Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુફતેગો - ડો.ચંદ્રકાન્ત મહેતા

ખરાબ સોબત સારા માણસને પણ જલ્દી બગાડે છે, પરંતુ સારી સોબતની કેમ જલ્દી અસર થતી નથી ?

દુષ્ટો 'એક માગો ઔર હજાર મિલે', પરંતુ સજ્જનો, દુર્લભ હોય છે. એક સુભાષિત,મુજબ પ્રત્યેક પર્વત પર માણેક હોતું નથી. પ્રત્યેક હાથી પર મોતી હોતું નથી. તેમ સાધુઓ સર્વ જગાએ હોતા નથી અને પ્રત્યેક વનમાં ચંદનવૃક્ષ હોતું નથી

ખરાબ સોબત સારા માણસને પણ જલ્દી બગાડે છે પરંતુ સારી સોબતની કેમ જલ્દી અસર નથી ?
પ્રશ્નકર્તા : યાકુબ અજમેરવાલા, બ્લોક નં : ૩ મ્યુ.કવાટ્રર્સ, કાચની મસ્જિદ પાસે, જમાલપુર, અમદાવાદ
મનુષ્ય સુખેથી જીવવા માટે 'સંગ'ની અપેક્ષા રાખે છે. દુષ્ટોને પણ 'સંગ' જોઈએ અને સજ્જનોને પણ.

માણસ સ્વભાવની એક મર્યાદા એ પણ છે કે એ 'શ્રેય'કરતાં 'પ્રેય'એટલે કે ગમતી વસ્તુ કે વ્યકિત તરફ જલ્દી આકર્ષાય છે. જેમનો પોતાના સ્વભાવ પર કાબૂ છે, જેઓ કુલીન- ખાનદાનના છે, જેમનું મન નિર્મળ અને વિવેકી છે, તેઓ હંમેશાં સત્સંગ પિપાસુ હોય છે. એમને વાણી, વર્તન, વ્યવહાર અને આચરણમાં શુધ્ધ હોય તેવાનો સંગ ગમે છે. આવી ઉત્તમ પ્રકૃતિવાળા લોકો કુસંગથી પ્રભાવિત થતા નથી. રહીમે એક દોહા દ્વારા આ વાત સુંદર રીતે સમજાવી છે.

''જો રહીમ ઉત્તમ પ્રકૃતિ, કા કરિ શક્ત કુસંગ ચંદન વિષ વ્યાપત નહીં લિપટે રહત ભુજંગ.
ચંદનવૃક્ષનો દાખલો આપીને રહીમ સમજાવે છે કે જેઓ સ્વભાવથી જ ઉત્તમ હોય છે, તેમની પર કુસંગ પણ અસર પહોંચાડી શકતો નથી. ચંદનવૃક્ષને તેની સુવાસને કારણે સર્પ વીંટળાએલા રહે છે. તેમ છતાં સર્પોનું ઝેર ચંદનને અસર કરી શકતું નથી.

મહાભારત, સભાપર્વમાં દુષ્ટ કે દુર્જનના સ્વભાવ વિશે કહેવામાં આવ્યું છે તેમ જેની બુધ્ધિ ભ્રષ્ટ( ખોટી) છે, તેને શાસ્ત્રો પણ સારું-નરસું શીખવાડી શક્તાં નથી.

વિષ, અગ્નિ, સર્પ તથા શસ્ત્રથી પણ સંસારને એટલો ભય નથી હોતો, જેટલો દુર્જન વ્યકિતથી હોય છે. મૂળ વાત છે માણસને ઓળખવાની કોણ સજ્જન અને કોણ દુર્જન એ ઓળખવાનું કામ સરળ નથી તેમ છતાં તેની વાણી, વર્તન અને સામાજિક જીવનમાં તેની છાપ થકી દુર્જનને ઓળખી શકાય છે, પણ એ માટે 'ચતુર'દ્રષ્ટિ જોઈએ. દુર્જન કપટી હોવા છતાં તેના કપટી સ્વભાવનો બહારથી અહેસાસ થવા દેતો નથી. તે મીઠા બોલો, અતિનમ્ર અને દંભી હોય છે. એ ઉપકાર ઉપર પણ મોકો મળે અપકાર કરે છે. 'રાજતરંગિણી'માં કલ્હણે વર્ણવ્યું છે તેમ જેની નજરમાં લજ્જાજનક પરિહાસવાળાં વચનો જ ઉચિત વચન છે. પ્રજાપીડનને જ જેઓ પોતાનું કર્તવ્ય માને છે.

જે નિર્લજ્જતાને જ. પોતાની તેજસ્વિતા ગણે છે, પરાઈ સ્ત્રી સાથેનો સહવાસ જ જેને મન રસિકતા છે, દુષ્ટોની ગાળ સહન કરી લેવી એ જ જેને મન સરળતા છે, જેની સમક્ષ કોઈ પણ કાર્ય કુકર્મ નથી, જેને તે દોષ ગણીને છોડવા તૈયાર નથી. સજ્જનો જેવી રીતે પરોપકાર માટે સદાય તત્પર રહે છે, તેવી રીતે દુર્જનો બીજાના હિતને નુકસાન પહોંચાડવા સતત જાગૃત હોય છે. એવા દુષ્ટનો દૂરથી જ પરિત્યાગ કરવો શ્રેયસ્કર છે. કારણકે દુર્જન માથાથી પગ સુધી વિષથી ભરેલો હોય છે.

