Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

1969માં એક ફૂટબોલ મેચ બે દેશો વચ્ચેના યુધ્ધનું કારણ બની હતી

હસમુખ ગજજર

૧૯૬૯માં ફિફા વિશ્વકપની કવોલિફાઇંગ ટૂર્નામેન્ટમાં અલ સાલ્વાડોરે  ૩-૨ ગોલથી હોન્ડુરાસને હરાવ્યું હતું. આથી હોન્ડુરાસમાં રહેતા અલ સાલવાડોર મૂળના નાગરીકોને ફટકારવાનું શરું થયું હતું.

હવે હોન્ડુરાસ પર આક્રમણ કરીને ફૂટબોલ જેવો જ પાઠ યુધ્ધમાં ભણાવો એવી લોક માંગણીએ અલ સાલ્વાડોરમાં જોર પકડયું હતું.  
ક્રિકેટ ગણ્યા ગાંઠયા દેશો રમે છે જયારે ફૂટબોલ રમત વિશ્વના દરેક ખંડમાં લોકપ્રિય છે.

આફિકા હોય કે અમેરિકા, યુરોપ હોય કે લેટિન અમેરિકા ફૂટબોલ માટે એક પ્રકારનું ઝનૂન જોવા મળે છે. દર ૪ વર્ષે યોજાતો ફિફા વિશ્વકપ ફૂટબોલની સૌથી મોટી ઇવેન્ટ છે.

ફૂટબોલ મેચ દરમિયાન લાગણી અને ઉશ્કેરાટના કારણે સ્ટેડિયમમાં વાતાવરણ તંગ બની જાય છે. કયારેક સમર્થકો મારામારી પર ઉતરી આવે એવી ઘટનાઓ પણ બને છે.

જો કે એ જાણીને નવાઇ લાગશે કે એક ફૂટબોલ મેચના કારણે બે દેશો વચ્ચે યુદ્ધ ફાટી નિકળ્યું હતું. જે ફૂટબોલના ઇતિહાસમાં ફૂટબોલ વૉર કે સોકર વૉર તરીકે જાણીતું છે.

૧૯૬૯માં ફિફા વિશ્વકપની કવોલિફાઇંગ ટૂર્નામેન્ટમાં લેટિન અમેરિકી દેશ હોન્ડુરાસ અને અલ સાલ્વાડોર વચ્ચે મુકાબલો હતો.એમાં સરેરાશથી જે જીતે એ દેશને ૧૯૭૦માં યોજાનારા વિશ્વકપમાં ભાગ લેવાની તક મળવાની હતી. હોન્ડુરાસ અને સાલ્વાડોર બંને પાડોશી દેશો પરંતુ સંબંધો હંમેશા ખટાશભર્યા રહેતા હતા.

અલ સાલ્વાડોર, હોન્ડુરાસની વાયવ્ય સરહદે વિસ્તારની દ્રષ્ટીએ હોન્ડુરાસ કરતા પાંચ ગણો નાનો દેશ છે. આ બંને દેશો વચ્ચે ૨૦ મી સદીમાં નામ પૂરતી સરહદ હતી.

મેસ્ટિઝો એથેનિક ગુ્રપના લોકો મુકત રીતે આવન જાવન અને વસવાટ કરતા હતા. ખાસ કરીને ઇસ ૧૯૫૦ પછી અલ સાલ્વાડોરથી હોન્ડુરાસમાં મોટા પાયે શરણાર્થીઓએ આવવાનું શરુ કર્યું હતું.

હોન્ડુરાસની કુલ વસ્તીના ૨૦ ટકા લોકો એટલે કે દર પાંચમો માણસ અલ સાલ્વાડોરનો મૂળ રહેવાસી હતો. અલ સાલ્વાડોર મૂળના વિસ્થાપિત લોકો સમય જતા હોન્ડુરાસમાં ખેતીલાયક જમીન તથા પ્રોપર્ટીના માલિક પણ બન્યા હતા. ૧૯૬૦માં ૩ લાખથી પણ વધુ લોકો સાલ્વાડોરથી હોન્ડુરાસમાં આવ્યા હતા.

