Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સંવેદનાના સૂર - નસીર ઈસમાઈલી

સાવ કોરી આંખની ભીનાશ જ્યારે બોલતી,
એક સાચા પ્રેમની કિતાબ ત્યારે ખોલતી


થોડીક ક્ષણો પહેલાં જ... હજી હમણાં જ 'ધ મેમરી' કોફી હાઉસના રોજના કોર્નર-ટેબલ પર 'બ્લેક કોફી વીથ લાઈમ' સીપ કરતાં શર્યાએ રૃપાળા રતુમડા રોષભર્યા ચહેરા પરની કોરી કાળી અલકલટો સંવારતા તમને કહ્યું હતું અભ્ર,

''અભ્ર ! તું કોઈ કાળમીંઢ પથ્થર છે યા મારામાં જ કોઈ કમી છે, કે પછી હું એક ડિવોર્સી સ્ત્રી છું એટલે તું... મને કંઈ ખબર નથી પડતી...'' અને સિગરેટ સિવાયનો હાથ શર્યાના હોઠ પર દાબી દઈ તમે એને આગળ બોલતાં અટકાવી દીધેલી અભ્ર...

આ શર્યા... ડિવોર્સી શર્યા, ખુબસુરત ભરપુર એવી શર્યા, બાર મહિના પહેલાં જ, તમે જે અખબારમાં કામ કરો છો ત્યાં જુનિયર જર્નાલિસ્ટ તરીકે જોઈન થયેલી છે. શૌકિયાના, ટાઈમ 'ક્લિ' કરવા. બાકી સુખી મા-બાપની એકની એક નિ:સંતાન ડિવોર્સી છોકરી શર્યા માટે નોકરી એ કોઈ જરૃરિયાત નહોતી.

પરંતુ છ માસના લગ્નજીવનના ટુંકા ગાળામાં જ ડ્રગ-એડિક્ટ પતિથી છુટા પડયાના આઘાતને વિસરાવવા જ એણે એની એમ.એ.ની ડિગ્રી અને પત્રકારિત્વના ડિપ્લોમાનો ઉપયોગ કર્યો હતો. અને એક સ્વસ્થ, મેઘાવી, નિખાલસ, નિર્લેપ, બોલ્ડ જવાન જર્નાલિસ્ટ તરીકેનું તમારું પ્રભાવશાળી જવાન એકાકી વ્યક્તિત્ત્વ શર્યા પર છવાતું ચાલ્યું હતું અભ્ર. તમને પણ એ હાઈ ઈન્ટેલેક્ચુઅલ લેવલ ધરાવતી તીખી ખુબસુરત શર્યા ગમતી ચાલેલી. અને એક ચોક્કસ મર્યાદા જાળવીને તમે એની મૈત્રીને સ્વીકારી હતી અભ્ર, પણ આજે...

... આજે તમારો હાથ પોતાના હોઠ પરથી ખસેડીને શર્યા મક્કમ સ્વરે બોલતી ગયેલી અભ્ર,
''તારા હિમશીલા જેવા વ્યક્તિત્ત્વને પીગળાવવામાં મારી સંવેદનાની આગ ભલે નિષ્ફળ ગઈ હોય, પણ એ હિમશીલાની નજીક રોજ બેસીને લાગણીની આગમાં એકલા સળગતા રહેવું મારા માટે હવે અશક્ય છે અભ્ર. મને એ ખબર નથી કે, મારી લાગણીને 'રીસ્પોન્ડ' ન કરવા માટે તારા જેવા એકાકી પુરુષને બીજાં શા કારણો હોઈ શકે ? પણ હું કાલથી 'જોબ' પર તો નહીં જ આવી શકું. ગૂડ નાઈટ !'' કહી શર્યા ઊભી થઈને સડસડાટ ત્યાંથી ચાલી ગયેલી અને તમારા શબ્દો, ''અરે પણ શર્યા સાંભળ તો ખરી ! જે કારણ છે, એ તારા ગળે ઊતરે એવું નથી માટે મેં તને કહ્યું નથી...'' ના શબ્દો તમારી જીભના ઝરૃખે જ આવીને અદ્રશ્ય થઈ ગયા અભ્ર.