દુર્જનો ચાલ ચાલવામાં નિપુણ હોય છે. ભોળા માણસો એની ચાલમાં જલ્દી આવી જાય છે. કારણકે લાભની વાત કે યોજનાનું પ્રલોભન આપી માણસ ને લલચાવે છે. કુસંગની અસર માણસ પર જલ્દી થાય છે. કારણકે નબળા મનનો માણસ તેનાં પ્રલોભનો, તેણે દેખાડેલાં આકર્ષણો, લોભ, ધન- પ્રાપ્તિની લાલચ, નશો અને વિલાસિતાના પ્રપંચથી માણસને એવી રીતે આંજીનાખે છે કે કુસંગની જાળમાં ફસાનાર અંજાઈ જાય છે અને તેણે બિછાવેલી જાળનો શિકાર બની જાય છે.

કહેવામાં આવ્યું છે કે શરદઋતુમાં વાદળ ગર્જના કરે છે, પણ વરસતાં નથી જ્યારે વર્ષાઋતુમાં (મોટેભાગે) વાદળ વરસે છે, પણ ગર્જના કરતાં નથી, તેવી જ રીતે નીચ વ્યકિત જે કહે છે તે કામ કરતો નથી અને સજ્જન કામ કરે છે. પણ કહી દેખાડવાનું તેને પસંદ નથી. સજ્જનની કથની અને કરણી એક જ પ્રકારની હોય છે. દુષ્ટની જીભમાં અમૃત અને હૃદયમાં વિષ હોય છે.

જેને 'ષડ્ વિકારો'અથવા છ પ્રકારના શત્રુઓ ગણવામાં આવ્યા છે, તે કામ, ક્રોધ મદ, લોભ, મોહ અને મત્સર નામના દુર્ગુણો દુર્જનમાં ભારોભાર ભર્યા હોય છે. સ્વાર્થ સિધ્ધિ દુર્જનનો મુદ્રાલેખ છે અને કુશળતાપૂર્વકનો પ્રપંચ એ તેનો જીવનમંત્ર હોય છે.

સજ્જન 'સત્ય'નો માણસ હોય છે. ચારિત્ર્યશુધ્ધ, શ્રધ્ધાશીલ, નમ્ર, વિવેકી, સદ્વાચનાપ્રિય, સત્કાર્યનિરત, સેવાભાવી, નિર્દંભ, નિખાલસ અને સંયમી હોય છે. નરસિંહ મહેતાના શબ્દોમાં કહીએ તો એ વૈષ્ણવજન હોય છે. જો દુર્જનને સત્સંગ દ્વારા સુધારી શકાતો હોત તો !

સજ્જનો સંત સ્વભાવના, ઠરેલ અને પોતાના વિચારો બીજાના ઉપર લાદવાની પ્રવૃત્તિથી મુક્ત હોય છે. જેમ જેમ વ્યકિત તેમની નિકટ આવે તેમ તેમ તેમના વ્યકિતત્વથી પ્રભાવિત થાય છે.

પણ મોટા ભાગના લોકો ગણતરી બાજ, ઉતાવળીઆ અને ત્વરિત પરિણામ લક્ષી હોય છે. તેઓ મનોમન એવું પણ ગાંઠ બાંધે છે કે સજ્જન ખોટું કામ કરશે નહીં અને કરવા દેશે પણ નહી : એટલે મોટા ભાગના લોકો ખપ પૂરતી નિકટતા દાખવી સંત કે સજ્જનના આચરણની પવિત્રતાનો લાભ લેવાને બદલે પલાયનવાદી થઈ જાય છે, કારણ કે માણસને 'રોકડીઓ'લાભ જોઈએ છે, તરત ફાયદો થાય તેવો, પરિણામે સ્વાર્થી લોકો સજ્જનોના સદ્ગુણોનો પર્યાપ્ત લાભ લઈ શકતા નથી. સંતો કે સજ્જનો કોઈને કોઈ પ્રકારનું પ્રલોભન આપવાનો દંભ કરતા નથી એટલે લોકો સંતો કે સજ્જનોની પ્રશંસા કરે છે.

પરન્તુ એમના અન્તેવાસી એટલે કે શિષ્ય બની તેમની પવિત્રતા અપનાવવા અને ઝિલવા તૈયાર હોતા નથી. સજ્જનોને સજ્જનતા સિવાય બીજું કશું ખપતું નથી અને સ્વાર્થી લોકોની સ્વાર્થ સિધ્ધિનું સાધન તેઓ બની શક્તા નથી એટલે દુર્જનો કે કુસંગીઓ સુધરી જવાના ભયથી સજ્જનો કે સત્સંગીઓથી અળગા રહે છે. સુધારવા માટે સંકલ્પબળ જોઇએ, ઇચ્છા અને સાધના બન્ને. સ્વાર્થી લોકોને કુસોબત કે કુસંગ એટલા માટે ગમે છે કે તેમને દુષ્ટ લોકો પાસેથી ધાર્યો લાભ તાત્કાલિક મળે છે.

જેઓ સજ્જનતાને દુર્ગુણ માને એવા લોકો પર સત્સંગની કશી જ અસર થતી નથી. સજ્જનો દુર્લભ હોય છે, જ્યારે કુસંગીઓ કે દુષ્ટો એક માગો ઔર હજાર મિલે ની સંખ્યામાં હાજર હોય છે. એક સુભાષિત અનુસાર પ્રત્યેક પર્વત પર માણેક હોતું નથી. પ્રત્યેક હાથી પર મોતી હોતું નથી. તેમ સાધુઓ સર્વ જગાએ હોતા નથી અને પ્રત્યેક વનમાં ચંદનવૃક્ષ હોતું નથી.

Post Comments