Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અલ્પવિરામ - ધૈવત ત્રિવેદી

દુનિયાને પજવે અમેરિકા, અમેરિકાને પજવે પ્રમુખ

પ્રમુખપદના છ મહિનામાં ટ્રમ્પ સામે ઈમ્પિચમેન્ટ સામેની ઝુંબેશ ઝડપભેર પ્રસરવા લાગી છે

ઓનલાઈન સર્વેક્ષણોમાં ટ્રમ્પ અમેરિકાના સૌથી અળખામણા પ્રમુખ ગણાવાઈ રહ્યા છે

આમ તો પ્રમુખપદે ચૂંટાઈ આવ્યા તેના બીજા જ દિવસથી ડોનાલ્ડ ટ્રમ્પ સામે 'નોટ માય પ્રેસિડેન્ટ' ઝુંબેશ શરૃ થઈ ચૂકી હતી. બેહદ આખાબોલા, આપખુદ, તુંડમિજાજી અને અવિચારી હોવાની છાપ ધરાવતા ટ્રમ્પે અમેરિકન પ્રમુખપદના પ્રથમ છ મહિનામાં જ એટલી કુખ્યાતી રળી લીધી છે કે ઓનલાઈન સર્વેક્ષણોમાં હવે અમેરિકાના સૌથી અળખામણા પ્રમુખની યાદીમાં અગ્રેસર બનવા માંડયા છે.

ટ્રમ્પના પ્રથમ છ મહિનાના શાસનનું સરવૈયું કાઢવાનો પ્રયાસ કરીએ તો યુ-ટર્ન સૌથી વધુ ધ્યાને ચડે. ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે ઉગ્રપણે ઈસ્લામિક આતંકવાદવિરોધી વલણ દાખવ્યું હતું. દેશમાં નવી મસ્જિદ નહિ બને, મદ્રેસા નહિ બનવા દઉં, મુસ્લિમોના અમેરિકાપ્રવેશ પર લગામ કસીશ, આતંકને ઉત્તેજન આપતાં મુસ્લિમ દેશોને પાઠ ભણાવીશ એવી આત્યંતિક વાતો કરનારા ટ્રમ્પ પ્રથમ છ મહિનામાં એ દિશામાં ખાસ મક્કમતા દાખવી શક્યા નથી એટલે એક સમયે તેમના આવા વલણથી કટ્ટર પ્રશંસક બનેલો અમેરિકનોનો મોટો વર્ગ પણ હવે તેમનાથી નારાજ જણાય છે.

ટ્રમ્પે છ મુસ્લિમ દેશોના નાગરિકોના અમેરિકાપ્રવેશને પ્રતિબંધિત કર્યો, પછી કાનૂની અડચણો આવતાં સંયમિત કર્યો અને હજુ ય તેની કાનૂની યોગ્યતા સામે તો પ્રશ્નાર્થ ઊભો જ છે. મસ્જિદ નિર્માણમાં સરકારી મંજુરી સંબંધિત ખરડો પણ તૈયાર થઈ શક્યો નથી. મેક્સિકો સરહદ પર દિવાલ ખડી કરવાની વાતો ય હજુ અધ્ધરતાલ જ છે.

પેરિસ જળવાયુ પરિવર્તન સંધિમાંથી ખસી જઈને ટ્રમ્પે દુનિયાભરમાં અમેરિકાની સાખને ઘસારો પહોંચાડયો હોવાની છાપ પણ વ્યાપક બની રહી છે. તેમાં વળી ટ્રમ્પે પોતાની પ્રથમ વિદેશયાત્રા માટે સાઉદી અરેબિયા પર પસંદગી ઉતારી તેનાંથી તેમની મક્કમતા સામે ય હવે મજાકિયા ટુચકાઓ વહેતા થયા છે.

સાઉદી અરેબિયા અમેરિકાનું કાયમી ખાંધિયું ગણાતું હોવા છતાં છેલ્લાં કેટલાંક સમયથી સરેરાશ અમેરિકનના મનમાં સાઉદી પ્રત્યે ભારોભાર અણગમો ઊભો થયેલો છે. અમેરિકાના ઈતિહાસના સૌથી ભયજનક ગણાતા વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલા પછી સઘન છાનબીન થઈ ત્યારે તેમાં સાઉદી અરેબિયાની સંડોવણી હોવાનું ખુલ્યું. વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર ઊડતા વિમાનને જ બોમ્બ તરીકે ઉપયોગ કરનારા ૧૩ પૈકી ૧૧ હુમલાખોરો સાઉદી નાગરિકો હતા અને લાંબા સમયથી અમેરિકામાં વસવાટ કરીને હવાઈ ઉડ્ડયનની તાલિમ મેળવતા હતા.