હા અભ્ર ! તમે એક નિર્જન બેટ પર ઊભેલા એકાકી આદમી છો. માણસોના ઉછળતા દરિયા વચ્ચે ઊભેલા કાચ અને કોંક્રીટના વિરાનામાં જડાયેલી એક જડ હિમશીલા, જેમાંથી સતત સિગરેટના ધૂમ્રવલયો ઝર્યા કરે છે. પોતાની નોકરીની શરૃઆતના દિવસોમાં આ શર્યાએ જ તમને એકવાર કહેલું અભ્ર,

''આ ચેઈન-સ્મોકીંગ અને સતત ટોબેકો ચ્યુઈંગ તમને મારી નાંખશે અભ્ર યા કેન્સર જેવી કોઈ જીવલેણ બીમારીનો ભોગ બનાવી મૂકશે. સાડત્રીસમાં વર્ષે જ આ પ્રભાવશાળી ચહેરા પર પળિયાં આવવાનું શરૃ થવાનું કારણ પણ આ ટોબેકો જ છે.'' અને ત્યારે ઉજ્જડ ગૌર ગંભીર ચહેરા પર એક લાપરવાહ સ્મિત ફરકાવી તમે કહેલું અભ્ર,

''ટોબેકો વડે હું જીવું છું, અને સ્લીપિંગ પીલ્સ વડે હું સુઈ જાઉં છું. એ બંને જ મારા અસ્તિત્વને ટીંગાડી રાખવાની ખિંટીઓ છે. વર્ના હું તો 'જીવતો' જ ક્યાં છું શર્યા ?''

પરંતુ જ્યારે તમે આ ખિંટીઓ પર ટિંગાયેલા નહોતાં અભ્ર, ત્યારના તમારા વહેતા લાવા જેવા ધગધગતા પ્રખર વ્યક્તિત્ત્વથી શર્યા સાવ અજાણી હતી - છે. બાકી તમારા સીનો તાનીને ટોળાની આરપાર નીકળી જતી યા ટોળા પર છવાઈ જતી તમારી ઝળહળતી ધગધગતી જવાનીને તમને 'ઓળખનારાઓ' હજી ભુલ્યા નથી. અને તમારી આસપાસ વિંટળાઈ રહેતાં ટોળાઓમાંથી એક બાજુ તરીને સીમા જ્યારે તમારા પડખે આવીને ઊભી રહી ગઈ હતી અભ્ર, એ દિવસોમાં તો સીમાના છલબલ વહેતા રૃપ-ઝરણાના કિનારે ઊભા રહીને તો તમે સમગ્ર સૃષ્ટિના શહેનશાહ હોવાની મગરૃરી 'ફીલ' કરતા હતાં.

પણ તમે માત્ર કિનારે જ ઊભા રહેવા સર્જાયેલા છો અભ્ર. એક મખમલી સાંજે આ જ 'ધ મેમરી' કોફી હાઉસના આ જ કોર્નર ટેબલ પર સીમાએ તમને કહ્યું હતું,

''અભ્ર ! આજે મારે એક ગંભીર વાત તને કરવાની છે. પ્લીઝ ! નો જોક !''
''જો સીમા ! ગંભીરતા એક રોગ છે, અને હું તંદુરસ્ત આદમી છું. એટલે તંદુરસ્તીથી વાત કર.''
''અભ્ર ! ડેડીની કરડાકી સામે હું આંખ નથી ઊઠાવી શકી. એમણે મારા માટે જોયેલા છોકરા માટે મારાથી હા પડાઈ ગઈ છે.'' સીમા નજર નહોતી મીલાવી શકી.

''બસ આટલી જ વાત છે ? છટ ! બુઝદિલ છોકરી ! હું કસ્મે-વાદેની વાત કરી તને ઉલઝનમાં નહીં મૂકું. પ્રેમની પહેલી શરત જ એ છે કે શરતવિહીન હોય અને અપેક્ષાવિહીન. બોલ તારા લગ્નમાં શું ભેટ આપું ?'' સીના પર હિમશીલા મૂકીને તમે બોગદામાંથી પસાર થઈ રહેલી ટ્રેન જેવું ખડખડાટ હસ્યા હતા અભ્ર.
''હું કહું તે આપી શકીશ ?'' સીમાની કાજલી આંખો છલબલાઈ ઊઠેલી.

