Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિવિધા - ભવેન કચ્છી

સાથી હાથ બઢાના સાથી રે

વિશ્વને ગુણવત્તાસભર બનાવવાનો ચેરિટી પ્રોજેક્ટ : બિલ ગેટ્સ અને વોરેન બફેટ ૧૩૯ ધનકુબેર જોડે 'ધ ગિવિંગ પ્લેજ' હેઠળ ૭૩૨ અબજ ડોલરનું ફંડ ઉભું કર્યું

રોકફેલર, કાર્નેગી અને આઇકોકા જેવા ઉદ્યોગપતિઓ કોર્પોરેટ ચેરિટીના પ્રણેતા : ભારત હજુ ધીમા પગલે

નાણાંની માત્રા ઓછી હોય તો વ્યક્તિ સમયદાન અને વિદ્યાદાન પણ આપી શકે

અમેરિકાએ સરેરાશ આઠ લાખની વસ્તી દીઠ ૩૬૩, બ્રિટને સાડા પાંચ લાખની વસ્તી દીઠ ૧૨૩ નોબેલ પ્રાઇઝ મેળવ્યા છે. બ્રિટનની વસ્તી ગુજરાત જેટલી છે. જર્મનીએ ૧૦૫, ફ્રાંસે ૬૨, સ્વીડને ૩૦, જાપાને ૨૫, કેનેડાએ ૨૩, રશિયાએ ૨૩ નોબેલ પ્રાઇઝ જીત્યા છે. હવે ભારતનો આંક જુઓ. ભારતની કુલ વસ્તી ૧૩૧ કરોડ છે અને ભારતે કુલ ૧૦ નોબેલ પ્રાઇઝ જ મેળવ્યા છે. જેમાંથી છ નોબેલ પ્રાઇઝ વિજેતાઓની સિધ્ધીમાં ભારતનું સીધુ પ્રદાન નથી. ભારતની કોઇ પ્રોડક્ટ વિશ્વ સ્તરે જાણીતી નથી. આપણી યુનિવર્સિટીઓએ હજુ તેમનું સ્તર મેળવવા ઘણું કરવાનું છે.

ભારતમાં શોધ-સંશોધન, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે જે વૈશ્વિક કલ્ચર નથી તેનું એકમાત્ર કારણ એ છે કે 'ગિવિંગ બેક ટુ સોસાયટી'ના માનસની રીતે અમેરિકા, યુરોપીય દેશોની તુલનામાં હજુ આપણે ઘણા જ સંકુચિત, સ્વાર્થી અને અંગત સંપત્તિના સ્વાર્થ અને અહંકારના વમળમાં જ ફસાયા છીએ. અમેરિકા કે યુરોપ આજે જે છે તે માટે કોર્પોરેટ ચેરિટીના સંસ્કારના ઉંડા પાયા અને ઉદાત્ત ભાવનાનું જ યોગદાન છે.

જે દેશને સુપર પાવર બનાવવો હશે તો વિદ્યાદાન જે સૌથી શ્રેષ્ઠ છે તેવું સુત્ર વહેતું કરવું પડશે. સેલિબ્રીટી કે શ્રીમંતો કરતા બુદ્ધિજીવીઓ, વિજ્ઞાાનીઓ, ટેકનોક્રેટસને વધુ પ્રભાવિત થઇને જોવામાં આવે તેની ભારતમાં તો ખાસ જરૃર છે.

 આપણે અમેરિકા કે યુરોપના શક્તિશાળી દેશોની પ્રગતિના કારણો, સીસ્ટમ, શિસ્ત, શિક્ષણ, જ્ઞાાન, સંશોધન, મ્યુઝિયમ, જાળવણી, ગુણવત્તાસભર જીવનશૈલીનો અભ્યાસ કરીશું તો ગવર્મેન્ટ કરતા પણ વધુ યોગદાન કોર્પોરેટ જગતનું છે અને ધનકુબેરોનું છે. નાગરિકોમાં પણ દેશના ઘડતર અને ઇમેજ માટે રાષ્ટ્ર ભાવના છે. આપણો રાષ્ટ્રપ્રેમ, દેશ ભક્તિ જુદી દિશામાં જ છે. ખરેખર તો દેશમાં એક જ સંસ્કારની સમજ કેળવવી જોઇએ કે વિદ્યાર્થીઓને વિદ્યાશિલ્પી બનાવવાનું દાન થવું જોઇએ.