એફબીઆઈની તપાસમાં એ પણ જાણવા મળ્યું કે સાઉદી પ્રિન્સે જ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલાની આખી યોજનાને આર્થિક પીઠબળ પૂરું પાડયું હતું. એક તબક્કે અમેરિકા સ્થિત સાઉદી અરેબિયાની મિલકતો જપ્ત કરવા સુધી અને અમેરિકી અદાલતમાં કામ ચલાવવા સુધી વાત પહોંચી ત્યારે સંબંધ તૂટવાની અણી પર આવી ગયા હતા.

રસપ્રદ બાબત એ છે કે પોતાના ચૂંટણીપ્રચારમાં સાઉદી અરેબિયા પ્રત્યે ઓબામા તેમજ ડેમોક્રેટ પાર્ટીએ દાખવેલા કૂણા વર્તનને જોરશોરથી ચગાવનાર ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખ બન્યા પછી સાઉદી પ્રત્યે કૂણું વલણ અપનાવવા માંડયું છે.

અમેરિકનોનો બહુ મોટો વર્ગ એવો છે જે અમેરિકાને વૈશ્વિક હિતોના પહેરેદાર તરીકે જુએ છે અને પરંપરાગત રીતે રશિયાનો વિરોધી છે. અમેરિકા એટલે જગતકાજી, અમેરિકા એટલે સામ્યવાદી પ્રસારને રોકનાર એવી સ્થાપિત છબી સામે ટ્રમ્પે ઈસ્લામવિરોધનો બુંગિયો બળુકો બનાવ્યો અને તેમાં જરૃર પડયે રશિયાનો ય સાથ લેવામાં પોતાને છોછ ન હોવાનું સ્પષ્ટ કર્યું.

ઈસ્લામોફોબિયાની ટ્રમ્પનીતિ તો કારગત નીવડી જ, જે તેમને પ્રમુખ બનાવવામાં કારણભૂત બની. કારણ કે, તેમાં અમેરિકનોની જગફોજદાર બનવાની માનસિકતાને પાનો ચડતો હતો. પરંતુ રશિયાનો સાથ લેવાની ટ્રમ્પનીતિ સામેનો વિરોધ હવે એટલો તીવ્ર બની રહ્યો છે કે પ્રમુખપદની ચૂંટણી વખતે ટ્રમ્પનો સહયોગ કરનારા પણ હવે તેમના વિરોધી બની રહ્યા છે.

ટ્રમ્પની છબી આટલી ઝડપથી ખરડવામાં નિમિત્ત બન્યા છે એફબીઆઈના નિયામક જેમ્સ કોમી. અમેરિકાની રાજનીતિમાં ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (એફબીઆઈ) તરીકે ઓળખાતી ખુફિયા સંસ્થાનું મહત્ત્વ એટલું બળુકુ છે કે કોઈપણ પ્રમુખ એફબીઆઈને સાઈડ લાઈન કરી શક્યો નથી અને એકેય પ્રમુખે એફબીઆઈના નિયામકને હટાવવાની ગુસ્તાખી કરી નથી.

એક માત્ર જ્હોન એફ કેનેડીએ એફબીઆઈની સલાહની ઘોર અવગણના કરી હતી અને પછી સંદેહાત્મક સંજોગોમાં તેમની રહસ્યમય હત્યા થઈ હતી, જેનો ઉકેલ આજ સુધી મળ્યો નથી. અથવા તો જે ઉકેલ સત્તાવાર રીતે સ્વિકારવામાં આવ્યો છે એ કોઈને ગળે ઉતરતો નથી.

એ પછી હવે ટ્રમ્પે એવી ગુસ્તાખી કરી છે. અમેરિકાના સુરક્ષા સલાહકાર માઈકલ ફ્લિન રશિયા સાથે ભેદી સંબંધો ધરાવે છે અને કેટલીક અત્યંત ગોપનીય માહિતી પણ રશિયા સાથે વહેંચી રહ્યા છે એવી આશંકાથી એફબીઆઈએ ફ્લિન સામે તપાસ શરૃ કરી હતી.

ટ્રમ્પે આ તપાસ રોકવા માટે એફબીઆઈના નિયામક જેમ્સ કોમીને આદેશ કર્યો. કોમીએ આ તપાસ રાષ્ટ્રના સર્વોચ્ચ હિતમાં હોવાથી એફબીઆઈની ફરજમાં આવે છે એવો લેખિત જવાબ આપ્યો. એ પછી ગિન્નાયેલા ટ્રમ્પે તેમના 'એક ઘા ને બે કટકા'ના સ્વભાવ મુજબ કોમીને જ પદચ્યૂત કરી દીધા.