''અરે તું બોલ તો ખરી ! હમ ખાકનશીનોંકી ઠોકરમેં જમાના હૈ.'' તમારા જજબાત વરસી પડેલાં અભ્ર.
''તો બસ, મારે ભલે મારી કાયરતા અને નાહિંમતના લીધે લગ્નકરવા પડે, પણ તું ના પરણતો અભ્ર. મારી યાદના ઓશિકા પર માથું મૂકીને તને સૂઈ રહેલો જોઈને હું દૂરથી સંતુષ્ટ રહીશ. પણ તું બીજા કોઈને પ્રેમ કરીશ એ મારાથી સહન નહીં થાય. આ સ્વાર્થી સીમાની - આટલી સ્વાર્થી માંગણીને તું સ્વીકારીશ ને અભ્ર ?''

... અને તમને જિંદગીના વીરાનામાં અટૂલા મૂકીને સીમા ચાલી ગઈ, ઊંચા જાડા કાચના ચશ્માંવાળા ગ્રીનકાર્ડી પેટૂ પતિદેવની સાથે દૂરની ભોમકામાં.

'મારા પત્રનો ઉત્તર ન લખતો. એ બહુ વહેમી સ્વભાવના છે.' વિગેરે વિગેરે સૂચનો કરતા સીમાના પત્રો તૂટતા, નાના થતાં જઈને બંધ થઈ ગયાં. અને તમે પણ બંધ થઈ ગયા અભ્ર, તમારી જાતને, સીમાને આપેલા વચનના કોશેટામાં પૂરી રાખીને...

...પણ શર્યા સાથેની આજ સાંજની આખરી મૌન મુલાકાત પછી તમે તમારા એકાકી ફ્લેટ પર પહોંચ્યા અભ્ર, ત્યારે તમે જોયું કે,

આજે દસ વર્ષ પછી સીમાનો એક ટૂંકો પત્ર આવીને પડેલો છે, ને એણે લખ્યું છે,
''અભ્ર ! તું કદાચ આટલા ગાળામાં પરણી ગયો હોઈશ. ન પરણ્યો હોય તો હવે પરણી જજે. હું તને મારા વચન-બંધનમાંથી મુક્ત કરું છું. પરિણીત જીવનમાં સુખ-દુ:ખની એટલી છાકમછોળ રહે છે કે, તું હવે ભાગ્યે જ મને યાદ આવે છે. અને હું એટલી બધી સુખી છું, કે કંટાળો પાસે નથી ફરકતો. પણ તું એકલો હવે કંટાળી ગયો હોઈશ વિ.વિ...''

પત્ર વાંચી, જલતી સિગરેટ વડે એનાં જલતા અક્ષરોમાં કાણાં પાડતાં તમે દસ વર્ષોમાં સત્તાવીસ વર્ષો જીવી નાંખેલો ઊજ્જડ જુવાન ચહેરો ઝાંખા આયનામાં નિહાળ્યો અભ્ર, અને કાણાં પડેલા પત્રના ટુકડાઓ બારી બહારની અંધારી હવાઓમાં ઊડાડી મૂકતાં તમારા રૃક્ષસ સિગરેટી હોઠ બડબડી ઊઠયા,

''સીમા ! સાચ્ચે જ તારી સીમાઓની કોઈ સીમા જ નથી.''
અને જલતી સિગરેટને બાજુ પર મુકી તમે મોબાઈલ ડાયલ કર્યો અભ્ર,
''હલો શર્યા ! કાલે તું ચોક્કસ નોકરી પર આવજે જ. આ અભ્ર, 'શર્યાભ્ર' (રાત્રિનું આકાશ) બનવા માટે બેતાબીથી તારી રાહ જોતો બેઠો હશે ત્યાં. કાળમીંઢ પથ્થર હવે પિગળી ચુક્યો છે...''
(શીર્ષક સંવેદના : 'શબ્દપ્રીત' - અમદાવાદ)

Post Comments