્ટસ. આપણે રૃપિયા દેખાતા એટલી હદે ને એટલું બધું ક્રિકેટ રમવા લાગ્યા કે સ્ટાર ખેલાડીઓની લાઇફ સાઈકલ માંડ પાંચ-સાત વર્ષ ટકે છે. ફિટનેસ રહેતી નથી. કપિલ-ઇમરાન-વોર્ન-કુંબલે-હેડલી-સચીન વગેરે પછી નવા આઈકોન્સ બહુ બનશે નહિ.

કેમ ? કારણ કે લીજેન્ડરી પ્રભાવ માટે ઠહેરાવ જોઇએ. આજના ડિજીટલયુગમાં બધું ઇઝી મનીને લીધે ઓવર થવા લાગે છે. કાગળ લખવામાં સમય જાય. (ને સમય જ ચાહતમાં અપાતી ખરી ગિફ્ટ છે !) મેસેજ તો ફટાફટ ફોરવર્ડ થાય ! એટલી મેચો ને ટુર્નામેન્ટથી રમાય છે કે હારજીતની કોઈ મનમાં ઇમ્પેક્ટ ટકતી જ નથી. સુખ-દુખ એના ઉંડી અસર કરતા નથી.

બધી યાદગાર મોમેન્ટસ જોઈ પણ નથી શકાતી. ચારસો ચેનલ્સ ટીવીમાં ઠલવાતી હોવા છતાં (કે એટલે જ !) માટે કદાચ સચીન જેવો સ્કોર કરશે તો ય વિરાટની સચીન જેવી અમીટ છાપ નહિ પડે. જેમ બચ્ચન બાદ ખાન પણ હવે કોઈ હીરો બે દસકા સુધી છવાયેલો રહી જ નહિ શકે. ટેલેન્ટેડ હશે તો ય એમ જ.

પાન પણ બનાવવા માટે હીંચકા પર સેલ્લારા મારતા એની નસ કાપીને સૂડીથી જાતે સોપારી કાતરવાના જમાના ગયા ને કેમિકલયુક્ત ઇન્સ્ટંટ ઝેરી ગુટકા આવી ગયા. પડીકાબધ્ધ પાઉચમાં. તાંબાના કળશ કે માટીની કુલડી મ્યુઝિયમમાં ગયા ને પ્લાસ્ટિક વોટર બોટલ આવી ગઈ મોળું પાણી ભરી રાખતી.

મ્યુઝિક ડાયરેકટર્સ ચોમાસામાં બિલાડીના ટોપની જેમ ઉભરાતા 'ફેક' રિયાલિટી (?) શોમાં જજ બની ગયા. ધૂન તો ઠીક મોડર્ન ડિજીટલ યુગમાં રેકોર્ડેડ સોંગ્સ તો સાંભળો. બોદાં લાગે છે. ગ્રામોફોન પર લાઈવ ઓરકેસ્ટ્રાના એકોસ્ટિક રેકોર્ડિંગ સેવન્ટીઝ-એઇટીઝના સારી સાઉન્ડ સીસ્ટમમાં સાંભળો. ઓપરેશન ને ક્લેરિટીથી ઘરમાં તરબોળ થઇ જશો !

એવું નથી કે ડિજીટલયુગ નકામો કે બધું ખોટું, પણ આ ઓરિજીનલ સામે. મિસિંગ તો છે જ. દાણાદાર પેંડાથી પાણિયારા સુધીનો તમને શું યાદ આવે છે ? અત્તર કે કંકુ ?

ઝિંગ થિંગ

મંઝિલો પે જલ્દી પહુંચને,
રાસ્તે ચૌડે, ઔર ચોડે
કરને કે વાસ્તે
ઉન કે કિનારોં પે ખડે
દરખ્તોં કો કાટ ડાલા જાતા હૈ
તબ છાંવ નહીં મરતી સિર્ફ !
ભરી ધૂપ મેં મિલને વાલે
સુકુન કે કુછ લમ્હેં,
આને વાલી બારિશોં કે
ભીગે જઝબાત,
કુછ ફલ એસે
જો મિલતે નહીં
હર જગહ અકસર,
જીંદગી કે કુછ
હરે-ભરે હિસ્સે,
બહુત કુછ મર જાતા હૈ
ઉન કે સાથ સાથ
રિશ્તા હમારા ભી
વૈસા હી દરખ્ત (વૃક્ષ) થા !
(અર્પણ ક્રિસ્ટી, વાયા : સંજય વૈદ્ય)
 

Post Comments