Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શબ્દસંહિતા - પરેશ વ્યાસ

આધુનિક જીવનશૈલીનાં આગંતુક શબ્દોની ત્રિપદી

સાયબરલોફિંગ ઓનલાઇન ખરીદીનાં વ્યસન કરતાં પણ વધારે ખરાબ છે. સાયબરલોફિંગ કમ્પલસરી કરવી જ પડે એવી વર્તણુંક બની જાય છે

(ભાગ-૧)

કેમ્બ્રિજ ડિક્સનરી સમયાંતરે નવા શબ્દોની યાદી જાહેર કરે છે. એવાં શબ્દો જે નવજાત છે, સાંપ્રત છે, જેનો કોઇ ઈતિહાસ નથી.

ગુજરાતી ભાષામાં એવાં શબ્દો વિષે એક સરસ શબ્દ છે 'શબ્દજશબ્દ'. ગુજરાતી લેક્સિકોનમાં એનો અર્થ અઘરો કરીને છાપ્યો છે.

ઝટ સમજાતો નથી પણ થોડો સરળ કરીએ તો અર્થ થાય અચાનક આવી ચઢેલો નવો શબ્દ. આગંતુક શબ્દ. આજે ત્રણ મઝાનાં શબ્દજશબ્દો વિષે વાત કરવી છે.

૧. એલએટી (LAT):

એલએટી અબ્રીવિએશન (સંક્ષેપાક્ષર) છે. એલએટી એટલે લિવિંગ અપાર્ટ ટૂગેધર. 'અપાર્ટ' એટલે એક બાજુએ, અલગ અલગ, છેટે, દૂર, કકડેકકડા, જુદી રીતે, અને 'ટુગેધર' એટલે ભેગા, સાથે, એક સાથે, એકબીજાની સાથેસાથે, એકી વખતે, સંગાથે, લગાતાર, વચ્ચે ખંડ વિના, સુસંગઠિતપણે, સુનિયંત્રિતપણે. બંને વિરોધાર્થી શબ્દો. અલગ ય રહેવું અને સાથે ય રહેવું ?  એ શી રીતે બની શકે ?

એલએટી એટલે એવી વ્યક્તિઓ જે આમ તો સાથે છે પણ આમ દૂર રહીને જીવે છે. એક પુરુષ અને એક સ્ત્રી નક્કી કરે કે આપણે સાથે રહેવું છે તો લગ્ન કરીને રહી શકે.

લગ્ન ન કરે તો લિવ-ઇન રીલેશનશીપમાં ય રહી શકાય. લિવ-ઇન રીલેશનશીપ એટલે પતિ પત્ની જેવું બધું જ કરે પણ કોઇ લાંબુ કમિટમેન્ટ નહીં. કોઇ જવાબદારી નહીં. કોઇ પ્રતિબદ્ધતા નથી.

એલએટી સહજીવનની એવી નવી વ્યવસ્થા છે; જેમાં લગ્ન પણ નથી અને લિવ-ઇન પણ થી. તેઓ સાથે રહેતા નથી. અલગ રહે છે. અને છતાં સાથે છે. પતિ પત્ની જેવાં જ સંબંધો છે. સાથે હરે છે, સાથે ફરે છે, સાથે ચરે છે.

ટૂંકમાં સચરાચર ખરાં પણ સાથે રહેતાં નથી. ઘર જુદા છે. બંને એકમેકને ખૂબ પ્રેમ કરે છે. તકલીફમાં સાથે જ હોય, બીમાર પડે, અકસ્માત થાય કે ક્યાંક માથાકૂટ થઇ જાય તો સાથીદાર પડખે જ હોય. આ કામચલાઉ રીલેશનશિપ નથી. છીછરી રીલેશનશિપ નથી. સાથે છે.

બસ એટલું જ કે એક છત નીચે રહેતાં નથી. આ એવું જોડું છે; જે જોડે રહેતું નથી. પોતપોતાની એક અલગ લાઈફ છે. લગ્ન વિષે ખલિલ જિબ્રાન કહે છે કે તમારાં સામિપ્યમાં જગ્યા રહેવા દેજો કારણ કે સરૃનું ઝાડ અને દેવદારનું વૃક્ષ એકબીજાની છત્રછાયામાં વિકાસ પામતું નથી.

વીણાનાં તાર અલગ હોય તો જ મધુર સંગીત રેલાવે છે. મંદિરનાં સ્તંભ અલગ હોય તો છતનો ભાર ઝીલી શકે છે. એલએટી ખલિલ  જિબ્રાનનાં  જ્ઞાનનો  અનાયાસે અમલ કરે છે.

૨. સાયબરલોફિંગ (Cyberloafing)

લોફ એટલે આળસમાં વખત કાઢવો, રખડી કાઢવું, કોઇથી કામકાજે આસપાસ રખડવું કે ફરવું. 'લોફર' શબ્દનો અર્થ તો આપણે જાણીએ છીએ. આવારા કે રખડેલ વ્યક્તિ. ઈન્ટરનેટનાં આવિષ્કાર પછી આપણી રખડપટ્ટી વર્ચુઅલ થઇ ગઇ છે. કામ સિવાય પણ નિરર્થક ગૂગલિય રખડપટ્ટી થતી રહે છે. 'સ્ટાઇલિસ્ટ' મેગેઝિન સાયબરલોફિંગ શબ્દ સમજાવે છે. તમે ઇન્ટરનેટ ચાલુ કરો. ઈન્સ્ટાગ્રામ પર કોઇ છોકરીનો ફોટો જુઓ જેની સાથે તમે સ્કૂલમાં ભણતા હતા. જોતજોતામાં બે કલાક પસાર થઇ જાય.