 સફળ હસ્તીઓના સંઘર્ષથી સફળતાના શિખરે કઈ રીતે પહોંચ્યા તેની ગાથા વર્ણવતા ચરિત્ર પુસ્તકો બેસ્ટ સેલરમાં સ્થાન પામતા હોય છે જેને 'રેગ્સ ટુ રીચીસ' જોનરે કહેવાય છે. ગુજરાતીમાં કહીએ તો 'કથીરમાંથી કંચન' કે ધૂળમાંથી કંચન પેદા કરનારાઓની જીવનગાથા. ગરીબી, શોષણ, વંચિતોના બહુઆયામી સમાજમાં હરોળમાં આવ્યા. શ્રીમંત બનેલાઓની બોલબાલા અને પ્રભાવ પણ રહ્યો જ છે. જો કે મહદઅંશે આ શ્રીમંતાઈ જમીન, ખેતી, શ્રમ, દેશ- દેશાવરથી થતા વ્યાપાર, ઉદ્યોગ થકી જ રહી એટલે સમાજનો એક વર્ગ ધનવાન બન્યો પણ બહોળો સમુદાય તો ઉપેક્ષિત જ રહ્યો શ્રીમંતો તો કેટલા બની શકે ? વળી ઘણાં તો અસામાજિક તત્ત્વના સહારે શ્રીમંત બન્યા કેટલાક માત્ર ધનવાન રહ્યા. કેટલાકના ધનની જોડે સંસ્કારનો સ્પર્શ રહ્યો એટલે લક્ષ્મીપતિ બન્યા. સમાજ ખરા અર્થમાં ઉન્નત તો જ બને જો લક્ષ્મી અને સરસ્વતીનો સમન્વય થાય. લક્ષ્મી સાથે સરસ્વતી તો જ સ્થાન ગ્રહણ કરે જો તેમાં વ્યક્તિ સારસ્વત થઈને સમાજને, દેશને  બેઠા કરવાની અદમ્ય ખેવના ધરાવે.

વિશ્વના જે પણ ટોપ-ટેન શ્રીમંતો છે તે સરસ્વતીના માર્ગે એટલે કે, શિક્ષણ, શોધ, સંશોધન, સ્થાન અને માનવ જગતને ૨૧મી સદીને સજ્જ અનુકૂળતા બક્ષવા દરમ્યાન થયા છે. પછી તે બિલ ગેટ્સ હોય કે માર્ક ઝકરબર્ગ

તમે જ કહો છો તમે બિલ ગેટ્સ કે ઝકરબર્ગ કે એપલના સ્ટીવ જોબ્સ કે ગુગલના લેરી પેજ કે બ્રીનથી એટલા માટે પ્રભાવિત છોકે  તેઓ અબજોપતિ છે ? ના પણ તેઓએ સમાજને તેમની પ્રોડક્ટ કે સંશોધનથી કંઇક આપ્યું છે. તેઓએ પ્રમાણમાં ઘણી જ નાની વયે શોધ, સંશોધન કે યુનિવર્સિટીમાં અબજોના દાન આપ્યા છે. બિલ ગેટ્સ અને પત્ની મેલિન્ડાએ એઈડ્સના સંશોધન માટે તો ઝકરબર્ગ પિતા બન્યો ત્યારે તેને અને તેની પત્નીને વિચાર આવ્યો કે આપણા સંતાનની જેમ વિશ્વના સંતાનો તેવો જ ઉછેર પામે તે માટે સંપત્તિના ૮૦ ટકા દાનમાં આપતા રહેવા.

