Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિવિધા-ભવેન કચ્છી

ડ્રોઈંગ રૃમમાં Live Sports

એશિયન ગેમ્સ... વિમ્બલડન... વર્લ્ડકપ ફૂટબોલ અને ક્રિકેટનો રોમાંચ

પી.ટી. ઉષા, બેકર, ગ્રાફ અને મેરાડોનાને નાના પડદે સૌપ્રથમ જોયાનો રોમાંચ

ભારતમાં સ્પોર્ટસ કલ્ચર લાવવાનું શ્રેય દૂરદર્શનને જાય છે

મેરાડોનાનો 'હેન્ડ ઓફ ગોડ' ગોલ ભારતના દર્શકોએ મધરાતે ઘેર બેઠા માણ્યો હતો

૧૯૮૨માં નવી દિલ્હીમાં યોજાયેલ એશિયન ગેમ્સથી ભારતના દર્શકોને સૌપ્રથમ વખત રંગીન ટીવી પ્રસારણ દૂરદર્શન પરથી જોવા મળ્યું હતું. તે પછી ૧૯૮૪માં લોસ એંજલસ ઓલિમ્પિક વખતે તો ભારતમાં ઠીક ઠીક પ્રમાણમાં રંગીન ટીવી સેટએ ડ્રોઈંગ રૃમમાં સ્થાન જમાવવા માંડયું હતું. આજના 

સિનિયર વયના રમતપ્રેમીઓ વિમ્બલડન ટેનિસનું ૧૯૮૫નું પહેલવહેલુ જીવંત પ્રસારણ અને 'બુમબુમ' બોરિસ બેકરે ટાઈટલ જીત્યું હતું તે યાદ કરતા જ ભાવુક રોમાંચક યાદમાં સરી જશે.

ભારતના દર્શકોને મેક્સિકોમાં યોજાયેલા વર્લ્ડકપ ફૂટબોલને ટીવી પર જોવાની પ્રથમ વખત તક સાંપડી હતી.

સરેરાશ ભારતીય માટે ક્રિકેટની સીવાય અન્ય કોઈ રમત જાણે અજાણ્યા ગ્રહના અવશેષો જેવી ઉપેક્ષા અને કુતૂહલ સર્જતા હતા. હા, હોકીના વર્લ્ડકપ કે પાકિસ્તાન સામેનો મુકાબલો દિલચશ્પી જગાવતો હતો.
૧૯૮૨ની એશિયન ગેમ્સ જોવા રમતના શોખને લીધે નહીં પણ પ્રથમ વખત રંગીન જીવંત પ્રસારણ હોઈ દર્શકો ટીવી સામે ગોઠવાઈ જતા હતા. જાણે ૨૧મી સદીમાં પ્રવેશી ગયા હોય તેમ એકબીજાને કહેતા કે ''સાલુ... શી ટેકનોલોજી આવી ગઈ છે. ખેલાડીઓ રમે છે દિલ્હીમાં અને આપણે તે જ સમયનું ઘરેબેઠા તે જ રંગરૃપે જોઈ શકીએ છીએ.''

દોડની, ગોળા ફેંક, ભાલા ફેંક કે અન્ય રમતોની સ્પર્ધા કઈ રીતે યોજાય અને કઈ રીતે મેડલ વિજેતા નક્કી થાય તેની ખબર પણ ભારતના દર્શકોને ૧૯૮૨માં છેક થઈ તે જોતા ભારતમાં રમતજગતની રસ-રૃચિ અને કલ્ચરને ૩૬ વર્ષ માંડ થયા છે. ૧૯૮૨માં એશિયન ગેમ્સ અગાઉ કેન્દ્ર સરકારે દેશમાં ૫૦,૦૦૦ કલર ટીવી સેટની આયાત કરવાની પરવાનગી આપી હતી કેમકે ભારતમાં કલર સેટનું ઉત્પાદન નહતું થતું.

ભારતની કેટલીક ઈલેક્ટ્રોનિકસ કંપનીઓએ આયાતી ટીવી વિદેશી ગોડાઉનમાંથી લાવીને તેના પર પોતાની કંપનીનું સ્ટિકર લગાવીને ધીકતો ધંધો કર્યો હતો તે પછી કલર ટયુબ અને પાર્ટસને લાવી એસેમ્બલ કરીને ટીવી સેટ વેચવાની હોડ જામી. ૮૦ના દાયકામાં રૃા. ૧૦,૦૦૦ થી રૃા. ૧૫,૦૦૦ બહુ મોટી રકમ કહેવાતી.

