Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અલ્પવિરામ - ધૈવત ત્રિવેદી

ભાજપ વિ. સર્વ: અસ્તિત્વનો સહિયારો સવાલ

પેટાચૂંટણીમાં સંયુક્ત ઉમેદવાર મૂકીને વિપક્ષો પુન: એકતા સર્જવા આશાવાદી

મહાગઠબંધનના બીજા અવતારનો પ્રયોગ હવે ઉત્તરપ્રદેશમાં પેટાચૂંટણી વખતે થઈ શકે છે

ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની કલ્પનાતિત જીત પછી કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે બહુ સૂચક તારણ કાઢતાં ટ્વિટ કર્યું હતું કે, દેશભરમાં મોદીની બરોબરી કરી શકે એવા એકેય નેતા દેખાતા નથી. એ સંજોગોમાં હવે વિપક્ષોએ ૨૦૧૯ને બદલે ૨૦૨૪ પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

અલબત્ત, અન્ય નેતાઓ આવો પ્રામાણિક સ્વિકાર તો કર્યો નથી પરંતુ એ પછી થઈ રહેલી ગતિવિધિ ચોક્કસપણે સૂચવે છે કે કોંગ્રેસ સહિતના વિપક્ષો મોદીલહેરની અક્સિર દવા શોધવા હવે ગંભીર બની ચૂક્યા છે. ખાસ કરીને નીતિશકુમારે પાટલી બદલી નાંખ્યા પછી હતપ્રભ થઈ ગયેલા વિપક્ષો મોદીમર્જની દવા શોધવા હવે બેચેન બન્યા છે. તેની શરૃઆત માયાવતીના નિમિત્તથી થઈ શકે છે.

માયાવતીએ પોતાને બોલવા દેવાતા નથી એવું ઢંગધડા વગરનું કારણ આપીને રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું એ પછી હવે તેઓ કોઈ પેટાચૂંટણી લડીને સંસદમાં પ્રવેશવાની ફિરાકમાં છે. હાલમાં ઉ.પ્ર.માં જો કોઈ લોકસભા બેઠક પર પેટાચૂંટણી યોજાય એવી શક્યતા હોય તો એ ગોરખપુર અને ફુલપુર છે. ગોરખપુર બેઠક પરથી રાજીનામું આપીને યોગી આદિત્યનાથે વિધાનસભામાં ચૂંટાવું પડશે. આ બેઠક પર તેમનો દબદબો છે. એટલે એ બેઠક જાળવી રાખવા ભાજપ આશ્વાસ્ત છે.

પરંતુ નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યની લોકસભા બેઠક ફુલપુર માટે એમ કહી શકાય તેમ નથી. આ બેઠક નહેરુના સમયથી કોંગ્રેસનો ગઢ ગણાય છે અને ૨૦૧૪માં પહેલી વાર ભાજપને અહીં ફતેહ મળી હતી. અહીંનું કાસ્ટ ફેક્ટર પણ દલિત અને ઓબીસી તરફી ગણાય છે. આથી વિપક્ષો અહીં સંયુક્ત ઉમેદવાર તરીકે માયાવતીને ઉતારે એવી શક્યતા બળવત્તર છે. જો તેમાં માયાવતી જીતી જાય તો પણ વિપક્ષોને એકજૂટ થવાનું કારણ મળી શકે છે.

કટોકટી બાદ દેશભરમાં અળખામણા બનેલાં ઈન્દિરા ગાંધી સામે વિપક્ષી મોરચો એકજૂટ હતો ત્યારે ચિકમંગલુરની પેટાચૂંટણીમાં ઈન્દિરાનો વિજય નિર્ણાયક બન્યો હતો. હાલ મોદીલહેર સામે વિપક્ષો તક શોધી રહ્યા છે ત્યારે ફુલપુરની પેટાચૂંટણી તેમાં આશા જન્માવી રહી છે.

હાલ ભાજપના તીર પર કોંગ્રેસમુક્ત ભારતનું નિશાન તકાયેલું છે, પરંતુ તેની મહેચ્છા આડે આવતાં પ્રાદેશિક પક્ષો પણ સફાયો થઈ જવાના ભયથી મુક્ત નથી. સપા, બસપાના સફાયા પછી હવે ભાજપ તૃણમૂલને નિશાન બનાવશે એ નિશ્ચિત છે. ઓરિસ્સા કબજે કરવા પર પણ ભાજપે નજર જમાવી છે એટલે અત્યાર સુધી પોતાને અસ્પૃશ્ય માનતા નવિન પટનાયક પણ ભાજપ નામની વીજળી માથે પડવાના ભયથી મુક્ત રહ્યા નથી.