'ગિવિંગ બેક ટુ સોસાયટી'ના વિચારનું જન્મદાતા અમેરિકા કહી શકાય. જોન રોકફેલર, એન્ડ્રયુ કાર્નેગી અને લી આઇકોકા જેવા ઉદ્યોગપતિ  આ સંદર્ભમાં વિશ્વ પ્રણેતા કહેવાય. એન્ડ્રયુ કાર્નેગીનો વિરાટ સ્ટીલ ઉદ્યોગ હતો. હાલના સૌથી ધનાઢ્ય બિલ ગેટ્સ કરતા વર્તમાન મૂલ્ય પ્રમાણે તેઓ દોઢ ગણી સંપત્તિ ધરાવતા હતા. તેમના જીવનના છેલ્લા ૧૮ વર્ષ તેમણે કમાયેલી તમામ સંપત્તિને જુદા જુદા સામાજિક ઉત્થાનના હેતુસર ફાળવી. ટ્રસ્ટો પણ બનાવ્યા.

તેમણે તેમની કુલ સંપત્તિના ૯૦ ટકા જે આજની વેલ્યુ પ્રમાણે ૭૮ અબજ ડોલર થાય તેનું દાન કર્યું. તેમણે ''ગોસ્પેલ ઓફ વેલ્થ'' નામનું પુસ્તક લખ્યું અને કમાયેલી સંપત્તિને કઇ રીતે સમાજને પરત આપવી તેના સિધ્ધાંતો અને માર્ગદર્શિકા આપ્યા. વેલ્થ ડિઝપોઝલની તેમની 'ડોકટ્રીન' અને ફિલોસોફીને તે પછી જગતના ધનકૂબેરો બાઇબલની જેમ અનુસર્યા. તેમનું મોટાભાગનું દાન અમેરિકામાં ૩૦૦૦ લાઇબ્રેરીઓ, શિક્ષણ, વૈજ્ઞાાનિક સંશોધનો તેમજ વિશ્વ શાંતિના પ્રોજેક્ટ માટે રહ્યા. બૌધ્ધિક ચર્ચાઓ, સેમિનારો માટે તેમણે અમેરિકામાં હોલ, ઓડિટોરિયમ માટે પણ મબલખ રકમ ફાળવી કાર્નેગી મેલોન યુનિવર્સિટી, કાર્નેગી મ્યુઝિયમ્સ ઓફ પીટસબર્ગ, કાર્નેગી એન્ડોવમેન્ટ ફોર ઈન્ટરનેશનલ પીસ, કાર્નેગી ઈન્સ્ટીટયુટ ફોર સાયન્સ, કાર્નેગી ટ્રસ્ટ ફોર યુનિવર્સિટીસ ઓફ સ્કોટલેન્ડ જેવી અનેક જગપ્રસિધ્ધ સંસ્થાઓ સ્થાપી હતી.

કાર્નેગી (૧૮૩૫-૧૯૧૯)નું ફેમસ ક્વૉટ છે કે ''ધ મેન વ્હુ ડાઇસ રીચ, ડાઇસ ડિસગ્રેસ'' - એટલે કે ''જે વ્યક્તિ શ્રીમંત તરીકે મૃત્યુ પામે છે તેનું મૃત્યુ સૌજન્ય વિનાનું  (કલંકિત) છે.''
એન્ડ્રયુ કાર્નેગીના સમકાલીન જોેન રોકફેલર (૧૮૩૯-૧૯૩૭) પણ વિશ્વના સૌથી ધનાઢ્ય હસ્તી રહ્યા. અમેરિકામાં ઓઇલ અને રિફાઇનરીનો ૯૦ ટકા ધંધો તેમની કંપનીઓ હસ્તક હતો.

