Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ક્રાઈમવૉચ - જયદેવ પટેલ

અંકલેશ્વરના સંપન્ન પરિવારના મનિષ શ્રોફનું અપહરણ કરીને રૃા. ૧ કરોડની ખંડણી માંગી

ગુજરાતમાં કરોડો રૃપિયા પડાવવા અપહરણોની ગુનાખોરી

ગુનાના ભેદ ઉકેલવા ટેલિફોન વિભાગ સાથે સંકલન રાજ્યભરમાં ઠેરઠેર તપાસ

ત્રીસેક વર્ષો પૂર્વે ગુજરાત પોલીસ માટે પડકાર સમાન બની રહેલી ગુનાખોરીનું એક પ્રકરણ

આજથી સાડા ત્રણેક દાયકાના સમયગાળામાં ગુજરાતના મહાનગર અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા સુરત સહિત અન્ય નાના-મોટા નગરોમાં કરોડો રૃપિયાની ખંડણીની વસૂલાતનો સુનિયોજીત પ્લોટ ઘડીને માલેતુજાર પરિવારોના સભ્યોના અપહરણ કરવાની શરૃ થઈ ગયેલી ગૂનાખોરીએ ત્યારે રાજ્યના પોલીસ તંત્રમાં ખળભળાટ મચાવી મૂક્યો હતો. અપહૃત વ્યક્તિના અપહરણ બાદ તેની હેમખેમ વાપસી માટે લાખ્ખો રૃપિયાની ચૂકવણી કરી દીધા પછી પરિવાર મોટાભાગે જાનની સલામતી માટે મૌન ધારણ કરી લેતા હતા. જેના પરિણામે ખંડણીની વસૂલાતનો બેધડક કારોબાર ચલાવતી જુદી જુદી ગેંગોને પણ તેમના કરતૂતોને અંજામ આપવા મોકળુ મેદાન મળી ગયું હતું.

આ સમયગાળા દરમ્યાન આ પ્રકારની 'મોડસ ઓપરેન્ડી' અપનાવીને અપહરણના બનેલા સંખ્યાબંધ ગૂનાઓ પૈકીની એક ઘટનાની કથા અત્રે પ્રસ્તુત કરી છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભરૃચ જિલ્લામાં કરોડોનો કારોબાર કરતી એક શ્રોફ પેઢીના કોમ્પ્યુટર એન્જીનીયરીંગની ડીગ્રી પ્રાપ્ત અત્યંત હોનહાર યુવાન પુત્રનું અપહરણ કરીને તેની સહીસલામત વાપસી માટે રૃપીયા એક કરોડની ખંડણી માંગવામાં આવી હતી. આજથી વીસ વર્ષો પૂર્વે અપહરણની આ ઘટનાએ ત્યારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ''મનિષ શ્રોફ-અપહરણ કાંડ''ના નામથી સનસનાટી મચાવી મૂકી હતી.

ભરૃચ જિલ્લાના અંકલેશ્વરના જાણીતા ઉદ્યોગપતિ અને શ્રોફ પરિવાર દ્વારા જિલ્લાના તત્કાલીન પોલીસ વડા (ડી.એસ.પી.) આશિષ ભાટીયાનો તા. ૧૫મી જુલાઈ ૧૯૯૭ની મધરાતે ટેલિફોન ઉપર સંપર્ક સાધીને જાણ કરવામાં આવી હતી કે તેમના કુટુંબના અંકલેશ્વર સ્થિત શ્રોફ પેઢી ધરાવતા ભૂપેન્દ્રભાઈ શ્રોફના એકના એક પુત્ર અને કોમ્પ્યુટર એન્જીનીયર મનિષ શ્રોફનું સાંજના સાડા સાતેક વાગ્યાના સુમારે અપહરણ કરવામાં આવ્યું છે. અપહરણને અંજામ આપનાર અજાણ્યા સખ્શો પૈકીના એક સાગરીતે પરિવારનો ફોન ઉપર સંપર્ક સાધીને મનિષના હેમખેમ છૂટકારા માટે રૃપીયા એક કરોડની ખંડણી માંગી છે અને જો આ રકમની ચૂકવણી કરવામાં મોડું કરશો તો મનિષનું ફરી તમને ક્યારેય મોંઢું જોવા નહીં મળે તેવી ધમકી આપી છે.

આ રજુઆત સાંભળીને આશિષ ભાટીયા પણ ઘડીભર માટે સ્તબ્ધ બની ગયા હતા. આ સાથે રાતોરાત જ તેઓએ જિલ્લાની સ્થાનિક ગૂના શોધક શાખા (એલ.સી.બી.)ના પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. ઝાલા તથા પાક સેલના સબ ઇન્સ્પેક્ટર કૌશિક ડી. પંડયાને તેમના નિવાસ સ્થાને ત્વરિત બોલાવી દીધા હતા. ત્યારબાદ ચૂનંદા સ્ટાફની ટીમો બનાવીને અપહરણકારોને વહેલામાં વહેલી તકે ઝબ્બે કરી લેવા સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.

