Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આરોગ્ય ગીતા - વત્સલ વસાણી

શિયાળામાં નિત્યનીરોગી રહેવા માટેનો ખોરાક અને જીવનશૈલી

પાક પકવાન બધા લોકો માટે ઉપયોગી નથી. જેમનું પાચન સારું હોય એમને જ પાક પકવાન કે અવલેહથી પોષણ અને શક્તિ મળે છે

શિયાળો એ આયુર્વેદની દ્રષ્ટિએ શક્તિ સંચયની ઋતુ છે. વ્યક્તિ ઈચ્છે તો વર્ષ ભરની શક્તિ આ ઋતુમાં એકઠી કરી શકે છે. શિયાળા દરમિયાન કુદરતી રીતે જ ભૂખ ખૂલવા લાગે છે. ચોમાસામાં બપોરે જમ્યા હોઈએ તો પણ સાંજે પેટ ભારે રહે છે અને કકડીને ભૂખ લાગતી નથી.

જ્યારે શિયાળામાં સવાર, બપોર અને સાંજ એમ ત્રણ વાર જમીએ તો પણ પેટ ભારે થતું નથી. આ ઋતુમાં પાચનતંત્ર સુધરતું હોવાથી અને ભારે ખોરાક પણ પચી જતો હોવાથી ગોળ, ઘી, દૂધ, દહીં, માખણ, વિવિધ વસાણા, પાક પકવાન, અડદિયા, સાલમ પાક, ગુંદર પાક, મેથી પાક, ખજૂર પાક, ચીકી વગેરે ખાવાની પરંપરા છે.

શિયાળામાં તાજા શાકભાજી અને ફળફળાદિ પણ પુષ્કળ પ્રમાણમાં મળે છે. સંતરા, સફરજન, ચીકુ, લીલી દ્રાક્ષ, જમરૃખ, આમળા શિંગોડા અને સિતાફળ જેવા ફળો પુષ્કળ પ્રમાણમાં થાય છે ખજૂર, ખારેક અને સૂકો મેવો શરીરમાં બળ અને સ્ફૂર્તિ લાવવામાં મદદ કરે છે.

શિયાળામાં આપણે ત્યાં ઊંધિયું, જલેબી, લીલવાની કચોરી વગેરે ખાવાની પરંપરા છે. ઉતરાયણના દિવસે તો મોટાભાગના લોકો ઊંધિયું, ચીકી વગેરે અવશ્ય ખાય છે. ઊંધિયામાં આવતા શાકભાજી શરીરમાં સ્ફૂર્તિ અને તાજગી લાવનારા છે. રીંગણ, બટાકા, રતાળુ, શક્કરિયા, પાકા કેળાં, મેથીની ભાજીના મૂઠિયા વગેરે અનેકનો સમાવેશ થતો હોવાથી એકીસાથે ઘણા બધા શાકભાજીના સ્વાદ અને ગુણ પણ મળે છે.

શિયાળામાં ગાજર, કુમળા મૂળા, લીલી ડુંગળી, ભીંડા, કાકડી, લીલું લસણ, સરગવો, લીલી તુવેરના દાણા, લીલા વટાણા, પાલખ, મેથી અને તાંદળજાની ભાજી, દૂધી, પરવળ, કોબી-ફ્લાવર, રીંગણ તથા વાલોળ પુષ્કળ પ્રમાણમાં મળે છે. દરેકે પોતાની આર્થિક અનુકૂળતા પ્રમાણે તાજા શાકભાજી જરૃર ખાવા, શિયાળામાં રીંગણનું ભડથું, બાજરીના રોટલા, અડદની દાળ, લસણની ચટણી, માખણ અને તાજી છાશ કે દહીં એ પ્રકારનું પૂર્ણ ભોજન બની જાય છે. આમાં છ એ છ રસ અને બધા જ પોષક તત્ત્વો આવી જાય છે.

શિયાળામાં લોકો ચ્યવનપ્રાશ કે આમળાનું જીવન પણ ખાસ ખાતા હોય છે. શાસ્ત્રીય રીતે બનાવેલો ચ્યવનપ્રાશ આપણી રોગ પ્રતિકાર શક્તિને વિકસિત કરે છે. આમાં આવતાં મોટા ભાગના દ્રવ્યો જીવનીય અને રસાયન છે. આમળા, ઘી, સાકર ઉપરાંત અનેક ઔષધોના સંયોજનથી ચ્યવનપ્રાશ કે જીવન બને છે. ચ્યવનપ્રાશના નિયમિત સેવનથી વ્યક્તિ નિત્ય નિરોગી રહી શકે છે. રોગ પ્રતિકાર શક્તિ વધતી હોવાથી વ્યાધિ તથા વૃદ્ધાવસ્થા એનાથી દૂર રહે છે.

બીમાર પડયા વિના નીરોગી રહીને જીવવું હોય તો શિયાળા દરમિયાન સેવન કરવા યોગ્ય એક રસ પ્રયોગ પણ સૂચવું છું. તાજા રસદાર લીલા આમળા, કુમળું આદું, લીલી હળદર, તુલસીના તાજા પાન અને ફુદીનો આ પાંચ વસ્તુનો પોતાની જરૃરત પ્રમાણે રસ કાઢી વ્યક્તિદીઠ અડધો કપ જેટલો રસ બે ચમચી ચોખ્ખું મધ મેળવીને પી જવો. આ રસના સેવનથી શરીર તંદુરસ્ત રહે છે. ડાયાબીટીસ થતો નથી અને થયો હોય તો એનું જોર ઘટે છે.