રોકફેલરે પણ તેની સંપત્તિ યુનિવર્સિટી ઓફ શિકાગો, રોકફેલર યુનિવર્સિટી, સેન્ટ્રલ ફીલીપી યુનિવર્સિટી (ફિલિપાઇન્સ)ના નિર્માણમાં આપી. યેલ, હાર્વર્ડ, કોલમ્બીયા, વેલેસ્લી યુનિવર્સિટીને પણ રકમ આપી. આપણા માટે ગૌરવની વાત તો એ છે કે સ્વામી વિવેકાનંદે અમેરિકાના પ્રવાસ દરમ્યાન રોકફેલરને સમાજને કંઇક પરત આપવાની પ્રેરણા પૂરી પાડી હતી. અમેરિકાના ૨૩ નોબેલ પ્રાઇઝ વિજેતા સંશોધનો થયા તેના પાયામાં રોકફેલરની ચેરીટી છે. જોન હોપકિન્સ સ્કૂલ ઓફ હાઇજીન એન્ડ પબ્લિક હેલ્થના નિર્માણ અને પ્રદાનમાં પણ તેમની જ દ્રષ્ટિ અને દાન રહ્યા. તેવી જ રીતે લી આઇકોકા કે જે હાલ ૯૨ વર્ષે હયાત છે તેમણે ક્રાયસલર કંપનીને કૂનેહથી તેમણે નાદારીમાંથી બેઠી કરી હતી. તે અગાઉ ફોર્ડ મોટર કંપનીમાં રહી ''મસ્ટાંગ'' અને ''પિન્ટો'' લાવ્યા હતા. લી આઇકોકાએ તેમની સંપત્તિ ડાયાબીટીસના તેમજ ઓલિવ ઓઇલના સંશોધનમાં આપી દીધી છે.

આજે તો બિલગેટ્સ અને વોરેન બફેટ જેવા ધનકુબેરોએ વિશ્વમાં ૧૩૯થી વધુ અન્ય ધનકુબેરોને આમંત્રીને 'ગિવિંગ પ્લેજ'નો પ્રોજેક્ટ શરૃ કર્યો છે. આ પ્રોજેક્ટમાં જોડાવવાની શરત એ છે કે ધનકુબેરે તેની કમાણીના કમ સે કમ ૫૦ ટકા પ્રોજેક્ટને આપવાના અને પ્રોજેક્ટના આ સભ્યો નક્કી કરે કે વિશ્વમાં કયા કયા પ્રોજેક્ટ માટે ક્યાં કેટલી રકમ ફાળવવી. કુલ ૭૩૨ અબજ ડોલરનું ભંડોળ જમા થયું છે.

ભારતમાં પણ ટાટા, બિરલા, હિંદુજા, ગોદરેજ, બજાજ, રેડ્ડી, આગાખાન, મુદ્દલિયાર, પેટિટ, નાનજી કાલિદાસ, સર ચીનુભાઇ બેરોનેટ, ચેટ્ટિયર, દાલમિયા, વાલચંદ હિરાચંદ, કસ્તુરભાઇ લાલભાઇ, રતિલાલ ચંદેરિયા, અંબાણી, નારાયણ મૂર્તિ, મહેન્દ્ર અને અઝીમ પ્રેમજી વગેરેએ સમાજને પરત આપતા ટ્રસ્ટો સ્થાપ્યા છે. હજુ પણ ઘણા નામો રહી ગયા હોઇ શકે. તે જ રીતે ઘણા ગુપ્ત દાન કરતા રહે છે. જો કે દાન ક્યાં કરવું તે વિવેક પણ આવશ્યક છે. હવે પ્રશ્ન એ થાય કે શું જેમની પાસે સંપત્તિ હોય તે જ સમાજને પરત આપી શકે ? સંપત્તિવાન તો માંડ ૫૦૦ જેટલા હોઇ શકે.