આ ઉપરાંત પોલીસ અધિક્ષકે ત્રાસવાદ વિરોધી દળ (એન્ટીટેરીરીસ્ટ સ્કવોડ)ના અમદાવાદ સ્થિત અધિકારી આઇ.જી.પી. એસ.કે. સાઇકીયા તથા એસ.પી. વિવેક શ્રીવાસ્તવ અને ડી.વાય.એસ.પી. અભય ચુડાસમાનો પણ સંપર્ક સાધીને આ ગૂનાનો પર્દાફાશ કરવાની દિશામાં યોગ્ય કાર્યવાહી કરવા મદદ માંગી હતી. એટલું જ નહીં વડોદરા શહેર પોલીસનો પણ સંપર્ક સાધીને આ બનાવની જાણ કરીને સતર્કતા સાથે ત્વરિત તપાસ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

દરમ્યાન ભરૃચના એલ.સી.બી.ના પો.ઇન્સ્પેક્ટર જે.ડી. ઝાલા તથા સબ ઇન્સ્પેક્ટર કૌશિક પંડયાને સાહજીક લાગ્યું હતું કે, રૃપીયા એક કરોડની માંગણી માટે અપહરણકારો દ્વારા ફરીથી શ્રોફ પરિવારને ફોન ઉપર અચૂક ધમકી આપવામાં આવશે. આથી આ બન્ને અધિકારીઓ તપાસના પ્રથમ ચરણમાં શ્રોફ પરિવારના અંકલેશ્વર સ્થિત નિવાસ સ્થાન તથા પેઢીના ફોન ઓબ્ઝર્વેશન હેઠળ મૂકી દીધા હતા. ભરૃચ શહેર પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારી તથા પેજર સર્વિસનો પણ સંપર્ક સાધીને તેમની મદદ માંગવામાં આવી હતી.

તા. ૧૫મી જુલાઈ ૧૯૯૭ની સમી સાંજના મનિષ શ્રોફ તેની મારૃતીકાર દ્વારા ઘર તરફ જવા નીકળ્યો હતો ત્યારે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણના બીજા દિવસે અંકલેશ્વરથી ઝઘડીયા તરફ જતાં ધોરીમાર્ગ ઉપરથી મનિષની મારૃતી કાર બીનવારસી હાલતમાં મળી આવી હતી તે કબ્જે કરવા સાથે તપાસ અધિકારીઓએ સ્થાનિક રહીશોને પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે આ મારૃતીકારમાં પાંચેક સખ્શો આવ્યા હતા. જેઓ આ કાર આ સ્થળે છોડી દઇને વાદળી રંગની મારૃતી થાઉઝન્ડ જેવી કારમાં રવાના થઈ ગયા હતાં.

ભરૃચના ટેલિફોન તંત્રના અધિકારીએ અમદાવાદ શહેરના ટેલિફોન તંત્રના જનરલ મેનેજર અગ્રવાલનો પણ સંપર્ક સાધી શ્રોફ પરિવારના ટેલિફોનોની વાતચીત ટેપ કરવા મદદરૃપ થવા વિનંતી કરી હતી. વડોદરા શહેર પોલીસની ગૂના શોધક શાખાના તત્કાલીન સબ ઇન્સ્પેક્ટર અજય ખખ્ખર પણ તેમની ટીમ સાથે મનિષ અપહરણ કાંડની તપાસમાં જોડાઈ ગયા હતા.

બીજી બાજુ અપહરણકારો દ્વારા શ્રોફ પરિવારનો ટેલિફોન ઉપર જ્યાંથી સંપર્ક સાધવામાં આવી રહ્યો હોવાની જાણ મળતાં જ પોલીસ અધિકારીઓ તેમની ટીમ સાથે આ સ્થળે ધસી જતા હતા પરંતુ પોલીસના આગમન પહેલાં જ આ સખ્શો આ સ્થળ છોડીને બીજા કોઈ અજાણ્યા સ્થળે રફુચક્કર થઈ જતાં હતા. જેના પરિણામે પોલીસની દોડધામ પછીયે પરિણામ શૂન્ય જ રહેતું હતું.

મનિષ અપહરણ કાંડનો પર્દાફાશ કરવાની દિશામાં શક્ય તમામ પ્રયાસો જારી રાખેલ તપાસ અધિકારીઓએ ટેલિફોન તંત્ર સાથે ગોઠવેલ સંકલને આખરે રંગ રાખ્યો હતો. દેશની રાજધાની નવી દિલ્હી તથા આર્થિક રાજધાની મહાનગર મુંબઈ પોલીસના એન્ટી કીડનેપીંગ સ્કવોડ દ્વારા જે પદ્ધતિ અપનાવવામાં આવી હતી તે જ પદ્ધતિ આ ઘટનાનો ભેદ ઉકેલવામાં ઉપયોગમાં લેવામાં આવી હતી.

