Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અલ્પવિરામ - ધૈવત ત્રિવેદી

સમ્રાટ દમિત્રનું રશિયા બન્યું છે પ્રમુખ પુતિનનું વળગણ

મધ્યયુગ વખતનું વિશાળ રશિયન સામ્રાજ્ય યુએસએસઆરના વિઘટન પછી નેસ્તનાબુદ થઈ ચૂક્યું છે

રશિયાને પુન: એ જ જૂની વિશાળતા, મહાનતા બક્ષવાની પુતિનની મહત્ત્વાકાંક્ષા હવે અજાણી નથી

જૂની જાહોજલાલી ભરચક ભોગવ્યા પછી ગુમાવી દેવાનો વારો આવ્યો હોય એ પૈકી કેટલાંક તેને યાદ કરીને આંસુ સારતા બેઠા રહે અને કેટલાંક એવાં ય હોય જે ફરીથી એ જ જાહોજલાલી પાછી મેળવવા માટે એડીચોટીનું જોર અજમાવી દે. વ્લાદિમીર પુતિન આવા બીજા પ્રકારના ખાનામાં ફીટ બેસે એવા ઝનુની પરંપરાવાદી છે. વૈશ્વિક ક્ષેત્રે રશિયાના જૂના દોરોદમામ પાછા આણવા માટે પુતિન લાંબા સમયથી સોગઠાં ગોઠવી રહ્યા છે.

કટ્ટર શત્રુ અમેરિકાના પ્રમુખપદે ટ્રમ્પ ચૂંટાઈ આવ્યા તેમાં રશિયાનું કંઈક બખડજંતર હોવાનું સતત કહેવાતું રહ્યું છે. ટ્રમ્પે પણ આ હવાને વેગ મળે તેમ પરંપરાગત અમેરિકન માન્યતાથી વિરુદ્ધ રશિયા સાથે દોસ્તીનું વલણ દાખવ્યું છે.

રશિયા સાથેના ટ્રમ્પના સંપર્કની તપાસ કરી રહેલ ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનને અટકી જવાની ફરજ પાડયા બાદ હવે ટ્રમ્પ સામે પણ મોરચો મંડાઈ રહ્યો છે. આમ છતાં ટ્રમ્પનું રશિયા પ્રત્યેનું કૂણું વલણ બદલાતું નથી એ બહુ રહસ્યમય છે. દરમિયાન, સિરીયથી માંડીને કોરિયા અને ઈરાનથી લઈને સાઉદી અરેબિયા સુધીના દરેક મુદ્દે રશિયાનું વલણ સતત આક્રમક બનતું જાય છે.

પરંપરા અને વિતેલો કાળ ખરેખર તો કરેલી ભૂલોમાંથી શીખવા માટે હોય છે, પરંતુ માનવીય સ્વભાવ મોટાભાગે જૂની પરંપરા, સત્તા કે સમૃદ્ધિને અકારણ મિથ્યાભિમાન પોષવા માટે પ્રેરે છે. રાષ્ટ્રવાદની વિભાવના બેધારી છે. ભૌગોલિક રાષ્ટ્રવાદ સમયાંતરે બદલાતી દેશની ભૂગોળ સાથે બદલાતો રહે છે. જ્યારે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અચળ હોય છે. કારણ કે એ પરાપૂર્વના સંસ્કારો, પરંપરા અને જીવનરીતિ સાથે સંકળાયેલ હોય છે.

રાષ્ટ્રવાદના આ બંને આયામો એવા છે જે રશિયાને પોતાના ભુતકાળ માટે ગૌરવ પ્રેરિત કરે અને એટલે જ વર્તમાન વરવો પણ લાગે. મૂળ સ્લાવ કૂળની આ પ્રજાના ઈતિહાસનો એક છેડો પીટર ધ ગ્રેટને અડે છે અને બીજે છેડે મહાન રોમન સમ્રાટ જુલિયસ સિઝર ઊભો છે.

ઈસ્વીસનની ત્રીજી સદીમાં સ્લાવ પ્રજાએ કિવમાં મહાન સામ્રાજ્ય સ્થાપ્યું હતું. એ પછી મંગોલ ધાડાંઓના આક્રમણો સામે પડતીનો સમય આવ્યો.

ચંગીઝખાનના મૃત્યુ પછી મંગોલ ધાડાં મોટાભાગે મધ્ય એશિયામાં વ્યસ્ત થઈ ગયા અને ઉઝબેકના મોત પછી મંગોલ સંગઠન ક્રમશ: ખતમ થવા લાગ્યું એ સાથે જુના કિવિ સામ્રાજ્યના નગરો સ્વતંત્ર થવા લાગ્યા.