હોન્ડુરાસમાં રહેતા સાલ્વાડોર મૂળના લોકો ભળી જવાના સ્થાને પોતાની ઓળખ રાખીને રહેતા હતા. આથી ઘણી વાર બે જુથો વચ્ચે હિંસક તોફાનો અને મારામારી પણ થતી હતી. હોન્ડુરાસના રાજકારણમાં પણ અલ સાલ્વાડોર મૂળના શરણાર્થી નાગરીકોની સમસ્યાએ સળગતો પ્રશ્ન હતો.

૧૯૬૦માં હોન્ડુરાસ સરકારે અલ સાલ્વાડોર મૂળના લોકોના જમીન અધિકારો અને પ્રોપર્ટી છિનવી લેવાની કાર્યવાહી શરુ કરી હતી.૧૯૬૭માં અલ સાલ્વાડોર તરફની સરહદ સીલ કરીેને શરણાર્થીઓનો પ્રવેશ અટકાવી દીધો હતો. હોન્ડુરાસ સરકાર દેશમાં વધતી જતી અરાજકતા અને અસહિષ્ણુતા માટે પાડોશી દેશ અલ સાલ્વાડોરને જવાબદાર ગણતો હતો.

એક બાજુ હોન્ડુરાસ સરકારની કડક કાર્યવાહીથી ઘર આંગણે રાષ્ટ્રવાદી માહોલ ઉભો થયો હતો બીજી બાજુ પાડોશી દેશ અલ સાલ્વાડોરના લોકો અને સરકાર હોન્ડુરાસ સરકારની કાર્યવાહીથી ધૂંવાપૂંવા થયા હતા.

આ બાબતે  બંને દેશા વચ્ચે સંબંધો તંગ બનતા અરસપરસ વસવાટ કરતા નાગરીકોનેે પરેશાન કરવાનું શરુ થયું હતું.

આવા નાજૂક સમયગાળામાં હોન્ડુરાસ અને અલ સાલ્વાડોર વચ્ચેના ફૂટબોલ મુકાબલાએ બળતામાં ધી હોમવાનું કામ કર્યું હતું. ક્વોલિફાઇંગ રાઉન્ડની પ્રથમ મેચ ૧૯ જુન ૧૯૬૯ના રોજ હોન્ડુરાસની રાજધાની ટેગુસિગલ્પામાં યોજાઇ હતી. હોન્ડુરાસમાં રહેતા અલ સાલ્વાડોર મૂળના લોકો અલ સાલ્વાડોર ફૂટબોલ ટીમની ફેવર કરી લોકલ ફૂટબોલપ્રેમીઓને ઉશ્કેરતા હતા. આથી હોન્ડુરાસના કટ્ટરવાદીઓએ અલ સાલ્વાડોરના ફૂટબોલ ખેલાડીઓ જે હોટલમાં ઉતર્યા ત્યાં પથ્થરમારો કર્યો હતો.

તણાવ અને તંગદિલીભર્યા માહોલમાં યોજાયેલી પ્રથમ મેચ હોન્ડુરાસે ૧-૦ થી જીતી લીધી હતી. અલ સાલ્વાડોરમાં આ મેચના પરીણામથી રીતસરનો માતમ છવાઇ ગયો હતો. અલ સાલ્વાડોરમાં અઠાર વર્ષની એમેલિયા બોલાનોસ નામની યુવતી ટીવીમાં મેચ જોતી હતી. જયારે હોન્ડુરાસના સ્ટ્રાઇકર રોબર્ટો કાર્ડાનોએ છેલ્લી મિનિટમાં ગોલ કરતા તે ગુસ્સામાં આવીને ઉભી થઇ ગઇ હતી.

તેણીનીએ કબાટમાંથી પિતાની લાયસન્સવાળી બંદૂક ચલાવીને આત્મહત્યા કરી લીધી હતી. અમેરિકાના એક જર્નાલિસ્ટે લખેલી ધ સોકર વૉર નામની બુકમાં આ ઘટનાનું વર્ણન કર્યું છે.

