Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અલ્પવિરામ - ધૈવત ત્રિવેદી

કૌભાંડ 'મમતા કી છાંવ મેં' : પહેલાં શારદા, હવે રોઝ વેલી

રોઝ વેલી ચીટફંડના સર્જક ગૌતમ અને શારદાના સૂત્રધાર સુદિપ્તો વચ્ચે ગજબ સામ્ય

શારદા ચીટફંડનો મુદ્દો ભાજપના ભારે પ્રયાસો છતાં વિધાનસભાની ચૂંટણીમાં મમતાને નડયો ન હતો

ઊંટ પર બેઠા હોઈએ અને તોય કૂતરું કરડી જાય એ કમનસીબી કહેવાય પરંતુ આપણી કમરે ખોસેલી તલવાર આપણાં જ હાથે આપણાં પેટમાં ભોંકાય તો એને કઠણાઈ કહેવાય. પ. બંગાળના શુરાપુરા મુખ્યમંત્રી મમતા બેનર્જીની આજકાલ કઠણાઈ ચાલી રહી છે. ભારતીય સૈન્ય મને ઘેરાવ કરી રહ્યું છે એવો હાસ્યાસ્પદ આક્ષેપ કરીને રાઈટર્સ બિલ્ડિંગમાં ધરણા પર ઉતર્યા જેવો તાયફો કર્યા પછી હવે વધુ એક ચીટફંડ દીદીને કનડી રહ્યું છે.

મમતા બેનર્જી હાલની ભારતીય રાજનીતિમાં બહુ વિલક્ષણ નેતા છે. સમય અને તક મુજબ રાજકીય સોગઠી ફેરવવાને બદલે ભાવનાત્મકતાને જ રાજકીય હથિયાર બનાવવામાં માહેર મમતા ક્યારેક તેમના જડ વલણને લીધે રાજકીય તક ગુમાવતાં પણ રહ્યા છે તો ક્યારેક જડ વલણને લીધે જ તેમની મક્કમ છબી જ તેમને જનમાનસમાં બંગાળી વાઘણ જેવી આક્રમક છબી પણ આપતી રહી છે.

જરાક અમથી વાતમાં ધરણા પર બેસી જવાને તેમને નવાઈ નથી. પરંતુ અગાઉ વિપક્ષમાં હતા ત્યારે ધરણા પર બેસવાના કારણો મળી રહેતા હતા. હવે પોતે જ સત્તા પર છે ત્યારે પ્રાંતમાં તો કારણો મળે નહિ, એટલે તેઓ યેનકેન પ્રકારે કેન્દ્ર સરકાર સાથે શિંગડા ભરાવતા રહીને પોતાની લડાયક છબી જાળવવા પ્રયત્ન કરે છે.

૧૯૮૯માં પ. બંગાળ કોંગ્રેસના એક પ્રાદેશિક હોદ્દેદાર તરીકે પણ તેમણે મુર્શિદાબાદ જિલ્લાના કલેક્ટરના કથિત ભ્રષ્ટાચાર સામે ઘેરાવ કરીને કલેક્ટરને ચૌદ કલાક સુધી રસ્તા વચ્ચે રોકી પાડયા હતા અને છેવટે ડાબેરી સરકારના પ્રધાને ઘટનાસ્થળે પહોંચીને તપાસ પંચ નીમવાની જાહેરાત કરી ત્યારે જ કલેક્ટરનો છૂટકારો થયો હતો.

જીદ એ મમતાનું એવું બ્રહ્માસ્ત્ર છે જે ક્યારેક તેમના વિરોધીઓને ચત્તાપાટ કરી દે છે તો ક્યારેક પોતાના જ બ્રહ્માસ્ત્રની ધાર તેમને પોતાને પણ ઘાયલ કરી જાય છે. ૧૯૯૪માં મમતા કેન્દ્ર સરકારમાં પ્રધાન હતા ત્યારે નદિયા જિલ્લાની કોઈ મહિલા પર બળાત્કાર થયો અને તેમાં ડાબેરી પક્ષના કોઈ ટોચના હોદ્દેદાર સંડોવાયા હોવાની આશંકાથી પોલીસમાં તેની ફરિયાદ લેવાતી ન હતી. મમતા જાતે જ એ પીડિતાને લઈને રાઈટર્સ બિલ્ડિંગમાં પહોંચી ગયા.