ખરેખર તો પ્રત્યેક વ્યક્તિ તેની જે પણ આવક હોય તેમાંથી અમુક ચેરિટી કરી જ શકે. વ્યક્તિ નજર ફેંકે તો આજુબાજુ એવા ભોજન, શિક્ષણ કે સારવારથી વંચિતો મળી જ રહેશે. તમે કોઇને બેઠા કરવા કે બેઠા થયેલાઓને ઉત્થાન, ઉત્કર્ષ આપી સમાજના મુખ્ય પ્રવાહમાં લાવી શકો. માત્ર નાણા જ શા માટે ? કદાચ સૌથી મોટું દાન સમયદાન કહી શકાય. નાણા કે જગા મળી જાય તો પણ કોઇ પ્રોજેક્ટને સફળ બનાવીને સતત એકનિષ્ઠાથી જાળવી રાખતા વ્યક્તિ સમૂહ સમય ના આપે તો એકડા વગરના મીંડા જેવો ઘાટ થાય. વ્યક્તિ કોઇને સહાનુભૂતિથી સાંભળે તો કર્ણદાન જેવું તેવું નથી.

તમને જે કલા, શિક્ષણ કે હુન્નરની ફાવટ હોય તેની વિના મૂલ્યે ગરીબ પ્રતિભાઓને પારખીને તાલીમ આપી શકાય. લગ્ન કે શુભ પ્રસંગને સાદગીથી ઉજવીને પણ તે નિમિત્તે બચેલી રકમ જોડે કોઇ ઉમદા સામાજિક હેતુ જોડી શકાય. તેવી જ રીતે વિદ્યાર્થીઓને જાહેર હોસ્પિટલો, દિવ્યાગોના કેન્દ્રો, ત્યજાયેલી મહિલાઓ અને વૃદ્ધોના સેન્ટરમાં પણ મુલાકાત કરાવી તેઓના હૃદયમાં સેવાના સંસ્કાર રેડાય તે પ્રકારનું આયોજન થઇ શકે.

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર ગ્લેન મેકગ્રાએ તેની સ્વર્ગસ્થ પત્નીની યાદમાં કેન્સર ફાઉન્ડેશન બનાવ્યું છે. સાઉથ આફ્રિકામાં ફોર્ટ માર્ટિન નામના યુવાને અન્ય બાળકો જે રમકડા રમી ચૂક્યા છે તે ગરીબ બાળકોને રમવા મળ તેથી કલેકશન પ્રોજેક્ટ શરૃ કર્યો છે.
 આપણે પૂણ્યની પરિભાષા બદલવાની જરૃર છે. પંખો વિંઝનાર કરતા વધુ આશીર્વાદરૃપ ઈલેક્ટ્રીક પંખો શોધનાર છે. પાણીના માટલાની પરબનો પુણ્ય અધિકારી કરતા પાણીની મોટર, ડ્રિલિંગ શોધનારા છે.

ભારતમાં નોબેલ પ્રાઇઝ વિજેતાઓ અને ઓલિમ્પિકસમાં મેડલ જીતનારાનો આંક શરમજનક છે. ભારતની કોઇ વૈશ્વિક પ્રોડક્ટ કે સંશોધન નથી. ભારતને ૨૧મી સદીમાં ગુણવત્તાસભર અને ૯૦ ટકા નાગરિકોને આત્મ સન્માન આપવું હોય  તો સમાજને કંઇક પરત આપતા શીખવું પડશે.

અને છેલ્લે તમે કોઇના કાર્ય, ધ્યેય પૂર્તિ કે નિષ્ઠા યાત્રામાં વિઘ્નો નાંખીને નડશો નહીં તો પણ તે મોટી સેવા કહેવાશે.

‘‘At the end of life we will not be judged by how many diplomas we have received, how much money we have made, how many great things we have done. We will be judged by ‘‘I was hungry and you gave me to eat, I was naked and you clothed me, I was homeless and you took me in ! Hungry not only for bread - but hungry for love, naked not only for clothing - but naked for human dignity and respect. Homeless not only for want of a room of bricks - but homeless because of rejection.’’
- Mother Teresa

Post Comments