Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફ્રેન્કલી સ્પીકિંગ - વિશાલ શાહ

આઈ એમ નોટ યોર સુગર આઈ એમ નોટ યોર પેટ્રોલ

સેક્સ વર્કર હોય કે પત્ની- નો મિન્સ નો જ હોય એ વાત સમજતા તો આપણને ખબર નહીં કેટલી સદીઓ લાગશે!  

આ કોઈ રેપ સોંગ નથી, અને નથી હંમેશાની જેમ કવિતા
હું તમને કંઈક પૂછવા માંગુ છું, જે ફક્ત તમારો થોડો સમય લેશે
આઈ એમ નોટ યોર સુગર, આઈ એમ નોટ યોર પેટ્રોલ
હું પણ જીવતી જાગતી માણસ છું, આત્મામાં અગ્નિ ધરાવતી
આ ખૂબ જ પેચીદું છે, આટલી બધી ચર્ચા કેમ થઈ રહી છે?
અને એ પણ એના માટે કે જે એકદમ સ્પષ્ટ રીતે ખોટું છે
તમે કહો છો બધા જ પુરુષો આવા નથી
પરંતુ તમે મને કહી શકો કે, બધા ગંદા પુરુષ ક્યાં જતા રહે છે?
અહીં બધે જ ફેશન શૉના જજીસ જેવું સંભળાય છે
એના કપડાં થોડા ટૂંકા છે, તેની હિલ્સ ખૂબ મોટી છે
શરીર કેટલું ઢંકાયેલું છે એનાથી જ સ્ત્રીનું ચરિત્ર નક્કી થાય?
હું પણ એક માણસ છું, જીવતી જાગતી, તમારા જ જેવી
મારે પણ સપનાં છે, ઈચ્છાઓ છે
સ્ત્રીઓને નથી જોઈતા તમારા વણમાંગ્યા ચુંબનો
આ એકદમ સીધીસાદી વાત છે,
તમે મને સ્પર્શી ના શકો, તમને એ અધિકાર જ નથી
આપણે હજુયે કેમ ચૂપ છીએ, ચાલો આ લડાઈ લડીએ
મિ. આઝમીને સોરી કહી દો, મિ. પરમેશ્વરને પણ માફ કરી દઈએ
આ બધું જ દુષ્ટ વર્તનના કારણે જ થયું છે,
પશ્ચિમી સંસ્કૃતિના કારણે નહીં
આઈ એમ નોટ યોર સુગર, આઈ એમ નોટ યોર પેટ્રોલ
હું પણ એક માણસ છું, જીવતી જાગતી, આત્મામાં અગ્નિ ધરાવતી...


બેંગલુરુમાં ૩૧મી ડિસેમ્બરની મધરાત્રે અનેક યુવતીઓ છેડતીની ચર્ચા શરૃ થયા પછી મેંગલોરની સાત્શ્યા અન્ના થેયિરન નામની ૨૨ વર્ષની યુવતીએ મૂળ અંગ્રેજીમાં લખેલી કવિતાનો આ ભાવાનુવાદ છે.

કવિઓનો કદાચ આ કવિતા 'પરફેક્ટ' ના લાગે, પરંતુ તેમાં મૂળ મુદ્દો હૃદય વીંધી નાંખે એમ સરળ રીતે રજૂ થઈ શક્યો છે. એટલે જ ફેસબુક પર વીડિયો ક્લિપ મૂકીને રજૂ કરાયેલી આ કવિતા વાયરલ થઈ ગઈ હતી.
કમનસીબે કહેવું પડે છે કે, બેંગલુરુ જેવી ઘટનાઓમાં નવું કશું નથી. હજુ આવતા વર્ષેય આવું ક્યાંક થશે! અબુ આઝમી, આઝમ ખાન કે જી. પરમેશ્વર જેવા નેતાઓ અને પોલીસમાં પણ કોઈ જ ફર્ક નહીં પડે! આવા નેતાઓને લોકોનું સમર્થન પણ મળતું રહેશે.