તામિલનાડુમાં જયલલિતાની વિદાય પછી પણ અણ્ણા દ્રમુક સરકારમાં ભંગાણ પણ શક્ય ન બન્યું અને સરકાર ભાજપ તરફ ઝુકી પણ નહિ. આથી ત્યાં હવે શાસક એઆઈએડીએમકે એનડીએ ગઠબંધનમાં જોડાય એવી પેરવી ચાલી રહી છે.  

આમ, સમગ્ર દેશમાં ભાજપ પોતાનો અશ્વમેધ રથ ક્યાંય રોકાયા વગર દિગ્વિજય મેળવતો જાય એ દિશામાં અતિશય મહત્ત્વાકાંક્ષી અને આક્રમક નીતિ અખત્યાર કરતો જાય છે ત્યારે કોંગ્રેસ સહિત નાના-મોટા તમામ વિરોધીઓ માટે હવે અસ્તિત્વનો સવાલ ઊભો થયો છે. મોદીલહેરની તીવ્રતા જ એટલી છે કે એક ઝટકાનો આઘાત શમે ત્યાં બીજો વધુ ઘાતક ઝટકો આવી જાય છે.  

૨૦૧૯ની ચૂંટણી આડે હવે માંડ બે વરસ જેટલો સમય બાકી રહ્યો છે. આ વર્ષે ગુજરાત સહિત મેઘાલય અને અન્ય નાના રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પણ આવશે, જેમાં ગુજરાતમાં વિપક્ષ કોંગ્રેસ માટે ખાસ આશા રાખી શકાય એવું હવામાન અત્યારે જણાતું નથી. પરિણામે વિપક્ષોએ હવે એકધારી હારનો આઘાત વિસરીને માત્ર અને માત્ર ૨૦૧૯ની રણનીતિ પર જ ધ્યાન આપવું ઘટે.

મોદીલહેરના ઉદ્ભવ પછી પણ ભાજપ અપરાજેય છે એવી ભ્રમણા તોડતાં ત્રણ ઉદાહરણ મોજુદ છે. એ ત્રણ ઉદાહરણ એટલે બંગાળ, દિલ્હી અને બિહાર. બંગાળમાં મમતા બેનર્જીએ ભાજપના ઝંઝાવાતને સફળતાપૂર્વક રોક્યો હતો. દિલ્હીમાં આમઆદમી પાર્ટીએ એ પરાક્રમ કરી બતાવ્યું હતું. જ્યારે બિહાર વિધાનસભા જીતવા માટેના અમિત શાહના તમામ પ્રયાસો અને મોદીની રેલીઓ છતાં લાલુ-નીતિશ ગઠબંધન કામિયાબ નીવડયું હતું.

ભાજપ પણ પોતાની આ નબળાઈ બરાબર સમજે છે. એટલા માટે જ તેણે એકવાર સાબિત થઈ ગયેલી આ નબળાઈ કાયમી ફોર્મ્યુલા બની ન જાય તેની તકેદારી રાખી છે. દિલ્હીમાં આમઆદમી પાર્ટીની જીતનું પુનરાવર્તન ન થાય એ માટે તેણે સતત અરવિંદ કેજરીવાલને દબાણમાં રાખીને એવા એવા ખોટા નિર્ણયો લેવા પ્રેર્યા કે આજે અન્યત્ર પ્રસરવાનું તો દૂર, તેઓ દિલ્હીમાં જ સરકાર અને પક્ષને બચાવવામાં વ્યસ્ત થઈ ગયા છે. એ જ રીતે બિહારમાં લાલુ-નીતિશ ગઠબંધન તોડવા તમામ તાકાત કામે લગાડીને છેવટે નીતિશને નોંખા પાડી જ દીધા.

ઉત્તરપ્રદેશમાં ભાજપને ૩૨૫ બેઠકો મળી હતી અને તેને મળેલા મતોનું પ્રમાણ ૪૧.૪ ટકા હતું. તેની સામે સમાજવાદી પાર્ટીને ૨૧.૮ ટકા, બસપાને ૨૨.૨ ટકા અને કોંગ્રેસને ૬.૨ ટકા મત મળ્યા હતા. આ ત્રણેય પાર્ટીના મતોની ટકાવારી ભાજપ કરતાં વધી જાય છે.