ભારતના નાગરિકોને રંગીન ટીવીનું એ હદે ઘેલુ લાગ્યું હતું કે પુરેપુરી રકમ ડીલરોને એડવાન્સ આપીને ડિલિવરી માટે ૧૫ દિવસની રાહ જોવા તૈયાર રહેતા હતા. ભારતમાં ખરા અર્થમાં ઈલેક્ટ્રોનિક્સ શો રૃમનો ખ્યાલ પણ ટીવીના આગમન અને બજારને લીધે શરૃ થયો. તમે એવી કલ્પના કરી શકો કે અત્યારે જે રીતે ઠેર ઠેર મોબાઈલ ફોનના શો રૃમ અને બજાર છે તેમ ટીવીનું હતું. 'ટી' આકારનું એલ્યુમિનિયમનું એન્ટેના ધાબા પર તમારા નામનો જાણે ગૌરવ ધ્વજ ફરકતો હોય તેની પ્રતિતી કરાવતું હતું. ટીવી મુકવા માટેના કાચ ધરાવતા અવનવી ડિઝાઈનના કબાટ અને ભીતની બે દિવાલો વચ્ચેના ખૂણામાં લાકડાનું પાટિયું લગાવવા સુથારને બોલાવવાની હોંશ જોવા જેવી હતી.
જેઓ કલર ટીવી નહોતા ખરીદી શકે તેમ નહતા તેમાંના ઘણાં બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી પર રંગીન ગ્લાસ ફીટ કરીને સંતોષ માનતા હતા.

રંગીન ટીવી ધરાવતા ઘરને પાડોસીઓ મીની થિયેટરમાં પરિવર્તિત કરી દેતા હતા. આવી ભીડ રંગીન ટીવીના માલિકના નિર્દોષ અહમને પોષતી હોઈ તેમને આ ઉપક્રમ ગમતો હતો. જે ઘરેથી પાડોશી ફ્રીજમાંથી બરફ લાવે અને કલર ટીવી જુએ તેના ઘરના સભ્યોને આદર-પ્રેમ મળતો હતો.

આજે તો મોબાઈલ ફોનનો ધૂમ બિઝનેસ છે તો પણ ગણીને ત્રણ-ચાર મુખ્ય બ્રાન્ડ વચ્ચે જ હરિફાઈ છે પણ કલર ટીવીની પ્રથમ જનરેશનના બિઝનેસમાં અભૂતપૂર્વ હરિફાઈ જોવા મળી હતી. ડીલરોને ત્યાં કલર ટીવી શો રૃમ અને તેના ગોડાઉનમાં ઉંટગાડીઓ ભરીને આવતા હતા. તે વખતની ટીવી બ્રાન્ડ પણ જાણી લો. ક્રાઉન, ડાયનોરા, સલોરા, નેલ્કો, ઓનિડા, નીકી તાશા, અપટ્રોન, કેલટ્રોન, ગુજટ્રોન, ઓલિડેર, બુશ, પેનાસોનિક, હીટાચી, સોની, બેલ્ટેક, ટેક્સલા, વેસ્ટન, ઓસ્કાર, અકાઈ સોનાડાઈન, બીપીએલ, મિતાશી, જેવીસી, અને શાર્પ જેવી કંપનીઓ વચ્ચે ગળાકાપ હરિફાઈ જોવા મળતી હતી.

ટીવી શ્રેણીઓ અને ક્રિકેટ સહિત રમતજગતનું પ્રસારણ ટીવીના દર્શકોનું મહત્તમ આકર્ષણ રહેતા હતા. દુરદર્શનની ચેનલ જ જોવાની રહેતી. કેબલ ટીવી અને ખાનગી ચેનલોએ ૯૦ના દાયકાથી એન્ટ્રી કરી હતી.

દુરદર્શન પરના રમતજગતના પ્રસારણની સીધી અસર અખબારો અને સામયિકોના સ્પોર્ટસ કવરેજ પર પડી. ત્રણ પેઢીના ક્રિકેટરોના નામ ઊંઘમાંથી ઉઠાડીને પૂછો તો પણ કડકડાટ બોલી શકતા ક્રિકેટ ચાહકો હવે દેશ-વિદેશની અન્ય રમતોના ખેલાડીઓના કારનામા અને કસબથી વાકેફ થવા માંડયા હતા.

૧૯૮૩ના ક્રિકેટ વર્લ્ડકપના વિજય પછીનો અભૂતપૂર્વ જુવાળ છવાઇ ચૂક્યો હતો. તે પછી રવિ શાસ્ત્રીએ 'ઓડી' કાર જીતી હતી તે બેન્શન એન્ડ હેજીસ વન ડે ટુર્નામેન્ટના પ્રસારણે રેડીયો કોમેન્ટેટરીના યુગને પડકાર આપી દીધો હતો.