ઈવન, એક ઓનલાઈન અંગ્રેજી પોર્ટલમાં પણ જી. પરમેશ્વરના વીડિયો મૂકીને એવું સાબિત કરવાનો પ્રયાસ કરાયો હતો કે, તેઓ કશું વાંધાજનક બોલ્યા જ નથી. તેઓ ફક્ત એટલું જ કહેતા હતા કે, ... લોકો પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરે છે, પશ્ચિમી કપડાં પહેરે છે, દારૃ પીવે છે અને પછી મોડી રાત્રે છેડતીઓ શરૃ થાય છે. ગયા વર્ષે પણ આવું થયું હતું. એટલે અમે ૧૫ હજાર જેટલા પોલીસ જવાન તૈનાત કર્યા હતા...

ચાલો માન્યું. ગૃહ મંત્રીએ ગયા વર્ષની છેડતીની ઘટનાઓ ધ્યાનમાં રાખીને આ વર્ષે પોલીસ ખડકી હતી એ સારું થયું. કદાચ એટલે જ બેંગલુરુની એ બિહામણી રાત્રે હૃદય વીંધતી કોઈ 'માનવસર્જિત ચીખ' ના સંભળાઈ. જી. પરમેશ્વરે પશ્ચિમી સંસ્કૃતિની ટીકા કરી એ વાત પછી, એ પહેલાં એમની વાતમાં બીજું પણ કંઈક પડઘાય છે, તેની વાત કરીએ. જેમ કે, ગયા વર્ષે પણ આવી જ છેડતીઓ થઈ હતી. આવું કેમ? આપણે ઉજવણી કરતી વખતે, દારૃ પીને ભાન કેમ ભૂલી જઈએ છીએ? ભેગા થતાં જ 'ટોળું' કેમ બની જઈએ છીએ?

લોકોને પરેશાની થાય એવું ન્યૂસન્સ કેમ કરીએ છીએ? કોલેજના યૂથ ફેસ્ટિવલોમાં પણ આવો જ માહોલ હોય છે! મલ્ટીપ્લેક્સમાં પણ આવા વિકૃતો આવે છે, જે 'હાઈ વે' જેવી સંવેદનશીલ ફિલ્મ જોતા હોય કે પછી 'પિંક'. તેમને કોઈ જ ફર્ક નથી પડતો. એ લોકો સતત સેક્સિસ્ટ કમેન્ટ કરીને બધાને ખલેલ પહોંચાડયા કરે છે અને આખા થિયેટરમાં કોઈ મર્દ એમને ચૂપ રહેવાનું કહેતો નથી.

આ એવા જ લોકો હોય છે, જેમને એકલી કે ગભરુ છોકરીને જોઈને મર્દાનગી બતાવવામાં કિક વાગે છે. બેંગલુરુની ઘટનાથી વ્યથિત થઈને વિરોધવંટોળ શરૃ થયો, તો ટ્વિટર પર 'નોટ ઓલ મેન' હેશટેગ ટ્રેન્ડિંગ થયું. એટલે કે, બધા જ પુરુષો 'એવા' નથી હોતા!

આ ટ્રેન્ડ થતાં જ અનેક સ્ત્રીઓના ભવાં તંગ થઈ ગયા. ફરી કોઈએ ટ્વિટ કરી કે, અમે બધા જ પુરુષોનો દોષ કાઢીએ છીએ કારણ કે, દરેક બળાત્કારી પુરુષ જ હોય છે. ફરી પાછો જવાબ આવ્યો કે, બધા જ પુરુષો બળાત્કારી નથી હોતા એ વાત તમે ભૂલી ગયા છો. વગેરે. આપણી તકલીફ જ આ છે. આપણે આડી-અવળી એટલી બધી ચર્ચા કરીએ છીએ કે, મૂળ મુદ્દો જ ભૂલાઈ જાય છે. ભારતીય સમાજમાં 'એનાલિટિકલ ડિસ્કશન' થઈ શકતું નથી. આ વાતનું પ્રતિબિંબ ન્યૂઝ ચેનલોમાં ટીઆરપી ઉઘરાવતા શૉમાં પણ ઝીલાય છે.

યુવતીઓની છેડતી થઈ એ એ ખોટું થયું એ વાતને વળગી રહેવાના બદલે જી. પરમેશ્વર અને અબુ આઝમી જેવા નેતાઓએ પશ્ચિમી સંસ્કૃતિની ટીકા કરી અને પછી શરૃ થયેલી મીડિયા ટ્રાયલમાં ગંભીર મુદ્દા જ ભૂલાઈ ગયા. જોકે, પરમેશ્વર કરતા અબુ આઝમીનું નિવેદન વધારે વાંધાજનક હતું.