ચાર દિવસ પછી બીજી મેચ અલ સાલ્વાડોરમાં યોજાઇ જયાં હોન્ડુરાસની ફૂટબોલ ટીમનું લોકોએ સડેલા ઇંડા અને મરેલા ઉંંદર ફેંકીને સ્વાગત કર્યુ હતું. હોન્ડુરાસના રાષ્ટ્રધ્વજની ઠેર ઠેર હોળી કરવામાં આવી હતી. બખ્તરબંધ કારમાં બેસાડીને મહા મહેનતે ખેલાડીઓને ફૂટબોલના મેદાન સુધી પહોંચાડવામાં આવ્યા હતા.

શસ્ત્ર સેનાએ ચારેકોરથી ફૂટબોલ સ્ટેડિયમને ઘેરી લીધું હતું. ફૂટબોલ મેચ શરુ થાય એ પહેલા ફાટી નિકળેલા તોફાનમાં ૩ લોકોના મોત થયા હતા. ફૂટબોલ ગ્રાઉન્ડની અંદર અને બહાર મેચ નહી પરંતુ યુધ્ધ ચાલતું હોય તેવા માહોલ વચ્ચે હોન્ડુરાસની ટીમ ૦-૩ ગોલથી મેચ હારી ગઇ હતી.

હોન્ડુરાસના કોચે મેચ પૂર્ણ થયા પછી રાહતનો શ્વાસ લીધો હતો. કોચે ખેલાડીઓને હાર્યા છતાં શાબાશી આપતા રહયું કે જો તમે મેચ જીત્યા હોતતો કદાંચ જીવતા જવાના ન હતા.

હોન્ડુરાસ અને અલ સાલ્વાડોર વચ્ચે કવોલિફાઇંગ રાઉન્ડની ત્રીજી મેચ બાકી હતી. ફિફાએ તંગદિલી જોતા છેલ્લા મુકાબલો તટસ્થ જગ્યાએ મેકિસકો સિટીમાં રાખવાનું નકકી કર્યુ હતું. ૨૬ જુનના રોજ યોજાયેલા મુકાબલામાં બંને દેશો વચ્ચે કાંટાની ટકકર જોવા મળી હતી.

અંતિમ તબક્કામાં અલ સાલ્વાડોરે આ મેચ ૩-૨ ગોલથી જીતીને ૧૯૭૦નો ફૂટબોલ વિશ્વકપ રમવા માટે પ્રથમવાર લાયકાત મેળવી હતી. અલ સાલ્વાડોરે ફૂટબોલ મેચમાં હોન્ડુરાસને હરાવ્યું હોવાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા હોન્ડુરાસમાં અલ સાલવાડોર મૂળના નાગરીકોને ફટકારવાનું શરું થયું હતું. આથી હોન્ડુરાસ પર આક્રમણ કરીને તેને ફૂટબોલ જેવો જ પાઠ યુધ્ધમાં ભણાવો એવી માંગણીએ અલ સાલ્વાડોરમાં જોર પકડયું હતું.

અલ સાલ્વાડોરની સરકાર પર એટલું બધું માનસિક દબાણ ઉભું થયું કે છેવટે ૧૪ જુલાઇના રોજ હોન્ડુરાસ પર ટેન્કોે અને ફાઇટર વિમાનોથી હુમલો કર્યો હતો.

હોન્ડુરાસે પણ આ હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો હતો. બંને દેશો વચ્ચે ૧૦૦ કલાક વૉર ચાલ્યું જેમાં ૨૦૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા.મહિલાઓ પર બળાત્કાર થયા અને સેંકડો લોકો બેઘર બની ગયા હતા.

આંતરરાષ્ટ્રીય દબાણ વધવાથી બંને દેશો યુદ્ધવિરામ જાહેર કરવા તૈયાર થયા હતા. આ બંને દેશોએ શરણાર્થીઓના મુદ્વે આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના દ્વારા ખટખટાવ્યા હતા.

હોન્ડુરાસ અને અલ સાલ્વાડોર પહેલાની કડવાશ ભૂલીને ફૂટબોલ મેચ રમે છે. ફિફા વિશ્વકપ પહેલા ૨ જુન ૨૦૧૮ના રોજ હ્વુસ્ટન ખાતે હોન્ડુરાસ અને અલ સાલ્વાડોર વચ્ચે ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી મેચ રમાઇ જે ૧-૦ ગોલથી અલ સાલ્વાડોરે જીતી હતી.

Post Comments