ત્રણેય જો ચૂંટણી પહેલાં જ એકબીજા સાથે હાથ મિલાવે, યોગ્ય કાર્યક્રમ ઘડે અને નેતૃત્વના મુદ્દે એકમત થાય તો ટકાવારીનું ચડિયાતાપણું બેઠકોની સંખ્યામાં પણ પરિવર્તિત થઈ શકે. ઉલ્લેખનીય છે કે, બિહારમાં મહાગઠબંધનને ૪૧.૭ ટકા મત મળ્યા હતા તો પણ રાજ્યમાં તેને સ્પષ્ટ બહુમતિ મળી શકી હતી.

એ જોતાં બિહારની નિષ્ફળતા છતાં ય હવે મરણિયા પ્રયાસ તરીકે ઉત્તરપ્રદેશમાં પણ ભાજપવિરોધી મોરચા મજબૂત બને તો ભાજપ માટે ૨૦૧૯માં અગાઉની સફળતાને દોહરાવવી મુશ્કેલ બની જાય. વિપક્ષી એકતા સામે દબાણમાં આવેલ ભાજપ હિન્દુત્વનું કાર્ડ ખેલીને કોઈ તગડી ભૂલ કરી નાંખે એવો વિપક્ષોનો આશાવાદ પણ બીજો કોઈ રસ્તો ન હોય ત્યારે હાલના તબક્કે તો તેમને ફૂલગુલાબી જણાય છે.

ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં ત્રીજા પક્ષનું અસ્તિત્વ પણ નથી અને નજીકના ભવિષ્યમાં એવી કોઈ ગુંજાઈશ પણ નથી. એટલે અહીં ભાજપને રોકવાની કોઈ કારી ફાવે તેમ નથી. મહારાષ્ટ્રમાં એનસીપી, શિવસેના, મનસે એવા ત્રણ પક્ષો છે પરંતુ તેમાં વિપક્ષો શરદરાવ પવારનો વિશ્વાસ કરી શકે તેમ નથી.

તેની સામે દક્ષિણ ભારતમાં ભાજપનો પ્રવેશ રોકવાનું સાવ એટલું અઘરું પણ નથી. થોડાં મહિના પૂર્વે પેટાચૂંટણીના પરિણામોમાં કર્ણાટકમાં કોંગ્રેસે પોતાની બે બેઠકો જાળવીને જરાક આશાનો સંચાર કર્યો છે. આંધ્ર-તેલંગણામાં કોંગ્રેસ અને જગન રેડ્ડીને જો સાથે બેસવા માટે સમજાવી શકાય તો ભાજપ-તેલુગુદેશમ જોડાણને ફડકો પેસી શકે છે. તામિલનાડુમાં ભાજપ કદાચ અણ્ણા દ્રવિડના અસંતુષ્ટોને પોતાની તરફ લલચાવે તો ડીએમકેને આપોઆપ જીવતદાન મળી શકે છે. કેરળમાં હજુ પણ ડાબેરી દળો સામે ટકવાનું ભાજપ માટે મુશ્કેલ છે જ.

વિપક્ષોના મોરચાના ખ્યાલ સામે સૌથી મોટો પડકાર નેતૃત્વનો છે. તેમાં મુલાયમજ, માયા, મમતા બેનર્જી અને નવિન પટનાયક એ દરેક નામ સશક્ત નેતૃત્વ અને સંખ્યાબળની દૃષ્ટિએ ઊભરી શકે. મુલાયમ અને માયા કદ પ્રમાણે વેતરાઈ ગયા છે, પણ એવું તેઓ પોતે સ્વિકારી શકે તેમ નથી. નવિન પટનાયક લો-પ્રોફાઈલ છે અને પોતાના પ્રાંત સિવાયની રાજનીતિમાં કદી સક્રિય થયા નથી. મમતા બેનર્જી માટે પ્રાંતમાં પગ જમાવેલા રાખવા વધુ મહત્ત્વના છે.  

રાહુલ ગાંધીના નેતૃત્વમાં મોદી સામે પડકાર તો દૂરની વાત છે, ઉલટાનું રાહુલની હાજરીથી મોદી ઉત્તરોત્તર વધુ મજબૂત બને છે એ સત્ય કોંગ્રેસ હવે વહેલીતકે સમજે અને ઈન્દિરાની માફક હાલ તુરત બેકફૂટ પર જઈને અન્યના ખભે બંદૂક મૂકે એ કૂટનીતિનું શાણપણ ગણાશે.
 

Post Comments