આઝમીએ કહ્યું હતું કે, ''પેટ્રોલ હોય ત્યાં આગ તો લાગવાની જ. ખાંડ નાંખો તો કીડીઓ તો જમા થવાની જ.'' જોકે, આપણે ફક્ત નેતાઓ પર જ દોષનો ટોપલો કેમ ઢોળવો જોઈએ? બે વર્ષ પહેલાં તો આઝમીએ બળાત્કાર અને લગ્નેતર સંબંધ માટે યુવતીઓને સજા કરવાની માગ કરી હતી.

બોલો! 'પિંક' ફિલ્મ જોઈને પણ અનેક લોકોએ સવાલ કર્યો હતો કે, કોઈ છોકરી અજાણ્યા લોકો સાથે પાર્ટી કરે, દારૃ પીએ, દારૃ પીરસે અને નોન વેજ જોક કરે- આવું જોખમ ખેડવાની શું જરૃર છે? મુદ્દો એ છે કે, યુવતીઓએ ફિલ્મો જોઈને જે સમજવું હશે એ સમજી લેશે પણ મર્દોએ પણ તેમાંથી કંઈક શીખવું જોઈએ ને? સેક્સ વર્કર હોય કે પત્ની- 'નો મિન્સ નો' જ હોય એ વાત સમજતા ખબર નહીં, આપણને કેટલી સદીઓ લાગશે!

આ પ્રકારના પેચીદા મુદ્દે આપણે હંમેશા બે છેડાના અભિપ્રાયો વચ્ચે અટવાઈએ છીએ. અત્યારે સવાલ ફક્ત એ છે કે, સ્ત્રી પીડિત હોય તો પણ સ્ત્રીને જ કેમ કઠેડામાં ઊભી કરી દેવાય છે? આપણા નેતાઓની માનસિકતા કેમ આવી છે અને પોલીસ પણ સ્ત્રીને ગુનેગાર તરીકે જ કેમ જુએ છે? મોડર્ન, ફન લવિંગ, ઓપન માઈન્ડેડ અને કોન્ફિડન્ટ યુવતીઓને મહિલા પોલીસની પણ સહાનુભૂતિ કેમ નથી મળતી? ફરી યાદ કરો 'પિંક'.

કાન સરવા કરીએ તો આપણી આસપાસ પણ નેતાઓ અને પોલીસની ભાષા બોલતા લોકો સંભળાય જ છે. એટલે ફક્ત તેમનો વાંક કાઢવાનો કોઈ અર્થ નથી. ભારતમાં પશ્ચિમી સંસ્કૃતિને ગાળો કોણ નથી દેતું? એટલે જ તો આવા બબુચક નેતાઓ ચૂંટાઈ આવે છે. લોકોનો જ તેમને સહકાર છે.

આપણે વડીલો, સાધુ-સંતો અને આસપાસના લોકોના મોંઢે અનેકવાર પશ્ચિમી સંસ્કૃતિની ટીકા સાંભળી ચૂક્યા છીએ. પશ્ચિમી સંસ્કૃતિને ગાળો દઈને ઘેનમાં રહેવું એ આપણો સૌથી ફેવરિટ ટાઈમ પાસ છે. એવું કરવાથી ગિરેબાનમાં ઝાંખવામાંથી મુક્તિ મળી જાય છે કારણ કે, કદાચ આપણે આપણી ઓકાતનો સામનો કરવા નથી માગતા! જો ફક્ત પશ્ચિમી કપડાં પહેરવાથી જ છેડતી-બળાત્કારો થતાં હોય તો કુમળી વયની બાળકીઓ (અને બાળકો પણ) પર બળાત્કાર કેમ થાય છે?

બસોમાં, ઓફિસોમાં, સ્કૂલોમાં, કોલેજોમાં અને ભીડભાડ ધરાવતા તમામ સ્થળોએ કઈ સ્ત્રી ટૂંકા કપડાંમાં હોય છે? શું ભારતીય પુરુષ સેક્સ્યુઅલી ફ્રસ્ટ્રેટેડ છે? આ સવાલથી પણ ભારતીય સમાજ દૂર ભાગે છે! મુશ્કેલીઓનો ઉપાય શોધવાના બદલે પલાયનવૃત્તિ અપનાવી લીધી હોવાથી જ આપણે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને બૌદ્ધિક સ્તરે પશ્ચિમી દેશો જેટલી ઝડપથી આગળ નથી વધી શક્યા.