તત્કાલિન મુખ્યમંત્રી જ્યોતિ બસુએ મમતાને મળવાની દરકાર ન કરી એટલે ઉશ્કેરાયેલા મમતા રાઈટર્સ બિલ્ડિંગમાં જ ધરણા પર બેસી ગયા. સાત કલાકના ધરણા પછી મોડી રાતે પોલીસે તેમને બળજબરીપૂર્વક ઊભા કર્યા અને લોકઅપમાં બંધ કરી દીધા ત્યારે મમતાએ જનતાના આદેશ વગર કદી પણ રાઈટર્સ બિલ્ડિંગમાં પગ ન મૂકવાની પ્રતિજ્ઞાા લીધી હતી અને અઢાર વર્ષ સુધી તેનું પાલન કર્યું હતું.

બેલગામ જીભ અને બાર ખાંડીના મિજાજ ના કારણે સતત વિવાદો સર્જતાં રહેતાં દીદી હવે ફરીથી એક નવા આર્થિક કૌભાંડના રેલાથી ય ભીંજાઈ રહ્યા છે. હવે શારદા ચીટફંડ કૌભાંડ પછી રોઝ વેલી ચીટફંડ પણ તૃણમૂલના સાંસદો સહિતના કાર્યકરોને સંડોવતું કૌભાંડ સાબિત થઈ રહ્યું છે ત્યારે મમતા દીદી હવે યેનકેન પ્રકારે કેન્દ્ર સામે બાથ ભીડવા મરણિયા બન્યાં છે.

રોઝ વેલી ચીટફંડ અને સારદામાં ઘણું સામ્ય છે, માટે પહેલાં શારદા કૌભાંડની થોડી વિગત જોઈએ. રાજકારણીઓની બગલમાં સંતાઈને લાભનો લોટો એંટી મારતા કિમિયાગરો ગુજરાત સહિતના દરેક રાજ્યોમાં કળા કરતા રહે છે. સુદિપ્તો સેન બંગાળનો એવો જ એક માહેર કિમિયાગર હતો.

દિગ્ગજ ડાબેરી નેતા સોમનાથ ચેટર્જીના મતવિસ્તારનો વતની હોવાના નાતે અઢી દાયકા પહેલાં તેણે સામ્યવાદીઓને સાથમાં રાખીને કિમિયાઓ કરવાની શરુઆત કરી હતી. પછી સામ્યવાદીઓ ઘરે બેઠા તો સુદિપ્તોબાબુએ તૃણમૂલની સાળ પકડી લીધી.  

એકપણ પ્રકારનો ઉત્પાદક વ્યવસાય ન કરવા છતાં ફક્ત આંબા-આંબલી બતાવીને નાણાંની હેરફેર વડે આશરે રૃ. ૭૦૦૦ કરોડનો ચૂનો ચોપડનારો સુદિપ્તોએ મમતા બેનર્જીનો ચડતો સુરજ પારખીને પોતાની કંપનીમાં કોઈકને કોઈક રીતે તૃણમૂલના નેતાઓને લાભ અપાવવા માંડયો.

હવે હાલત એવી છે કે, તૃણમૂલના શીર્ષસ્થ નેતાઓ પૈકીના જ કેટલાંક શારદા કંપનીના વડેરાંઓ તરીકે સીબીઆઈની અડફેટે ચડી ગયા છે. શારદાની જુદી જુદી સ્કિમની જાહેરાતોમાં પણ મમતા બેનર્જીનો ફોટો, તેમના વાક્યોનો જ ઉપયોગ થયેલો છે અને છેતરપીંડીની એ બધી જ સ્કિમમાં બધું મળીને રુ. ૭૦૦૦ કરોડ ગુમાવનારા અઢી લાખ રોકાણકારો પૈકીના ૯૦ ટકા લોકો નિમ્ન મધ્યમવર્ગિય, મતલબ કે તૃણમૂલના જ સમર્થકો છે.

આથી ભાજપે બંગાળમાં પોતાના માટે વ્યાપક તકો નિહાળી અને ખુદ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મમતાની સામે પ્રચાર અભિયાન સંભાળ્યું. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ગંજાવર મોટો ફાયદો થવાની અપેક્ષા હતી. આથી શારદા ચીટ ફંડને ભાજપે જોરશોરથી ચગાવ્યું હતું.

પરંતુ ગુજરાતમાં જેમ મોદી કે ભાજપને વખોડો એટલો તેમને ફાયદો થાય એવું બંગાળમાં મમતાના કિસ્સામાં બન્યું. ભાજપે જેટલા મમતા પર પ્રહાર કર્યા એટલી જ તીવ્રતાથી તેમની વોટબેન્ક તેમના માટે વધુ કટ્ટર બની. સરવાળે, મમતા જંગી બહુમતિથી ફરી વાર મુખ્યપ્રધાન બન્યાં.  