આવા ક્રિકેટ ફિવર વચ્ચે ભારતનો એકપણ ખેલાડી ના રમતો હોય છતાં વિમ્બલડન ટેનિસમાં ભારતની તત્કાલિન યુવા પેઢી દિલચશ્પી લેવા માંડી. એક સામાન્ય નાગરિકે તો ખરા અર્થમાં ટેનિસની રમત અને સેટ, પોઇન્ટ કેમ ગણતરી કરાય તેનો મહાવરો કેળવ્યો. વિમ્બલડન ટેનિસ કોર્ટ, રોયલ અને સેલિબ્રીટી પ્રેક્ષકો, સેન્ટ્રલ કોર્ટનો દબદબો અને શિસ્તથી પ્રભાવિત દર્શકો ભારતીય સમય પ્રમાણે સાંજે ૬ વાગ્યાથી ફાઇનલ જોવા બેસી જતા હતા. જર્મનીનો બોરિસ બેકરનો ટેનિસ જગતમાં ઉદય અને આપણા દેશના વિમ્બલડનના જીવંત પ્રસારણના યુગનો પ્રારંભ સાથે થયો. એડબર્ગ, લેન્ડલ, ગ્રાફ, નાવરાતિલોવા, ક્રીસ એવર્ટ લોઇડ, સબાટીના જેવા ટેનિસ સ્ટાર્સનાં  પોસ્ટર હોસ્ટેલનાં રૃમમાં ચીપકવા માંડયા.

હવે ૧૯૮૬ના વર્લ્ડકપ ફૂટબોલના બ્યુગલ વાગવા માંડયા. ભારત તો તે વખતે વર્લ્ડ ફૂટબોલ રેન્કિંગમાં ૧૪૦માં ક્રમે હતું.

હા, ફૂટબોલ હજુ તે અરસામાં કેરળ, ગોવા, બંગાળમાં લોકપ્રિય હતું. આકાશવાણી પરના હિન્દી અને અંગ્રેજીના સાંજના અને રાત્રિના સમાચારોમાં ફૂટબોલની ડયુરાન્ડ કપ, સુબ્રોતો કપ, ફેડરેશન કપ, આઈએફએ, સંતોષ ટ્રોફી કે ઈન્ટર ક્લબ ટુર્નામેન્ટની મેચોના સમાચાર અચૂક સ્થાન પામતા.

મોહન બગાન, ડેમ્પો, ઈસ્ટ બંગાળ, સાલગાઓકર, મુંબઇ એફ સી, ગોવા ક્લબ જેવી ટીમો વચ્ચેના મુકાબલાના સ્કોર કાન પર અથડાતા હતા તે યાદ છે પણ બે-ત્રણ રાજ્યોને બાદ કરતા ભારતમાં ફૂટબોલ કે ફૂટબોલરો માટે કાળા અક્ષર ભેંસ બરાબર જેવું અજ્ઞાાન અને અવગણના પ્રવર્તતી. ૧૯૮૬માં મેકસિકોમાં રમાયેલ વર્લ્ડકપનું દૂરદર્શને ક્વાર્ટર ફાઇનલની મેચોથી જીવંત પ્રસારણ બતાવ્યું અને આશ્ચર્ય વચ્ચે યુવા પેઢીએ મધરાતના ઉજાગરા કરીને મેચો જોઇને અનુભવ્યું હતું કે શા માટે ફૂટબોલની રમત વિશ્વમાં સૌથી લોકપ્રિય છે.

ટેનિસની જેમ ફૂટબોલની રમતના પાયાના નિયમો પણ ભારતના રમતપ્રેમીઓ ટીવી પર મેચો જોઇને જ શીખ્યા તેમ કહી શકાય.

જેમ સચિન તેંડુલકરની લાઇવ રમતને ટીવી પર નિહાળવાની તકને જીવનની રોમાંચક સિધ્ધી મનાય છે તેમ પેલે પછીનો ફૂટબોલ જગતનો લેજન્ડ આર્જેન્ટિનાના ડીએગો મેરાડોના મનાય છે.

ભારતના તત્કાલિન રમતપ્રેમીઓનું સદ્નસીબ કે ૧૯૮૬નાં ફૂટબોલ વર્લ્ડકપનું ભારતના ટીવી સ્ક્રીન પર સૌપ્રથમ વખત જીવંત પ્રસારણ થયું અને તેમાં જ મેરાડોના રમતો હતો. એટલું જ નહીં તે વર્લ્ડ કપમાં જ ફૂટબોલ ઈતિહાસના ઓલટાઇમ બે ગ્રેટ ગોલ નોંધાયા. એક તો 'હેન્ડ ઓફ ગોડ' અને બીજો 'ગોલ ઓફ ધ સેન્ચુરી'. 'હેન્ડ ઓફ ગોડ' ગોલ મેરાડોનાએ આર્જેન્ટિનાના કટ્ટર હરિફ ઈંગ્લેડ સામે ક્વાર્ટર ફાઇનલમાં નોંધાવ્યો હતો. જ્યારે 'ગોલ ઓફ ધ ફૂટબોલ હિસ્ટ્રી' ફાઇનલમાં વેસ્ટ જર્મની સામે ફટકારીને ફૂટબોલ જગતને દંગ કરી દીધું હતું. આર્જેન્ટિના ૧૯૮૬ના વર્લ્ડકપમાં ચેમ્પિયન બન્યું હતું. આ બંને ગોલ 'યુ ટયુબ' પર જોવાજેવા છે.અગાઉ જણાવ્યું તેમ ટેનિસ, ફૂટબોલ, ઓલિમ્પિક્સનું દુરદર્શન પર પ્રસારણ થતા અખબારો અને નાગરિકોને પણ રમતોના સમાચારને, ખેલાડીઓની તસવીરોને વિશેષ રંગીન કવરેજને સ્થાન આપવાની ફરજ પડી.