વર્ષભર પાચનતંત્ર સારું રહે છે અને શરદી, કફ, ગેસ તથા કબજિયાત જેવા રોગો દૂર રહે છે. લસણનો બાધ ન હોય તેવા લોકો લીલું-સૂકું લસણ ઉમેરી શકે છે. લસણથી હૃદયરોગ, કોલેસ્ટરોલ, હાઈ બી.પી. અને ગેસના દરદીને ફાયદો થાય છે. શ્વાસ અને શરદી હોય એવા લોકો આમળાં ઓછાં કરી તેની જગ્યાએ અરડૂસીના તાજા પાન ઉમેરી શકે છે.

આયુર્વેદનું મુખ્ય પ્રયોજન સાજાને સાજા રાખવાનું છે. આમ છતાં કોઈ બીમાર પડે તો આડઅસર રહિત, નિર્દોષ અને ઘરગથ્થુ પ્રયોગોથી એમને સાજા કરવા એ બીજું અને મહત્ત્વનું પ્રયોજન છે. સાજાને સાજા રાખવા હોય તો એની રોગ પ્રતિકાર શક્તિને વિકસિત કરવી જોઈએ.

આયુર્વેદના આચાર્યોએ નિત્ય નીરોગી રહેવા ઈચ્છતા લોકો માટે ત્રણ પ્રકારના બળનું વર્ણન કર્યું છે. એમાં પહેલું છે સહજ બળ, મા બાપ તરફથી એ વારસામાં મળે છે. માબાપ જો સ્વસ્થ અને સશક્ત હોય તો એના સંતાનો પણ સ્વસ્થ અને સશક્ત બને છે. આવા વારસાગત બળને 'ઈમ્યુનિટી' પણ કહે છે. જેમને જન્મજાત આવું બળ મળેલું હોય એવી વ્યક્તિ આહાર વિહારમાં ભૂલ કરે તો પણ જલદી બીમાર થતી નથી.

બીજા પ્રકારના બળને 'કાલકૃત' એટલે કે ઉંમર અને ઋતુના કારણે મળતું બળ કહેવામાં આવ્યું છે. શિયાળામાં કુદરતી રીતે જ વ્યક્તિનું બળ વધે છે. બળનો આધાર સારા પાચનતંત્ર પર હોય છે. શિયાળામાં પ્રત્યેક વ્યક્તિનું પાચનતંત્ર સુધરે છે. કકડીને ભૂખ લાગે છે. ખાધેલું પચી જાય છે અને તેથી પૌષ્ટિક ખોરાક, પાક પકવાન, સૂકો મેવો વગેરે લોકો ખાઈ શકે છે.

પ્રબળ જઠરાગ્નિના કારણે જ બળ કે ઈમ્યુનિટી પણ વધે છે. આથી શિયાળા દરમિયાન લોકો ઓછા બિમાર પડે છે. એ જ રીતે યુવાનીમાં કુદરતી રીતે જ વ્યક્તિ બળવાન તથા સશક્ત હોય છે. પોતાનું પાચનતંત્ર સારું હોવાથી ખાધેલા ખોરાકમાંથી શક્તિ આપમેળે જ ઉત્પન્ન થાય છે.

ત્રીજા પ્રકારના બળને 'યુક્તિકૃત' કહે છે. જુદી જુદી યુક્તિઓથી આ બળની વૃદ્ધિ થાય છે. આહાર વિહાર પર ધ્યાન આપવાથી સવારે રોજ ચાલવા જવાથી, માલિશ પછી માપસરનો વ્યાયામ કરવાથી તથા પૌષ્ટિક ખોરાક ખાવાથી કુદરતી રીત ે જ બળની વૃદ્ધિ થાય છે.

વ્યક્તિ ધારે તો જુદા જુદા ઉપાયોથી પોતાનું પાચન સુધારી, પૌષ્ટિક આહારનું સેવન કરી પોતાના આરોગ્યને અને બળ તથા સ્ફૂર્તિને વધારી શકે છે. શિયાળો આ માટેની સર્વોત્તમ ઋતુ છે. રોજ સવારે વહેલા ઊઠી ચાલવા જનારા લોકો સશક્ત અને નીરોગી રહી શકે છે. જેમને આસન-પ્રાણાયામમાં રસ હોય તેમણે યોગ વિશેષજ્ઞા પાસેથી આસન શીખી રોજ કરવા.

એક વાત ખાસ યાદ રાખવી કે પાક પકવાન બધા લોકો માટે ઉપયોગી નથી. જેમનું પાચન સારું હોય એમને જ પાક પકવાન કે અવલેહથી પોષણ અને શક્તિ મળે છે.

બાકી જેમને કાયમી શરદી-કફ રહ્યા કરતાં હોય કે પાચનતંત્રની નબળાઈ હોય તેમણે સૂંઠ ગોળની લાડુડી, સૂંઠિયું, ચિત્રક હરીતકી અવલેહ અને મેથીના લાડુ ખાવા.

આર્થિક અનુકૂળતા હોય એવા લોકોએ શિયાળામાં સુવર્ણ વસંત માલતી, મકરધ્વજ વટી, વસંત કુસુમાકર રસ અને શિલાજિતનું સેવન કરવું. શરદી હોય એવા લોકોએ છેવટે આદુંપાક પણ ખાવો.

 

Post Comments