પશ્ચિમી સંસ્કૃતિનું કહેવાતું 'આક્રમણ' ન હતું ત્યારે પણ છેડતીઓ અને બળાત્કારો થતાં જ હતા. વર્ષ ૧૯૩૯માં એક પંજાબી છોકરીએ ગાંધીજીને પત્ર લખીને રોજેરોજ થતી છેડતી અંગે દુ : ખ વ્યક્ત કર્યું હતું. ગાંધીજીએ પહેલી જાન્યુઆરી, ૧૯૩૯ના રોજ 'હરિજનબંધુ' માં એ પત્રના અંશો પ્રગટ કર્યા હતા. વાંચો.

- અને તેમને આમ એકલા જતાં જતાં જુએ છે એટલે દુષ્ટ માણસો તેમની પાછળ પડે છે. તેઓ બાજુએ થઈને ચાલતાં ભૂંડી અશ્લીલ ભાષા ઉચ્ચારે છે અને જો આસપાસ ડરવા જેવું ન જુએ તો એથી પણ વધુ છૂટ લેવાની હિંમત કરતાં અચકાતા નથી. આવે પ્રસંગે અહિંસા કઈ રીતનું કામ આપી શકે એ જાણવા ઈંતેજાર છું.

- રસ્તે ભીડ નહોતી. થોડે આગળ નહિ ગયાં હોઈએ અને એટલામાં પેલો સાઇકલવાળો અગાડી નીકળી જઈને પાછો વળ્યો. દૂરથી જ અમે એને ઓળખ્યો. એણે સાઇકલ અમારા તરફ આણવા માંડી. અમને ઘસીને સાઇકલ કાઢવાનો એનો ઈરાદો હતો કે ઉતરવાનો એ તો પ્રભુ જાણે...

- તમને દુ : ખ અને આશ્ચર્ય થશે કે દીવાળી વગેરે તહેવારો દરમ્યાન છાપાંવાળા એવી જાહેર ચેતવણીઓ છાપે છે કે, ીઓેએ રોશનાઈ વગેરે જોવા સારુ પણ ઘર છોડી ન નીકળવું.

આ એક જ વાત પરથી આપ જોશો કે, આ તરફ અમારી કેવી દયામણી હાલત છે! આવી ચેતવણીઓ છાપનારાઓને કે તેના વાંચનારાઓને કોઈને જ એ વાતનું ભાન નથી કે આવી ચેતવણીઓ છાપવી પડે એમાં તેમની કેવડી મોટી શરમ સમાયેલી છે.
    
ટૂંકમાં આટલા વર્ષો પહેલાયે છેડતી કરનારા હતા જ. બળાત્કારો પણ થતાં જ હશે! દીવાળીની ભીડમાં રોશની જોવા યુવતીઓએ બહાર નહીં નીકળવું એવી ચેતવણીઓ ગાંધીયુગમાં પણ છાપવી જ પડતી હતી. એ છોકરીને ગાંધીજીએ શું જવાબ આપ્યો એ વાત મહત્ત્વની જ નથી.

મહત્ત્વનું એ છે કે, આપણે એક પ્રજા તરીકે ક્યાં હતા અને ક્યાં પહોંચ્યા? નબળી માનસિકતા ધરાવતા માણસો ભેગા થઈને નબળો સમાજ જ રચે છે.  આપણે એક પ્રજા તરીકે વિકસિત થવા માગીએ છીએ કે પછી હજુયે અનેક પેઢીઓને આવી જ પછાત માનસિકતા આપવા માગીએ છીએ?

લેખની શરૃમાં મૂકેલી કવિતામાં સાત્શ્યા સાચું જ કહે છે. સ્પષ્ટ રીતે ખોટું છે એની આટલી ચર્ચા કેમ? આઈ એમ નોટ યોર સુગર, આઈ એમ નોટ યોર પેટ્રોલ.

Post Comments