ટ્રમ્પની આ ચેષ્ટા હવે તેમની સામે વિરોધનો જુવાળ ઊભો કરી રહી છે. હવે કોમી તમામ હથિયારો સજાવીને ટ્રમ્પની સામે રણે ચડયા છે. કહેવાય છે કે આખી ય દુનિયાને ડરાવતા અમેરિકન પ્રમુખો હંમેશા એફબીઆઈથી ડરતા હોય છે. નિક્સનનું વોટરગેટ સ્કેમ હોય કે ક્લિન્ટનનું મોનિકાગેટ, અમેરિકી પ્રમુખોની આખીય કુંડળી એફબીઆઈ પાસે પડેલી હોય છે. એ સંજોગોમાં એફબીઆઈના ડિરેક્ટરને જ ઘરભેગાં કરીને ટ્રમ્પે બહુ મોટી આફત વ્હોરી લીધી હોવાનું મનાઈ રહ્યું છે.

હવે ટ્રમ્પ સામે મહાભિયોગ યાને ઈમ્પિચમેન્ટ (જુઓ બોક્સ)ની માગ તીવ્ર બની રહી છે. અલબત્ત, મહાભિયોગ માટે કોંગ્રેસમાં દરખાસ્ત પસાર થવી જરૃરી છે, જ્યાં હાલ રિપબ્લિકન્સનું વર્ચસ્વ છે. પરંતુ રિપબ્લિકન્સ પૈકી પણ એક વર્ગ એવો છે જે ટ્રમ્પની નીતિરીતિથી બેહદ નારાજ છે.

સામા પક્ષે ટ્રમ્પના વિરોધીઓ અર્થાત્ ડેમોક્રેટ્સ, એફબીઆઈ, અમેરિકન વોર હિરો હવે બહુ ઝડપથી એકજૂટ થઈ રહ્યા છે અને ઈમ્પિચમેન્ટ શક્ય ન હોય તો અન્ય કાનૂની રસ્તા અખત્યાર કરીને પણ ટ્રમ્પને પ્રમુખપદેથી હટાવવાના પ્રયત્નો તીવ્ર બન્યા છે. અલ ગ્રિન અને બ્રાડ શર્મન નામના સાંસદોએ શરૃ કરેલી ટ્રમ્પ વિરોધી ઝુંબેશ સામે અમેરિકાના ૧૧ રાજ્યોના ૭૦ ટકાથી વધુ નાગરિકો સમર્થન આપવા લાગ્યા છે.

નૈતિક કે કાનૂની દૂરાચાર, રાષ્ટ્રીય સલામતિને અસર કરે તેવો ભ્રષ્ટાચાર અને રાજદ્રોહ જેવા ગુનાની ગંભીરતા મુજબ પ્રમુખ સામે અમેરિકી સંસદમાં ઠપકાની દરખાસ્ત લાવવામાં આવે છે, જે મહાભિયોગ અથવા ઈમ્પિચમેન્ટ તરીકે ઓળખાય છે. જો આ દરખાસ્ત સર્વાનુમતે કે બહુમતિથી પસાર થઈ જાય તો પ્રમુખ માટે હોદ્દા પર ટકી રહેવું દુષ્કર બની જાય છે.

મહાભિયોગની દરખાસ્તની પ્રક્રિયા હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્ઝથી શરૃ થાય છે. તેમાં સાધારણ બહુમતીથી જો મહાભિયોગ દરખાસ્ત પસાર થાય તો સેનેટમાં દરખાસ્ત પહોંચે છે, જ્યાં દરખાસ્ત પસાર કરવા બે તૃતિયાંશ બહુમતિની જરૃર પડે છે. હજુ સુધી એકપણ પ્રમુખ સામે આ સ્તર સુધીની કાર્યવાહી કરવાની આવશ્યકતા ઊભી થઈ નથી.

ટ્રમ્પની માફક અગાઉ છ અમેરિકન પ્રમુખ સામે ઈમ્પિચમેન્ટની હવા ઊભી થઈ હતી પરંતુ માત્ર બે જ પ્રમુખો સામે કાર્યવાહી થઈ હતી. ઓગણિશમી સદીમાં ૧૭મા પ્રમુખ એન્ડ્રુ જ્હોન્સન સામે ઠપકા દરખાસ્ત આવી હતી, જેમાં સેનેટમાં ફક્ત ૧ મતથી જ્હોન્સન બચી ગયા હતા. એ પછી લગભગ ૧૦૦ વર્ષના અંતરાલ બાદ બિલ ક્લિન્ટન મોનિકા લેવેન્સ્કિ સાથેના તેમના સંબંધોને લીધે ઈમ્પિચમેન્ટમાં અટવાયા હતા, પરંતુ સેનેટમાં બહુમતિને લીધે અને છેલ્લી ઘડીએ તેમણે કરેલી કબૂલાતને લીધે બચી ગયા હતા.
 

Post Comments