ત્યાં સુધી યુરાલ પર્વતની પશ્ચિમ સુધી રશિયન સામ્રાજ્ય મર્યાદિત હતું. દમિત્રિના શાસનમાં ચૌદમી સદીના અંતમાં પહેલી વાર રશિયા સામ્રાજ્યવાદી બન્યું અને પશ્ચિમમાં છેક યુરોપ અને પૂર્વે છેક મંગોલિયા સુધી પ્રસર્યું. ભાવિ યુએસએસઆરનો એ પૂર્વજ પાયો ગણી શકાય.

દમિત્રી પછી રોમન સામ્રાજ્ય સાથેના સંબંધોને લીધે સ્લાવ અને યુરોપના કેલ્ટિક કુળ વચ્ચે લગ્ન સંબંધો સ્થપાવા લાગ્યા. એ વખતે જુલિયસ સિઝર એટલે પરાક્રમ, સત્તા અને શક્તિનું પર્યાયવાચી નામ ગણાતું હતું. લગભગ દરેક કેલ્ટિક, સ્કેન્ડેનેવિયન રાજાઓના નામ સાથે સિઝરનું બિરુદ જોડવાની પરંપરા હતી. આપણે ત્યાં જેમ પરાક્રમી રાજાના નામ સાથે વિક્રમાદિત્ય જોડવાની પ્રથા છે એ રીતે સિઝર શબ્દ દરેક પ્રદેશે પોતપોતાની ભાષામાં અપનાવ્યો.

એ મુજબ, જર્મન અને ફ્રાન્સમાં સિઝરનું કૈઝર થયું. ડેન્માર્કમાં કાસર અને નોર્વેમાં વળી કેહોર થયું. એ જ શબ્દ રશિયન ભાષામાં ઝાર બન્યો. રશિયન સમ્રાટોના નામ આગળ ઝારનું ગૌરવશાળી બિરુદ લાગતું અને એ બિરુદ તેમને મહાન જુલિયસ સિઝર તેમજ યુરોપિય રાજવંશો સાથેના રક્તસંબંધની યાદ અપાવતું રહેતું. ઝાર શાસનમાં રશિયાએ પોતાની સીમાઓ અનેકગણી વિસ્તારી હતી.

ઝાર એલેક્ઝાન્ડરના શાસનમાં ટચૂકડા જાપાન સામે રશિયાએ ઘોર પરાજય સહેવાનો આવ્યો તેનાંથી પ્રજાની ગર્વિષ્ઠ માનસિકતા પર ભારે અવળી અસર થઈ. ઝાર દેશનું રક્ષણ કરવા અસમર્થ છે એવી લોક માન્યતામાં વિવાદાસ્પદ ધર્મગુરુ રાસ્પુતિન સંબંધિત અફવાઓએ ઘી હોમવાનું કામ કર્યું.

આવા સઘળા મુદ્દાઓને શોષણના દોરે પરોવીને વ્લાદિમીર લેનિન નામના નેતાએ એક જબ્બર ક્રાંતિ સર્જી દીધી. બોલ્શેવિક ક્રાંતિ નામે ઓળખાયેલા સામ્યવાદના પ્રસારથી આધુનિક રશિયાના મંડાણ થયા. સમય જતાં વિવિધ રાજ્યોનો એ સમુહ સોવિયેત સંઘ (યુએસએસઆર) તરીકે ઓળખાયો, જે મધ્યયુગના રશિયન સમ્રાટ દમિત્રના સમયની ભૂગોળને લગભગ મળતું આવતું હતું.  

પ્રથમ વિશ્વયુદ્ધમાં રશિયાએ યુરોપભરમાં પોતાની આણ ફેલાવી દીધી અને બીજા વિશ્વયુદ્ધમાં ચક્રવર્તી સમ્રાટને છાજે એવો રેડ આર્મીનો દબદબો આખી દુનિયાએ અહોભાવથી સ્વીકાર્યો. અલબત્ત, અત્યાર સુધી વૈશ્વિક શતરંજથી અલિપ્ત રહેલું અમેરિકા હવે સ્વાદ ચાખી ગયું હતું.

આથી બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને રશિયા વચ્ચે ખતરનાક સ્પર્ધા જામી. શીત યુદ્ધ તરીકે ઓળખાતા એ સમયગાળામાં કેટલીય વાર દુનિયા અણુયુદ્ધના ઓથાર તળે મૂકાઈ ગઈ. સાથોસાથ એ પણ સ્વીકારવું પડે કે, માનવજાતને ઉપયોગી નીવડતી ખગોળ, અવકાશવિજ્ઞાાન સંબંધિત શોધખોળ પણ એ સમયમાં જ પ્રોત્સાહન પામી.