ભારતીય સમય પ્રમાણે મોડી રાત્રે ફાઇનલનું પરિણામ આવવાનું હોય તો '૮૦ના દાયકાના અંત સુધીમાં અખબારોને છાપકામ અટકાવીને કે મધ્યરાત્રી બાદ ખાસ બદલો કરીને ફૂટબોલ, ટેનિસ, ઓલિમ્પિક્સ ઈવેન્ટના સમાચાર આપવાની ફરજ પડવા માંડી. મધરાત પછીની મેચો કે ઈવન્ટ ઊંઘી જવાને કારણે ચૂકી જવાયા હોય તો બીજે દિવસે સવારે રેડિયો કે ટીવીના સમાચાર જોઇ પરિણામ જાણી લેવાની તાલાવેલી જાગતી હતી.

મેરાડોના ઉપરાંત ફ્રાંસનો માઇકલ પ્લાટિની, આર્જેન્ટિનાનો વાલ્ડોનો, ઈંગ્લેન્ડનો ગેરી લિનેકર, ગોલકિપર પીટર શિલ્ટન, બ્રાઝિલનો સોક્રેટિસ, રૃડી પોલર જેવા ફૂટબોલ સ્ટાર્સના નામ ભારતના રમતપ્રેમીઓના હોઠ પર રમવા માંડયા. મેકસિકો વર્લ્ડ કપથી જ 'મેકસિકન વેવ' (પ્રેક્ષકોની રંગત)નો જન્મ થયો હતો જેના સાક્ષી આપણા ટીવી દર્શકો બન્યા હતા. ફૂટબોલ ચાહકોએ તે પછી ૧૯૯૦નાં વર્લ્ડકપની રોમાંચક આખરી મેચો દૂરદર્શન પર માણી હતી. ઈટાલીમાં રમાયેલી આ વર્લ્ડકપમાં વેસ્ટ જર્મનીએ આર્જેન્ટિનાને ૧-૦થી હરાવીને ૧૯૮૬ની ફાઇનલ હારનો બદલો લીધો હતો. વર્લ્ડકપ ફૂટબોલ ઈતિહાસની આ એક માત્ર એવી ફાઇનલ છે જે વારાફરતી બે વર્લ્ડકપમાં રીપીટ થઇ હોય. (૧૯૮૬ અને ૧૯૯૦માં)

તે પછીના વર્ષોમાં તો ખાનગી ચેનલોનો યુગ આવ્યો અને સ્ટાર સ્પોર્ટસ, ઈએસપીએન, ટેન સ્પોર્ટસ નીઓ ક્રમશ: છવાતી ગઇ. ટીવી પ્રસારણમાં પણ ટેકનોલોજીએ ક્રાંતિ આણી. હવે તો વિશ્વની તમામ ક્લબો, યુરોપીયન કે ખંડોની વચ્ચેની ફૂટબોલ ટુર્નામેન્ટોનું જીવંત પ્રસારણ જોવા મળે છે.

ભારતમાં વિજયન, ભાઇચુંગ ભુટિયા અને સુનિલ છેત્રી જેવા ફૂટબોલરોએ પ્રત્યેક વીતતા  દાયકામાં  ઈજન પૂરૃ પાડયું છે.

ભારતનું રેન્કિંગ વિશ્વમાં ૯૭મા ક્રમાકે છે. ક્રિકેટ સીવાય હવે ભારતની શાળા-કોલેજોમાં ટેનિસ  ફૂટબોલ, બેડમિંટન, ચેસ ખાસ્સું રમાય છે.

રશિયામાં રમાનાર વર્લ્ડકપ ફૂટબોલ માણતી વખતે દૂરદર્શનનો પણ મનોમન આભાર માનજો. રમતજગતની ભારતીય ઉત્ક્રાંતિની તે એક કરોડના મણકાઓ જેવી મજબુત  અને આધારભૂત કડી છે.

 

Post Comments