અપહરણનો ભોગ બનેલા યુવકના પરિવારના ફોન સાથે એક આધુનિક ગેઝેટનું જોડાણ કરવામાં આવ્યું હતું. આ ગેઝેટનું જોડાણ ટેલિફોન એક્સચેન્જ સાથે કરીને જે કાંઈ વાતચીત થાય તેને વોઇસ રેકોર્ડરમાં કંડારી લેવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આમ શ્રોફ પરિવારના તમામ ટેલિફોન આધુનિક ગેઝેટ સાથે ઓબ્ઝર્વેશનમાં મૂકી દેવામાં આવ્યા હતા અને તેમના સીધા જોડાણ ટેલિફોન એક્સચેન્જ સાથે કરવામાં આવ્યા હતા. જેના પરિણામે ટેલિફોન ટેપીંગ કરવા સાથે વોઇસ રેકોર્ડીંગ કરવાની આ વ્યવસ્થાને ચોવીસ કલાક કાર્યરત કરી દેવામાં આવી હતી.

અપહરણની ઘટનાને જેમ દિવસ ઉપર દિવસ પસાર થઈ રહ્યા હતા તેમ તેમ શ્રોફ પરિવારના સભ્યો કાંઈક અશુભ કે અમંગળ બની જશે તેવા કાલ્પનિક ભયના ઓથાર હેઠળ કાંપી ઊઠતા હતા. જ્યારે ફોન ટેપીંગ વ્યવસ્થાના આધારે અપહરણકારોના લોકેશનની જ્યાં જ્યાં માહિતી મળતી તેના આધારે પોલીસ ટીમો દોડી જતી હતી પરંતુ તેમને કોઈ જ કામીયાબી સાંપડતી ન હતી.

અમદાવાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, સાંબરકાંઠા વગેરે જિલ્લાના જે તે સ્થળોએથી ટેલિફોન થયા હતા તે તમામ સ્થળો પોલીસે ખૂંદી નાંખ્યા હતા પરંતુ ગૂનાની ઉકેલની દિશામાં ક્યાંયથી આશાનું ધૂંધળું સરખું યે કિરણ જોવા મળ્યું ન હતું. આ તપાસમાં કિરીટસિંહ ઝાલા પણ જોડાઈ ગયા હતા અને તે શ્રોફ પરિવાર ઉપર આવતા તમામ ટેલિફોનનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરતા હતા અને ટેલિફોન વિભાગ સાથે સતત સંપર્ક જારી રાખીને જે કાંઈ માહિતી મળે તેને સૂત્રબદ્ધ કરીને તમામ કડીને ભેગી કરીને તેની સાંકળ રચવાની કવાયતમાં લાગી ગયા હતાં.

જ્યારે બીજી બાજુ અપહરણકારોને પણ હવે પોલીસ ચારેબાજુ તેમની પાછળ પડી ગઈ છે અને જે કાંઈ માહિતી પ્રાપ્ત થાય તેના આધારે ભીંસ વધારી રહી હોવાનો ખ્યાલ આવી ગયો હતો. આ સંજોગોમાં હવે અપહૃત મનિષ શ્રોફ પણ તેમના માટે ભયાનક ખતરા સમાન બની રહ્યો હોવાનો અણસાર પામી જઈને અપહરણકારોએ પણ ઝટપટ રૃપિયા કઢાવી લેવામાં જ સલામતી છે તેમ સમજીને રૃપિયા એક કરોડની ખંડણીની રકમ ઘટાડીને આખરે રૃા. ૫૦ લાખની માંગણી કરી હતી.

મનિષ અપહરણ કાંડનો ભેદ ઉકેલવા દોડધામ મચાવી રહેલા પોલીસ અધિકારીઓને પણ હવે અપહરણકારો પણ અંદરને અંદર ભયભીત બની ગયા હોવાની હકિકત સમજાઈ ગઈ હતી. સાથે જ હવે ગૂનાનો ભેદ ઉકેલવાની દિશામાં પોલીસ ટીમ ખૂબ જ નજીક પહોંચી ચૂકી હોવાના સંકેતો સાંપડી રહ્યા હતાં.

આવી અવઢવ તથા અનિશ્ચિતતાભરી પરિસ્થિતિ વચ્ચે એક દિવસે શ્રોફ પરિવારના ટેલિફોનની ઘંટડી રણકી ઊઠતા સતત વોચ રાખી રહેલ પોલીસ ટીમ સાવધ થઇ ગઈ હતી અને આ ફોન કરનાર સખ્સનું લોકેશન ભરૃચ શહેર હોવાનું જાણવા મળ્યું હતું. બસ આ સાથે જ સબ ઇન્સ્પેક્ટર કૌશીક પંડયાએ ભરૃચ શહેરમાંથી કરાયેલા ફોનનું લોકેશન શોધી કાઢ્યું હતું. જેના પગલે ગૂનાનો ભેદ કેવા સંજોગોમાં ઉકેલાયો તેની વિશેષ કથા આગામી અંકમાં..!!

Post Comments