તમારું મુખ્ય કામ રખડી જાય અને તમે પેલી છોકરી અને તેની સહેલીઓની તાજેતરની તસ્વીરો પર ક્લિક કરતા રહો. એવું ય બને કે તમારા અપેક્ષિત કામની જગ્યાએ તમે એમેઝોન, ફ્લિપકાર્ટ, જેવી ઈ-કોમર્સને રવાડે ચઢી જાવ. ના જોઇતું હોય એ ખરીદી લો અને સમય પણ બરબાદ થાય.

સેવન કેરીયર કોચિંગની સીઈઓ એવલીન કહે છે કે સાયબરલોફિંગ ઓનલાઇન ખરીદીનાં વ્યસન કરતાં પણ વધારે ખરાબ છે. સાયબરલોફિંગ કમ્પલસરી કરવી જ પડે એવી વર્તણુંક બની જાય છે.

જિંદગીમાં કાંઇ ખૂટે છે જે મેળવવા કોશિશ કરતાં રહો પણ ક્યારેય સંતોષનાં ઓડકાર આવતા નથી. કામ કર્યા વિના થાકી જવાય છે. ઊંઘી જવાય છે. સાયબરખાઉધરાવેડા જિંદગીને ખરાબ રીતે ખસ્તા કરી નાંખે છે. ઇન્ટરનેટનાં અકરાંતિયાપણા અનંત છે.

૩.પેરેનિયલ (Parennial)

પેરેન્ટ્સ અને મિલેનિયલ એવા બે શબ્દોને જોડીને બનેલા પેરેનિયલ શબ્દનો અર્થ થાય છે એકવીસમી સદીનાં માતાપિતા કે વાલીઓ. જેવા જ ઉચ્ચારના એક અલગ શબ્દ પેરેનિયલ (Perennial) જેનો અર્થ સનાતન કે શાશ્વત થાય છે, એ શબ્દને અને આપણા આજના શબ્દ સાથે નહાવા કે નિચોવવાનો કોઇ સંબંધ નથી.

પેરન્ટ્સ શબ્દ તો આપણે જાણીએ છીએ. માતાપિતા કે વાલી. અને મિલેનિયલ એટલે હજાર વર્ષનો સમયગાળો.

આપણે ઇ.સ. ૨૦૦૦ની સાલમાં પ્રવેશ્યા એટલે એક નવા હજાર વર્ષના સમયગાળામાં પ્રવેશ્યા. એવા લોકો જે ૧૯૮૨થી ૨૦૦૪માં જન્મ્યા હોય એ બધા મિલેનિયલ કહેવાય છે.

આવા મિલેનિયલ્સ જ્યારે પેરન્ટ્સ બને ત્યારે તેઓ કાંઇ અલગ હોય છે ? જવાબ છે 'હા'. આજકાલના માબાપ અગાઉનાં માબાપ કરતા કઇ રીતે જુદા પડે છે ? અરે સાહેબ, તેઓ સઘળું જાણે છે.

તેઓ જન્મ્યા ત્યારથી બધું જાણે છે. ગળથૂથીનો તો આપને ખ્યાલ હશે જ. બાળક જન્મે ત્યારે એને ગળથૂથી પીવડાવાય છે. ગળથૂથી એટલે તરત જન્મેલાં બાળકને રૃના પૂમડાં વડે ગોળ, ઘી અને પાણી એકઠાં કરી ચટાડાયેલું પેય. પણ આ મિલેનિયલ્સ જન્મ્યા ત્યારે એમને ગળથૂથીમાં ગૂગલ ચટાડાયું છે.

આ બાળકો જ્યારે મોટા થઇને માબાપ બને ત્યારે ઘણું ઘણું જાણે છે.

બાળઉછેરની સઘળી માહિતીથી તેઓ સજ્જ છે. ન્યૂયોર્ક ટાઈમ્સનો અહેવાલ લખે છે કે પેરેનિયલ લોકો માટે ગૂગલ આયા છે, આડોશીપાડોશી છે, ઘરનો વડીલ છે, બાળઉછેર માટે પેરેનિયલ વારંવાર ઇન્ટરનેટ સર્ફિંગ કરતાં રહે છે.

અલબત્ત સારી વાત છે. નહીં ? પણ મુશ્કેલી એ છે કે આ માહિતી મબલખ છે. ક્યારેક તદ્દન વિરોધાભાસી પણ હોય. પછી ગૂંચવાડો વધતો જાય છે. પણ પેરેનિયલ્સ રસ્તો શોધી કાઢે છે.

પેરેનિયલ્સ માને છે કે નાદાધીનામ જગત સર્વમ નહીં પણ ગૂગલાધીન જગત સર્વમ. જગત શિવજીનાં ડમરુનાં નાદ નહીં પણ ઇન્ટરનેટ સર્ફીંગના સાદથી ચાલે છે.

શબ્દ શેષ:

જિંદગી વિષે હું કાંઈ પણ શીખ્યો એને ત્રણ શબ્દોમાં કહું તો.. ઇટ ગોસ ઓન (એ ચાલતી રહે છે) - પ્રસિધ્ધ

કવિ રોબર્ટ ફ્રોસ્ટ (૧૮૭૪-૧૯૨૩)

(ક્રમશઃ)

Post Comments