તદ્દન મામુલી હેસિયત ધરાવતો સુદિપ્તોનું મૂળ નામ તો શંકર સેન. બે દાયકા પહેલાં કોલકાતાની કોકસબજાર લેનમાં આવેલ સારદા બ્રોકર્સ નામની નાનકડી વેપારી પેઢીમાં શંકર સેન શણ (જ્યૂટ)ના સોદાના હિસાબ-કિતાબ રાખતો હતો.

એ પછી રહસ્યમય સંજોગોમાં શારદા બ્રોકર્સના માલિક બિનોય મજુમદારની હત્યા થઈ. હત્યાના સંજોગો અને આનુષંગિક પૂરાવાઓ જોતાં કોઈક નજીકની વ્યક્તિએ જ હત્યા કરી હોવાનું એ વખતે કહેવાતું રહ્યું અને છેવટે એ હત્યા કેસની તપાસ ઉકેલાયા વગરની ફાઈલમાં બંધ થઈ ગઈ.

બિનોયની હત્યા પછી તેનો પરિવાર રોકકળ કરતો રહ્યો અને શંકર જેવું જૂનવાણી નામ ત્યજીને સુદિપ્તો સેન તરીકે એ શારદા બ્રોકર્સનો માલિક બની બેઠો એ પછી તેણે કદી પાછું વળીને જોયું નથી. સુદિપ્તોએ શારદા બ્રોકર્સનું પાટિયું તો એ જ રાખ્યું પણ શણની દલાલીનો કારોબાર સંકેલીને ધિરાણનો ધંધો શરુ કર્યો.

આલિયાની ટોપી માલિયાના માથે ને માલિયો ઊઘાડા માથે પ્રકારનો આ ધંધો તેને બરાબર માફક આવી ગયો. રાજકીય નેતાઓ, પોલીસ અધિકારીઓ વગેરે સાથે ઘરોબો કેળવીને તેણે એ દમામના જોરે અનેક નાના માણસોની પૈસાની કમાણી ચાઉં કરી જવાની શરુ કરી.

હવે ટીપે ટીપે ભરાયેલો સુદિપ્તોની કિમિયાગીરીનો સમુદ્ર રૃ. ૭૦૦૦ કરોડમાં મમતા બેનર્જીના કાનમાં ઘૂઘવે છે. વિધાનસભાની ચૂંટણી ભલે તેઓ જંગી બહુમતીથી જીતી ગયા, પરંતુ કાનૂની લડાઈ હજુ બાકી છે.

તેમાં હવે બીજી ભીંસ રોઝ વેલી ચીટફંડના નામે ઊભી થઈ છે. શારદામાં સુદિપ્તો સેન હતા તો રોઝ વેલીમાં ગૌતમ કુંડુ છે. ત્રિપુરાના વતની ગૌતમ ફરતો પણ ભેદભરમનો ચકરાવો ફરે છે.

ફિલ્મ વિતરણ, મીડિયા ચેનલ, ટ્રાન્સપોર્ટ, ચાના બગીચા અને ફાઈનાન્સ જેવા અનેક ક્ષેત્રોમાં પથરાયેલા તેમના કૌટુંબિક વ્યવસાયનો કબજો ગૌતમના મોટાભાઈના હાથમાં હતો. મેઘાલયના શિલોંગ નજીક એક અકસ્માતમાં ગૌતમના ભાઈની ગાડી તળાવમાં ડૂબી ગઈ અને ભાઈ, ભાભી અને ભત્રીજો માર્યા ગયા પરંતુ ડ્રાઈવર બચી ગયો. આ અકસ્માતના ભેદભરમ કદી ઉકેલાયા નથી.

એ પછી રાતોરાત વારસ બની ગયેલા ગૌતમ કુંડુએ ફાઈનાન્સની સ્કિમો શરૃ કરીને પૂર્વ બંગાળમાંથી આશરે ૧૭૦૦૦ કરોડનું ઉઘરાણું કર્યું હોવાનું કહેવાય છે. એ પૈકી બહુ મોટો હિસ્સો તેમણે દેશ બહાર ટ્રાન્સફર કર્યો અને તેમાં તૃણમૂલના જ મોટા નેતાઓએ મદદ કરી હોવાનો આક્ષેપ છે. તૃણમૂલના સાંસદ અને મમતાના વિશ્વાસુ સુદીપ બંદોપાધ્યાયની ધરપકડ પણ થઈ ચૂકી છે.

હવે જોવાનું એ રહે છે કે, ભાજપે સજાવેલા આ નવા બ્રહ્માસ્ત્ર સામે મમતા કેવોક બચાવ કરે છે.

Post Comments