અહીં સુધી અમેરિકા સાથે કટ્ટર હરીફાઈમાં ઉતરતું રહેલું સોવિયેત સંઘ આંતરિક સ્તરે સામ્યવાદી નીતિઓના ખોટા અમલ અને વ્યાપક ભ્રષ્ટાચારને લીધે આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યું હતું. હાલત પેલા જુના શેઠ જેવી હતી, જે બંગલાની બહારની દિવાલોને રંગરોગાન કરીને ચકચકિત રાખે પણ અંદરનું રાચરચીલું સડી ગયું હોય.

લાફો મારીને દુનિયા સામે ગાલ લાલ રાખવાની એ નીતિ આખરે મિખાઈલ ગોર્બાચોવે ૧૯૯૧માં ફગાવી દીધી. વિચાર અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યને ગ્લાસનોસ્ત અને પેરેસ્ત્રોઈકા નામે મોકળાશ આપી અને એ બાબત જ આખરે મહાન સોવિયેત સંઘના વિઘટનમાં નિમિત્ત બની.

સામ્યવાદની ધુંસરીથી લેનિને ભેગો કરેલ સોવિયેત સંઘ છૂટો પડયા પછી રશિયા સૌથી મોટો દેશ બન્યો. આરંભે બોરિસ યેલ્તસિનના શાસનકાળથી જ પુરાતન રાષ્ટ્રવાદના રવાડે ચડેલું રશિયા વ્લાદિમીર પુતિનના આગમન પછી વધુ ધારદાર બન્યું છે. રશિયન ખુફિયા સંસ્થા કેજીબીના સંચાલક રહી ચૂકેલા પુતિન પોતે શરીર સૌષ્ઠવ માટે જેટલાં આગ્રહી અને ચુસ્ત છે એટલાં જ રશિયન મહાનતા પુન: સ્થાપિત કરવા માટે કટિબદ્ધ છે.

રશિયાએ આંતરરાષ્ટ્રીય મંચ પર મોટી છલાંગ ભરવા માટે ક્યારની સોગઠાંબાજી ગોઠવવા માંડી છે. સિરિયાના મોરચે ઝુકાવીને તેણે ઈસ્લામિક વિશ્વમાં પણ ફાટ પડાવી છે અને ઈરાનને પોતાના પક્ષે કરી લીધું છે. અમેરિકા સાથે ક્રિમિયાના મુદ્દે તીવ્ર અણબનાવ છતાં ટ્રમ્પના આગમન પછી હવે અમેરિકી-રુસી ભાઈ ભાઈની હવા જામે તેવા ઉજળા સંજોગો વર્તાય છે. છતાં સીરિયામાં અમેરિકાની દાદગીરી ન ચલાવવા જેટલું દબંગ પણ તે બની શકે છે.

રશિયા મજબૂત બને એ સ્થિતિ જગત માટે કેવી ગણવી આ સવાલનો જવાબ બહુઆયામી છે. પહેલી નજરે ફાયદાકારક એ દૃષ્ટિએ છે કે સોવિયેત સંઘના વિઘટન પછી અમેરિકા એકહથ્થુ સત્તા ભોગવતું રહ્યું હતું. તેને લીધે અફઘાનિસ્તાનથી માંડીને ચેચેન્યા અને ઈરાક, સિરિયામાં દમન, જોહુકમી, આપખુદીને છુટ્ટો દૌર મળ્યો અને પરિણામે પ્રતિક્રિયા રૃપે આતંકવાદનો ભસ્માસુર પાંગર્યો.

રશિયા બળુકુ બને તો ફરીથી ધુ્રવીકરણનો દૌર શરૃ થાય. અમેરિકા ઉપરાંત રશિયાની છાવણીના સ્થાને હવે અમેરિકા-રશિયા સામે ચીન અને ઈસ્લામિક વિશ્વ એવી છાવણીબંધી થવાની શક્યતા વર્તાય છે. આ સ્થિતિમાં સત્તાનું સંતુલન રહે એ વિશ્વશાંતિ માટે ઈચ્છનિય છે.

રશિયાની આગેકૂચ ભારત માટે બહુ ઝીણવટપૂર્વક નિર્ણયો લેવાની કસોટી બની રહેશે. શીત યુદ્ધના આખરી તબક્કે ભારતે અઘોષિત રીતે રશિયન છાવણીમાં બેસવું પસંદ કર્યું હતું અને વિઘટન પછી ભારતે અમેરિકી સંગાથ પસંદ કર્યો છે. હવે બંને દેશો નવી સ્થિતિમાં ભારત માટે કેવો ભાવ રાખે છે એ ચીનના સંદર્ભમાં ઉપયોગી બની શકે છે.
 

Post Comments